નારાયણ કુંડલિક હજારે બજેટ શબ્દને તો સમજે છે કારણ કે તેમની પાસે તે વધારે મોટું નથી.
“આપળા તેવધ બજેટસ નાહીં! [મારી પાસે એવું બજેટ જ નથી.]” ફક્ત ચાર શબ્દોમાં, નારાયણ કાકા નવી કરપ્રણાલીમાં આપવામાં આવેલ 12 લાખ રૂપિયા સુધીની કરમુક્ત આવકની જોગવાઈ આસપાસ થઈ રહેલી હોહાને શમાવી દે છે.
કેન્દ્રીય બજેટ વિશેનો પ્રશ્ન આ 65 વર્ષીય ખેડૂત અને ફળ વિક્રેતાને સખત વિચારવા માટે મજબૂર કરે છે. તેઓ સંપૂર્ણ વિશ્વાસ સાથે જવાબ આપે છે: “મેં આ વિશે કંઈ સાંભળ્યું નથી. આટલાં વર્ષોમાં પણ ક્યારેય નહીં.”
નારાયણ કાકા પાસે તેને જાણવાની પણ કોઈ રીત નથી. “મારી પાસે મોબાઈલ ફોન નથી. અને ઘરમાં ટીવી પણ નથી.” થોડા દિવસો પહેલાં જ એક મિત્રે તેમને રેડિયો ભેટમાં આપ્યો છે. પરંતુ જાહેર પ્રસારણ સેવાએ હજુ સુધી તેમને આ વાર્ષિક કાર્યક્રમ વિશે જાણ કરી નથી. તેઓ પૂછે છે, “આમચ અડાની માણસચ કાંય સંબંધ, તુમ્હિચ સાંગા [શું અમારા જેવા અશિક્ષિત લોકોને તેની સાથે કોઈ સંબંધ છે]?” નારાયણ હજારે માટે, ‘કિસાન ક્રેડિટ કાર્ડ' અથવા આ કાર્ડ્સ માટે ‘વધારેલી લોન મર્યાદા' શબ્દો અજાણ્યા છે.
![](/media/images/2-1738822924148-MK-I_just_dont_have_that_k.max-1400x1120.jpg)
મહારાષ્ટ્રના તુળજાપુરના ખેડૂત અને ફળ વિક્રેતા નારાયણ હજારેએ બજેટ વિશે કશું સાંભળ્યું નથી. 65 વર્ષીય વૃદ્ધ કહે છે, ‘આટલાં વર્ષોમાં પણ ક્યારેય નહીં'
નારાયણ કાકા પોતાની લાકડાની હાથલારી પર તમામ પ્રકારનાં મોસમી ફળો વેચે છે. “આ જામફળનો છેલ્લો જથ્થો છે. આવતા અઠવાડિયાથી તમને દ્રાક્ષ અને પછી કેરીઓ મળશે.” ધારાશિવ (અગાઉ ઉસ્માનાબાદ) જિલ્લાના તુળજાપુર નગરના ઢાક્ક તુળજાપુર (શાબ્દિક અર્થ ‘નાનો ભાઈ')ના રહેવાસી નારાયણ કાકા ત્રણ દાયકા કરતાંય વધુ સમયથી ફળો વેચી રહ્યા છે. એક સારા દિવસે તેઓ રસ્તા પર 8-10 કલાક ગાળીને 25-30 કિલો ફળ વેચીને 300-400 રૂપિયા કમાઈ શકે છે.
પરંતુ નારાયણ હજારે બજેટની બહાર એક કે બે વાત સમજે છે. “ક્યારેય પૈસાની ચિંતા ન કરો. તમારે જે જોઈએ તે ખરીદો. તમે હંમેશાં મને પછીથી ચૂકવણી કરી શકો છો,” તેઓ મને ખાતરી આપે છે અને દિવસ કામે લાગવા રવાના થાય છે.
અનુવાદ: ફૈઝ મોહંમદ