સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં, ઘોરામારા દ્વીપ પર કામમાં તેજી આવે છે. પુરુષો, સ્ત્રીઓ. બાળકો, અને ઢોર જલ્દીથી હોડી માંથી ઉતરીને કામે લાગી જવા આતુર છે. ભરતી આવી ત્યારે તેમણે બીજે આશ્રય લીધો હતો, મોટેભાગે સંબંધીઓના ઘરે. હવે પાણી ઉતરી ગયા હોવાથી તેઓ દ્વીપ પર પાછા આવી રહ્યા છે. હોડી કાકદ્વીપના મુખ્ય જમીન ભાગથી સુંદરવન ડેલ્ટા દ્વીપ સુધી 40 મિનીટમાં પહોંચે છે, અને મુસાફરોને લઈને મહિનામાં બે વાર આ રીતે મુસાફરી કરે છે. જો કે, આ દિનચર્યા પશ્ચિમ બંગાળના દક્ષીણ 24 પરગણા જિલ્લામાં આવેલા આ નાનકડા દ્વીપ ઘોરામારા પર, ગ્રામીણ જીવનને ટકાવી રાખવા માટેના લાંબા સંઘર્ષને વધારે કઠીન બનાવે છે.
વારંવાર આવતા ચક્રવાત, દરિયાની વધતી સપાટી, અને ધોધમાર વરસાદ - જળવાયું પરિવર્તનના આ કારણોએ ઘોરામારાના લોકોનું જીવન કઠીન બનાવી દીધું છે. દાયકાઓથી આવતા પૂર અને જમીનના ધોવાણને લીધે હુગલી નદીમુખ પર આવેલું એમનું ઘર જમીનના ટુકડા સાથે તરતું દેખાય છે.
જ્યારે મે મહિનામાં યાસ ચક્રવાત આવ્યો, ત્યારે સુંદરવનના સાગર બ્લોકમાં આવેલ ઘોરામારા સૌથી વધારે પ્રભાવિત વિસ્તારોમાંથી એક હતો. 26 મેના રોજ ચક્રવાતની સાથે ઉઠેલી ઉંચી લહેરોએ દ્વીપના બંધ તોડીને 15-20 મિનીટમાં આખો વિસ્તાર પાણીમાં ડુબાડી દીધો. આ પહેલા, બુલબુલ (2019) અને અમ્ફાન (2020) ચક્રવાતનું નુકસાન ઉઠાવનારા દ્વીપવાસીઓએ ફરીથી વિનાશનો સામનો કરવો પડ્યો. તેમના ઘરો વેરવિખેર થઇ ગયા હતા, અને ડાંગરના ભંડારો, અને સોપારી તથા સુર્યમુખીના આખા ખેતરો ધોવાઇ ગયા હતા.
ચક્રવાતના લીધે, ખાસીમારા ઘાટ નજીક આવેલું અબ્દુલ રઉફનું ઘર બરબાદ થઇ ગયું હતું. પોતાના ઘરથી 90 કિલોમીટર દૂર, કોલકાતામાં કામ કરતા દરજી રઉફ કહે છે, “ચક્રવાત આવ્યો એ વખતે ત્રણ દિવસો સુધી અમારી પાસે ખાવા માટે કંઈ નહોતું, અને અમે વરસાદના પાણી પર ગુજારો કર્યો, અને ઓઢવા માટે ફક્ત પ્લાસ્ટિકની શીટ જ હતી.” જ્યારે તેઓ અને તેમના પત્ની બીમાર પડ્યા, “ત્યારે બધા લોકોને શક થયો કે અમને કોવિડ છે.” રઉફ આગળ કહે છે, “ઘણા લોકો ગામ છોડીને જતા રહ્યા. અમારા માટે કોઈ સુરક્ષિત જગ્યાએ જવું શક્ય નહોતું, તેથી અમે ત્યાં જ રહ્યા.” જ્યારે બ્લોક વિકાસ અધિકારી (બીડીઓ) ને કહેવામાં આવ્યું, ત્યારે રઉફ અને તેમના પત્નીને મેડીકલ સહાય મળી. રઉફ કહે છે, “બીડીઓ એ અમને કોઈપણ રીતે કાકદ્વીપ પહોંચવા કહ્યું. તેમણે ત્યાંથી એક એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી હતી. અમારે [મેડીકલ દેખભાળ પર] 22,000 રૂપિયા ખર્ચ કરવા પડ્યા.” રઉફ અને એમનો પરિવાર ત્યારથી દ્વીપ પર એક આશ્રયસ્થાનમાં રહે છે.
જેમના ઘર બરબાદ થઇ ગયા હતા તેવા લોકોને કામચલાઉ આશ્રયસ્થળોએ લઇ જવામાં આવ્યા. મંદિરતલા ગામના રહેવાસીઓને દ્વીપ પર સૌથી ઉંચાણ વાળા સ્થળ મંદિરતલા બજાર પાસે ટેંક ગ્રાઉન્ડમાં આશ્રય સ્થળે રાખવામાં આવ્યા છે. એમાંથી અમુક લોકો નજીકના સાંકડા રસ્તા પર પડાવ નાખીને બેઠા છે. દ્વીપના હાટખોલા, ચુનપુરી, અને ખાસીમારા વિસ્તારના 30 પરિવારોને ઘોરામારાના દક્ષીણમાં આવેલા સાગર દ્વીપ પર કામચલાઉ આશ્રયસ્થળે રાખવામાં આવ્યા હતા. ત્યારપછી તેમને ત્યાં પુનર્વસન માટે જમીન આપવામાં આવી છે.
આ પરિવારોમાં એક રેઝાઉલ ખાનનો પરિવાર પણ છે. ખાસીમારામાં આવેલું એમનું ઘર હવે ખંડેર છે. રેઝાઉલ ચક્રવાતમાં બરબાદ થઇ ગયેલી મસ્જિદના માળિયામાં બેસીને કહે છે, “મારે દ્વીપ છોડવો પડશે, પણ હું અહીથી કઈ રીતે જઈ શકું? હું મારા બચપણના દોસ્ત ગણેશ પરુઆને કઈ રીતે છોડી શકું? કાલે એમણે મારા પરિવારના ખાવા માટે એમના બગીચામાં ઉગેલા કારેલા બનાવ્યા હતા.”
ગામના લોકો પોતાના નુકસાનની ભરપાઈ કરી શકે એ પહેલા જ યાસ ચક્રવાતના લીધે આવેલી ભરતીની લહેરોના કારણે ઘોરામારામાં પૂર આવ્યું, અને એના પછી ચોમાસાનો વરસાદ પણ આવ્યો. આ બનાવોના વિનાશકારી પરિણામોથી લોકોનો જીવ બચાવવા માટે રાજ્ય પ્રશાસને લોકોનું પુનર્વસન કરવાનું શરૂ કર્યું .
મંદિરતલામાં એક કરિયાણાની દુકાનના માલિક અમિત હળદર કહે છે, “એ દિવસોમાં [ચક્રવાત પછી] મારી દુકાનમાં મીઠું અને તેલ સિવાય કંઈ જ નહોતું. બધું ભરતીની લહેરોમાં તણાઈ ગયુ હતું. આ દ્વીપ પર રહેતા અમારા વડીલોએ આટલી ઉંચી લહેરો પહેલા ક્યારેય નહોતી જોઈ. લહેરો એટલી ઉંચી હતી કે અમારામાંથી ઘણા લોકોએ જીવ બચાવવા ઝાડ ઉપર ચડવું પડ્યું હતું. કેટલીક સ્ત્રીઓને [દ્વીપના] ઉંચાણ વાળા સ્થળોએ ઝાડ સાથે બાંધવામાં આવી હતી, જેથી તેઓ તણાઈ ન જાય. પાણી ગળા સુધી પહોંચી ગયું હતું. અમારા મોટાભાગના ઢોર તણાઈ ગયા.”
સુંદરવનમાં જળવાયું પરિવર્તનના સંકટ પર, 2014માં એક અભ્યાસ કરવામાં આવ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું છે કે દરિયાની વધતી સપાટી અને જટિલ હાઇડ્રો-ગતિશીલતાના લીધે, ઘોરામારાના તટનું મોટા પાયે ધોવાણ થયું છે. દ્વીપની કુલ જમીન ક્ષેત્રફળ 1975માં 8.51 ચોરસ કિલોમીટરથી ઘટીને 2012માં 4.43 ચોરસ કિલોમીટર થઈ ગયું હતું. અભ્યાસથી જાણવા મળે છે કે વારંવાર કરવા પડતા આવતા સ્થળાંતર અને ઇકોસિસ્ટમમાં થતા ઘટાડાને લીધે દ્વીપના લોકો મોટી સંખ્યામાં કાયમી સ્થળાંતરિત થઇ રહ્યા છે. લેખક કહે છે કે સ્થળાંતરના લીધે, ઘોરામારાની વસ્તી 2001 અને 2011ની વચ્ચે 5,263થી ઘટીને 5,193 થઈ ગઈ છે.
તેમની દયનીય હાલત પછી પણ ઘોરામારાના લોકો એકબીજાની મદદ માટે હળીમળીને રહે છે. સપ્ટેમ્બરના એ દિવસે, હાટખોલાના એક આશ્રયસ્થાનમાં છ મહિનાના અવિકના અન્નપ્રાશનની તૈયારીમાં બધા લોકો કામે લાગી ગયા હતા. અન્નપ્રાશન એક એવો ઉત્સવ છે જેમાં બાળકને પહેલીવાર ભાત ખવડાવામાં આવે છે. દ્વીપની જમીનનું ધોવાણ આ પર્યાવરણીય શરણાર્થીઓને પોતાના જીવનની અસ્થિરતા સ્વીકારવા મજબૂર કરે છે, આથી તેઓ પોતાનું ઘર ફરીથી ઉભું કરવા મથામણ કરે છે કે પછી નવું આશ્રય શોધે છે.
અનુવાદક: ફૈઝ મોહંમદ