યુવાન આદિલ કહે છે, “મારે તો વગર કસરતે સિક્સ પેક એબ્સ છે." તેમના સહકાર્યકર તરફ ઈશારો કરી આદિલ હસતા હસતા ઉમેરે છે, "અને શાહબાઝના બાઈસેપ્સ તો જુઓ!”.
મોહમ્મદ આદિલ અને શાહબાઝ અંસારી મેરઠના જિમ અને ફિટનેસ સાધનોનું ઉત્પાદન કરતા ઉદ્યોગમાં કામ કરે છે અને જીમમાં જનારા એક અઠવાડિયામાં જેટલું વજન ઉઠાવે તેના કરતાં વધારે વજન તેઓ એક દિવસમાં ઉઠાવે છે. આ હેવી વેઈટ લિફ્ટિંગ ફિટનેસ માટે નથી થતું, પરંતુ ઉત્તર પ્રદેશના મેરઠ શહેરમાં મુસ્લિમ પરિવારોના યુવાનોને મળી રહેતી આ એક મહત્વની આજીવિકા છે. વાસ્તવમાં પશ્ચિમ યુપીનો આ આખો જિલ્લો રમતગમતના સામાનના ઉત્પાદનનું કેન્દ્ર છે.
મોહમ્મદ સાકિબ કહે છે, “થોડા દિવસો પહેલા જ આ છોકરાઓ તેમના બાઈસેપ્સ [હાથના સ્નાયુઓ] અને એબ્સ [પેટના સ્નાયુઓ] ની સરખામણી કરવા ફોટોશૂટ કરી રહ્યા હતા.” 30 વર્ષના ઉદ્યોગસાહસિક સાકિબ સૂરજ કુંડ રોડ પર તેમના પરિવારના જિમના સાધનોના ભાડાના શોરૂમમાં કાઉન્ટર પાછળ બેઠા છે, લગભગ એક કિલોમીટર સુધી ફેલાયેલો આ વિસ્તાર મેરઠમાં રમતગમતના સામાનના બજારનું કેન્દ્ર છે.
તેઓ ઉમેરે છે, " ગૃહિણીઓ ઘરમાં ઉપયોગમાં લે છે એવા સાવ સાદા ડમ્બેલથી લઈને વ્યવસાયિક રમતવીરો દ્વારા ઉપયોગમાં લેવાતા જટિલ સેટઅપ્સ સુધી દરેકને આજે જિમ અને ફિટનેસ સાધનો જોઈએ છે."
અમે વાતો કરીએ છીએ ત્યારે લોખંડના સળિયા અને પાઈપો તેમજ હોમ જીમ અને આયર્ન બાર જેવા તૈયાર ઉત્પાદનોથી ભરેલા (સ્થાનિક રીતે મીની મેટ્રો તરીકે ઓળખાતા) ઘણા ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર્સ વ્યસ્ત રસ્તા પરથી આવ-જા કરે છે. શોરૂમના કાચના દરવાજામાંથી લોખંડના સામાનની હેરફેર કરતા ટ્રાફિકને જોતા જોતા સાકિબ સમજાવે છે, "જિમના મશીનો છૂટા છૂટા ભાગોમાં બનાવવામાં આવે છે અને પછીથી તેને અસેમ્બલ કરવામાં આવે છે."





















