અત્યારે તે બધાયની ઉંમર 22 વર્ષની છે, અને તેઓ છેલ્લા 3-4 વર્ષથી સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓનો સામનો કરી રહી છે. વર્ષ 2021ના ઉનાળાની એ સવારે જ્યારે મિનુ સરદાર પાણી લેવા ગઈ, ત્યારે તેણીએ હજુ શેનો સામનો કરવાનો છે તેનો તેણીને અંદાજો જ નહોતો. દયાપુર ગામમાં તળાવ સુધી જવા માટેનો રસ્તો ઘણી જગ્યાએથી તૂટી ગયેલો હતો. મિનુ લપસીને પગથિયા પરથી મોઢાના બળે નીચે પડી.
તેઓ બંગાળી ભાષામાં કહે છે, “મને છાતી અને પેટમાં અસહ્ય પીડા થતી હતી. મને યોનિમાર્ગે લોહી નીકળવા લાગ્યું. જ્યારે હું બાથરૂમ ગઈ ત્યારે મને લાગ્યું કે મારા શરીરમાંથી લપસીને કંઈ જમીન પર પડ્યું છે. મેં જોયું કે મારા શરીરમાંથી માંસ જેવું કંઈ નીકળી રહ્યું હતું. મેં તેને ખેંચીને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો, પણ તેને આખેઆખું બહાર કાઢી શકી નહીં.”
બાજુના ગામમાં આવેલા એક ખાનગી ક્લિનિકમાં ગયા એટલે તેમણે કસુવાવડની પુષ્ટિ કરી. ઊંચા અને પાતળા બાંધા વાળી મિનુ તેણીની બધી ચિંતાઓને છુપાવીને હસી રહી છે. તેણીને આ બનાવ પછીથી અનિયમિત માસિક ચક્ર સાથે તીવ્ર શારીરિક પીડા અને ભાવનાત્મક રીતે પણ તકલીફ થતી હતી.
પશ્ચિમ બંગાળના 24 પરગણા જિલ્લાના ગોસાબા બ્લોકમાં આવેલા તેમના ગામની કુલ વસ્તી લગભગ 5,000 લોકોની છે. દૂર સુધી ડાંગરના પાક અને મેન્ગૃવના જંગલોથી ઘેરાયેલું આ ગામ ગોસાબાના એ મુઠ્ઠીભર ગામો માંથી એક છે જે પાકા રોડથી જોડાયેલો છે.
મિનુ જ્યારે પડી ગઈ તેના એક મહિના સુધી તેણીને સતત લોહી વહેતું હતું, પણ આ તેણીની પીડાઓનો અંત નહોતો. તેણીની કહે છે, “શારીરિક શોમપોરકો એતો બાથા કોરે [સહશયન ખુબજ પીડાદાયક હોય છે]. એવું લાગે છે કે જાણે હું ચિરાઈ જતી હોય. જ્યારે હું કુદરતી હાજતે જાઉ, કે પછી વજન ઉપાડું, ત્યારે મને લાગે છે કે જાણે મારું ગર્ભાશય નીચે આવી રહ્યું છે.”
પરિસ્થિતિઓ અને સામાજિક માન્યતાઓના લીધે તેમની તકલીફોમાં વધારો થયો. પગથિયા પરથી પડી ગયા પછી યોનિમાર્ગ માંથી લોહી નીકળ્યા પછી, મિનુને દયાપુરમાં આશા કાર્યકર્તા (માન્યતા પ્રાપ્ત સ્વાસ્થ્ય કર્મચારી) ની સલાહ લેવાનું યોગ્ય ન લાગ્યું. મિનુએ 10મા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. તેણીની કહે છે, “હું તેમને જણાવવા નહોતી ઈચ્છતી. કારણ કે, તેનાથી ગામના બીજા લોકોને પણ મારી કસુવાવડ વિષે ખબર પડી જાત. અને વધુમાં, મને નથી લાગતું કે આગળ શું કરવું તે વિષે એમને કંઈ ખબર પડી હોત.”
તેણીની અને તેણીના પતી બપ્પા સરદારને એ વખતે બાળક નહોતું જોઈતું, પણ તેઓ એ સમયે એકેય ગર્ભનિરોધકનો ઉપયોગ નહોતા કરતા. “જ્યારે મારા લગ્ન થયા, ત્યારે મને કુટુંબ નિયોજનની એકપણ રીત વિષે માહિતી નહોતી. કોઈએ મને નહોતું કીધું. મને આ બધું મારી કસુવાવડ પછી ખબર પડી.”
મિનુ જાણે છે કે દયાપુરથી લગભગ 12 કિલોમીટર દૂર આવેલી ગોસાબા ગ્રામીણ હોસ્પિટલમાં એક ગાઈનિકોજિસ્ટ (સ્ત્રી રોગ વિશેષજ્ઞ) ડોક્ટર છે, પણ તેઓ ક્યારેય હાજર નથી રહેતાં. તેણીના ગામમાં બે ગ્રામીણ તબીબી ચિકિત્સકો (આરએમપી) એટલે કે લાઇસન્સ વગરના સ્વાસ્થ્ય કર્મીઓ પણ છે.
દયાપુરના બંને આરએમપી પુરુષો છે.
તેણીની કહે છે, “હું મરી સમસ્યાઓ કોઈ પુરુષને કહેવા નહોતી માગતી. અને વધુમાં, તેમને આ વિષે એટલો અનુભવ પણ નથી.”
મિનુ અને બપ્પા એમના જિલ્લાના ઘણા ખાનગી ડોકટરોને મળ્યા, અને કોલકાતાના એક ડોક્ટરને પણ મળ્યા. 10,000 રૂપિયા કરતા પણ વધારે ખર્ચ કર્યા પછી પણ તેમને સંતોષકારક પરિણામ નથી મળ્યું. આ દંપતીની આવકનો એકમાત્ર સ્ત્રોત બપ્પાનો માસિક 5,000 રૂપિયા પગાર છે. તેઓ કરિયાણાની એક નાનકડી દુકાનમાં કામ કરે છે. તેમણે ડોકટરોને ફી ચુકવવા માટે મિત્રો પાસેથી ઉછીના પૈસા લીધા હતા.
મિનુએ દયાપુરમાં એક હોમિયોપેથ ડોક્ટર પાસેથી દવાઓ લીધી, જેનાથી તેમનું માસિક ચક્ર વ્યવસ્થિત થયું. તેઓ કહે છે કે તે હોમિયોપેથ એકમાત્ર એવો પુરુષ ડોક્ટર હતો જેમની સાથે તેણીને પોતાની કસુવાવડની વાત કહેતા ખચકાટનો અનુભવ નહોતો થયો. એ ડોકટરે તેણીને પેટનું અલ્ટ્રાસાઉન્ડ કરાવવાની સલાહ આપી, જેથી તેમના યોનિમાર્ગ માંથી બહાર આવતા લોહી અને એમને થઇ રહેલી અસહ્ય પીડાનું કારણ જાણી શકાય. પણ આ પરીક્ષણ ત્યારે જ થશે, જ્યારે મિનુ આ માટે જરૂરી પૈસાની બચત કરી લે.
ત્યાં સુધી તેઓ ભારે સમાન નહીં ઉઠાવી શકે, કે ન તો સતત કામ કરી શકશે.
સ્વાસ્થ્ય સેવાઓ મેળવવા માટે મિનુએ જે તકલીફોનો સામનો કરવો પડે છે, એ આ વિસ્તારની મહિલાઓ માટે સામાન્ય વાત છે. ભારતીય સુંદરવનના સ્વાસ્થ્ય સેવાઓ પ્રદાતા પર આધારિત વર્ષ 2016ના એક અભ્યાસમાં નોંધવામાં આવ્યું છે કે અહિંના લોકો પાસે સ્વાસ્થ્ય સેવામાં વધારે વિકલ્પો નથી. સાર્વજનિક સ્વાસ્થ્ય પ્રણાલીઓ કાં તો “છે જ નહીં” કાં તો “કફોડી હાલતમાં છે”, અને જે સુવિધાઓ કાર્યક્ષમ છે ત્યાં આ ભૂપ્રદેશમાં તેમના સુધી ભૌતિક રીતે પહોંચવું શક્ય નથી. આ અવકાશની પૂર્તિ મોટી સંખ્યામાં અનૌપચારિક રીતે સ્વાસ્થ્ય સેવાઓ પ્રદાન કરતા આરએમપી કરે છે. આરએમપીના સામાજિક નેટવર્ક પરના એક સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે, “સામાન્ય સમયમાં કે પછી જળવાયું પરિવર્તનમાં તેઓ જ એકમાત્ર સહારો હોય છે.”
*****
આ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા મિનુ માટે પહેલ વહેલી નથી. વર્ષ 2018માં, તેણીને આખા શરીરમાં ખંજવાળ આવે તેવી ફોલ્લીઓ થઇ હતી. તેમના હાથ, પગ, છાતી, અને મોઢા પર લાલ ફોલ્લીઓ થઇ હતી, અને આના લીધે મિનુના હાથ અને પગમાં સોજો થતો હતો. ગરમી વધવાથી ખંજવાળ વધતી ગઈ. એમની સારવાર માટે, એમના પરિવારે ડોકટરો અને દવાઓ પાછળ 20,000 રૂપિયા ખર્ચી દીધા.
તેણીની કહે છે, “એક વર્ષથી પણ વધારે સમય સુધી, મેં આવું જીવન ગુજાર્યું - હોસ્પિટલ આવવા-જવામાં.” સ્વાસ્થ્ય પહેલા જેવું થવામાં સમય લાગ્યો, જેનાથી તેમની ચામડીની બીમારી ફરી પાછી ન આવે તેની બીક તેમને સતાવતી રહે છે.
મિનુ જ્યાં રહે છે ત્યાંથી 10 કિલોમીટર કરતા ય ઓછા અંતરે આવેલા રજત જ્યુબિલી ગામમાં ૫૧ વર્ષીય અલાપી મંડલ એક આવી જ ઘટનાની વાત કરે છે. “3-4 વર્ષ પહેલા મારી ચામડી પર તીવ્ર ખંજવાળ થવા લાગી, અમુકવાર તો એટલી તીવ્ર કે તેમાંથી પરુ નીકળતું હતું. હું એવી ઘણી સ્ત્રીઓને ઓળખું છું કે જેમણે આવી યાતનાઓ સહન કરવી પડી હતી. એક સમય તો એવો હતો, જ્યારે અમારા ગામમાં અને બાજુના ગામમાં દરેક પરિવારમાં ઓછામાં ઓછી એક વ્યક્તિ એવી હતી કે જે ચામડીની બીમારીથી સંક્રમિત હતી. ડોકટરે મને કહ્યું કે આ એક પ્રકારનો વાઈરસ છે.”
અલાપી એક માછીમાર સ્ત્રી છે, અને લગભગ એક વર્ષ સુધી દવાઓ લીધા પછી હવે તેમની તબિયત સારી છે. તેઓ સોનારપુર બ્લોકની એક ખાનગી ચેરીટેબલ ક્લિનિકમાં ફક્ત 2 રૂપિયા આપીને પોતાનો ઈલાજ કરાવી શક્યા હતા, પણ તેમની દવાઓ મોંઘી હતી. તેમની સારવાર પાછળ તેમના પરિવારે 13,000 રૂપિયા ખર્ચવા પડ્યા. ક્લિનિકમાં જવા માટે 4-5 કલાકની મુસાફરી કરવી પડે છે. તેમના ગામમાં એક નાનકડું સરકારી ક્લિનિક પણ છે, પણ તેમને તેના અસ્તિત્વ વિષે ખબર જ નહોતી.
તેઓ કહે છે, “મારી ચામડીની બીમારી વધવાને કારણે, મેં માછલી પકડવાનું બંધ કરી દીધું.” આ પહેલાં, તેઓ નદી કિનારે કલાકો સુધી ગળા સુધી ઊંડા પાણીમાં જાળી લઈને ઝીંગા પકડતા હતા. ત્યાર પછી [ચામડીની બીમારી પછી], તેમણે ફરીથી કામ ચાલુ નથી કર્યું.
રજત જ્યુબિલી ગામમાં ઘણી મહિલાઓએ ચામડીની આ સમસ્યાનો સામનો કર્યો છે, આ માટે તેઓ સુંદરવનના ખારા પાણીને દોષ આપે છે.
આ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા મિનુ માટે પહેલ વહેલી નથી. વર્ષ 2018માં, તેણીને આખા શરીરમાં ખંજવાળ આવે તેવી ફોલ્લીઓ થઇ હતી. તેમના હાથ, પગ, છાતી, અને મોઢા પર લાલ ફોલ્લીઓ થઇ હતી, અને આના લીધે મિનુના હાથ અને પગમાં સોજો હતો
પોન્ડ ઇકો-સિસ્ટમ્સ ઓફ ધ ઇન્ડિયન સુન્દરબન્સ પુસ્તકમાં, સ્થાનિક આજીવિકા પર પાણીની ગુણવત્તાની અસર પર આધારિત એક નિબંધમાં, લેખક સૌરવ દાસ લખે છે કે મહિલાઓ રાંધવા માટે, ન્હાવા માટે, અને ધોવા માટે તળાવનું ખારું પાણી વાપરે છે તેના લીધે તેમને ચામડીના રોગ થાય છે. ઝીંગાની ખેતી કરતા ખેડૂતો ખારા પાણીમાં દરરોજ 4-6 કલાક પસાર કરે છે. તેઓ નોંધે છે, “ખારા પાણીનો ઉપયોગ કરવાથી તેમને પ્રજનન અંગોમાં સંક્રમણનો પણ સામનો કરવો પડે છે.”
સંશોધનથી જાણવા મળ્યું છે કે સુંદરવનમાં પાણીમાં વધારે પડતી ખારાશ, સમુદ્રની વધતી સપાટી, વારંવારના આવતા ચક્રવાત અને તોફાનો લીધે છે - જે બધા જળવાયું પરિવર્તનના સંકેત છે. આ સિવાયના અન્ય પરિબળો ઝીંગાની ખેતી અને મેન્ગૃવ જંગલોમાં થયેલો ઘટાડો છે. પીવાના પાણી સમેત બધા જળ સંસાધનો ખારા પાણીથી દુષિત થયા છે એ એશિયાના મોટા નદીમુખોમાં સામાન્ય બાબત છે.
કોલકાતાની આર.જી. કર મેડીકલ કોલેજમાં ફરજ બજાવતા અને સુંદરવનમાં ઘણી આરોગ્ય શિબિરો કરનારા ડોક્ટર શ્યામલ ચક્રવર્તી કહે છે કે, “સુંદરવનમાં, પાણીમાં વધારે પડતી ખારાશ અહિંની સ્ત્રીઓમાં પેડાની બળતરા જેવી ગાઈનિકોલૉજિકલ બીમારીઓ જોવા મળવા પાછળનું મુખ્ય કારણ છે. પણ ફક્ત ખારું પાણી જ આ પાછળનું એકમાત્ર કારણ નથી. સામાજિક અને આર્થિક પરિસ્થિતિ, ઇકોલોજી, પ્લાસ્ટિકનો ઉપયોગ, સ્વચ્છતા, પોષણ, અને સ્વાસ્થ્ય સેવા પ્રણાલીઓ પણ એક મહત્વનો ભાગ ભજવે છે.”
આંતરરાષ્ટ્રીય મીડિયા સંગઠન - ઇન્ટરન્યૂઝના વરિષ્ઠ સ્વાસ્થ્ય મીડિયા સલાહકાર, ડૉ. જયા શ્રીધરના મતે, આ વિસ્તારની મહિલાઓ દિવસમાં 4-7 કલાક સુધી ખારા પાણીમાં રહે છે, ખાસ કરીને ઝીંગાની ખેતી કરનારી મહિલાઓ. તેમના પર મરડો, ઝાડા, ચામડીના રોગ, હૃદય રોગ, પેટનો દુઃખાવો અને ગેસ્ટ્રીક અલ્સર જેવી બીમારીઓનો ખતરો હંમેશા રહે છે. ખારા પાણીના લીધે હાયપરટેન્શન પણ થઇ શકે છે, અને તેનાથી ગર્ભાવસ્થા પર અસર થઇ શકે છે, અને અમુક કિસ્સાઓમાં કસુવાવડ પણ થઇ શકે છે.
*****
વર્ષ 2010ના એક સંશોધન મુજબ, સુંદરવનમાં 15-59 વય વર્ગના લોકોમાં, પુરુષોની સરખામણીએ સ્ત્રીઓએ વધારે બીમારીઓનો સામનો કરવો પડે છે.
દક્ષીણ 24 પરગણામાં કાર્યરત એનજીઓ - દક્ષિણી સ્વાસ્થ્ય સુધાર સમિતિ દ્વારા સંચાલિત મોબાઈલ મેડીકલ યુનિટના એક કોર્ડીનેટર અનવરુલ આલમ કહે છે કે તેમની મોબાઈલ સ્વાસ્થ્ય યુનિટ એક અઠવાડિયામાં 400-450 દર્દીઓને દવા આપે છે. આમાંથી લગભગ 60% મહિલાઓ હોય છે, જેમાં મોટેભાગે ચામડીની બીમારી, લ્યુકોરિયા (યોનિમાર્ગમાંથી રક્તસ્ત્રાવ), લોહીની ઉણપ, અને એમેનોરિયા (માસિક સ્ત્રાવની અનિયમિતતા કે ગેરહાજરી) ની બીમારીની ફરિયાદ હોય છે.
આલમ કહે છે કે મહિલા દર્દીઓ કુપોષણનો શિકાર છે. તેઓ આગળ ઉમેરે છે, “આ દ્વીપ પર મળતા મોટાભાગના ફળ અને શાકભાજી હોડીમાં અહિં લાવવામાં આવે છે, તેમને સ્થાનિક સ્તરે ઉગાડવામાં નથી આવતા. બધા લોકોને તે ખરીદવું પોસાય તેમ નથી હોતું. ઉનાળામાં વધતી ગરમીની તીવ્રતા અને તાજા પાણીની અછત પણ બીમારીઓ પાછળનું એક મહત્વનું કારણ છે.”
મિનુ અને અલાપી મોટેભાગે ચાવલ, દાળ, બટેટા, અને માછલી ખાય છે. ફળો અને શાકભાજીની ખેતી કરી શકવા અક્ષમ હોવાથી, તેઓ ફળો અને શાકભાજી ઓછી માત્રામાં ખાય છે. મિનુની જેમ, અલાપી પણ ઘણી બીમારીઓનો સામનો કરી રહ્યા છે.
અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સુંદરવનમાં પાણીમાં વધારે પડતી ખારાશ, સમુદ્રની વધતી સપાટી, વારંવારના ચક્રવાત અને તોફાનો આવવાના લીધે છે - જે બધા જળવાયું પરિવર્તનના સંકેત છે
લગભગ પાંચ વર્ષ પહેલાં, અલાપીને ભારે માત્રામાં લોહી વહી ગયું હતું. તેઓ કહે છે, “સોનોગ્રાફીમાં ટ્યુમર હોવાનું સામે આવ્યા પછી મારે મારું જરાયુ [ગર્ભાશય] કઢાવવા માટે ત્રણ સર્જરી કરાવવી પડી હતી. મારા પરિવારને આ માટે લગભગ 50,000 રૂપિયા ખર્ચ થયો હતો.” પહેલી સર્જરી એપેન્ડિક્સ કઢાવવા માટે હતી અને બાકીની બે હિસ્ટરેકટમી માટે.
પાડોશના બસંતી બ્લોકના સોનાખાલી ખાતેની ખાનગી હોસ્પિટલમાં જ્યાં અલાપીની હિસ્ટરેકટમી માટેની સર્જરી કરવામાં આવી હતી, ત્યાં પહોંચવા માટે તેમણે લાંબી મુસાફરી કરવી પડી હતી. તેમણે રજત જ્યુબિલીના ગોસાબાથી નદી કાંઠા સુધી એક હોડીમાં, ગદખાલી ગામના કિનારા સુધી બીજી હોડીમાં, અને ત્યાંથી સોનાખાલી જવા માટે બસ કે વેનમાં જવું પડ્યું. આ આખી મુસાફરીમાં 2-3 કલાકનો સમય લાગ્યો.
અલાપીને એક દીકરો અને દીકરી છે. તેઓ રજત જ્યુબિલીમાં એવી ઓછામાં ઓછી ચાર-પાંચ મહિલાઓને જાણે છે જેમણે હિસ્ટરેકટમીની સર્જરી કરાવી છે.
તેમાંના એક છે 40 વર્ષીય માછીમાર સ્ત્રી બસંતી મંડલ. ત્રણ બાળકોની માતા બસંતી કહે છે, “ડોકટરોએ મને કહ્યું કે મારા ગર્ભાશયમાં ટ્યુમર છે. પહેલા મારી પાસે ઘણી તાકાત રહેતી હતી, જેથી હું માછલી પકડવા જઈ શકતી હતી. પણ મારું ગર્ભાશય કઢાવ્યા પછી મારામાં જાણે કે ઊર્જા જ નથી રહેતી.” એક ખાનગી હોસ્પિટલમાં સર્જરી કરાવવા પાછળ તેમના પરિવારે 40,000 રૂપિયા ખર્ચ કરવો પડ્યો હતો.
રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણ-4 (2015-16) માં નોંધવામાં આવ્યું છે કે પશ્ચિમ બંગાળના ગામોમાં 15 થી 49 વય વર્ગની 2.1% મહિલાઓએ હિસ્ટરેકટમીની સર્જરી કરાવી છે. આ આંકડા પશ્ચિમ બંગાળના શહેરી વિસ્તારમાં થોડો વધારે (1.9%) છે. (દેશભરની સરેરાશ 3.2% છે.)
ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં બંગાળી દૈનિક આનંદબજાર પત્રિકામાં પ્રકાશિત એક લેખમાં પત્રકાર સ્વાતી ભટ્ટાચરજી લખે છે કે સુંદરવનમાં 26 થી 36 વર્ષની ઉંમર વાળી મહિલાઓમાં યોનિમાર્ગમાં સંક્રમણ, વધારે પડતો કે અનિયમિત લોહીની વહાવ, ખુબજ પીડાદાયક સહશયન, પેડામાં બળતરા જેવી તકલીફો થવાને લીધે ગર્ભાશય કઢાવવા માટે સર્જરી કરાવી છે.
યોગ્યતા વગરના ડોકટરો આ મહિલાઓને ગર્ભાશયનું ટ્યુમર છે એમ કહીને ખાનગી હોસ્પિટલોમાં હિસ્ટરેકટમી કરાવવા માટે ડરાવીને તેમને મજબૂર કરે છે. ભટ્ટાચરજીના મત મુજબ, નફાખોરી કરતા ખાનગી ક્લિનિક, રાજ્ય સરકારની સ્વાસ્થ્ય સાથી વીમા યોજનાનો ફાયદો ઉઠાવે છે, જે અંતર્ગત લાભાર્થી પરિવારને વાર્ષિક 5 લાખ રૂપિયા સુધીનો સ્વાસ્થ્ય વીમો આપવામાં આવે છે.
મિનુ, અલાપી, બસંતી, અને સુંદરવનની લાખો અન્ય મહિલાઓ માટે જાતીય અને પ્રજનન સંબંધી સમસ્યાઓ, સારવાર કરાવવામાં નડતી સમસ્યાઓના લીધે સ્વાસ્થ્ય સેવાઓ સુધીની પહોંચ કઠીન થઇ જાય છે.
બસંતીએ હિસ્ટરેકટમી કરાવવા માટે ગોસાબા બ્લોકમાં આવેલા પોતાના ઘરથી પાંચ કલાક મુસાફરી કરવી પડી હતી. તેઓ પુછે છે, “સરકાર-હસ્તક હોસ્પિટલો અને નર્સિંગ હોમ કેમ વધારે સંખ્યામાં નથી? કે પછી ગાઈનિકોજિસ્ટની? ભલે અમે ગરીબ રહ્યા, પણ અમે મરવા નથી માગતા.”
મિનુ અને બપ્પા સરદારના નામ અને તેમનું સરનામું તેમની ગોપનિયતા જાળવી રાખવા માટે બદલી દેવામાં આવ્યા છે.
ગ્રામીણ ભારતના કિશોરો અને કિશોરીઓ અંગેનો રાષ્ટ્રવ્યાપી અહેવાલ આપતી પારી અને કાઉન્ટરમિડિયા ટ્રસ્ટની યોજના જનસામાન્યના અભિપ્રાય અને જીવંત અનુભવ દ્વારા આ અગત્યના છતાં છેવાડાના જૂથોની પરિસ્થિતિના અભ્યાસ અંગે પોપ્યુલેશન ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયા દ્વારા સમર્થિત પહેલનો ભાગ છે.
આ લેખ ફરીથી પ્રકાશિત કરવા માંગો છો? કૃપા કરી [email protected] ને cc સાથે [email protected] પર લખો.
અનુવાદક: ફૈઝ મોહંમદ