રે ગુનો જો મારે મૂ મે ખોટા વેમ ધારે,
મુંજા માલધારી રાણા મૂકે રે ગુનો જો મારે
આ લોકગીતનો આવો ઉપાડ આપણને ચોક્કસપણે ચોંકાવનારો લાગવાનો. જોકે, તે એમાં જે કઠોર વાસ્તવિકતા રજૂ થઇ છે તે એના કરતાં ય વધુ ચિંતાજનક છે અને તેનો વ્યાપ ગુજરાતના કચ્છની સરહદની પાર દૂર દૂર સુધી જોવા મળે એવી છે.
પોતાના સૌથી અંગત સહધર્મચારી સાથે થતી હિંસા, ખાસ કરીને પત્નીની મારપીટ એ પહેલેથી જ એક વૈશ્વિક સમસ્યા છે. સ્ત્રીઓના માનવ અધિકારોના ઉલ્લંઘનની દ્રષ્ટિએ, તેમજ જાહેર આરોગ્યની સમસ્યા તરીકે. યુએનના મહિલાઓ વિરુદ્ધ હિંસાના વૈશ્વિક આંકડા મુજબ, દર ત્રણમાંથી એક સ્ત્રી તેના જીવનસાથી દ્વારા કોઈને કોઈ પ્રકારની શારીરિક અને જાતીય હિંસાનો ભોગ બને છે.
શું પતિ પોતાની પત્નીને મારે એ વર્તન સાચું છે?
રાષ્ટ્રીય પરિવાર અને આરોગ્ય સર્વેક્ષણ 2019-21 (NFHS 5) અનુસાર, ગુજરાતમાં 30 ટકાથી વધુ સ્ત્રીઓ અને 28 ટકા પુરુષોએ આ પ્રશ્નના જવાબમાં હામી ભરી છે. અને પત્નીઓને પીટવા માટે કયાં કારણ પૂરતાં છે એવું આ પુરુષો માને છે? આમાં બેવફાહોવાની શંકાથી શરૂ કરીને, દલીલબાજી, સેક્સ કરવાનો ઇનકાર, પતિને જાણ કર્યા વિના બહાર જવું, ઘરની અવગણના કરવી અને સારી રસોઈ ન બનાવવી સુધીના ઘણાં કારણોનો ગણાવાય છે.
આંકડાકીય રાષ્ટ્રીય સર્વેક્ષણની જેમ, પરંતુ એનાથી કંઈક વધુ રસપ્રદ રીતે, લોકગીતો ઘણીવાર આપણી સમક્ષ એક મનોવૈજ્ઞાનિક સર્વેક્ષણ રજૂ કરે છે. એક સર્વેક્ષણ જે સ્ત્રીઓના જટિલ સંવેદનો અને લાગણીઓના આંતરિક વિશ્વ તેમજ તેમના સમુદાયોના કાર્યપદ્ધતિને પ્રતિબિંબિત કરે છે.
તમે આ ગીતોને વંચિતોના હથિયાર કદાચ કહેશો, કદાચ નહીં. ઉદાહરણ તરીકે, પ્રસ્તુત ગીતમાં આપણે ખાતરી પૂર્વક કહી શકીએ એમ નથી કે ચોરીછૂપીથી પ્રેમગીતના લયમાં વેશપલટો કરીને આવતા, કે પરંપરાગતઢાળને અનુસરતા સ્ત્રીના શબ્દોમાં ધૂર્ત નિંદા છે. આપણને એ પણ દ્રઢતાપૂર્વક કહી શકીએ એમ નથી કે પોતાના પતિ માટે એણે વાપરેલા આદરપૂર્ણ સંબોધન "માલાધારી રાણો" માં અભિપ્રેત કોઈ પ્રતિકારનો સંકેત છે કે નહીં.
ગીતમાં સ્ત્રીને ન્યાય અપાવવાની તો શું આ પ્રબળ સામાજિક માળખામાં ખલેલ પહોંચાડવાની પણ શક્તિ નથી. પરંતુ આવા ગીતો સ્ત્રીને તેના રોજિંદા જીવનની ભયાનક વાસ્તવિકતાઓની અભિવ્યક્તિ માટે જગ્યા આપે છે. ગીતના શક્તિશાળી, સ્પષ્ટ, સંગીતમય પ્રવાહમાં, તે એ સૌ દુઃખ ને વેદના જેને તે ભાગ્યેજ કોઈને કહી શકે છે એ સૌને વહાવી શકે છે. કદાચ અહીં કોઈ પરિચિત સૂરની પડખે, એની હૂંફમાં જ એ એના જીવનના અસહ્ય સત્યોને લપેટીને બે ઘડી શાતા મેળવી શકે છે. આપણા સમાજમાં માળખાકીય સહાયના નામે જ્યાં બધું નહીંવત છે ત્યાં આવા ગીતો જ એને વધુ એક દિવસ ટકી રહેવાની તાકાત આપે છે.


