અંધેરી ખાતે ટ્રેનમાં જોવા મળતી શાંતિ મુસાફરોની હડબડીના ઘોંઘાટથી તદ્દન વિપરીત છે, જેમાં મુસાફરો દરવાજાનું હેન્ડલ, કોઈનો હાથ કે જે કંઈ તેઓ પકડી શકે તેને પકડવાની કોશિશ કરી રહ્યા છે. આસપાસ લોકો ઝપાઝપી કરી રહ્યા છે, ઠોકર ખાઈ રહ્યા છે અને ખાલી સીટ માટે ધક્કામુક્કી કરી રહ્યા છે, અને પહેલેથી જ ત્યાં બેસેલા લોકોને વિનંતી કરી રહ્યા છે,તેમની સાથે દલીલબાજી કરી રહ્યા છે અને તેમને દબાણ પણ કરી રહ્યા છે.
મુસાફરોની ભીડમાં 31 વર્ષીય કિશન જોગી અને તેમની 10 વર્ષની પુત્રી ભારતી સવાર છે, જેમણે આછા વાદળી રંગનું રાજસ્થાની સ્કર્ટ અને બ્લાઉઝ પહેર્યું છે. પશ્ચિમ ઉપનગરીય લાઇન પર 7 વાગ્યે દોડતી મુંબઈ લોકલ ટ્રેન આજે સાંજે પિતા-પુત્રીની જોડી દ્વારા ચઢવામાં આવેલી પાંચમી ટ્રેન છે.
ટ્રેન ઝડપ પકડે છે ને મુસાફરો શાંત થાય છે કે તરત કિશનની સારંગીની ધૂન હવામાં પ્રસરવા લાગે છે.
“તેરી આંખે હૈ ભુલ ભુલૈયા...બાતે હૈ ભુલ ભુલૈયા...”
તેમનો જમણો હાથ કમાનને સારંગીના પાતળા ફિંગરબોર્ડ પર ખેંચીને બાંધેલા ત્રણ તારવાળા વાદ્ય પર ઝડપથી ફરે છે, જેનાથી ઉષ્માભરી અને સમૃદ્ધ ધૂન નીકળે છે. વાદ્યના બીજા છેડે આવેલો નાનો ધ્વનિ કક્ષ, તેમની છાતી અને ડાબા હાથની વચ્ચે રાખેલો છે. તેમની વગાડવાની શૈલી એવી છે કે તેઓ 2022ની બોલિવૂડ ફિલ્મ ભૂલ ભુલૈયાના તે લોકપ્રિય ગીતને વધુ ડરામણું બનાવે છે.
કોચમાં બેઠેલા કેટલાક મુસાફરો થોડા સમય માટે સુંદર ધૂન સાંભળવા માટે રોજિંદા કામોથી વિરામ લે છે. કેટલાક લોકો તેમને રેકોર્ડ કરવા માટે તેમના ફોન બહાર કાઢે છે. કેટલાક લોકો મંદ સ્મિત કરે છે. પરંતુ ઘણા લોકો ફરી પાછા ફોનમાં કંઈક જોવા લાગે છે અને કાનમાં ઇયરપ્લગ લગાવી દે છે. નાનકડી ભારતી ડબ્બામાં દરેક મુસાફરને પૈસા આપવા વિનંતી કરે છે ત્યારે તેમનું ધ્યાનભંગ થાય છે.
‘[મારા] પિતા અમને સારંગી આપીને ગયા હતા. મેં ક્યારેય શાળાએ જવાનું વિચાર્યું પણ નથી. હું તો બસ તેને બગાડી જ રહ્યો છું’
કિશન થોડી ઉદાસી સાથે કહે છે, “પહેલા લોકો મને જોતા હતા, અને મને વગાડવા માટે જગ્યા આપતા હતા.” લગભગ 10-15 વર્ષ પહેલા પરિસ્થિતિ કેટલી અલગ હતી તે તેમને બરાબર યાદ છે. બીજી ધૂન વગાડવાનું શરૂ કરતા પહેલા એક ક્ષણ માટે થોભીને તેઓ કહે છે, “આની કદર ઘણી વધારે હતી. પરંતુ હવે તેઓ તેમના ફોનમાં લાગેલા હોય છે અને પોતાની જાતને બહેલાવવા માટે ઇયરફોન લગાવે છે. મારા સંગીતમાં ભાગ્યે જ કોઈને રસ છે.”
તેઓ તેમની બીજી ધૂન માટે સારંગીને સરખી કરતાં કહે છે, “હું લોકસંગીત, ભજન… રાજસ્થાની, ગુજરાતી, હિન્દી ગીતો વગાડી શકું છું, તમે કોઈ પણ સંગીતની માંગણી કરો… મને તેને સાંભળવામાં અને દિમાગમાં યાદ કરવામાં ચાર-પાંચ દિવસ લાગે છે અને પછી હું તેને મારી સારંગીમાં વગાડવા લાગું છું. દરેક નોંધ યોગ્ય રીતે મેળવવા માટે હું ઘણી પ્રેક્ટિસ કરું છું.”
બીજી બાજુ કેટલાક પુરુષો અને સ્ત્રીઓ ભારતી તેમની નજીક આવે ત્યારે તેને આપવા માટે નાનામાં નાનો સિક્કો અથવા મોટી નોટ કાઢવા માટે તેમના પાકીટમાં હાથ નાખી રહ્યા છે.
કિશનની કમાણી દરરોજ બદલાતી રહે છે – ક્યારેક તેઓ 400 રૂપિયા કમાય છે તો ક્યારેક 1,000 રૂપિયા. તેમની મુસાફરીની શરૂઆત સાંજે 5 વાગ્યે થાય છે, જ્યારે તેઓ તેમના ઘરની નજીક નાલ્લાસોપારાથી પશ્ચિમ લાઇનની મુંબઈ લોકલ ટ્રેનમાં ચઢે છે અને છ કલાકથી વધુ સમય સુધી એક ટ્રેનમાંથી બીજી ટ્રેનમાં મુસાફરી કર્યા પછી ઘેર પાછા ફરે છે. તેમનો રૂટ કોઈ નિર્ધારિત નથી, પરંતુ તેઓ ચર્ચગેટ અને વિરાર સ્ટેશન વચ્ચે આમતેમ મુસાફરી કરતા રહે છે, જ્યાં સારી ભીડ અને તેમને વગાડવા માટે જગ્યા પણ મળવાની શક્યતા હોય એવી ટ્રેનોમાં તે મુસાફરી કરતા રહે છે.
કિશન શા માટે સાંજની ટ્રેનોને પસંદ કરે છે તે સમજાવતાં કહે છે, “સવારે લોકો તેમની નોકરીની દોડધામમાં હોય છે ને બધી ટ્રેનો ભરેલી હોય છે, એવામાં મને કોણ સાંભળશે? જ્યારે તેઓ ઘરે પાછા જઈ રહ્યા હોય, ત્યારે તેઓ થોડો આરામ કરતા હોય છે. કેટલાક લોકો મને દૂર ધકેલી દે છે, પણ હું એમને ગણકારતો નથી. આ સિવાય મારી પાસે ચારો છે કંઈ?” છેવટે, એમની પાસે જાણકારી ને અનુભવ કહો કે વારસો કહો જે છે તે માત્ર આ આ સારંગી વગાડવાની કલા છે.
જ્યારે તેઓ પ્રથમ વખત રાજસ્થાનના લુણિયાપુરા ગામમાં તેમના ઘરેથી આ શહેરમાં આવ્યા ત્યારે તેમના પિતા મિતાજી જોગી મુંબઈમાં લોકલ ટ્રેનો અને રસ્તાઓ પર સારંગી વગાડતા હતા. તેઓ યાદ કરે છે, “હું એ વખતે ફક્ત બે વર્ષનો હતો ત્યારે મારા માતા-પિતા મારા નાના ભાઈ વિજય સાથે મુંબઈ આવ્યા હતા.” એટલે કે કિશને જ્યારે તેમના પિતાને અનુસરવાનું શરૂ કર્યું હશે ત્યારે તેઓ ભારતી કરતાં પણ નાના હશે.
રાજસ્થાનમાં અન્ય પછાત વર્ગ તરીકે સૂચિબદ્ધ જોગી સમુદાયના મિતાજી પોતાને એક કલાકાર તરીકે જોતા હતા. ગામમાં તેમનો પરિવાર ગુજરાન ચલાવવા માટે લોક સંગીતમાં વપરાતું એક પ્રાચીન, તારવાળું વાદ્ય રાવણહત્થા વગાડતા હતો. સાંભળોઃ ઉદયપુરમાં રાવણરક્ષા
કિશન કહે છે, “જો કોઈ સાંસ્કૃતિક મેળાવડો હોય કે કોઈ ધાર્મિક કાર્યક્રમ હોય, તો મારા બાપ [પિતા] અને અન્ય કલાકારોને સારંગી વગાડવા માટે બોલાવવામાં આવતા હતા. પરંતુ તે કામ તેમને ક્યારેક જ મળતું હતું. આ ઉપરાંત, તેમને મળતું વળતર પણ બાકીના કલાકારોને વહેંચવું પડતું હતું.”
ઓછી કમાણીને કારણે મિતાજી અને તેમની પત્ની જમના દેવીને ઓછા વેતન પર ખેત મજૂરો તરીકે કામ કરવાની ફરજ પડી હતી. તેઓ ઉમેરે છે, “અમારા ગામની ગરીબીના કારણે અમારે મુંબઈ આવવું પડ્યું હતું. ગામમાં બીજી કોઈ ધંધા મઝદૂરી [વૈકલ્પિક વ્યવસાય, મજૂરી કામ] નહોતી.”
મુંબઈમાં, મિતાજીને નોકરી મળી નહોતી એટલે તેમણે પહેલાં રાવણહત્થા અને પછી સારંગી લઈને આમતેમ ફરવાનું ચાલું રાખ્યું. કિશન એક અનુભવી કલાકારની કુશળતા સાથે સમજાવે છે, “રાવણહત્થામાં તાર વધુ હોય છે અને સૂર નીચા હોય છે. પરંતુ સારંગીનો સ્વર વધુ તેજ હોય છે, અને તેમાં તાર ઓછા હોય છે. મારા પિતાએ સારંગી વગાડવાનું એટલા માટે શરૂ કર્યું હતું કારણ કે લોકોને તે વધારે પસંદ પડી હતી. તે સંગીતમાં ઘણી વધુ વિવિધતા પ્રદાન કરે છે.”
કિશનનાં માતા, જમના દેવી, તેમના પતિ અને તેમના બે બાળકો સાથે એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતાં રહ્યાં. તેઓ યાદ કરીને કહે છે, “જ્યારે અમે અહીં આવ્યા, ત્યારે અમે ફૂટપાથ પર જ રહેતા હતા. અમને જ્યાં જગ્યા મળી ત્યાં અમે સૂઈ જતા.” જ્યારે તેઓ આઠ વર્ષના થયા, ત્યા સુધીમાં તેમના બે નાના ભાઈઓ સૂરજ અને ગોપીનો જન્મ થઈ ગયો હતો. દેખીતી રીતે અસ્વસ્થ કિશન કહે છે, “હું તે સમયને યાદ પણ કરવા માંગતો નથી”
તેઓ જે યાદોને જાળવી રાખવા માંગે છે તે છે તેમના પિતાના સંગીતની યાદો. તેમણે કિશન અને તેમના ભાઈઓને લાકડાની સારંગી વગાડવાનું શીખવ્યું હતું, જે તેમણે પોતે બનાવી હતી. અમને ભીડના કદની કલ્પના કરવામાં મદદ કરવા માટે તેના હાથ પહોળા કરતા કિશન ઉત્સાહથી કહે છે, “શેરીઓ અને ટ્રેનો તેમનું મંચ હતું. તેઓ ગમે ત્યાં તેને વગાડતા હતા અને કોઈ તેમને રોકતું નહોતું. તેઓ જ્યાં પણ વગાડતા ત્યાં મોટી ભીડ એકઠી થઈ જતી.”
આ શેરીઓએ તેમના પુત્રને સ્વિકાર્યા નથી. ખાસ કરીને જુહૂ-ચોપાટી બીચ પ્રવાસીઓ માટે પ્રદર્શન કરવા બદલ એક પોલીસકર્મીએ તેમની પાસેથી 1,000 રૂપિયાનો દંડ વસૂલ્યાના અપમાનજનક અનુભવ તેમણે વેઠવો પડ્યો હતો. તેઓ દંડ ન ચૂકવી શક્યા, એટલે તેમને એક કે બે કલાક માટે કેદ કરી દેવામાં આવ્યા હતા. તે બનાવ પછી ફક્ત ટ્રેનોમાં જ વગાડવાનું શરૂ કરનાર કિશન કહે છે, “મને ખબર પણ નહોતી કે મેં શું ખોટું કર્યું છે.” પરંતુ કિશન કહે છે કે, તેમનું સંગીત ક્યારેય પણ તેમના પિતાના સંગીત જેવું થઈ શકશે નહીં.
કિશન કહે છે, “બાપ [પિતાજી] તેને મારા કરતા વધારે સારી રીતે અને વધારે પ્રેમથી વગાડતા હતા.” મિતાજી વગાડતાં વગાડતાં ગાતા પણ હતા, જેનાથી વિપરીત કિશન વગાડતી વખતે ગાવાથી દૂર રહે છે. “હું અને મારો ભાઈ ટકી રહેવા માટે વગાડીએ છીએ.” કિશન જ્યારે 10 વર્ષના હતા ત્યારે તેમના પિતા કદાચ ક્ષય રોગથી મૃત્યુ પામ્યા હતા. “હોસ્પિટલ જવાની તો વાત જ છોડી દો, અમારી પાસે ખાવા માટે પણ પૂરતું નહોતું.”
કિશનને નાનપણથી જ રોજીરોટી કમાવવા માટે કામે લાગી જવું પડ્યું હતું. “બીજું વિચારવાનો સમય જ ક્યાં હતો? બાપને સારંગી થમા દી, કભી સ્કૂલ કા ભી નહીં સોચા બસ બજાતે ગયા [પિતાએ અમને સારંગી આપી દીધી હતી. મેં ક્યારેય શાળાએ જવાનું વિચાર્યું પણ નથી. હું ફક્ત તેને વગાડતો જ રહ્યો છું]”
તેમના પિતાના મૃત્યુ પછી, બે નાના ભાઈઓ, વિજય અને ગોપી તેમની માતા સાથે રાજસ્થાન પાછા ફર્યા હતા અને સૂરજ નાસિક ગયા હતા. કિશન કહે છે, “તેમને ન તો મુંબઈની ભાગદોડ પસંદ છે, કે ન તો તેમને સારંગી વગાડવી ગમે છે. સૂરજ સારંગી વગાડતા હતા અને હજુ પણ વગાડે છે, પરંતુ બાકીના બે ભાઈઓ ફક્ત જીવન ટકાવી રાખવાની મથામણમાં નાની-મોટી નોકરીઓ કરે છે.”
કિશન કહે છે, “મને ખબર નથી કે હું મુંબઈમાં કેમ રહું છું, પરંતુ ગમેતેમ કરીને મેં અહીં મારી નાનકડી દુનિયા બનાવી દીધી છે.” તેમની દુનિયાનો એક ભાગ માટીના ફ્લોરિંગ સાથેનો એક શેડ છે જે તે મુંબઈના ઉત્તરીય ઉપનગર નલ્લાસોપારા પશ્ચિમમાં તેમણે ભાડે લીધો છે. આ 10*10 જગ્યાની દિવાલો એસ્બેસ્ટોસ શીટ્સની અને છત ટીનની છે.
તેમનો પહેલો પ્રેમ રેખા, કે જે હવે છેલ્લા 15 વર્ષથી તેમની પત્ની છે અને તેમના બે બાળકો, ભારતી અને ત્રણ વર્ષીય યુવરાજનાં માતા છે, તેઓ અમારું સ્વાગત કરે છે. આ નાનકડા ઓરડામાં ચાર સભ્યોનો પરિવાર રહે છે, અને તેમાં એક રસોડું, એક નાનો ટેલિવિઝન સેટ અને તેમનાં કપડાં છે. તેમની સારંગી, જેને તેઓ તેમનો ‘કિંમતી’ ભંડાર ગણાવે છે, તે કોંક્રિટના થાંભલા પાસે દિવાલ પર લટકેલી છે.
રેખાને તેમના મનપસંદ ગીત વિશે પૂછો કે તરત કિશન ઝડપથી ગાવા લાગે છે, “હર ધૂન ઉસકે નામ [એવી કોઈ ધૂન નથી કે જે તેને અર્પિત ન હોય].”
રેખા કહે છે, “તેઓ જે વગાડે છે તે મને ગમે છે, પણ હવે અમે તેના પર નિર્ભર રહી શકીએ તેમ નથી. હું ઇચ્છું છું કે તેઓ નિયમિત નોકરી શોધી લે. પહેલા તો ફક્ત અમે બે જ જણ હતા, પણ હવે અમારે આ બે બાળકો પણ છે.”
ટ્રેનોમાં કિશનનો સાથ આપતી ભારતી નેલિમોરમાં તેઓ જ્યાં રહે છે ત્યાંથી થોડે દૂર જિલ્લા પરિષદની સરકારી શાળામાં પાંચમા ધોરણમાં ભણે છે. તેની શાળા પૂરી થતાં જ તે તેના પિતા સાથે જાય છે. તે કહે છે, “મારા પિતા જે કંઈ વગાડે છે તે મને પસંદ છે, પણ મને દરરોજ તેમની સાથે જવું ગમતું નથી. હું મારા મિત્રો સાથે રમવા અને નાચવા માંગુ છું.”
કિશન કહે છે, “મેં તેને સાથે લઈ જવાનું શરૂ કર્યું ત્યારે તે પાંચ વર્ષની હશે. મને પણ તેને સાથે લઈ જવાનું પસંદ નથી, પણ જ્યારે હું વગાડતો હોય ત્યારે પૈસા ઉગરાવવા માટે મારે કોઈની તો જરૂર પડશે ને! નહીંતર અમે કમાઈશું કઈ રીતે?”
કિશન શહેરમાં બીજી નોકરીઓ શોધતા રહે છે, પરંતુ તેમની પાસે શૈક્ષણિક લાયકાત ન હોવાને લીધે તેમને નસીબ સાથ આપતું નથી. જ્યારે ટ્રેનમાં લોકો તેમનો નંબર પૂછે છે, ત્યારે તેઓ આશા રાખે છે તેઓ તેમને કોઈ મોટા કાર્યક્રમમાં પ્રદર્શન કરવા માટે બોલાવશે. તેમણે જાહેરાતો માટે થોડા સમય માટે બેકગ્રાઉન્ડમાં વગાડવાનું પણ કામ કર્યું છે. તેઓ મુંબઈની આસપાસ, ફિલ્મ સિટી, પરેલ અને વર્સોવાના સ્ટુડિયોમાં ગયેલા છે. પરંતુ તે બધામાં તેમને બીજી વાર તક મળી નથી, તેમાં એક વખત કામ કરીને તેમણે ક્યારેક 2,000 તો ક્યારેક 4,000 રૂપિયાની કમાણી કરી છે.
તેમને આવી રીતે નસીબે સાથ આપ્યાને ચાર વર્ષ થઈ ગયાં છે.
એક દાયકા પહેલા દિવસના 300થી 400 રૂપિયાથી ગુજરાન ચાલી જતું હતું, પણ હવે તે પૂરતું નથી. તેમના ઘરનું માસિક ભાડું 4,000 રૂપિયા છે અને તે ઉપરાંત રાશન, પાણી, વીજળી, આ બધાના મળીને દર મહિને લગભગ 10,000 રૂપિયા ખર્ચ થાય છે. તેમની દીકરીની શાળામાં દર છ મહિને 400 રૂપિયા ભરવા પડે છે.
પતિ અને પત્ની બન્ને ચિંદીવાલે તરીકે કામ કરે છે, જેમાં તેઓ ઘરોમાંથી જૂના કપડાં એકઠા કરીને તેને દિવસ દરમિયાન લોકોને વેચે છે. પરંતુ તેમાં આવક ન તો નક્કી છે કે ન તો નિયમિત. જ્યારે કામ આવે છે ત્યારે તેમને રોજના 100 થી 150 રૂપિયા મળે છે.
કિશન કહે છે, “હું મારી ઊંઘમાં પણ તે વગાડી શકું છું. મને ફક્ત આ જ આવડે છે. પણ સારંગી વગાડવાથી કોઈ કમાણી થતી નથી.”
“યે મેરે બાપ સે મીલી નિશાની હૈ ઔર મુજે ભી લગતા હૈ મેં કલાકાર હૂં… પર કલાકારી સે પેટ નહીં ભરતા ના [આ મારા પિતાની ભેટ છે અને મને પણ લાગે છે કે હું એક કલાકાર છું. પરંતુ કલાકારીથી પેટનો ખાડો નથી ભરાતો ને!]”
અનુવાદક: ફૈઝ મોહંમદ