અરત્તોંડી ગામની સાંકડી ગલીઓમાં એક મીઠી, ફળો જેવી, માદક સુગંધ પ્રસરી રહી છે.
દરેક ઘરના આગળના આંગણામાં, પીળા, લીલા અને કથ્થઈ રંગના મહુઆના ફૂલો વાંસની સાદડીઓ, નરમ ગાદલા અને માટીની લાદી પર સૂકાઈ રહ્યાં છે. તાજા તોડેલા પીળા અને લીલા ફૂલોને તડકામાં સૂકવવાથી તેઓ કથ્થઈ રંગ ધારણ કરે છે.
ચૂંટણી નજીક આવી રહી છે અને મહારાષ્ટ્રના ગોંદિયામાં મહુઆની મોસમ ચાલી રહી છે.
સાર્થિકા કૈલાશ આડે કહે છે, “એપ્રિલમાં મહુઆ ને મેમાં તેંદૂનાં પત્તાં. અમારી પાસે આ જ છે.” 35 વર્ષીય સાર્થિકા અને માના અને ગોંડ આદિજાતિના અન્ય ગામોના લોકો દરરોજ સવારે આસપાસના જંગલોમાં 4 થી 5 કલાક વિતાવે છે, ઊંચા મહુઆ વૃક્ષોમાંથી પડતા નરમ ફૂલો એકત્રિત કરે છે, જેમના પાંદડા હવે લાલ રંગના હોય છે. બપોર સુધીમાં પારો 41 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે અને ગરમી અસહ્ય થઈ પડે છે.
મહુ આનું દરેક વૃક્ષ સરેરાશ 4 થી 6 કિલોગ્રામ ફૂલો આપે છે. અરત્તોંડી ગામના લોકો (સ્થાનિક લોકો દ્વારા અરકતોંડી પણ કહેવાય છે) તેને વાંસના કેન અથવા પ્લાસ્ટિકની કોથળીઓમાં એકત્રિત કરે છે અને તેને તડકામાં સૂકવવા માટે ઘરે લાવે છે. એક કિલો સૂકા મહુઆમાંથી તેમને 35-40 રૂપિયા ભાવ મળે છે અને દરેક વ્યક્તિ દરરોજ સરેરાશ 5-7 કિલો મહુઓ એકત્રિત કરી શકે છે.
મહુઆ (મધુકા લોન્ગીફોલિયા) વૃક્ષ મધ્ય અને પૂર્વ ભારતમાં આદિવાસી વસ્તીના જીવનમાં અપ્રતિમ સાંસ્કૃતિક, દૈવી અને આર્થિક મહત્ત્વ ધરાવે છે. સંઘર્ષગ્રસ્ત ગઢચિરોલી જિલ્લા સહિત પૂર્વ વિદર્ભમાં ગોંદિયા જિલ્લાના આદિવાસી અંતરિયાળ વિસ્તારમાં મહુઆ આજીવિકાનો મુખ્ય સ્રોત છે. 2011ની વસ્તી ગણતરી અનુસાર અનુસૂચિત જાતિઓની વસ્તી 13.3 ટકા અને અનુસૂચિત જનજાતિઓની વસ્તી 16.2 ટકા છે. અહીંના લોકો માટે બીજો વિકલ્પ મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી (મનરેગા) કાર્યક્રમ હેઠળ મળતું કામ છે.
સૂકી જમીનવાળા અને નાના પાયાના ખેતીવાળા ગામડાઓમાં, ખેતરનું કામ ખતમ થઈ જાય છે અને ખેતી સિવાય બીજું કામ મળવું મુશ્કેલ હોવાથી, લાખો લોકો એપ્રિલમાં તેમના પોતાના ખેતરોમાંથી અથવા અર્જુની-મોરગાંવ તાલુકાના આસપાસના જંગલ વિસ્તારોમાં દરરોજ કલાકો ગાળીને આ ફૂલો એકત્ર કરે છે. 2022ની જિલ્લા સામાજિક અને આર્થિક સમીક્ષા અનુસાર , ગોંદિયામાં 51 ટકા જમીન પર જંગલો આવેલાં છે, જેમાંથી લગભગ અડધો ભાગ સંરક્ષિત વિસ્તાર છે.
મુંબઈ સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ એન્ડ પબ્લિક પોલિસી (MSE & PP) ની પહેલ એવા મહુઆના ઉત્પાદન અને આદિવાસી આજીવિકાની સ્થિતિ પરના 2019ના એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે પૂર્વ વિદર્ભ પ્રદેશ આશરે 1 લાખ 15 હજાર મેટ્રિક ટન (MT) મહુઓ એકત્રિત કરે છે. જાણીતા અર્થશાસ્ત્રી અને MSE & PPના ભૂતપૂર્વ નિયામક ડૉ. નીરજ હાટેકર કહે છે કે, ગોંદિયા જિલ્લાનો હિસ્સો 4,000 મેટ્રિક ટનથી થોડો વધારે છે અને રાજ્યના કુલ ઉત્પાદનમાં ગઢચિરોલીનો હિસ્સો 95 ટકા છે.
અભ્યાસમાં જાણવા મળ્યું છે કે એક કિલો મહુઆ પાછળ એક કલાકની માનવ મજૂરી થાય છે. એપ્રિલમાં હજારો પરિવારો મહુઆના ફૂલો એકત્ર કરવામાં દિવસમાં 5 થી 6 કલાક વિતાવે છે.
પડોશી રાજ્ય છત્તીસગઢ એકત્રિત મહુઆ ફૂલો માટે એક મોટું સંગ્રહ કેન્દ્ર છે, જેનો ઉપયોગ મુખ્યત્વે દારૂના ઉત્પાદનમાં, ખાદ્ય ઉત્પાદનોમાં અને પશુ આહાર તરીકે થાય છે.
ડૉ. હાટેકર કહે છે, “એકત્રિત કરવામાં આવેલા ફૂલો વાસ્તવિક ઉત્પાદન કરતાં ઘણા ઓછા છે. કારણો બહુવિધ છે, પરંતુ મુખ્ય બાબત છે કે આ કામ કપરું છે અને ખૂબ જ સમય માંગી લે તેવું છે” તેમણે મહારાષ્ટ્રની મહુઆ નીતિમાં આમૂલ સુધારા સૂચવ્યા છે, જ્યાં મહુઆના ફૂલોમાંથી બનેલો દારૂ ગેરકાયદેસર છે. તેઓ એમ પણ ઉમેરે છે કે કિંમતોને સ્થિર કરવા, મૂલ્ય સાંકળને સુવ્યવસ્થિત કરવા અને બજારોને વ્યવસ્થિત કરવાનાં પગલાંથી તેના પર નિર્ભર મોટાભાગની ગોંડ આદિવાસી વસ્તીને ફાયદો થશે.
*****
સાર્થકાએ અરવિંદ પાનગરીયાનો ‘ અસમાનતાને લઈને ઊંઘ ન ગુમાવો ’ નામનો લેખ વાંચ્યો હોવાની કોઈ શક્યતા નથી. આ લેખ 2 એપ્રિલ, 2024ના રોજ ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં પ્રકાશિત થયો હતો, જે અગ્રણી અંગ્રેજી દૈનિક અખબારોમાંનું એક છે. પાનગરીયા સાર્થિકાને મળ્યા હોય તે પણ શક્ય નથી.
તેમની દુનિયા ક્યારેય પણ એકબીજા સાથે મળતી નથી.
પાનગરીયા કદાચ ભારતમાં આવકના ધોરણે ટોચના એક ટકામાં છે, કુલીન ડોલર અબજોપતિઓના લીગમાં નહીં, પરંતુ પ્રભાવશાળી નીતિ નિર્માતાઓની લીગમાં.
સાર્થિકા અને તેમના ગામના લોકો દેશના સૌથી ગરીબ અને સૌથી વધુ શક્તિહીન લોકોમાંના છે − જેઓ સૌથી નીચલા 10 ટકામાં આવે છે. તેમના પરિવારો સુવિધાઓથી વંચિત છે. તેઓ કહે છે કે તમામ સ્રોતોમાંથી મળીને તેમના પરિવારની માસિક આવક 10,000 રૂપિયા થાય છે.
બે બાળકોનાં માતા કહે છે — અને તેમની આસપાસ ઊભેલા અન્ય લોકો સમર્થનમાં માથું ધુણાવે છે — કે તેમનું જીવન દિવસેને દિવસે મુશ્કેલ બની રહ્યું છે. અને વધતી જતી મોંઘવારી અને આવક કમાવવાના માર્ગો ઘટી રહ્યા હોવાથી તેઓને ઊંઘ પણ નથી આવતી.
અરકતોંડીની મહિલાઓ કહે છે, “બધું મોંઘુ થઈ રહ્યું છે. ખાદ્ય તેલ, ખાંડ, શાકભાજી, બળતણ, વીજળી, પરિવહન, સ્ટેશનરી, કપડાં.” આ યાદી આગળ ચાલતી જ રહે છે.
સાર્થિકાના પરિવાર પાસે એક એકરથી પણ ઓછી વરસાદ આધારિત જમીન છે જેના પર તેઓ ડાંગર ઉગાડે છે. તેમાંથી તેમને લગભગ 10 ક્વિન્ટલ જેટલું અનાજ મળે છે, જે વળતર આખું વર્ષ ચાલે તેટલું છે જ નહીં.
તો પછી સાર્થિકા જેવા આદિવાસીઓ શું કરે છે?
ગામમાં રાજ્ય ગ્રામીણ આજીવિકા મિશન — ઉમેદ — માટે સામુદાયિક સંસાધન વ્યક્તિ એવાં અલ્કા મદાવી કહે છે, “ ત્રણ વસ્તુઓ માર્ચથી મે સુધી અમારી આજીવિકાની કરોડરજ્જુ છે.”
તેઓ તેમને સૂચિબદ્ધ કરે છેઃ નાની વન પેદાશો — એપ્રિલમાં મહુઆ, મે મહિનામાં તેંદુનાં પત્તાં; મનરેગા હેઠળનું કામ અને રાજ્ય દ્વારા આપવામાં આવતા સસ્તા ખાદ્યાન્ન. અહીં સ્વ-સહાય જૂથોને ચલાવતાં મદાવી કહે છે, “જો તમે આ ત્રણેયને દૂર કરી દેશો, તો અમારે કાં તો કાયમી ધોરણે કામ માટે શહેરોમાં સ્થળાંતર કરવું પડશે, કાં તો અમે અહીં ભૂખમરાથી મરી જઈશું.”
સાર્થિકા અને તેમનો ગોંડ સમુદાય સવારે પાંચ કલાક માટે આસપાસના જંગલોમાંથી મહુઆ એકત્ર કરે છે, પાંચથી છ કલાક મનરેગા હેઠળ રસ્તો બનાવે છે, અને સાંજે તેમના ઘરનાં રસોઈ, વાસણ અને કપડાં ધોવાં, પશુધનનો ઉછેર, બાળકોની સંભાળ અને સફાઈ જેવાં કામ કરે છે. કામના સ્થળ પર, સાર્થિકા પ્લાસ્ટિકના વાસણોમાં સખત માટીના ગઠ્ઠા ભરે છે, અને તેમની સહેલીઓ તેમને માથા પર ઊંચકીને રસ્તાઓ પર ફેંકે છે. પુરુષો તેને પછીથી સમતળ કરે છે. તેઓ બધાં ખેતરના ખાડાઓથી રોડ સાઇટ સુધી ઘણી વાર આવજા કરે છે.
ભાવ પત્ર અનુસાર, એક દિવસના કામ માટે, તેમનું વેતન છે 150 રૂપિયા. મોસમમાં મહુઆની કમાણીની સાથે, તેઓ આખો દિવસ કામ કરીને 250-300 રૂપિયા કમાઈ શકે છે. મે મહિનો આવે, એટલે તેઓ તેંદુનાં પત્તાં એકત્રિત કરવા માટે જંગલોમાં જવા માંડે છે.
વ્યંગાત્મક વાત તો એ છે કે, દેશના મોટા ભાગોમાં ગરીબો માટે મનરેગા એકમાત્ર આજીવિકા છે, તેમ છતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી વારંવાર તેને કોંગ્રેસ પક્ષના ‘નિષ્ફળતાના જીવંત સ્મારક’ તરીકે વખોડી કાઢે છે. જે મહિલાઓ મનરેગા હેઠળ છ-સાત કલાક કામ કરે છે, અને તેમાં શિક્ષિત પુરુષો અને મહિલાઓનો પણ સમાવેશ થાય છે, તેમનું કહેવું છે કે તેમના શાસનના દસ વર્ષમાં મનરેગા માટેની માંગ માત્ર 2024માં જ વધી છે.
સાર્થિકા અને અન્ય મહિલાઓને ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની એક દિવસની આવક જેટલી કમાણી કરવામાં સેંકડો વર્ષ લાગશે. અર્થશાસ્ત્રી પાનગરીયાએ લખ્યું હતું કે, અસમાન આવક એ એવી બાબત છે કે જેના વિશે આપણી ઊંઘ હરામ થઈ જવી જોઈએ.
મનરેગાના કાર્યસ્થળ પર પરસેવો પાડતાં માના સમુદાયનાં 45 વર્ષીય સમિતા આડે કહે છે, “મારી પાસે ખેતર કે અન્ય કોઈ કામ નથી. રોજગાર હમી [મનરેગા] જ એકમાત્ર એવું કામ છે જેનાથી અમને થોડી આવક મળી શકે છે.” સાર્થિકા અને અન્ય લોકો “સારું વેતન અને આખા વર્ષ દરમિયાન કામની ઉપલબ્ધતા” ની માંગ કરી રહ્યાં છે.
સમીતા સંકેત આપે છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં વનની પેદાશો બાબતે સ્પર્ધા વધુ તીવ્ર બની છે, કારણ કે વધુને વધુ લોકો આખું વર્ષ કામની ગેરહાજરીમાં વન આધારિત આજીવિકા પર પાછા ફરી રહ્યા છે. અરકતોંડી નવેગાંવ રાષ્ટ્રીય ઉદ્યાનની દક્ષિણે જંગલ વિસ્તારની નજીક આવેલું છે, તેમ છતાં તેને હજુ સુધી વન અધિકાર અધિનિયમ હેઠળ સામુદાયિક વન અધિકારો મળ્યા નથી.
સાર્થિકા કહે છે, “પરંતુ એક ચોથી આજીવિકા પણ છે − મોસમી સ્થળાંતર.”
દર વર્ષે, ઓક્ટોબરથી ફેબ્રુઆરી સુધી, લગભગ અડધું ગામ પોતાનું ઘર છોડીને અન્યોના ખેતરો, ઉદ્યોગો અથવા કાર્યસ્થળોમાં કામ કરવા માટે દૂરના સ્થળોએ મુસાફરી કરે છે.
સાર્થિકા કહે છે, “હું અને મારા પતિ આ વર્ષે કર્ણાટકના યાદગીરમાં ડાંગરના ખેતરોમાં કામ કરવા ગયાં હતાં. અમારું પુરુષો અને સ્ત્રીઓ મળીને 13 લોકોનું જૂથ હતું, જેમણે એક ગામમાં ખેતરનું બધું કામ કર્યું હતું અને ફેબ્રુઆરીના અંતમાં પાછાં ફર્યાં હતાં” આ વાર્ષિક આવક તેમના માટે એક મોટા ટેકારૂપ છે.
*****
પૂર્વીય વિદર્ભના ચોખાનું ઉત્પાદન કરતા અને જંગલથી સમૃદ્ધ જિલ્લાઓ — ભંડારા, ગોંદિયા, ગઢચિરોલી, ચંદ્રપુર અને નાગપુર — કુલ પાંચ સંસદીય મતવિસ્તારો છે. તેઓ 19 એપ્રિલના રોજ 2024ની સામાન્ય ચૂંટણીના પ્રથમ તબક્કામાં મતદાન કરશે.
લોકો પ્રત્યેની તેમની સંપૂર્ણ ઉદાસીનતાને કારણે અરકતોંડીના ગ્રામજનોમાં રાજકીય વર્ગો અને અમલદારશાહી પ્રત્યે ઘોર નિરાશા છે. મોદી સરકારના 10 વર્ષના કાર્યકાળ દરમિયાન સૌથી ગરીબ લોકોમાં તેમના જીવનને મુશ્કેલ બનાવવા બદલ સ્પષ્ટ રોષ જોવા મળી રહ્યો છે.
સાર્થિકા કહે છે, “અમારા માટે કંઈ જ બદલાયું નથી. અમારી પાસે રસોઈ ગેસ છે, પરંતુ તે ખૂબ જ મોંઘું છે; વેતન પહેલાં જેટલું છે; અને આખા વર્ષ દરમિયાન કોઈ સ્થિર કામ નથી.”
ભંડારા-ગોંદિયા મતવિસ્તારમાંથી ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા ફરીથી મેદાનમાં ઉતારવામાં આવેલા સાંસદ સુનીલ મેંઢે માટે વધુ નારાજગી છે. મુખ્યત્વે ગ્રામીણ લોકોના આ મોટા મતવિસ્તારમાં એક સામાન્ય કહેણ છે કે, “તે ક્યારેય અમારા ગામમાં આવ્યો નથી.”
મેંઢે સીધી સ્પર્ધામાં કોંગ્રેસના ડૉ. પ્રશાંત પડોળે સામે લડવાના છે.
અરકતોંડીના ગ્રામજનો 2021ના ઉનાળામાં પ્રથમ કોવિડ-19 લૉકડાઉન દરમિયાન ઘરે પાછા ફરવાની તેમની વિશ્વાસઘાતી અને પીડાદાયક પગપાળા મુસાફરીને હજુ ભૂલ્યા નથી.
19 એપ્રિલના રોજ, જ્યારે તેઓ પોતાનો મત આપવા જશે, ત્યારે તેઓ કહે છે, તેઓ કદાચ સવારે પાંચ કલાક મહુઆ એકત્ર કર્યા પછી જ જશે. તેઓ કહે છે કે તેઓ ચોક્કસપણે એક દિવસનું વેતન ગુમાવશે કારણ કે મનરેગા કાર્યસ્થળ બંધ થઈ જશે.
તેઓ કોને મત આપશે?
તેઓ તેમની પસંદગીને ચોખ્ખે ચોખ્ખી તો જાહેર નથી કરતાં, પણ કહે છે, “જૂનો સમય વધુ સારો હતો.”
અનુવાદક: ફૈઝ મોહંમદ