મારી મા મને ઘણી વાર કહેતી, "કુમાર, જો મેં માછલીઓનું એ વાસણ ઉપાડ્યું ન હોત, તો આપણે આટલા આગળ આવ્યા ન હોત." મારા જન્મના એક વર્ષ પછી તેમણે માછલીઓ વેચવાનું શરૂ કર્યું હતું, અને ત્યારથી માછલીઓ મારા જીવનનો ભાગ બની જવાની હતી.
અમારા ઘરમાં હંમેશા માછલીઓની વાસ આવતી. સૂકવેલી માછલીઓ ભરેલો કોથળો હંમેશા એક ખૂણામાં લટકતો રહેતો. પહેલો વરસાદ આવે ત્યારે કાર્પ માછલી પકડી શકાય, અમ્મા [મા] એ રાંધતી. એ એક સ્વાદિષ્ટ વાનગી છે એટલું જ નહીં એ શરદી મટાડવામાં પણ મદદ કરે છે. અમ્મા માંગુર (કેટફિશ), મરલ (સ્પોટેડ સ્નેકહેડ) અથવા સેલાપ્પીની કરી બનાવે છે ત્યારે આખું ઘર એક સરસ મજાની સોડમથી ભરાઈ જાય છે.
નાનો હતો ત્યારે મારે માછલીઓ પકડવા જવું હોય એટલે ઘણીવાર હું શાળાએ જતો નહોતો. એ દિવસોમાં મદુરાઈના જવાહરલાલપુરમ વિસ્તારમાં બધે જ પાણી હતું - અમારા આખા જિલ્લામાં ઠેર ઠેર કૂવાઓ, નદીઓ, અને નાના-મોટા તળાવો હતા. હું મારા દાદા સાથે એક તળાવથી બીજે તળાવ જતો. અમે એક સ્વિંગ બાસ્કેટ સાથે લઈ જતા, એની મદદથી અમે પાણી ઉપાડતા અને માછલીઓ પકડતા. અમે ઝરણામાંથી પણ માછલીઓ પકડતા, માછલીઓને ફસાવવા અમે પ્રલોભન (બેઈટ) વાપરતા.
અમ્મા અમને ભૂતની વાર્તાઓ કહીને ડરાવતી જેથી અમે વહેતા પાણીની નજીક ન જઈએ, પરંતુ તળાવોમાં હંમેશા પાણી વહેતુ રહેતું, અને અમે હંમેશા પાણીની આસપાસ જ રહેતા. હું ગામના બીજા છોકરાઓ સાથે માછલીઓ પકડવા જતો. હું 10 મા ધોરણમાં પાસ થયો એ વખતે પાણીની અછત ઊભી થઈ હતી, તળાવોના સ્તરમાં ઘટાડો થયો હતો અને ખેતીને પણ અસર પહોંચી હતી.
અમારા ગામ જવાહરલાલપુરમમાં ત્રણ તળાવ હતા - એક મોટું તળાવ, એક નાનું તળાવ અને મારુતંકુલમ તળાવ. મારા ઘર પાસેના મોટા તળાવ અને નાના તળાવ હરાજી કરીને ગામના લોકોને ભાડાપટે આપવામાં આવ્યા હતા. તેઓ તેમાં માછલીઓ ઉછેરતા અને તે જ તેમની આજીવિકા હતી. બંને તળાવોમાંથી તાઈ મહિનામાં (મધ્ય-જાન્યુઆરીથી મધ્ય ફેબ્રુઆરીમાં) માછલીઓ પકડવામાં આવતી - તાઈ મહિનો માછીમારીની મોસમ ગણાય છે.
મારા પિતા તળાવોની માછલીઓ ખરીદવા જતા ત્યારે હું તેમની સાથે જતો. સાયકલની પાછળ એક સ્ટોરેજ બોક્સ બાંધેલું રહેતું અને અમે માછલીઓ ખરીદવા ઘણા ગામડાઓમાં જતા, કેટલીકવાર તો 20-30 કિલોમીટર દૂર સુધી.


































