MH34AB6880 નંબર પ્લેટવાળી સુધારા કરેલી મહિન્દ્રાની એક ભારવાહક ગાડી ગામના વ્યસ્ત ચોક પર આવીને અટકે છે, જે ગામ 2920 મેગાવોટના સુપર થર્મલ પાવર સ્ટેશન, કોલસાની વૉશરીઝ (ધોવાણ કેન્દ્રો), રાખના ઢગલા અને ચંદ્રપુરની બહારના ગાઢ ઝાડના જંગલની વચ્ચે આવેલું છે.
વાહનની બંને બાજુએ નારાઓ અને છબીઓ સાથેના રંગીન અને આકર્ષક પોસ્ટરો ચોંટાડવામાં આવ્યા છે. તે ઓક્ટોબર 2023ની શરૂઆતમાં એક રવિવારની સવારે આખા ગામનું ધ્યાન ખેંચે છે; બાળકો, પુરુષો અને સ્ત્રીઓ કોણ આવ્યું છે તે જોવા માટે ત્યાં દોડી આવે છે.
વિઠ્ઠલ બદખલ વાહનમાંથી બહાર નીકળે છે − તેમની બાજુમાં એક ડ્રાઈવર અને એક સહાયક છે. 70 વર્ષીય વિઠ્ઠલ તેમના જમણા હાથમાં માઇક્રોફોન અને તેમની ડાબા હાથમાં ભૂરી ડાયરી પકડીને ઉભેલા છે. સફેદ ધોતી, સફેદ કુર્તો અને સફેદ નહેરુ ટોપીમાં સજ્જ તેઓ માઈકમાં વાત કરવાનું શરૂ કરે છે, જે વાહનના આગળના દરવાજા પર લગાવેલા લાઉડસ્પીકર સાથે જોડાયેલું છે.
તેઓ સૌપ્રથમ તો તેમના અહીં આવવાનું કારણ સમજાવે છે. તેમનો અવાજ આ 5,000 લોકોની વસ્તી ધરાવતા ગામના ખૂણા-ખૂણાઓમાં ગુંજી રહ્યો છે, જ્યાં મોટાભાગના લોકો ખેડૂત છે અને અન્ય લોકો નજીકના કોલસાના એકમો અથવા નાના ઉદ્યોગોમાં દૈનિક વેતનનું કામ કરે છે. ભાષણ પાંચ મિનિટ સુધી ચાલે છે અને જ્યારે તે સમાપ્ત થાય છે, ત્યારે બે અનુભવી ગ્રામવાસીઓ સ્મિત સાથે તેમનું સ્વાગત કરે છે.
ગામના મુખ્ય ચોકમાં નાની કરિયાણાની દુકાન ચલાવતા 65 વર્ષીય ખેડૂત હેમરાજ મહાદેવ દિવસ કહે છે, “અરે મામા, નમસ્કાર, યા બાસા (નમસ્તે કાકા, શુભેચ્છાઓ! મહેરબાની કરીને આવો, બેસો).”
બદખલ મામા હાથ જોડીને જવાબ આપે છે, “નમસ્કાર જી.”


















