અશોક જાટવ એક હાલતો ચાલતો ને છતાં મરેલો માણસ છે.
45 વર્ષીય અશોક અન્ય કોઈ પણ સામાન્ય માણસની જેમ દરરોજ સવારે ઊઠે છે. તેઓ બીજા મજૂરોની જેમ કામ પર જાય છે અને બીજાના ખેતરોમાં મહેનત કરે છે. તેઓ બીજા કામદારોની જેમ રોજ દહદિયું કરીને સાંજે ઘેર પાછા ફરે છે. પણ તેમના અને બીજા લોકો વચ્ચે ફક્ત એક જ તફાવત છેઃ સત્તાવાર રીતે, અશોક મૃત્યુ પામેલા છે.
જુલાઈ 2023માં, ખોરઘરના રહેવાસી અશોકને ખબર પડી કે તેમને છેલ્લા બે વર્ષથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હેઠળ 6,000 રૂપિયા મળ્યા નથી. વર્ષ 2019માં કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલ આ યોજનામાં ખેડૂતોને લઘુતમ આવક સહાય તરીકે દર વર્ષે 6,000 રૂપિયા મળે છે.
સહાય પેટે મળતા નાણાં પ્રથમ બે વર્ષ માટે તો નિયમિતપણે જમા કરવામાં આવતા હતા. પછી અચાનક તે બંધ થઈ ગયા. તેમણે વિચાર્યું કે કોઈ ભૂલના લીધે આવું થયું હશે અને સરકાર આ ભૂલ સુધારી લેશે. અશોકની વાત સાચી હતી. તે ખરેખર એક ભૂલ હતી. પણ એવી નહીં જેવી તેઓ માનતા હતા.
જ્યારે તેમને સહાય મળતી કેમ બંધ થઈ ગઈ તે જાણવા માટે તેઓ જિલ્લા કલેક્ટર કચેરીમાં ગયા, ત્યારે કમ્પ્યુટર પર બેસેલા વ્યક્તિએ ડેટા જોયો અને તેમને જણાવ્યું કે તેઓ તો 2021માં કોવિડ−19 દરમિયાન તેઓ મૃત્યુ પામ્યા છે. અશોકને એ સમયે હસવું કે રડવું એ જ સમજાયું નહીં. “મુજે સમજ નહીં આયા ઇસપે ક્યા બોલુ [મને આવી વાતમાં શું બોલવું એ જ ખબર નહોતી].”







