ટોપલીના તળિયે વાંસની પાતળી પટ્ટીઓ લગાવતાં લગાવતાં આસામના દારંગ જિલ્લાના નૉ–માટી ગામમાં વાંસની ટોપલી બનાવનાર માઝેદા બેગમ કહે છે, “જો આ વ્યવસાય ખતમ થઈ જશે, તો મારી પાસે બીજા રાજ્યમાં જવા સિવાય કોઈ વિકલ્પ બાકી નહીં રહે.”

આ 25 વર્ષીય શિલ્પકાર એક દૈનિક વેતન કામદાર અને એકલ માતા છે, જેઓ તેમના 10 વર્ષીય પુત્ર અને બીમાર માતાને ટેકો આપે છે. સ્થાનિક મિયા બોલીમાં તેઓ કહે છે, “હું આમ તો એક દિવસમાં 40 ખાસા [ટોપલી] બનાવી શકું છું, પરંતુ હવે હું માત્ર 20 ટોપલીઓ જ વણું છું.” માઝેદા દર 20 ટોપલી વણીને 160 રૂપિયા કમાય છે, જે રાજ્યના 241.92ના નિર્ધારીત લઘુતમ વેતન કરતાં ઘણું ઓછું છે ( વર્ષ 2016 માટે લઘુતમ વેતન અધિનિયમ, 1948 પરનો અહેવાલ ).

વાંસની વધતી કિંમતો અને અહીંની શાકભાજીની મંડીઓમાં ટોપલીની ઘટતી માંગ આ બંને કારણોસર વાંસની ટોપલીઓના વેચાણમાંથી મળતા વળતરને અસર થઈ છે. દારંગમાં આસામની બે સૌથી મોટી મંડીઓ આવેલી છેઃ બેચિમારી અને બાલુગાંવ જ્યાંથી સમગ્ર ઉત્તરપૂર્વમાં અને છેક દિલ્હી સુધી કૃષિ પેદાશોનો પુરવઠો પૂરો પાડવામાં આવે છે.

માઝેદાનો સ્થળાંતર થવા માટે મજબૂર હોવાનો ભય વાસ્તવિક છેઃ અમને સ્થાનિક મદ્રેસા નજીક સ્થિત વોર્ડ A ની આસપાસનો વિસ્તાર બતાવતાં 39 વર્ષીય હનીફ અલી કહે છે, અહીંના લગભગ 80 થી 100 પરિવારો “વધુ સારા કામ”ની શોધમાં પહેલેથી જ અહીંથી જતા રહ્યા છે. એક સમયે આશરે 150 પરિવારો વાંસની કળામાં સંકળાયેલા હતા, પરંતુ હવે ઘણા ઘરો ખાલી છે કારણ કે કારીગરો કોફીના બગીચાઓમાં કામ કરવા માટે કેરળ અને કર્ણાટક જેવા અન્ય રાજ્યોમાં સ્થળાંતર કરી ગયા છે.

PHOTO • Mahibul Hoque
PHOTO • Mahibul Hoque

ડાબેઃ આસામના દારંગ જિલ્લાના નૉ–માટી ગામમાં આવેલાં માઝેદા બેગમ વાંસની ટોપલી વણે છે. તેઓ એક દિવસમાં 40 ટોપલીઓ બનાવી શકે છે પરંતુ હવે ઘટતી માંગને કારણે તેમાંથી અડધી જ બનાવે છે. જમણેઃ હનીફ અલી ટોલી બનાવવાની પ્રક્રિયા અથવા ટોપલીનો પાયો બતાવે છે જે વણાટની પ્રક્રિયામાં પ્રથમ પગલું છે

PHOTO • Mahibul Hoque
PHOTO • Mahibul Hoque

ડાબેઃ પોતાના પરિવારનો વાંસની ટોપલીનો વ્યવસાય ચલાવતા સિરાજ અલી કહે છે કે પ્લાસ્ટિકનાં કન્ટેનર તેમની ટોપલીઓની માંગમાં ઘટાડા માટે જવાબદાર છે. જમણેઃ જમીલા ખાતૂન અન્ય રાજ્યોમાં સ્થળાંતર કરી શકે તેમ નથી કારણ કે તેમનાં બે બાળકો ગામની શાળામાં ભણવા જાય છે

કોવિડ–19 લૉકડાઉન પછી વેચાણમાં તીવ્ર ઘટાડો થયો છે. સિરાજ અલી કહે છે, “અગાઉ અમે દર અઠવાડિયે 400 થી 500 ખાસા વેચતા હતા, પરંતુ હવે અમે માત્ર 100 થી 150 જ વેચી શકીએ છીએ.” 28 વર્ષીય સિરાજ પોતાના પરિવારનો વાંસની ટોપલીનો વ્યવસાય ચલાવે છે. તેઓ ઉમેરે છે, “શાકભાજીના વેપારીઓએ મહામારી દરમિયાન તેમના ઉત્પાદનોને પેક કરવા અને સંગ્રહિત કરવા માટે પ્લાસ્ટિકની ટ્રે અને કોથળીઓનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું હતું. અમે તે સમય દરમિયાન અમારી ટુકરીઓ [વાંસની નાની ટોપલીઓ] વેચી શક્યા ન હતા.”

સિરાજ તેમના પાંચ સભ્યોના પરિવાર સાથે વોર્ડ Aમાં રહે છે. તેઓ કહે છે, “અમે બધાં કામ કરતાં હોવા છતાં, અમે અઠવાડિયામાં માત્ર 3,000 થી 4,000 રૂપિયા જ કમાઈ શકીએ છીએ. મજૂરોને વેતન ચૂકવ્યા પછી, અને વાંસની ખરીદીનો ખર્ચ કાઢ્યા પછી, મારા પરિવારની દૈનિક કમાણી ઘટીને 250–300 રૂપિયા થઈ જાય છે.” આના પરિણામે, તેમના વિસ્તૃત પરિવારના ઘણા સભ્યો કોફી એસ્ટેટમાં કામ કરવા માટે કર્ણાટક સ્થળાંતર કરી ગયા છે. તેઓ કહે છે, “જો આ રીતે ચાલતું રહ્યું તો મારે પણ જવું પડશે.”

પરંતુ દરેક જણ આ રીતે રાજ્ય છોડીને જઈ શકતું નથી. અન્ય એક ટોપલી બનાવનાર 35 વર્ષીય જમીલા ખાતૂન, તેમના ઘરમાં બેસીને કહે છે, “હું કેરળ [પ્રવાસી તરીકે] જઈ શકું તેમ નથી, કારણ કે મારા બે બાળકો અહીં શાળાએ ભણવા જાય છે.” ગામના અન્ય ઘરોની જેમ તેમના ઘરોમાં પણ શૌચાલય કે ગેસ સિલિન્ડરનું જોડાણ નથી. નૉ–માટીના આ રહેવાસી ઉમેરે છે, “અમને ખાનગી શાળાઓમાં બાળકોને ભણાવવાં પોસાય તેમ નથી. તેથી જો અમે સ્થળાંતર કરીશું, તો બાળકોનું શિક્ષણ બરબાદ થઈ જશે.”

ગામમાં વાંસની ટોપલી બનાવનારા મોટે ભાગે હાલના બાંગ્લાદેશના મૈમનસિંહથી સ્થળાંતર કરીને આવેલા લોકોના વંશજો છે, જેમણે વસાહતી શાસન દરમિયાન જ્યારે તે અવિભાજિત બંગાળનો એક ભાગ હતો ત્યારે પોતાનું ઘર છોડી દીધું હતું. ‘મિયા’ શબ્દનો શાબ્દિક અર્થ ‘સજ્જન’ થાય છે, જેનો ઉપયોગ ઘણીવાર આસામી વંશીય–રાષ્ટ્રવાદીઓ દ્વારા આ બંગાળી–ભાષી સમુદાયને રાજ્યમાં “ગેરકાયદેસર વસાહતીઓ” તરીકે વર્ણવવા માટે કરવામાં આવે છે.

PHOTO • Mahibul Hoque
PHOTO • Mahibul Hoque

ડાબેઃ નૉ–માટી ગામ વાંસની ટોપલીના વણાટકારોનું કેન્દ્ર છે, જેમાંથી મોટાભાગના મિયા સમુદાયના છે. જમણેઃ મિયારૂદ્દીન નાની ઉંમરથી ટોપલીઓ વણે છે. તેઓ વાંસની ટોપલીઓ વેચીને તેમના પાંચ સભ્યોના પરિવારનું ગુજરાન ચલાવે છે

PHOTO • Mahibul Hoque
PHOTO • Mahibul Hoque

પાયો (ડાબે) ટોપલીનું કદ નક્કી કરે છે. એક વાર પાયો બની જાય પછી , સ્ત્રીઓ તેમાં (જમણી) પાતળી પટ્ટીઓ વણવાનું શરૂ કરે છે

ગુવાહાટીથી લગભગ 110 કિલોમીટર દૂર આવેલું નૉ–માટી ગામ દારંગ જિલ્લામાં વાંસની હસ્તકલાનું કેન્દ્ર છે, જ્યાં પરંપરાગત રીતે સ્થાનિક રીતે ખાસા તરીકે ઓળખાતી વાંસની ટોપલીઓ વણાટ કરાય છે. કાદવવાળા રસ્તાઓ અને ગલીઓ આશરે 50 પરિવારોના બે સમૂહો તરફ દોરી જાય છે, જ્યાં આ બંગાળી ભાષી મુસ્લિમો તંગાની નદીના પૂરના મેદાનો પર વાંસની અથવા ટીનની દિવાલોવાળા ગીચ ઘરોમાં તો કેટલાક નક્કર ઘરોમાં રહે છે.

આ વિસ્તારનું નામ − ખસાપટ્ટીનો અર્થ થાય છે, ‘વાંસની ટોપલીઓનો વિસ્તાર’ અને અહીંના મોટાભાગના ઘરો વાંસની ટોપલીઓથી જ ઘેરાયેલા છે. તેઓ ચપોરી ક્લસ્ટરમાં તેમના ઘરની બહાર ટોપલી બનાવતાં 30 વર્ષીય મુર્શિદા બેગમ કહે છે, “મારો જન્મ થયો ત્યારથી અમારા વિસ્તારના લોકો લાલપૂલ, બેચિમારી અને બાલુગાંવની મંડીઓમાં દૈનિક અને સાપ્તાહિક શાકભાજી બજારોમાં વાંસની ટોપલીઓ પૂરી પાડે છે.”

હનીફના પરિવારની ત્રણ પેઢીઓ આ વેપાર સાથે સંકળાયેલી છે. “ખાસાપટ્ટીની વાત માંડો અને લોકોને તરત જ ખબર પડી જશે કે તમે આ ગામની વાત કરી રહ્યા છો. જો કે, ગામની દરેક વ્યક્તિ આ કળામાં રોકાયેલી નથી, પરંતુ અહીંથી જ ખાસા વણકરોની પ્રથમ પેઢીએ તેમનું કામ શરૂ કર્યું હતું.”

હનીફ ગામમાં વાંસના કારીગરોનું એક સ્વ–સહાય જૂથ (એસ.એચ.જી.) બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેથી આ કળાને ટકાવી રાખવા માટે સરકારી સહાય મેળવી શકાય. તેમને આશા છે કે, “જો સરકાર અમને વર્કશોપ સ્થાપિત કરવા માટે તકનીકી અને નાણાકીય મદદ પૂરી પાડશે, તો આ કળા ટકી રહેશે.”

આ કળામાં મુખ્યત્વે મુસ્લિમ સમુદાયના કારીગરો રોકાયેલા છે, તેઓ કહે છે કે તેઓ જમીનવિહોણા હતા અને ખેતી કરી શકતા ન હતા તેથી તેમણે આ કળા અપનાવી હતી. 61 વર્ષીય ટોપલી વણકર અને વોર્ડ A ના સામાજિક કાર્યકર અબ્દુલ જલીલ કહે છે, “વાંસની ટોપલીઓ શાકભાજીના વેપારની સાંકળનો એક અભિન્ન ભાગ છે, કારણ કે આ પ્રદેશ કૃષિ પર નિર્ભર છે.”

તેઓ સમજાવે છે, “સ્થાનિક લોકોને તેમની પેદાશોને બજારોમાં લઈ જવા માટે ટુકરીની જરૂર હતી અને વિક્રેતાઓને પરિવહન માટે શાકભાજીનું પેકેજ કરવા માટે આની જરૂર હતી. તેથી, અમે પેઢીઓથી આ ટોપલીઓ બનાવી રહ્યા છીએ.”

PHOTO • Mahibul Hoque
PHOTO • Mahibul Hoque

ડાબેઃ મુર્શિદા બેગમના વિસ્તારના ઘણા પરિવારો કર્ણાટક અને કેરળ જેવા અન્ય રાજ્યોમાં સ્થળાંતર કરી ગયા છે. જમણેઃ ટોપલી બનાવનાર અને સામાજિક કાર્યકર અબ્દુલ જલીલ કહે છે, ‘અમે આ કામમાં અમારું લોહી અને પરસેવો એક કરી નાખીએ છીએ , તેમ છતાં અમને યોગ્ય કિંમત નથી મળતી’

PHOTO • Mahibul Hoque
PHOTO • Mahibul Hoque

ડાબેઃ મુન્સેર અલી બે દાયકા કરતાંય વધુ સમયથી ટોપલી બનાવનારાઓને વાંસ વેચી રહ્યા છે. જમણે: વેચાણમાં ઘટાડો થયો હોવાથી , ટોપલીઓ વણકરોના ઘરમાં પડી રહે છે

આ કામદારો કહે છે કે વાંસની ટોપલીઓના ઊંચા ભાવો કાચા માલની ખરીદીમાં થતા ઊંચા ખર્ચને પણ આભારી છે. ચપોરી ક્લસ્ટરના 43 વર્ષીય વાંસના કારીગર અફાજ ઉદ્દીન કહે છે કે 50 રૂપિયાની દરેક ટોપલી માટે, તેમણે વાંસ, દોરી, વણકરોની ચૂકવણી અને સ્થાનિક પરિવહનને બધું મેળવીને લગભગ 40 રૂપિયા ખર્ચ કરવો પડે છે.

મુન્સેર અલી બે દાયકા કરતાં વધુ સમયથી વિવિધ સ્થળોએથી વાંસ મેળવે છે અને બેચિમારી બજારમાં તેનું વેચાણ કરે છે. 43 વર્ષીય મુન્સેર અલી કહે છે કે આમાં પરિવહન મુખ્ય અવરોધ છે. મોટર વાહન (સુધારા) અધિનિયમ, 2019 વાહનને ઓવરલોડ કરવા બદલ 20,000 રૂપિયા અને દર ટન દીઠ વધારાના વજન માટે 2,000 રૂપિયાનો દંડ લાદે છે.

આસામની હસ્તકલા નીતિ ( 2022 ), જો કે, નક્કી કરે છે કે વાંસ લાવવાની જવાબદારી રાજ્ય વાંસ મિશન, વન વિભાગની અન્ય એજન્સીઓ અને પંચાયતોની છે.

કિંમતોમાં વધારો થવાથી, મુન્સેર અલીએ તેમના મુખ્ય ગ્રાહકો − વાંસની ટોપલી બનાવનારાઓને − ગુમાવ્યા છે. તેઓ કહે છે, “તેમણે વાંસની દરેક લાકડી 130–150 રૂપિયામાં ખરીદવી પડે છે. જો તેમણે તે 100 રૂપિયામાં વેચવી પડે, તો શું અર્થ રહ્યો?”

*****

અબ્દુલ જલીલ કહે છે કે ખાસા બનાવવાની લાંબી પ્રક્રિયાની શરૂઆત વાંસ મેળવવાની સાથે થાય છે. “લગભગ 20 કે 30 વર્ષ પહેલાં, અમે દારંગનાં ગામડાંમાં વાંસ લેવા જતા હતા. પરંતુ વાંસના વાવેતરમાં ઘટાડા સાથે અહીં તેની અછત સર્જાઈ હોવાથી, વેપારીઓએ કાર્બી આંગલોંગ અને લખીમપુર જિલ્લાઓ જેવા વિવિધ સ્થળોએથી અથવા અરુણાચલ પ્રદેશ અને અન્ય પર્વતીય વિસ્તારોમાંથી તેનો પુરવઠો આપવાનું શરૂ કર્યું છે.”

વીડિઓ જુઓઃ આસામના લુપ્ત થઈ રહેલા વાંસની ટોપલી બનાવનારા

નૉ–માટી ગામમાં ઘણા પરિવારો વાંસની કળામાં સામેલ હતા. હવે મકાનો ખાલી પડી ગયા છે, કારણ કે કારીગરો કોફીના બગીચાઓમાં કામ કરવા માટે કેરળ અને કર્ણાટકમાં સ્થળાંતર કરી ગયા છે

એક વાર વાંસને ટોપલી બનાવનારના ઘરે લાવવામાં આવે, ત્યારે પરિવારના માણસો ટોપલીનો પાયો બનાવવા માટે તળિયેથી 3.5 ફૂટથી 4.5 ફૂટ સુધીની વિવિધ કદના પટ્ટીઓ કાપે છે. 8, 12 અથવા 16 ફૂટની પટ્ટીઓ વચ્ચેથી કાપીને તેમાંથી જોડતી દોરીઓ બનાવવામાં આવે છે અને ટોપલીના મથાળાને સંપૂર્ણ કરવા માટે પટ્ટીઓ બનાવવા માટે ઉપલા પટ્ટાનો ઉપયોગ કરવામાં આવે છે.

પ્રમાણમાં જાડા પટ્ટાનો ઉપયોગ ટોપલીની ટોલી (પાયો અથવા ફ્રેમ) બનાવવા માટે થાય છે. જલીલ સમજાવતાં કહે છે, “ટોલી ટોપલીના કદને વ્યાખ્યાયિત કરે છે. એક વાર આધાર બનાવવામાં આવે તે પછી, સ્ત્રીઓ અને બાળકો દાંડાને વચ્ચેથી ફેરવીને તેને વણે છે. આ પટ્ટીઓને પેચની બીટી કહેવામાં આવે છે.”

તેઓ ઉમેરે છે, “ટોચ પર, વણાટની પ્રક્રિયાને સમાપ્ત કરવા માટે મજબૂત પટ્ટીઓના બે કે ત્રણ રાઉન્ડનો ઉપયોગ કરવામાં આવે છે જેને અમે પેંચની કહીએ છીએ. ટોપલીને પૂર્ણ કરવા માટે, પાયાના બાકીના છેડા તોડી નાખવામાં આવે છે અને વણાયેલા વાંસના દોરાઓમાં પરોવવામાં આવે છે. અમે આ પ્રક્રિયાને મુરી ભંગા કહીએ છીએ.”

મુર્શિદા કહે છે કે, સમગ્ર પ્રક્રિયા હાથથી કરવામાં આવે છેઃ “વાંસને જરૂરી કદમાં કાપવા માટે, અમે કરવતીનો ઉપયોગ કરીએ છીએ. અમે વાંસની દાંડી કાપવા માટે કુરહૈલ [કુહાડી] અથવા દાઓ [ધારિયું] નો ઉપયોગ કરીએ છીએ. વાંસના દોરા બનાવવા માટે અમે ખૂબ જ તીક્ષ્ણ લાકડીનો ઉપયોગ કરીએ છીએ. ટોપલીઓના ઉપરના છેડાઓને બાંધવા માટે, અમે બટાલી (છીણી) જેવા સાધનનો ઉપયોગ કરીએ છીએ, જે ટોલીરના બીટીના બાકીના છેડાઓને પેંચની બીટીમાં પરોવે છે.

મુરી ભંગા અને ટોલી ભંગાની પ્રક્રિયાની ગણતરી ન કરીએ તો દરેક ટોપલીને વણીને બનાવવામાં લગભગ 20 થી 25 મિનિટ થાય છે. સાપ્તાહિક બજારના આગલા દિવસે, સ્ત્રીઓ કેટલીકવાર શક્ય તેટલી ટોપલી બનાવવા માટે રાતે મોડે સુધી કામ કરે છે. આ કામ તેમના શારીરિક સ્વાસ્થ્ય પર અસર કરે છે.

મુર્શિદા કહે છે, “અમને કમરમાં દુખાવો થાય છે, અમારા હાથમાં ચાંઠા પડી જાય છે, અને અમને વાંસના તીક્ષ્ણ ભાગો ચુભે છે. કેટલીકવાર સોય જેવા વાંસના ટુકડા અમારી ચામડીને વીંધી નાખે છે, જેનાથી તીવ્ર પીડા થાય છે. સાપ્તાહિક બજારો પહેલાં, અમે મોડી રાત સુધી કામ કરીએ છીએ અને બીજા દિવસે, અમે પીડાને કારણે સૂઈ પણ નથી શકતાં.”

અનુવાદક: ફૈઝ મોહંમદ

Mahibul Hoque

ਮਹੀਬੁਲ ਹੱਕ ਅਸਾਮ ਅਧਾਰਤ ਮਲਟੀਮੀਡੀਆ ਪੱਤਰਕਾਰ ਅਤੇ ਖੋਜਕਰਤਾ ਹਨ। ਉਹ ਸਾਲ 2023 ਲਈ ਪਾਰੀ-ਐੱਮਐੱਮਐੱਫ ਫੈਲੋ ਹੈ।

Other stories by Mahibul Hoque
Editor : Shaoni Sarkar

ਸ਼ਾਓਨੀ ਸਰਕਾਰ ਕੋਲਕਾਤਾ ਅਧਾਰਤ ਸੁਤੰਤਰ ਪੱਤਰਕਾਰ ਹਨ।

Other stories by Shaoni Sarkar
Translator : Faiz Mohammad

Faiz Mohammad has done M. Tech in Power Electronics Engineering. He is interested in Technology and Languages.

Other stories by Faiz Mohammad