આ કૂચનું આયોજન ટ્રાન્સ સમુદાય સાથે કામ કરતી સંસ્થાઓ, નમ્મા પ્રાઇડ અને સેવન રેઇનબોઝના સમર્થનથી કરવામાં આવ્યું હતું. સમુદાયમાં આદરપૂર્વક પ્રણતિ અમ્મા તરીકે ઓળખાતાં તેઓ કહે છે, “આ વર્ષે આ અમારી બીજી કૂચ હતી અને અમને એક જ દિવસમાં પોલીસની પરવાનગી મળી ગઈ હતી [જ્યારે] ગયા વર્ષે અમને આ માટે બે અઠવાડિયાં લાગ્યાં હતાં.” તેઓ સેવન રેઇનબોઝનાં સ્થાપક છે અને તેઓ લિંગ અને જાતીયતાના મુદ્દાઓ પર ભારતભરમાં 37 વર્ષ કરતાં વધુ સમયથી કાર્યરત છે.
તેઓ કહે છે, “અમે પોલીસ સાથે વધુ સારી રીતે વાતચીત કરવાનું શીખી રહ્યાં છીએ. મૈસૂરુમાં હજુ પણ ઘણા લોકો છે જેઓ અમને સ્વીકારતા નથી અને જેઓ ઇચ્છે છે કે અમે અહીંથી જતાં રહીએ, પરંતુ અમે દર વર્ષે તેને [ગૌરવ કૂચ] વધુ મોટી અને વધુ વૈવિધ્યસભર બનાવવાની આશા રાખીએ છીએ.”
એક કિલોમીટર લાંબી કૂચ શહેરના સૌથી વ્યસ્ત બજાર વિસ્તારોમાંથી પસાર થઈ હતી. સ્થાનિક પોલીસે ટ્રાફિકનું સંચાલન કરવામાં સક્રિયપણે મદદ કરી હતી, જેનાથી ઉજવણી સરળતાથી થઈ શકી હતી. સહાયક સબ ઇન્સ્પેક્ટર વિજ્યેન્દ્ર સિંહે જણાવ્યું હતું, “અમે આ સમુદાયનું સન્માન કરીએ છીએ. અમે તેમની સાથે ચાલીએ છીએ જેથી કંઈ અનિચ્છિત ન થાય. અમે આ [ટ્રાન્સજેન્ડર] લોકોનું સમર્થન કરીએ છીએ.”
પોતાને ક્વિયર તરીકે ઓળખાવતા એક માનસિક સ્વાસ્થ્ય વ્યાવસાયિક દીપક ધનંજય કહે છે, “રૂપાંતરિત મહિલાઓ ભારતમાં એક જટિલ જગ્યા ધરાવે છે. તેમની પાસે જાદુઈ શક્તિઓ હોવાની દંતકથાઓને કારણે તેમનું કેટલુંક સાંસ્કૃતિક રક્ષણ આપવામાં આવે છે, ત્યારે તેમની સામે ભેદભાવ અને સતામણી પણ કરવામાં આવે છે. સ્થાનિક સમુદાય લોકોને [આ માટે] શિક્ષિત કરવાનું કામ કરી રહ્યો છે. માનસિકતા કંઈ રાતોરાત બદલાવાની નથી, પરંતુ જ્યારે હું આ કૂચ, ખાસ કરીને નાના શહેરોમાં, હિંસા વિના જોઉં છું, ત્યારે મારામાં આશાવાદ જન્મે છે.”
પ્રાઈડ માર્ચમાં ભાગ લેનારા 31 વર્ષીય પ્રિયાંક આશા સુકાનંદ કહે છે, “જ્યારે હું યુનિવર્સિટીમાં હતો ત્યારે મને ભેદભાવ અને દુર્વ્યવહારનો સામનો કરવો પડ્યો હતો, ત્યારે મેં મારા અધિકારોને સમર્થન આપવા અને તેમને સ્થાપવા તરફ આગળ વધવાનું નક્કી કર્યું હતું. દરેક પ્રાઈડ માર્ચ, કે જેમાં હું ભાગ લઉં છું તે મારા અને મારા જેવી પરિસ્થિતિ ધરાવતા અન્ય લોકોના તમામ સંઘર્ષોની યાદ છે, અને તેથી હું તેમના માટે કૂચ કરું છું.” બેંગલુરુના એક વિશેષ શિક્ષક અને રસોઈયા એવા પ્રિયાંક ઉમેરે છે, “અમે મૈસૂરુના એલજીબીટી સમુદાયની સાચી તાકાત જોઈ અને તે ખૂબ જ સંતોષકારક હતું.”