સ્પોર્ટ્સ એકેડેમીની પાછળથી જતા ડામરના રોડ પર લાંબી દોડની કવાયત પછી અટકતાં તેઓ કહે છે, “એક દિવસ હું ઓલિમ્પિકમાં ભારત માટે મેડલ જીતવા માંગુ છું.” તેમના થાકેલા અને ઘાયલ ઉઘાડા પગ ચાર કલાકની સખત તાલીમ પછી આખરે જમીન પર આરામ કરી રહ્યા છે.
આ 13 વર્ષીય લાંબા અંતરનાં દોડવીર આધુનિક સમયની કોઈ ફેશનમાં ઉઘાડે પગે નથી દોડતાં. તેઓ કહે છે, “હું ઉઘાડા પગે એટલા માટે દોડું છું, કારણ કે મારા માતા-પિતાને દોડવાના મોંઘા જૂતા ખરીદવા પોસાય તેમ નથી.”
વર્ષા કદમ દુષ્કાળગ્રસ્ત મરાઠવાડામાં રાજ્યના સૌથી ગરીબ જિલ્લાઓમાંના એક એવા પરભનીના ખેતમજૂરો, વિષ્ણુ અને દેવશાલાની પુત્રી છે. તેમનો પરિવાર માતંગ સમુદાયનો છે, જે મહારાષ્ટ્રમાં અનુસૂચિત જાતિ તરીકે સૂચિબદ્ધ છે.
આંખોમાં સપનાં અને મક્કમ મનવાળી વર્ષા કહે છે, “મને દોડવું ગમે છે. પાંચ કિલોમીટરની બુલદાના અર્બન ફોરેસ્ટ મેરેથોન 2021માં મારી પ્રથમ દોડ હતી. જ્યારે હું બીજા ક્રમે આવીને મારો પહેલો ચંદ્રક જીતી ત્યારે મને ખૂબ સારું લાગ્યું હતું. હું વધુ સ્પર્ધાઓ જીતવા માંગુ છું.”
જ્યારે તે માત્ર આઠ વર્ષની હતી ત્યારે જ તેના માતા-પિતાએ તેના જુસ્સાને ઓળખી કાઢ્યો હતો. “મારા મામા પરાજી ગાયકવાડ રાજ્ય કક્ષાના રમતવીર હતા. તેઓ અત્યારે સેનામાં છે. તેમને જોઈને હું પણ દોડવા લાગી હતી.” 2019માં તેમણે આંતર-શાળાની રાજ્ય-સ્તરની સ્પર્ધામાં ચાર કિલોમીટરની ક્રોસ-કન્ટ્રી દોડમાં બીજો ક્રમ મેળવ્યો હતો અને “તેનાથી મને દોડવાનું ચાલુ રાખવા માટે વધુ આત્મવિશ્વાસ મળ્યો હતો.”
















