અબ્દુલ લતીફ બજરને મે મહિનાની શરૂઆતમાં જ પોતાના 150 પ્રાણીઓ - ઘેટાં, બકરાં, ઘોડા અને એક કૂતરા- સાથે કાશ્મીરના પર્વતોમાં વધુ ઊંચાઈએ ચરાઈના મેદાનોની શોધમાં રાજૌરી જિલ્લાનું પેરી ગામ છોડી દીધું હતું. તેમણે પોતાના દીકરા તારિક અને બીજા કેટલાકને પોતાની સાથે લીધા હતા. જમ્મુના 65 વર્ષના આ પશુપાલક કહે છે, “મેં મારા કુટુંબ [પત્ની અને પુત્રવધૂ] ને નબળા પ્રાણીઓ, ખાદ્યસામગ્રી, આશ્રય અને બીજી જરૂરી ચીજવસ્તુઓ સાથે એક નાની ટ્રકમાં (આગળ) મોકલ્યા હતા."
પરંતુ બે અઠવાડિયા પછી, તેઓ કહે છે કે, "તેમને [વઈલમાં] જોઈને હું ચોંકી ગયો હતો." તેઓએ વિચાર્યું હતું કે અત્યાર સુધીમાં તેઓ તેમના મુકામ, (ભારત-પાકિસ્તાન સરહદ પર) મિનીમર્ગ, પહોંચી ગયા હશે અને ઉનાળુ શિબિર (સમર કેમ્પ) લગાવી દીધી હશે/ઉનાળો ગાળવા માટે તંબુ બાંધી દીધા હશે.
તેને બદલે તેઓ તેમના મુકામથી 15 દિવસ દૂર અટવાયેલા હતા. તેઓ કહે છે કે (ખરાબ) હવામાનને કારણે તેમને અધવચ્ચે રોકાઈ જવું પડ્યું હતું - મિનીમર્ગ પહોંચવા માટે તેમને ઝોજિલા ઘાટ પાર કરવો પડે તેમ હતું અને તેઓ ઝોજિલા ઘાટ પર બરફ ઓગળવાની રાહ જોઈ રહ્યા હતા.
જમ્મુ પ્રદેશમાં દર વર્ષે ઉનાળો નજીક આવતા ઘાસની અછત સર્જાય છે ત્યારે બકરવાલ જેવા વિચરતા પશુપાલક સમુદાયો વધુ સારા ચરાઈના મેદાનો શોધવાની આશામાં કાશ્મીર ખીણમાં સ્થળાંતર કરે છે. ત્યાં હવામાન ઠંડુ થવાની શરૂઆત થાય ત્યારે છેક ઑક્ટોબરમાં જ તેઓ પાછા ફરે છે.
પરંતુ જ્યારે વધુ ઊંચાઈએ આવેલા ચરાઈના મેદાનો બરફથી ઢંકાયેલા હોય છે ત્યારે અબ્દુલ જેવા પશુપાલકો અધવચ્ચે અટવાઈ જાય છે - તેઓ ન તો નીચે તેમના ગામમાં પાછા જઈ શકે છે કારણ કે ત્યાં (તેમના પશુઓ માટે) કોઈ ચરાઈ નથી, અને ન તો તેઓ ઉપર ઘાસના મેદાનોમાં જઈ શકે છે.
મોહમ્મદ કાસિમ પણ એ જ મૂંઝવણમાં છે, તેઓ ઉપરની તરફ આગળ વધી શકે તે પહેલાં જ કમોસમી ગરમીને કારણે તેમના પશુઓ મૃત્યુ પામતા તેમને વધારાનું નુકસાન વેઠવું પડ્યું હતું. 65 વર્ષના કાસિમ કહે છે, “ગરમી વધે છે ત્યારે સામાન્ય રીતે અમારા ઘેટાં-બકરાંને તાવ આવે છે અને ઝાડા થાય છે, પરિણામે તેઓ ખૂબ નબળા પડી જાય છે. એનાથી તેમનું મૃત્યુ પણ થઈ શકે છે."
જમ્મુના રાજૌરી જિલ્લાના આંધ ગામના બકરવાલ કાસિમે તેમની મુસાફરી થોડી મોડી શરૂ કરી હતી કારણ કે ઉનાળાની શરૂઆતમાં અણધારી ગરમીને કારણે તેમના ઘણા પશુઓ બીમાર પડી ગયા હતા અને ગરમીને કારણે જ તેમના 50 ઘેટાં-બકરાં મૃત્યુ પામ્યા હતા.
તેઓ કહે છે કે (હવામાન સામાન્ય થવાની) રાહ જોતી વખતે તેઓ એક વિચરતા પશુપાલક સાથી લિયાકત સાથે ફોન દ્વારા સંપર્કમાં હતા અને તેમની પાસેથી હવામાન વિષે જાણકારી મેળવતા રહ્યા હતા, લિયાકત અગાઉથી જ કાશ્મીર ખીણમાં પહોંચી ગયા હતા. "જવાબ હંમેશા એ જ હતો કે હવામાન ખરાબ છે." લિયાકતનો સંપર્ક સાધવાનું મુશ્કેલ હતું કારણ કે ત્યાં ભાગ્યે જ કોઈ મોબાઈલ નેટવર્ક મળે છે.
ખીણમાં હજી પણ બરફ (પડી રહ્યો) છે એ સાંભળીને કાસિમ પોતાનું ગામ છોડતા અચકાતા હતા, ખાસ કરીને ગરમીથી તેમના પશુઓમાં પહેલેથી જ નબળાઈ આવી ગઈ હતી એ કારણે. તેઓ કહે છે કે ઘેટાં તેમના ઊનને કારણે થોડેઘણે અંશે ઠંડા હવામાનનો સામનો કરી શકે છે, પરંતુ બકરીઓ ખૂબ ઠંડુ હવામાન સહન કરી શકતી નથી અને મૃત્યુ પામી શકે છે.
પરંતુ ઘણા દિવસો સુધી રાહ જોયા પછી તેમની પાસે તેમના પશુઓને ટ્રકમાં લાદીને વઈલમાં બીજા બકરવાલ પરિવારો સાથે જોડાવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો ન હતો. જમ્મુ વધુ ગરમ થઈ રહ્યું હતું અને તેઓ ચિંતિત હતા. તેઓ યાદ કરતા કહે છે કે મેં વિચાર્યું હતું કે, "જો હું તેમને અહીંથી ઝડપથી નહીં ખસેડું તો હું એ બધાંયને ગુમાવી બેસીશ."
તેઓ પહેલેથી જ નિર્ધારિત સમય કરતા બે અઠવાડિયા પાછળ હતા પરંતુ હવે કાસિમ કોઈ વધુ જોખમ ઉઠાવવા માગતા ન હતા, તેમણે કહ્યું, "મેં મારા પશુઓને કાલાકોટથી ગાંદરબલ [229 કિલોમીટર] લઈ જવા માટે 35000 રુપિયા ચૂકવ્યા હતા."
પોતાના પશુઓની સલામતીને પ્રાથમિકતા આપવાને કારણે અબ્દુલ પણ મિનીમર્ગ પહોંચવામાં પણ એક મહિનો મોડા પડ્યા હતા. "આ વર્ષે [અમે મોડા પડ્યા હતા] કારણ કે કાશ્મીરના ઉચ્ચ પ્રદેશોમાં હજી પણ બરફ છે." આખરે 12 મી જૂને આ પરિવાર અને તેમના પશુઓના ટોળાં મિનીમર્ગ પહોંચ્યા હતા.
અબ્દુલના પશુઓ માટે માત્ર બરફ જ નહીં પરંતુ ઉપર જવાના રસ્તે થયેલો ભારે વરસાદ પણ વિનાશક સાબિત થયો. તેઓ કહે છે, "દક્ષિણ કાશ્મીરના શોપિયાં વિસ્તારમાં અચાનક આવેલા પૂરમાં મેં 30 ઘેટાં ગુમાવ્યા." આ વર્ષે મિનીમર્ગ જવાના રસ્તે આ દુર્ઘટના બની હતી. "અમે શોપિયાં જિલ્લાના મુગલ રોડથી આવી રહ્યા હતા અને અચાનક વરસાદ શરૂ થયો, જે પાંચ દિવસ સુધી ચાલુ રહ્યો."
બાળપણથી જ દર ઉનાળામાં જમ્મુથી કાશ્મીર સ્થળાંતર કરનાર અબ્દુલ કહે છે કે તેમણે મેના અંતમાં અને જૂનની શરૂઆતમાં આવી આત્યંતિક હવામાનની ઘટનાઓ ક્યારેય જોઈ નથી. તેઓ કહે છે કે સારું થયું કે તેમના પરિવારે થોડા દિવસો માટે વઈલમાં રોકાઈ જવાનું પસંદ કર્યું અને પર્વત ઉપર જવાની ઉતાવળ ન કરી. તેઓ કહે છે, "તેઓ [મિનીમર્ગના રસ્તે] વિશાળ ઝોજિલા પાર કરે ત્યારે હું વધુ ઘેટાં ગુમાવવા માંગતો ન હતો."
વિચરતા પશુપાલક સમુદાયોનો (આવવા-જવાનો) પરંપરાગત રસ્તો શોપિયાં થઈને જૂના મુગલ માર્ગ પરથી પસાર થાય છે.
અબ્દુલ કહે છે કે જ્યારે તેઓને ઘાસના મેદાનોને બદલે બરફ જોવા મળે છે ત્યારે “અમે આશરો અથવા તંબુ બાંધવાની જગ્યા શોધીએ છીએ. અમે સામાન્ય રીતે નજીકના મોટા ઝાડ અથવા ડોકા [માટીના ઘરો] શોધીએ છીએ. જો તમે નસીબદાર હો તો તમને કંઈક મળી જાય, નહીં તો તમારે ખુલ્લામાં તંબુ બાંધવા પડે અને વરસાદમાં ભીંજાવું પડે." તેઓ કહે છે કે આવામાં શક્ય તેટલા વધુ પશુઓને બચાવવા એ એક સમસ્યા છે, "સબકો અપની ઝિંદગી પ્યારી હૈ [દરેકને પોતાના જીવ વહાલો છે]."
સામાન્ય રીતે પશુપાલકો થોડા અઠવાડિયા માટે પૂરતી ખાદ્ય સામગ્રી સાથે લઈ જાય છે, પરંતુ હાડ ગાળી નાખે એવી કડકડતી ઠંડીમાં શુદ્ધ પાણી મેળવવું એક પડકાર બની રહે છે. તારિક અહમદ કહે છે, “જો અમે આત્યંતિક હવામાનની પરિસ્થિતિઓમાં અટવાઈ ગયા હોઈએ તો અમે જે મુખ્ય સમસ્યાનો સામનો કરીએ છીએ તે છે પાણીની અછત. બરફ પડે તો પાણી શોધવું અમારે માટે મુશ્કેલ બની જાય છે અને પછી અમે શુદ્ધ કે અશુદ્ધ જે મળે તે પાણીની શોધ કરીએ છીએ અને તેને પીવા યોગ્ય બનાવવા માટે ઉકાળીએ છીએ."
બીજા બકરવાલો કહે છે કે તેઓ પણ આ વર્ષે ખીણ તરફ મોડા આગળ વધી રહ્યા છે. અબ્દુલ વહીદ કહે છે, “અમે આ વર્ષે 1 લી મે [2023] ના રોજ રાજૌરીથી અમારી મુસાફરી શરૂ કરી હતી પરંતુ બરફ ઓગળવાની રાહ જોતા 20 દિવસ સુધી અમે પહેલગામમાં અટવાઈ ગયા હતા. 35 વર્ષના આ બકરવાલ (અબ્દુલ) તેમના સમુદાયના પશુપાલકોના જૂથનું નેતૃત્વ કરે છે અને તેમનું જૂથ લિદર ખીણમાંથી કોલાહોઈ ગ્લેશિયર તરફ જઈ રહ્યું હતું.
આ માર્ગે મુસાફરી પૂરી કરવામાં તેમને સામાન્ય રીતે 20-30 દિવસ લાગે છે, પરંતુ હવામાનની સ્થિતિના આધારે આ સમયગાળો બદલાઈ શકે છે. 28 વર્ષના શકીલ અહમદ બરગડ કહે છે, "હું મારી સાથે લાવેલા 40 ઘેટાંમાંથી આઠ તો પહેલેથી જ ગુમાવી ચૂક્યો છું." તેમણે 7 મી મેના રોજ વઈલમાં પોતાનો તંબુ નાખ્યો હતો કારણ કે તેઓ જ્યાં જઈ રહ્યા હતા એ સોનમર્ગના બાલટાલમાં હજી બરફ ઓગળ્યો ન હતો. બાલટાલથી તેઓ ઝોજિલામાં ઝીરો પોઈન્ટ જશે, જ્યાં તેઓ આગામી ત્રણ મહિના સુધી બીજા કેટલાક બકરવાલ પરિવારો સાથે રહી પોતાના પશુઓ ચરાવશે. શકીલને તેમના વધુ પશુઓ ગુમાવવાનો ડર છે, આ ડરનું કારણ આપતા તેઓ કહે છે કે "અમે જે વિસ્તારમાં જઈ રહ્યા છીએ ત્યાં હિમપ્રપાતની સંભાવના છે."
ગયા વર્ષે અચાનક આવેલા પૂરમાં શકીલના એક મિત્ર ફારૂકે પોતાનો આખો પરિવાર અને તમામ પ્રાણીઓ ગુમાવ્યા હતા એ ઘટના શકીલ યાદ કરે છે.
બકરવાલ માટે કમોસમી વરસાદ અને બરફ પડવાનો અનુભવ એ નવી વાત નથી. તારિક 2018 ની એક ઘટના યાદ કરે છે જ્યારે મિનિમર્ગમાં અચાનક બરફ પડવા લાગ્યો હતો. 37 વર્ષના આ પશુપાલક કહે છે, "અમે સવારે ઉઠ્યા ત્યારે લગભગ 2 ફીટ બરફ જોઈને અમે ચોંકી ગયા હતા અને તંબુઓના તમામ દરવાજા બરફને કારણે બંધ થઈ ગયા હતા." તેઓ ઉમેરે છે કે બરફ દૂર કરવા માટે કોઈ સાધનો ઉપલબ્ધ ન હોવાથી, "અમારી પાસે જે કંઈ વાસણો હતા એનાથી અમારે બરફ દૂર કરવો પડ્યો હતો."
તેઓ તેમના પશુઓની તપાસ કરવા તંબુની બહાર નીકળી શક્યા ત્યાં સુધીમાં તો ઘણા પશુઓ મૃત્યુ પામ્યા હતા. તારિક યાદ કરે છે, "અમે ઘેટાં, બકરા, ઘોડા અને કૂતરા પણ ગુમાવ્યા કારણ કે તેઓ બહાર રહ્યા અને ભારે હિમવર્ષામાં બચી ન શક્યા કારણ કે તેઓ [તંબુની] બહાર રહ્યા હતા."
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક