"મેં હમણાં જ ઓરિએન્ટલ શમાનો અવાજ સાંભળ્યો."
મિકા રાય ઉત્સાહિત છે. તે ઓરિએન્ટલ શમાના અવાજને સુરીલા કલરવ તરીકે વર્ણવે છે.
પરંતુ તેમના ઉત્સાહમાં આ નાનકડા કાળા, સફેદ અને પીળી પાંખવાળા પક્ષી વિશેની ચિંતા પણ ભળેલી છે. અરુણાચલ પ્રદેશના ઈગલનેસ્ટ વન્યજીવ અભયારણ્ય (વાઈલ્ડલાઈફ સેન્ચ્યુરી) માં છેલ્લા એક દાયકાથી પક્ષીઓનું નિરીક્ષણ કરી રહેલા 30 વર્ષના આ ક્ષેત્રીય કર્મચારી (ફિલ્ડ સ્ટાફ) કહે છે, "તે સામાન્ય રીતે નીચે [900 મીટરની ઊંચાઈએ] જોવા મળે છે, પરંતુ છેલ્લા કેટલાક વખતથી હું તેને અહીં [2000 મીટરની ઊંચાઈએ] સાંભળી રહ્યો છું."
અહીંના સ્થાનિક રહેવાસી મિકા, છેલ્લા 10 વર્ષથી અરુણાચલ પ્રદેશના પશ્ચિમ કમેંગ જિલ્લાના ઉષ્ણકટિબંધીય પર્વતીય (મોન્ટેન) જંગલોમાં જોવા મળતા પક્ષીઓની પ્રજાતિઓનો અભ્યાસ કરી રહેલ વૈજ્ઞાનિકો, સંશોધકો અને ક્ષેત્રીય કર્મચારીઓ (ફિલ્ડ સ્ટાફ) ની ટીમના એક ભાગ છે.
આકર્ષક ઘેરા વાદળી ને કાળા રંગના અને પૂંછડી પર સફેદ લીટીઓ ધરાવતા પક્ષીને હાથમાં પકડીને ડો. ઉમેશ શ્રીનિવાસન કહે છે, "આ વ્હાઈટ-ટેઈલ્ડ રોબિન છે. તે વધુમાં વધુ1800 મીટરની ઊંચાઈએ જોવા મળતું હતું, પરંતુ છેલ્લા ત્રણથી ચાર વર્ષોમાં તે 2000 મીટરની ઊંચાઈએ મળી આવ્યું છે."
પક્ષીવિદ્ શ્રીનિવાસન બેંગ્લોરમાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ (આઈઆઈએસસી) માં પ્રાધ્યાપક છે અને અરુણાચલ પ્રદેશમાં કામ કરતી આ ટીમના વડા છે. શ્રીનિવાસન ઉમેરે છે, "પૂર્વીય હિમાલયમાં વિવિધ પ્રજાતિઓના પક્ષીઓ છેલ્લા 12 વર્ષોમાં પર્વત પર વધુ ને વધુ ઊંચાઈએ જોવા મળી રહ્યા છે."
આ ટીમમાં સ્થાનિક લોકોની હાજરીથી તાપમાનમાં ફેરફાર વિશે ચિંતિત અને ફેરફારોને હળવા કરવાના ઉપાયો શોધી રહેલા આસપાસના સમુદાયોને આ દિશામાં તાત્કાલિક પગલાં લેવાની પ્રેરણા મળી છે/માટે પ્રોત્સાહન મળ્યું છે.
પશ્ચિમ કમેંગની ટીમમાં - સ્થાનિકો અને વૈજ્ઞાનિકો બંને મળીને - છ લોકો છે. તેઓ કુદરતી નિવાસસ્થાન (રહેઠાણ) નું નુકસાન અને વધતું જતું તાપમાન પક્ષીઓને (પહેલા કરતા) વધુ ઊંચાઈએ રહેવાની ફરજ પાડી તેમની વર્તણૂકમાં અને તેમના જીવિત રહેવાના દરમાં કેવી રીતે ફેરફાર કરે છે એ સમજવાનો પ્રયાસ કરી રહી છે. ઓછી ઊંચાઈએ જોવા મળતા કોમન ગ્રીન-મેગપી, લોંગ-ટેઈલ્ડ બ્રોડબિલ અને સુલતાન ટિટ જેવા બીજા પક્ષીઓ પણ વધુ ઊંચાઈએ જઈ રહ્યા છે. આનાથી તેમના જીવિત રહેવાના દરને પણ અસર પહોંચશે.
પક્ષીવિદ્ શ્રીનિવાસન ચેતવણી આપે છે. "આ સ્થળાંતર નથી, આ વધતા તાપમાન સામેની પ્રતિક્રિયા છે જે આ પક્ષીઓને (પહેલા કરતા) વધુ ઊંચાઈએ જવા માટે ફરજ પાડે છે." આ ઉષ્ણકટિબંધીય પર્વતીય વર્ષા વનો (ક્લાઉડ ફોરેસ્ટ) માં માત્ર આ પીંછાવાળા જીવો જ ગરમી અનુભવે છે એવું નથી. ઐતિ તાપા કહે છે, "છેલ્લા ત્રણ-ચાર વર્ષમાં પહાડીઓમાં ગરમી વધી ગઈ છે."
આ ટીમમાં સૌથી નવા ઉમેરાયેલ સભ્યોમાંના એક 20 વર્ષના ઐતિ થાપા પશ્ચિમ કમેંગ જિલ્લાની સિંગચુંગ તહેસીલ નજીકના રામલિંગમ ગામના છે. તેમનો પરિવાર રામલિંગમમાં ટામેટાં, કોબી અને વટાણા ઉગાડે છે. તેઓ કહે છે, "હવે આ પાક ઉગાડવાનું મુશ્કેલ બની રહ્યું છે કારણ કે વરસાદની પેટર્ન પણ અણધારી થઈ ગઈ છે. હવે પહેલાના જેવું નથી રહ્યું."
" હિમાલયમાં વ્યાપક આબોહવા પરિવર્તન અને સ્થાનિક ઈકોસિસ્ટમ્સમાં સંબંધિત ફેરફારો ” એ શીર્ષક હેઠળનું સંશોધનપત્ર કહે છે કે હિમાલયમાં વાર્ષિક સરેરાશ તાપમાન 1.5 ડિગ્રી સેલ્સિયસ વધ્યું છે. સંશોધનપત્ર જણાવે છે, "હિમાલયમાં તાપમાન વધવાનો દર વૈશ્વિક સરેરાશ દર કરતા વધારે છે, જે આબોહવા પરિવર્તન માટે હિમાલય સૌથી વધુ સંવેદનશીલ પ્રદેશોમાંના એક હોવાની હકીકતની પુષ્ટિ કરે છે." વિશ્વની 85 ટકા પાર્થિવ જૈવવિવિધતા પણ આ પર્વતો પર જોવા મળે છે, તેથી અહીં સંરક્ષણનું કામ મહત્વપૂર્ણ છે.
પક્ષીઓ પ્રમાણમાં ગતિશીલ જૂથ હોવાને કારણે આબોહવા પરિવર્તન અન્ય ઉષ્ણકટિબંધીય પર્વતીય જૈવવિવિધતાને કેવી રીતે અસર કરશે તે અંગે સંકેત આપી શકે છે
ઉમેશ કહે છે, "આબોહવા પરિવર્તનની વિશ્વભરના વ્યાપક માનવસમાજ પર થતી અસરની સરખામણીમાં હિમાલયની જૈવવિવિધતા પર તેની અસર અનેક ગણી વધુ થઈ રહી છે." તેમની આઉટડોર લેબોરેટરી અરુણાચલ પ્રદેશમાં 218 ચોરસ કિલોમીટર વિસ્તારને આવરી લેતા ઈગલનેસ્ટ વન્યજીવ અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન (નેશનલ પાર્ક) ની અંદર બોંગપુ બ્લાંગ્સામાં કેમ્પસાઇટ પર આવેલી છે.
આ અભયારણ્યની ઊંચાઈ 500 મીટરથી 3250 મીટરની વચ્ચે છે. આ દુનિયાનું એકમાત્ર એવું સ્થાન છે જ્યાં આટલી ઊંચાઈ પર હાથીઓ જોવા મળે છે. અહીં જોવા મળતા બીજા પ્રાણીઓમાં ક્લાઉડેડ લેપર્ડ, માર્બલ્ડ કેટ્સ, એશિયન ગોલ્ડન કેટ્સ અને લેપર્ડ કેટ્સ છે. આ જંગલો લુપ્તપ્રાય કેપ્ડ લંગુર, રેડ પાંડા, એશિયાટિક બ્લેક બેર અને લુપ્ત થવાને આરે ઊભેલા અરુણાચલ મેકાક અને ગૌરનું ઘર પણ છે.
વીસ-બાવીસ વર્ષના ઐતિ અને દેમા તમાંગ માત્ર તેમના ગામ રામલિંગમમાંથી જ નહીં હકીકતમાં સમગ્ર રાજ્યમાંથી પક્ષીઓનું દસ્તાવેજીકરણ અને અભ્યાસ કરનાર પહેલી મહિલાઓ છે. આ બંને છોકરીઓને પહેલીવાર આ કામ મળ્યું ત્યારે તેમના વડીલો અવઢવમાં હતા. તેઓ કહેતા, "તમારે છોકરીઓને આ જંગલોમાં કેમ લઈ જવી છે? આ છોકરીઓનું કામ નથી."
મિકાએ કહ્યું, "મેં તેમને કહ્યું કે હવે સમય બદલાઈ ગયો છે, દુનિયા ઘણી આગળ વધી ગઈ છે." મિકા પણ રામલિંગમ ગામના છે અને તેઓ માત્ર અહીં (અરુણાચલ પ્રદેશમાં) જ નહીં પરંતુ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના જંગલોમાં પણ પક્ષીઓનું દસ્તાવેજીકરણ કરવાનો અનુભવ ધરાવે છે. "જે કામ છોકરાઓ કરી શકે છે તે જ કામ છોકરીઓ પણ કરી જ શકે છે."
ઐતિ જેવા ક્ષેત્રીય કર્મચારી મહિને 18000 રુપિયા કમાય છે અને તેમના પરિવારોને મદદ કરી શકે છે, જેમાંના મોટાભાગના ગણોતિયાઓ છે.
તેમનું સંશોધનનું કામ ખૂબ મહેનત માગી લે એવું હોવા છતાં ઐતિ હસતાં હસતાં કહે છે, "પક્ષીઓનાં અંગ્રેજી નામો શીખવાનું કામ એ સૌથી અઘરું કામ હતું."
*****
19મી સદીમાં કોલસાની ખાણોમાં કામ કરતી વખતે ખાણિયાઓ કેનેરી પક્ષીઓનો ઉપયોગ અસાધારણ જોખમનો સંકેત આપનાર પક્ષીઓ તરીકે કરતા હતા. આ નાનકડા પક્ષીઓ ખાસ કરીને કાર્બન મોનોક્સાઈડ પ્રત્યે સંવેદનશીલ હોય છે, પરિણામે ખાણોમાં થતા અકસ્માતોને અટકાવી શકે છે - આ પક્ષીઓ કાર્બન મોનોક્સાઈડના સંપર્કમાં આવે તો મૃત્યુ પામે છે. સંભવિત જોખમના પ્રારંભિક સંકેતોનો સંદર્ભ આપવા માટે ‘અ કેનેરી ઈન ધ કોલમાઈન’ એ પ્રચલિત રૂઢિપ્રયોગ બની ગયો હતો.
પક્ષીઓ પ્રમાણમાં ગતિશીલ જૂથ હોવાને કારણે આબોહવા પરિવર્તન અન્ય ઉષ્ણકટિબંધીય પર્વતીય જૈવવિવિધતાને કેવી રીતે અસર કરશે તેના સૂચક બની શકે છે. તેથી બોંગપુ ટીમનું કામ મહત્વનું છે.
ઈગલનેસ્ટ પક્ષીઓની 600 પ્રજાતિઓનું ઘર છે. ઉમેશ કહે છે, "અહીં તમને સેંકડો નાના-નાના રંગબેરંગી પક્ષીઓ જોવા મળશે, તેમનું વજન 10 ગ્રામ અથવા એક ચમચી ખાંડથીય ઓછું હોય છે." તે ઉપરાંત કેટલાક દુર્લભ પીંછાવાળા જીવો આ ઉષ્ણકટિબંધીય પર્વતીય વર્ષા વનોને પોતાનું ઘર માને છે. સ્કારલેટ-બેલીડ વોર્ડ્સ ટ્રોગન, મોટા તેતર જેવું બ્લાઇથ્સ ટ્રેગોપેન, રેનીલા-રાખોડી રંગનું રેશમ જેવું સુંવાળું સુંદર નટહેચ અને કદાચ આ બધામાં સૌથી વધુ જાણીતું અને ભાગ્યે જ જોવા મળતું બગુન લિઓસિચલા, આ બધા જ પક્ષીઓ અહીં માળા બાંધે છે.
આ વન્યજીવ અભયારણ્યમાં જોવા મળતા પક્ષીઓ, રહેવાની મુશ્કેલ પરિસ્થિતિઓ, કઠોર હવામાન અને ખડકાળ પ્રદેશ હોવા છતાં સમગ્ર વિશ્વમાંથી પક્ષીપ્રેમીઓને અહીં આકર્ષે છે.
સંશોધન ટીમ જંગલમાં ઊંડે સુધી જઈને કામ કરે છે - તેઓ વીજળી, પાણીના નળ અથવા યોગ્ય છત વિનાના એક ઓરડામાં આશ્રય લે છે. બોંગપુ બ્લાંગ્સામાં ખાતે તેમના કેમ્પના સંચાલન માટે ટીમના દરેક સભ્યને ખોરાકની તૈયારી અને થાળીઓ સાફ કરવાથી લઈને નજીકના ઝરણામાંથી પાણીના ડ્રમ ભરી લાવવા સુધીના કામો સોંપી દેવામાં આવે છે. સ્થાનિક લોકો લગભગ બે કલાકના અંતરે આવેલા રામલિંગમના છે, જ્યારે ઉમેશ અને બીજા સંશોધકો દેશના અન્ય ભાગોમાંથી છે.
આજે રાંધવાનો વારો ઐતિનો છે, અને તેઓ ચૂલા પર મૂકેલ દાળનું મોટું તપેલું હલાવી રહ્યા છે. તેઓ બે વર્ષથી અહીં કામ કરી રહ્યા છે. તેઓ કહે છે, "મારું કામ લોકોને આ જીવોને વધુ સારી રીતે સમજવામાં મદદ કરે છે એ વાતનો મને આનંદ છે."
ટીમ દરરોજ રાત્રે નાનકડી રમત રમે છે, છેલ્લા કેટલાક વર્ષોમાં તેઓએ પકડેલા પક્ષીઓના આધારે હવે બીજે દિવસે કયું પક્ષી પકડાશે એની શરત લગાવે છે. દરેક જણ રમતમાં ભાગ લે છે, મોટા અવાજ સાથે વરસાદના ટીપાં જોર જોરથી છતને ઢાંકતી તાડપત્રી પર પડે છે ત્યારે છત પરથી લટકાવેલા તેમના દીવા ઉપર-નીચે ઝોલા ખાય છે.
ઐતિ બધાને પૂછે છે, "કાલે સવારે કયું પક્ષી સૌથી પહેલા જાળમાં પકડાશે?"
તેઓ ખાત્રીપૂર્વક કહે છે, "મને લાગે છે કે એ ગોલ્ડન-બ્રેસ્ટેડ ફુલવેટા હશે."
મિકા મોટેથી કહે છે, "વ્હાઈટ-સ્પેકટેકલ્ડ વોર્બ્લર." ડંબર ચોખ્ખી "ના" પાડી તેમનો દાવો બરતરફ કરે છે અને કહે છે, "યલો-થ્રોટેડ ફુલવેટા"
મિકા અને ડંબર વધુ અનુભવી છે કારણ કે તેમને ઉમેશે સૌથી પહેલા ભરતી કર્યા હતા, તેઓ વીસ-બાવીસ વર્ષના હશે ત્યારે બોંગપુ ખાતેના કેમ્પમાં જોડાયા હતા. બંનેએ રામલિંગમની સ્થાનિક સરકારી શાળામાં અભ્યાસ કર્યો હતો. ડંબરે 11 મા ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો જયારે મિકાએ 5 મા ધોરણ પછી અભ્યાસ અધવચ્ચે છોડી દીધો હતો. તેઓ અફસોસ સાથે કહે છે, "મેં ભણવામાં જરાય રસ જ લીધો નહોતો."
તેઓ વહેલા સૂઈ જાય છે કારણ કે પક્ષીઓને પકડવા અને આવશ્યક ડેટા રેકોર્ડ કરવાનું કામ સવારે સૌથી સારી રીતે થઈ શકે છે. કલિંગ ડાંગેન કહે છે, "સેમ્પલિંગ પ્લોટ્સ કેટલા દૂર છે તેના આધારે અમે વહેલી સવારે 3:30 વાગ્યે ઊઠી જઈએ છીએ." આઈઆઈએસસીના પીએચડી સ્કોલર 27 વર્ષના ડાંગેન પક્ષીઓમાં સ્ટ્રેસ ફિઝિયોલોજીનો અભ્યાસ કરે છે. થોડી વારમાં વહેલી પરોઢના ઝાંખા અજવાળામાં તેઓ આ ટીમ સાથે તેમના સેમ્પલિંગ પ્લોટ્સ જવા રવાના થશે.
*****
પૂર્વીય હિમાલયનો આ ભાગ ખૂબ ઊંચાઈ પર અને ઘણો દૂર આવેલો હોવા છતાં, અહીંના ઉષ્ણકટિબંધીય પર્વતીય વર્ષા વનો, ખાસ કરીને લાકડા માટે વૃક્ષો કપાતા હોવાને કારણે, કુદરતી નિવાસસ્થાન (રહેઠાણ) ના નુકસાનના જોખમ હેઠળ છે. ત્રણ દાયકા અગાઉ સર્વોચ્ચ અદાલતે લાકડા માટે વૃક્ષો કાપવા પર પ્રતિબંધ મૂક્યો હતો, પરંતુ વૈજ્ઞાનિકો કહે છે કે (ત્યાં સુધીમાં તો) પર્યાવરણીય સંતુલનને નુકસાન થઈ ચૂક્યું હતું.
સંશોધક કલિંગ કહે છે, "જંગલોના વૃક્ષો કપાતા આબોહવા પરિવર્તનની અસરો જટિલ બને છે કારણ કે સૂર્યના કિરણો અંદર સુધી પહોંચી શકે છે. જ્યારે તમે જંગલોના વૃક્ષો કાપો છો, ત્યારે તમે બધું જ બદલી નાખો છો." જે જંગલોના વૃક્ષો કાપવામાં આવે છે તે જંગલો પ્રાથમિક જંગલો કરતાં 6 ડિગ્રી સેલ્સિયસ સુધી વધુ ગરમ હોઈ શકે છે.
કલિંગ કહે છે, “ગરમીને કારણે પક્ષીઓ છાયામાં વધુ સમય વિતાવે છે અને તેમને ચણવા માટે ઓછો સમય મળે છે; તેથી તેમનું શરીર નબળું પડે છે, અસ્તિત્વ ટકાવી રાખવું મુશ્કેલ બને છે અને જીવન ટૂંકાય છે. અથવા તો વધુ ગરમી પડવાની સાથે-સાથે એ પક્ષીઓને જે ખોરાક ભાવે છે તે જે જંગલોમાંથી વૃક્ષો કાપી નાખવમાં આવ્યા હોય ત્યાં પૂરતા પ્રમાણમાં મળતો નથી એ બંને કારણ આ માટે જવાબદાર હોઈ શકે." તેઓ પક્ષીઓના વજન અને પાંખોના ફેલાવા જેવી માહિતી નોંધે છે, અને આબોહવા પરિવર્તનને કારણે પક્ષીઓ જે તાણ અનુભવે છે તે સમજવા માટે પક્ષીઓના લોહીના નમૂનાઓ અને ચરક (પક્ષીની હગાર) નો અભ્યાસ કરે છે.
ઉમેશ કહે છે, "વ્હાઈટ-ટેઈલ્ડ રોબિન્સ અળસિયા અને 'ટ્રુ બગ્સ' તરીકે ઓળખાતા હેમિપ્ટેરન્સ ખાય છે. આ પ્રકારના [વૃક્ષો કાપી નાખવામાં આવ્યા હોય એવા] જંગલોમાં તેની સંખ્યામાં ભારે ઘટાડો થાય છે." તેઓ કહે છે કે વ્હાઈટ-ટેઈલ્ડ રોબિન્સની સંખ્યામાં ઘટાડાને વૃક્ષો કાપી નાખવાને કારણે થતી અસરો સાથે સીધો સંબંધ છે. તેઓ કહે છે, "ગરમી વધવાને કારણે પક્ષી સીધી શારીરિક તાણ અનુભવે એ શક્ય છે."
વધતા જતા તાપમાન સામેની પ્રતિક્રિયા રૂપે હિમાલયમાં છોડ પણ પર્વત પર વધુ ઊંચાઈએ જોવા મળી રહ્યા છે. જેમ જેમ આ વનસ્પતિઓ વધુ ઊંચાઈએ ખસતી જાય છે તેમ તેમ પક્ષીઓ પણ તેનો પીછો કરતા કરતા વધુ ઊંચાઈએ જતા હોવાનું મનાય છે. ઉમેશ કહે છે, "ઐતિહાસિક રીતે જે પ્રજાતિઓ 1000-2000 મીટરની ઊંચાઈ પર જોવા મળતી હતી તે હવે ટકી રહેવા માટે 1200-2200 મીટરની ઊંચાઈ પર પહોંચી છે." પાપુઆ ન્યુ ગિની અને એન્ડીઝ જેવા બીજા ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં પણ વધુ ઊંચાઈએ જતા પક્ષીઓનું દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું છે.
વિજ્ઞાનીઓ ચિંતિત છે કે જેમ જેમ પ્રજાતિઓ ઉપર જતી જાય છે તેમ તેમ એવું જોખમ રહે છે કે આ પ્રજાતિઓ આ પર્વતોના શિખરો સુધી પહોંચી જશે, એ પછી તેમને જગ્યા નહીં મળે, આ પ્રજાતિઓ જોતજોતામાં અદ્રશ્ય થઈ જશે અને સ્થાનિક રીતે લુપ્ત થઈ જશે કારણ કે ઉપર જવા માટે હવે વધુ જગ્યા નથી.
ઈગલનેસ્ટમાં નીચલી ઊંચાઈએ ઉષ્ણકટિબંધીય વરસાદી (નિત્ય લીલા) જંગલો છે, મધ્યમ-ઊંચાઈએ સમશીતોષ્ણ કટિબંધીય પહોળા-પાંદડાવાળા વૃક્ષો ધરાવતા જંગલો છે અને સૌથી ઊંચા શિખરો પર કોનિફર્સ (શંકુદ્રુમ) અને રોડોડેન્ડ્રોન્સ છે. અને ઉમેશ કહે છે કે આ બધા દ્વારા “હવે આપણે જરૂર છે ક્લાઈમેટ કનેક્ટિવિટીની. પ્રજાતિઓ એક સ્થાનથી બીજા સ્થાને જવા માટે સક્ષમ હોવી જોઈએ." ઉમેશ એક પ્રશિક્ષિત તબીબ પણ છે. પક્ષીઓ પ્રત્યેના તેમના પ્રેમના કારણે તેમણે પોતાનો વ્યવસાય બદલ્યો છે.
તેઓ કહે છે, "જો પર્વતોની વચ્ચે કૃષિ અથવા શહેરીકરણ હશે તો આ શક્ય નહિ બને." તેઓ ઉમેરે છે, "આ પ્રજાતિઓનું રક્ષણ કરવા માટે આપણે ઊંચાઈની વિશાળ શ્રેણીમાં ફેલાયેલી કોરિડોર તૈયાર કરવાની જરૂર છે."
*****
આ અભ્યાસમાં મિકા, ડંબર, ઐતિ અને દેમા જેવા સ્થાનિક ક્ષેત્રીય કર્મચારીઓ ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે - તેઓ મહત્વપૂર્ણ માહિતી એકઠી કરી રહ્યા છે અને કેટલાક અભ્યાસોમાં સહ-લેખકો તરીકે તેમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ક્ષેત્રીય કર્મચારીઓને જાળીઓ સોંપવામાં આવે છે, અને મિસ્ટ-નેટિંગ નામની તકનીક દ્વારા તેઓ પક્ષીઓને પકડે છે. તેમાં ગીચ ઝાડીવાળા વિસ્તારોમાં બે થાંભલા વચ્ચે ખૂબ બારીક જાળી બાંધવામાં આવે છે. આ જાળી એટલી તો બારીક હોય છે કે તે પક્ષીઓની જનરે ચડી શકતી નથી. પરિણામે પક્ષીઓ જાળીમાં થઈને ઉડવા જાય છે ત્યારે તેઓ તેમાં ફસાઈ જાય છે.
28 વર્ષના ડંબર કહે છે, "અમને દરેકને 8-10 જાળીઓ સોંપવામાં આવી છે." તેઓ તેમની એક જાળી તરફ જવાના રસ્તે એક કીચડવાળા ઢોળાવ પરથી નીચે લગભગ સરકતા હોય તેમ લાગે છે. એકવાર ત્યાં પહોંચી ગયા પછી તેઓ જાળમાં અટવાયેલા નાના જીવોને ઝડપથી અને હળવેથી મિસ્ટ-નેટમાંથી છૂટા કરે છે અને તેમને લીલા સુતરાઉ કાપડની થેલીઓમાં મૂકે છે.
પક્ષીઓને ક્યારેય 15 મિનિટથી વધુ સમય માટે મિસ્ટ-નેટમાં રાખવામાં આવતા નથી. જો વરસાદની સહેજ પણ સંભાવના હોય તો ટીમના સભ્યો પ્લોટ પર છૂટા છૂટા વહેંચાઈ જઈ એ નાનકડા જીવોના તણાવને ઘટાડવા માટે તરત જ એમને મુક્ત કરી દે છે.
રિંગર્સ ગ્રીપમાં - પક્ષીની છાતીની આસપાસ પહેલી અને બીજી આંગળી અને અંગુઠાની મદદથી - હળવેથી પકડીને પક્ષીને બેગમાંથી બહાર કાઢવામાં આવે છે. આ કામ કરનાર વ્યક્તિએ ખૂબ કાળજી રાખવી પડે કારણ કે જરા સરખું દબાણ પણ નાનકડા જીવ માટે જીવનું જોખમમાં ઊભું કરી શકે છે. એ પછી પક્ષીઓનું વજન કરવામાં આવે છે, માપવામાં આવે છે અને તેમના એક પગે નાનકડી ધાતુની રિંગ લગાવવામાં આવે છે.
દેમા કહે છે, "હું આ કામને જરા પણ હળવાશથી લેતી નથી. મને પક્ષીઓ સાથે કામ કરવું ગમે છે. દુનિયાભરમાંથી લોકો અહીં આવે છે અને બહુ બહુ તો દૂરથી દૂરબીનથી જ (આ પક્ષીઓને) જોઈ શકે છે. મને તો એ (પક્ષીઓ) હાથમાં પકડવા મળે છે."
10 મા ધોરણ પછી શાળાએ જવાનું બંધ કરી દેનાર ઐતિ કહે છે, "જો હું આ કામ કરવા માટે 2021 માં આ ટીમમાં જોડાઈ ન હોત, તો હું મારા પરિવાર સાથે ગણોતપટે લીધેલી ખેતીની જમીન પર કામ કરતી હોત." દેમા અને ઐતિ જેવી યુવતીઓને મિકાના કામમાંથી પ્રેરણા મળે છે. પક્ષીઓના માધ્યમથી વન સંરક્ષણના કામ સાથેનો તેમનો સંબંધ શિકારની પરંપરાને પડકાર આપી રહ્યો છે.
પક્ષીઓના માધ્યમથી વન સંરક્ષણના કામ સાથેનો તેમનો સંબંધ શિકારની પરંપરાને પડકાર આપી રહ્યો છે. "છોકરાઓ તેમની ગિલોલથી પક્ષીઓ પર નિશાન તાકે અને તેમને પથરો મારીને નીચે પાડી નાખવાનો પ્રયાસ કરે. તેઓ શાળા પછી જંગલોમાં જાય અને સમય પસાર કરવા માટે આવું કરવાનો પ્રયાસ કરે." જો કે ઉમેશે મિકાને આ પક્ષીઓના દસ્તાવેજીકરણ માટે કામે રાખ્યા પછી મિકા રામલિંગમમાં બાળકોને જંગલોના અને તેના તમામ વન્યજીવોના ફોટા બતાવી શકતા હતા. તેઓ કહે છે, "મારા નાના પિતરાઈઓ અને મિત્રો હવે શિકાર અને સંરક્ષણને અલગ દ્રષ્ટિએ જોતા થયા છે."
ઈગલનેસ્ટમાં ખૂબ સરળતાથી રસ્તો શોધી શકવાની મિકાની ક્ષમતાને કારણે તેમના સાથીદારો તેમને હ્યુમન જીપીએસ તરીકે પણ ઓળખે છે. મિકા કહે છે, "હું નાનો હતો ત્યારે હંમેશા મને શહેરમાં રહેવાનું મન થતું હતું. પક્ષીઓનું તેમના કુદરતી નિવાસસ્થાનમાં નિરીક્ષણ કરવામાં રસ ધરાવતી વ્યક્તિને જેમ નવી નવી પ્રજાતિઓના પક્ષીઓ જોવાની તીવ્ર ઈચ્છા થાય એવી જ તીવ્ર હતી મારી એ ઈચ્છા. પરંતુ ભારતના બીજા ભાગોમાં પ્રવાસ કર્યા પછી મારે ફક્ત અરુણાચલ પ્રદેશના જંગલોમાં પાછા ફરવું હતું."
ખીણો અને લીલાછમ પર્વતીય જંગલો પર બાંધેલી અનેક મિસ્ટ-નેટમાંની એક પાસે પહોંચીને તેઓ કહે છે "ભલેને ગમે તેટલી વાર હું અહીં પાછો આવું, આ જંગલનું મને હંમેશા વિસ્મય રહે છે."
સ્થાનિક સમુદાય આબોહવામાં પરિવર્તનને ઘટાડવા માટે કેવી રીતે કામ કરે છે એ વિષય પરનો આ વાર્તાનો ભાગ 2 ટૂંક સમયમાં જ પ્રકાશિત થશે.
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક