"જે જીતે તે, અમારે શું? આઈપીએલ હોય કે વર્લ્ડ કપ અમને શું ફરક પડે છે?
જે દેશમાં ક્રિકેટ લગભગ ધર્મના સ્થાને છે ત્યાં મદનનો આ સવાલ એ રમતનો અનાદર કરતો જણાય છે.
પરંતુ તેઓ આગળ કહે છે, "કોઈ ભી જીતે, હમેં કામ મિલ જાતા હૈ [જે જીતે તે, અમને કામ મળી રહે છે]." 51 વર્ષના મદન ક્રિકેટના બોલ બનાવનાર છે અને મેરઠ શહેરમાં ચમકતા લાલ અને સફેદ બોલ બનાવતા અનેક એકમોમાંથી એકના માલિક છે.
માર્ચ મહિનો ચાલી રહ્યો છે અને તેમની આસપાસ લગભગ 100 બોક્સ પડેલા છે, દરેક બોક્સમાં ચામડાના છ બોલ છે, જે પુરુષોની ક્રિકેટ શ્રેણીના વ્યસ્ત કેલેન્ડરમાં રમાવા માટે તૈયાર છે. બે મહિના સુધી ચાલનારી ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) માટે સિઝનની પહેલી મેચ માર્ચના અંતમાં રમાય છે. તે પછી જૂન મહિનામાં આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ રમાય છે. આગામી સમયમાં ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં ભારત વન-ડે ઈન્ટરનેશનલ (ઓડીઆઈ) વર્લ્ડ કપ યોજવા જઈ રહ્યું છે./માટેનો યજમાન દેશ બનશે.
મદન કહે છે, "એ બોલનો ઉપયોગ કયા સ્તરે થશે, એ બોલ વડે કોણ રમશે, એ બોલ વડે કેટલી ઓવર નાખવામાં આવશે, બધું જ [બોલની] ગુણવત્તાને આધારે નક્કી કરવામાં આવશે."
ક્રિકેટની રમત માટેના દેશવાસીઓના જુસ્સા પર ભાર મૂકતા તેઓ કહે છે, "મોટી ટુર્નામેન્ટ પહેલા રમતગમતના સામાનના છૂટક વિક્રેતાઓ અને જથ્થાબંધ વિક્રેતાઓ અમારી પાસે અગાઉથી જ પહોંચી જાય છે. બે મહિના પહેલા માંગમાં ભારે વધારો થાય છે, અને મોટા શહેરોની દુકાનો એ સમયે બોલનો પૂરતો સ્ટોક રાખવા માગે છે." કોણ રમી રહ્યું છે અને તેના પર કેટલાની બોલી લાગી છે એને આધારે બોલની કિંમત 250 રુપિયાથી લઈને છેક 3500 રુપિયા સુધીની હોય છે.
મદનને મુંબઈ, અમદાવાદ, વડોદરા, જયપુર, બેંગલુરુ અને પુણેમાંથી ક્રિકેટ એકેડેમી, વિતરકો અને છૂટક વિક્રેતાઓ પાસેથી સીધા ઓર્ડર મળે છે. અહીં તેમના એકમમાં બનેલા બોલનો ઉપયોગ રમતના નીચલા સ્તરે પ્રેક્ટિસ અને મેચો માટે થાય છે.
અમે તેમની વર્કશોપમાં છીએ અને કર્વ્ડ-ડિસ્પ્લેવાળા નાનકડા ટીવી પર લાઇવ ક્રિકેટ મેચ બતાવવામાં આવી રહી છે. ટીવીનો સ્ક્રીન આઠ કારીગરો તરફ ફેરવેલો છે, તેઓ આ મેચના મૂક પ્રેક્ષકો છે. જો કે તેમને ફક્ત (કોમેન્ટ્રી) સાંભળવાનું જ પરવડી શકે છે, તેમની નજર તો તેમના કામ પર છે: મદન કહે છે, “હમેં અભી બિલકુલ ફુરસત નહીં હૈ [અમારી પાસે બિલકુલ સમય નથી]."
તેઓ મધ્યમ ગુણવત્તાના 600 ટૂ-પીસ ક્રિકેટ બોલના ઓર્ડરને પહોંચી વળવા લોખંડના ક્લેમ્પ્સ પર ઝૂકીને સિલાઈનું કંટાળાજનક કામ કરી રહ્યા છે. ખરીદનાર કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના છે અને તેમને ત્રણ દિવસમાં આ ડિલિવરી જોઈએ છે.
મદન મોકલવા માટે તૈયાર એક ચમકતો લાલ બોલ હાથમાં લઈને કહે છે, "બોલ બનાવવા માટે ત્રણ વસ્તુઓની જરૂર પડે. બહારના ભાગ (કવર) માટે ફટકડીથી ટેન કરેલું (પકવવામાં આવેલું) ચામડું, કૉર્કથી બનેલ અંદરનો ભાગ [ગોલા] અને સિલાઈ માટે સુતરાઉ દોરો.” ત્રણેય ચીજો મેરઠ જિલ્લામાં જ સ્થાનિક રીતે ઉપલબ્ધ છે અને તેઓ ઉમેરે છે, "એકવાર ખરીદદાર અમને તેમની ગુણવત્તાની જરૂરિયાત જણાવે પછી તે મુજબ અમે ચામડું અને કૉર્ક પસંદ કરીએ."
ડિસ્ટ્રિક્ટ ઈન્ડસ્ટ્રી પ્રમોશન એન્ડ ઓન્તરપ્રેન્યોર ડેવલપમેન્ટ સેન્ટર (ડીઆઈપીઈડીસી) નો અંદાજ છે કે મેરઠમાં ક્રિકેટ-બોલ બનાવવાના 347 એકમો કાર્યરત છે. આ આંકડામાં મેરઠ જિલ્લાના ઔદ્યોગિક વિસ્તારોમાં આવેલી મોટા કારખાનાઓનો અને જિલ્લાના શહેરી અને ગ્રામીણ રહેણાક વિસ્તારોમાં આવેલા નાના ઉત્પાદન એકમોનો સમાવેશ થાય છે.
જોકે આ અંદાજમાં અસંખ્ય છૂટાછવાયા અસંગઠિત ઉત્પાદન કેન્દ્રો અને ઘરેલુ એકમોનો સમાવેશ થતો નથી જ્યાં આખા બોલ બનાવવામાં આવે છે અથવા બોલના ઉત્પાદન સંબંધિત કોઈ એક ખાસ કામ તેમને આઉટસોર્સ કરવામાં આવેલું હોય છે. તેમાં મેરઠ જિલ્લામાં આવેલા જંગેઠી, ગગૌલ અને ભાવનપુર જેવા ગામોનો સમાવેશ થાય છે. મદન કહે છે, “આજ ગાંવો કે બિના બિલકુલ પૂર્તિ નહીં હોગી મેરઠ મેં [આજે મેરઠના ગામડાઓ વિના ક્રિકેટ બોલનો પૂરવઠો પૂરો પાડવાનું શક્ય જ નથી]."
તેઓ સમજાવે છે, "ગામડાઓમાં અને મોટા કારખાનાઓમાં મોટા ભાગના કારીગર જાટવ સમુદાયના છે, કારણ કે ક્રિકેટના બોલ ચામડાના બનેલા હોય છે." 1904ના ડિસ્ટ્રિક્ટ ગેઝેટિયર મુજબ (યુપીમાં અનુસૂચિત જાતિ તરીકે સૂચિબદ્ધ) જાટવ અથવા ચમાર સમુદાય એ મેરઠના ચામડા ઉદ્યોગમાં રોકાયેલા શ્રમિકોનું સૌથી મોટું સામાજિક જૂથ છે. તેઓ ઉમેરે છે, "લોકોને ક્રિકેટ બોલના રૂપમાં ચામડું હોય તો એનો વાંધો નથી હોતો, પરંતુ જ્યારે ચામડા સાથે કામ કરવાની વાત આવે છે ત્યારે તેમને વાંધો આવી જાય છે."
તેમનો પરિવાર શોભાપુરમાં પણ ટેનરી ધરાવે છે, તે એકમાત્ર એવો વિસ્તાર છે જ્યાં કાચી ખાલને ક્રિકેટ બોલ ઉદ્યોગ માટે ફટકડીથી ટેન કરવામાં આવે છે (વાંચો: અણનમ અને હજુ ય પીચ પર ડટી રહેલા મેરઠના ચામડાના કારીગરો ). તેઓ કહે છે, "ફટકડીથી ટેન કરેલ ખાલની વધતી જતી માંગ જોઈને મને સમજાયું કે ક્રિકેટ બોલની માંગ ક્યારેય ઘટશે નહીં." બજારની સારી સ્થિતિએ તેમને 20 વર્ષ પહેલાં મેસર્સ. બી.ડી. એન્ડ સન્સ શરુ કરવા પ્રોત્સાહિત કર્યા - જે આ વિસ્તારમાં ક્રિકેટ-બોલ બનાવતા બે એકમોમાંનું એક છે.
મદન કહે છે કે એક બોલ બનાવવા માટે કેટલા કલાકો લાગે તેનો ચોક્કસ અંદાજ કાઢવો મુશ્કેલ છે કારણ કે બોલ બાનાવામાં ઘણી બધી પ્રક્રિયાઓ સામેલ છે અને કેટલીક પ્રક્રિયાઓ સમાંતરે ચાલતી હોય છે, મોસમ અને ચામડાની ગુણવત્તા પણ તેમાં લગતા સમયને અસર કરે છે. તેઓ કહે છે, "દો હફ્તે લગતે હૈં એક ગેંદ કો તૈયર હોને મેં કમ સે કમ [એક બોલ તૈયાર થવામાં ઓછામાં ઓછા બે અઠવાડિયા જેટલો સમય લાગે છે]."
મદનના એકમના શ્રમિકો સૌથી પહેલા ચામડાને ફટકડી વડે પકવે છે, તેને લાલ રંગથી રંગે છે, તડકામાં સૂકવે છે, તેને ટેલો અથવા પ્રાણીની ચરબીથી ગ્રીઝ કરે છે અને પછી તેને નરમ બનાવવા માટે તેના પર લાકડાનો હથોડો ધમ-ધમ કરીને ઠોકે છે મદન કહે છે, “સફેદ બોલ માટે કોઈ રંગ કરવાની જરૂર રહેતી નથી કારણ કે ફટકડીથી ટેન કરેલ ખાલ પહેલેથી સફેદ જ હોય છે. તેને માટે ગાયના દૂધમાંથી બનેલું દહીં ગ્રીઝ તરીકે વપરાય છે,” મદન કહે છે.
તેઓ સમજાવે છે, "લાઈન સે કામ હોવે હૈ ઔર એક કારીગર એક હી કામ કરે હૈ [બધા કામ એક પછી એક ક્રમમાં થાય છે અને એક કારીગર માત્ર એક જ કામમાં કુશળ હોય છે/એક કારીગરની માત્ર એક જ કામમાં હથોટી હોય છે]." જે કારીગરને કામ સોંપાયું હોય તે પછીથી ચામડાને બે ગોળાકાર ટુકડાઓમાં અથવા ચાર લંબગોળાકાર ટુકડાઓમાં કાપે છે. ક્રિકેટના બોલ ચામડાના બે ટુકડા અથવા ચાર ટુકડામાંથી બને છે.
મદન કહે છે, “ટુકડાઓ સમાન જાડાઈના હોવા જોઈએ અને એમાં વાળના દાણા પણ સમાન પ્રમાણમાં હોવા જોઈએ." તેઓ ઉમેરે છે, "ઈસ વક્ત છંટને મેં ગલતી હો ગઈ તો સમજ લો કી ગેંદ ડિશેપ હોગા હી [જો આ તબક્કે ચામડાના ટુકડાઓ અલગ કરવામાં ભૂલ થઈ ગઈ તો બોલનો આકાર બરોબર નહીં જળવાય એ નક્કી/બોલ નક્કી તેનો આકાર ગુમાવશે]."
બોલ બનાવવાની શારીરિક શ્રમ માગી લેતી પ્રક્રિયામાં સૌથી વધુ આવડત અને અનુભવ માગી લેતું કામ છે છેડા પર ડુક્કરના બરછટ વાળ જોડેલા સુતરાઉ દોરાઓથી ચામડાને હાથથી સિલાઈ કરવાનું. મદન કહે છે, “સોયને બદલે બરછટ વાળનો ઉપયોગ કરવામાં આવે છે કારણ કે તે લવચીક ને મજબૂત હોય છે અને ચામડાને ફાડી નાખે તેટલા તીક્ષ્ણ હોતા નથી. તે લાંબા અને પકડવામાં સરળ હોય છે અને ટાંકા લેનારની આંગળીઓમાં પણ ભોંકાઈ જતા નથી."
તેઓ ઉમેરે છે, “લેકિન સિર્ફ ઈસી ચીઝ કી વજહ સે હમારે મુસલમાન ભાઈ યે કામ નહીં કર સકતે. ઉનકો સુઅર સે દિકકત હોતી હૈ ના [પરંતુ આપણા મુસ્લિમ ભાઈઓ માત્ર આ વસ્તુને કારણે બોલ બનાવવાનું કામ કરી શકતા નથી. તેઓને ડુક્કરની સામે વાંધો હોય છે]."
મદનના એકમના સૌથી અનુભવી બોલ બનાવનાર ધરમ સિંહ કહે છે, "ચાર-પીસ બોલ બનાવવા માટે ત્રણ પ્રકારના ટાંકા લેવાની કળામાં નિપુણતા મેળવવામાં ઘણા વર્ષો લાગી જાય છે." 50 વર્ષના ધરમ સિંહ જમ્મુ-કાશ્મીરના ગ્રાહકના ઓર્ડરના ભાગરૂપ બોલ પર વાર્નિશ લગાવી રહ્યા છે. તેઓ કહે છે, "જેમ જેમ એક કારીગર એક પ્રકારના ટાંકાથી ઉપર બીજા પ્રકારના ટાંકા તરફ આગળ વધે છે છે તેમ તેમ ટુકડા દીઠ રોજી પણ વધે છે." દરેક ક્રમિક ટાંકાની એક અલગ તકનીક હોય છે અને તે દરેક કોઈ ખાસ હેતુ સારે છે.
સૌથી પહેલા ગોળાર્ધ અથવા કપ બનાવવા માટે ચામડાના બે લંબગોળાકાર ટુકડાઓને અંદરની તરફથી સિલાઈ કરીને જોડવામાં આવે છે, જેને સ્થાનિક રીતે પીસ જુડાઈ કહેવામાં આવે છે. પહેલી સિલાઈ સામાન્ય રીતે શિખાઉ કારીગર કરે છે, તેઓ ગોળાર્ધ દીઠ 7.50 રુપિયા કમાય છે. ધરમ સમજાવે છે, “પીસ જુદાઈ પછી કપને લેપ્પે નામના પાતળા ચામડાના ટુકડાથી મજબૂત બનાવવામાં આવે છે." આ ગાદીવાળા ચામડાના ગોળાર્ધને પછી ગોલાઈ (ગોળ આકાર આપવાના) મશીન દ્વારા એક બીબામાં ઢાળીને ચોક્કસ ગોળાકાર ઘાટ આપવામાં આવે છે.
બોલ બનાવવા માટે શ્રમિકો બે ગોળાર્ધની વચ્ચે દબાવેલ ગોળાકાર કોર્ક મૂકી બંને બાજુથી એકસાથે ટાંકા લઈને બે ગોળાર્ધને જોડે છે, તેને કપ જુડાઈ તરીકે ઓળખવામાં આવે છે. કપ જુડાઈ માટેનું મહેનતાણું 17-19 રુપિયાની વચ્ચે હોય છે. ટુ-પીસ બોલમાં પણ હાથ સિલાઈ વડે કપ જુડાઈ થાય છે.
ધરમ કહે છે, “બીજી સિલાઈ પૂરી થયા પછી જ બોલ [ગેંદ] શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે, પહેલી બાર ચમરા એક ગેંદ કા આકર લેતા હૈ [આ પહેલો તબક્કો છે જ્યારે ચામડું બોલનો આકાર લે છે].
ધરમ લગભગ 35 વર્ષ પહેલાં સૂરજ કુંડ રોડ પરની ફેક્ટરીમાં બોલ બનાવવાની કારીગરી શીખ્યા હતા, ત્યાં 1950ના દાયકાથી રમતગમતના સામાનનું ઉત્પાદન થવા લાગ્યું હતું. વિભાજન પછી સિયાલકોટ (હવે પાકિસ્તાનમાં) થી આવેલા શરણાર્થીઓએ રમતગમતના સામાનનું ઉપ્તાદન કરતા ઉદ્યોગની સ્થાપના કરી હતી, મેરઠમાં સૂરજ કુંડ રોડ અને વિક્ટોરિયા પાર્કની આસપાસની સ્પોર્ટ્સ કોલોનીઓમાં તેમનું પુનર્વસન કરાવવામાં આવ્યું હતું. ધરમ કહે છે, "મેરઠની આસપાસના ગામડાઓમાંથી લોકો શહેરમાં ગયા, આ કૌશલ્ય શીખ્યા અને તેને પાછું મેરઠમાં લાવ્યા."
ફોર-પીસ બોલ માટે સિલાઈનો ત્રીજો તબક્કો સૌથી નિર્ણાયક છે. તેમાં જટિલ રીતે સીમની ચાર સમાંતર હરોળ (ગેંદ સિલાઈ) કરવી પડે છે. તેઓ કહે છે, "સારામાં સારા બોલમાં લગભગ 80 ટાંકા હોય છે." ટાંકાઓની સંખ્યાના આધારે એક શ્રમિક બોલ દીઠ 35-50 રુપિયાની વચ્ચે કમાય છે. ટુ-પીસ બોલ માટે સીમની મશીન-સિલાઈ થાય છે.
ધરમ ઉમેરે છે, “સ્પિનર હો યા ફાસ્ટ બોલર, દોનો સીમ કે સહારે હી ગેંદ ફેંકતે હૈ [સ્પિનર હોય કે પછી ફાસ્ટ બોલર સીમને સહારે જ બોલ ફેંકે છે]." એકવાર સીમના ટાંકા લેવાઈ જાય પછી બોલ પર બહાર ઉપસેલ સીમને હાથથી દબાવવામાં આવે છે, અને પછી બોલ પર વાર્નિશ લગાવીને તેને સ્ટેમ્પ કરવામાં આવે છે. “ખિલાડી ક્યા પહચાનતે હૈ? સિર્ફ ચમકતી હુઈ ગેંદ, સોને કી મુહર કે સાથ [ક્રિકેટર શું જુએ છે? બસ ગોલ્ડન સ્ટેમ્પ સાથેનો એક ચમકતો બોલ]."
મદન પૂછે છે, “ક્રિકેટ બોલ કી એક ખાસ બાત બતાઈયે [મને કહો કે એ કઈ વાત છે જે ક્રિકેટ બોલને ખાસ બનાવે છે?]” મદન પૂછે છે.
તેઓ કહે છે, "તે એક માત્ર એવી રમત છે જેમાં સ્વરૂપો બદલાયા છે, લેકિન બનાનેવાલા ઔર બનાને કી તકનીક, તરીકા ઔર ચીઝેં બિલકુલ નહીં બદલીં [પરંતુ બોલ બનાવનારા અને બનાવવાની તકનીક, પ્રક્રિયા અને બનાવવા માટેની સામગ્રી કશું જ બદલાયું નથી].
મદનના કારીગરો એક દિવસમાં સરેરાશ 200 બોલ બનાવી શકે છે. એક બોલ અથવા બોલની એક બેચ બનાવવા માટે લગભગ 2 અઠવાડિયા લાગે છે. મદન કહે છે, "જેમ 11 ક્રિકેટરોની એક ટીમ બને છે તેમ," ચામડું પકવવાથી લઈને બોલ તૈયાર થાય ત્યાં સુધીમાં "ઓછામાં ઓછા 11 કારીગરોની કુશળતાની જરૂર પડે છે." પોતે કરેલી આ સરખામણી પર હસતા હસતા મદન વાત કરે છે.
તેઓ ઉમેરે છે, "પર ખેલ કા અસલી કારીગર તો ખિલાડી હી હોવે હૈ [પરંતુ રમતમાં વાસ્તવિક કારીગર તો ફક્ત ખેલાડીને જ ગણવામાં આવે છે]," તે ઉમેરે છે.
આ વાર્તા તૈયાર કરવામાં અમૂલ્ય મદદ કરવા બદલ પત્રકાર ભારત ભૂષણનો આભાર માને છે.
આ વાર્તા મૃણાલિની મુખર્જી ફાઉન્ડેશન (એમએમએફ) ની ફેલોશિપ દ્વારા સમર્થિત છે.
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક