કોવિડ -19 ના સંક્રમણનું પોઝિટિવ પરીક્ષણ કર્યાના આઠ દિવસ પછી જે હોસ્પિટલમાં સંક્રમણ માટેની સારવાર ચાલતી હતી તે જ હોસ્પિટલમાં રામલિંગ સનપ મૃત્યુ પામ્યા. પરંતુ તેમના મોત માટે વાયરસ જવાબદાર ન હતો.
તેઓ મૃત્યુ પામ્યા તેના થોડા કલાકો પહેલા 40 વર્ષના રામલિંગે તેમના પત્ની રાજુબાઈને હોસ્પિટલમાંથી ફોન કર્યો હતો. તેમના ભત્રીજા (રામલિંગના ભત્રીજા - રાજુબાઈના ભાઈના દીકરા) 23 વર્ષના રવિ મોરાળે કહે છે, “પોતાની સારવાર માટે કેટલો ખર્ચ થતો હતો તે જાણ્યું ત્યારે તેમની આંખમાં આંસુ હતા. તેમને થયું કે હોસ્પિટલનું બિલ ચૂકવવા તેમણે પોતાની બે એકરની ખેતીની જમીન વેચી દેવી પડશે."
રાજુબાઈના ભાઈ પ્રમોદ મોરાળે કહે છે કે 13 મી મેથી રામલિંગને મહારાષ્ટ્રના બીડ શહેરની દીપ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલે તેમની સારવાર માટે 1.6 લાખ રૂપિયા વસૂલ્યા હતા . તેઓ કહે છે, "અમે ગમે તેમ કરીને બે હપ્તામાં એ રકમ ચૂકવી, પરંતુ હોસ્પિટલ હજી બીજા 2 લાખ રૂપિયા માગતી હતી. તેઓએ પરિવારને કહેવાને બદલે દર્દીને કહ્યું. દર્દીને તકલીફ આપવાની શી જરૂર હતી? ”
કુટુંબની વાર્ષિક આવકથી લગભગ બમણા હોસ્પિટલ બિલનો વિચાર માત્ર રામલિંગ માટે ભારે મૂંઝવનારો હતો. 21 મી મેએ વહેલી સવારે તેઓ કોવિડ વોર્ડની બહાર નીકળ્યા અને હોસ્પિટલના કોરિડોરમાં જ ફાંસી ખાઈને આપઘાત કરી લીધો.
20 મી મેએ રાત્રે તેમણે (રામલિંગે) ફોન કર્યો ત્યારે 35 વર્ષના રાજુબાઈએ તેમના ચિંતિત પતિને દિલાસો આપવાનો ખૂબ પ્રયત્ન કર્યો હતો. તેમણે (રાજુબાઈએ) તેમને (રામલિંગને) કહ્યું હતું કે તેઓ તેમની મોટરસાયકલ વેચી દેશે અથવા તેઓ બંને જ્યાં કામ કરતા હતા તે પશ્ચિમ મહારાષ્ટ્રના ખાંડના કારખાનામાંથી પૈસા ઉધાર લેશે. રાજુબાઈએ કહ્યું હતું રામલિંગ સાજા થઈ જાય એ જ તેમને માટે મહત્ત્વનું હતું. પૈસાનું તો થઈ પડશે. પરંતુ રામલિંગને આટલા પૈસા પાછા વાળી શકાશે કે કેમ એની કદાચ શંકા હતી.
રામલિંગ અને રાજુબાઇ દર વર્ષે પશ્ચિમ મહારાષ્ટ્રના શેરડીના ખેતરોમાં કામ કરવા બીડ જિલ્લાના કૈજ તાલુકાના તેમના ગામમાંથી સ્થળાંતર કરતા હતા. નવેમ્બરથી એપ્રિલ સુધી 180 દિવસની તનતોડ મજૂરી પછી તેઓ બંને મળીને લગભગ 60000 રુપિયા કમાતા. તેમની ગેરહાજરીમાં - 8 થી 16 વર્ષની ઉંમરના - તેમના ત્રણ બાળકોને રામલિંગના વિધુર પિતા સાંભળતા.











