હરિયાણાના કન્દ્રોલી ગામના ચીકુ ધાંડાએ કહ્યું કે, "24 મી જાન્યુઆરીની સવારે ત્રણ ટ્રેક્ટર, છ ટ્રેક્ટર ટ્રોલી અને 2 થી 3 ગાડી અમારા ગામથી દિલ્હી જવા રવાના થશે." 28 વર્ષના ખેડૂતે ઉમેર્યું કે, “અમે ટ્રેક્ટર રેલીમાં જોડાવા જઈ રહ્યા છીએ. હું મારું પોતાનું ટ્રેક્ટર દિલ્હી હાંકી જઈશ.”
ચીકુની હરિયાણા-દિલ્હી સરહદ પર સ્થિત સિંઘુની આ છઠ્ઠી મુલાકાત છે. ત્યાં દર વખતે તેઓ સપ્ટેમ્બર 2020 માં સંસદમાં પસાર થયેલા કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા હજારો, લાખો ખેડુતો સાથે જોડાય છે. આ માટે દર વખતે તેઓ યમુનાનગર જિલ્લામાં આવેલા કન્દ્રોલીથી 150 કિલોમીટરની મુસાફરી કરે છે, અને રસ્તા પર લગભગ ચાર કલાક મુસાફરી કરે છે. દરેક મુલાકાત વખતે તેઓ આંદોલનકારીઓ સાથે એકતા દર્શાવવા સિંઘુ ખાતે ઓછામાં ઓછું ત્રણ રાત રોકાયા છે.
દરેક સફરમાં તેમની સાથે તેમના 22 વર્ષના પિતરાઈ મોનિન્દર ધાંડા પણ મુસાફરી કરે છે. તેઓ કુરુક્ષેત્ર યુનિવર્સિટીમાં કાયદાનો અભ્યાસ કરે છે. તેમના પરિવારો સાથે રહે છે. તેઓ હરિયાણાના મુખ્યત્વે ખેતીવાડી સાથે સંકળાયેલા જાટ સમુદાયના છે અને તેમની 16 એકર જમીન પર તેઓ શાકભાજી, ઘઉં અને ડાંગરની ખેતી કરે છે.
મોનિન્દરે કહ્યું કે, "અમે સ્થાનિક એપીએમસી મંડળીઓમાં અમારા પાક વેચીને દર વર્ષે એકર દીઠ 40000 થી 50000 રુપિયા કમાઈ શકીએ છીએ." મોનિન્દરે કહ્યું કે, "દર વર્ષે ઉત્પાદન ખર્ચ વધતો જાય છે, જ્યારે એમએસપી [ન્યુનતમ ટેકાના ભાવ] વધતા નથી.” આ કમાણીથી તેમના આઠ સભ્યોના પરિવારનું ગુજરાન ચાલે છે.
આ પિતરાઇઓના પરિવારોની જેમ કન્દ્રોલી ગામના 1314 રહેવાસીઓમાંથી મોટાભાગના ખેતીવાડી સાથે સંકળાયેલા છે. જાન્યુઆરીના મધ્યમાં, તેમાંના કેટલાકે કૃષિ આંદોલન સાથે સંબંધિત બાબતોની દેખરેખ અને સંકલન માટે અનૌપચારિક રીતે એક સમિતિ બનાવી હતી. તે સમિતિ ભારતીય કિસાન સંઘ (જેની સાથે ગામના ઘણા ખેડુતો સંકળાયેલા છે) ની વિભાગીય પેટા સમિતિઓના વ્યાપક અવકાશથી વિરુદ્ધ સ્થાનિક સ્તરના નિર્ણયો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ચીકુએ કહ્યું કે, "વિરોધ પ્રદર્શન સ્થળ પર જતા લોકોના ખેતરોની સંભાળ લેવાનો વારો કોનો છે એ ગામની સમિતિ નક્કી કરે છે. તેઓ સિંઘુ ખાતેના લોકો માટે અન્ન પુરવઠાનું પણ સંચાલન કરે છે."




