તેઓ લાલ, પીળા, લીલા, સફેદ, અને કેસરી ઝંડાઓ ફરકાવતા મંચ પાસેથી પસાર થયા. માથા પર લીલા દુપટ્ટા ઓઢીને મહિલા ખેડૂતોની એક ટોળકી કૂચ કરતી આવી. ઝાંખી સફેદ, મરૂન, પીળી, અને લીલા રંગની પાધડીઓમાં સજ્જ પુરુષોનો એક કાફલો ટ્રેક્ટર પર સવાર થઇ પસાર થયો. આખા દિવસ દરમિયાન ખભા પર ધ્વજા રાખીને ઘણા સમૂહ મંચ પાસેથી પસાર થતા રહેતા હતા - જાણે કે બધા એક કવિતાની પંક્તિઓની જેમ એક પછી એક પસાર થતા હોય.
૨૬ નવેમ્બર, ૨૦૨૦ના રોજ જ્યારે તેઓ સંસદ દ્વારા પસાર કરવામાં આવેલા ત્રણ કૃષિ કાયદાઓના વિરોધમાં દિલ્હીના દરવાજા સુધી પહોંચી ગયા હતા એને એક વર્ષ થયું હતું. આ માઈલસ્ટોન વર્ષગાંઠની ઉજવણી કરવા માટે, ખેડૂતો અને સમર્થકોએ ગયા શુક્રવારે સિંઘુ, ટીકરી, અને ગાઝીપુરના પ્રદર્શન સ્થળો ભરી દીધા હતા.
એ દિવસ વિજય ને આંસુઓનો, યાદો ને યોજનાઓનો હતો. પ્રધાનમંત્રી દ્વારા ૧૯ નવેમ્બરના રોજ ત્રણ કાયદાઓ રદ કરવાની જાહેરાત પછી ૩૩ વર્ષીય ગુરજીતસિંહ કે જેઓ સિંઘુ ખાતે હતા, તેઓ કહે છે, આ એક લડાઈની જીત છે, પણ અંતિમ જીત નથી.તેઓ પંજાબના ફિરોઝપુર જિલ્લાના ઝીરા તાલુકામાં એમના ગામ અરાઇયાનવાલામાં ૨૫ એકર જમીનમાં ખેતી કરે છે.
“આ વિજય લોકોને ફાળે જાય છે. અમે એક જીદ્દી પ્રશાસનને હરાવ્યું છે, આથી અમે ખુશ છીએ,” એ દિવસે સિંઘુ ખાતે હાજર ૪૫ વર્ષીય ગુરજીત સિંહ આઝાદ કહે છે. આઝાદ ગુરદાસપુર જિલ્લાના કહ્નુંવાન તાલુકામાં આવેલા ભટ્ટીયાન ગામના વતની છે, જ્યાં તેમની બે એકર જમીન છે અને તેના પર તેમના કાકા ઘઉં અને ડાંગર વાવે છે. તેઓ કહે છે, “આ લડાઈની શરૂઆત ૨૬ નવેમ્બરે નહોતી થઇ. એ દિવસે તો ખેડૂતો ફક્ત સરહદ પર આવ્યા હતા. ખરડો કાયદો બન્યો એ પહેલા જ ખેડૂતોએ વિરોધ શરૂ કરી દીધો હતો. સપ્ટેમ્બર ૨૦૨૦માં જ્યારે કાયદો બન્યો, ત્યારે અમને દિલ્હી આવવા માટે કહેવામાં આવ્યું હતું. અમે એનું પાલન કર્યું.”
તેઓ ગયા વર્ષના માર્ચ મહિનામાં ઘટેલી ઘટનાઓ યાદ કરે છે: “જેમ અમે રાજધાની તરફ આગળ વધ્યા, તેમ સરકારે અમારા પર વોટર કેનન છોડ્યા. તેમણે રસ્તામાં ઊંડા ખાડા ખોદયા. પણ અમે જંગ કરવા નહોતા આવતા એટલે અમે ઊંચી વાડ, અને કાંટાળા તારથી ડર્યા નહીં.” (૬૨ વર્ષીય જોગરાજ સિંહે ગયા વર્ષે મને કહ્યું હતું કે તેમના જેવા ખેડૂતો પોલીસને જમાડે છે, અને પોલીસ પણ તેમના જ સંતાન છે. આથી જો તેમની લાઠીઓને પણ ‘જમાડવાની હોય’તો ખેડૂતો તેમની પીઠ ધરવા તૈયાર છે.)




















