મુખ્ય મંચ સામે બેસેલી ભીડ શાંત થઇ ગઈ. સંભળાય નહિ એવો એક માત્ર અવાજ હોય તો એ હતો ત્યાં બેઠેલા લાખો ને હજારો કિલોમીટર દૂર દરેકના વતનમાં બેઠા તમામ લોકોના હૈયાંના એકતાલમાં થતા ધબકારનો. નેતાઓ આભને આંબે એવા જુસ્સા સાથે સન્માનમાં નતમસ્તક ઊભા થયા. ભાવનાગ્રસ્ત માહોલમાં બધા લોકોની વધતા જતા ઉત્સાહભરી આંખો એ આઠ યુવાનો તરફ મંડાયેલી હતી જેઓ માથા પર માટી ભરેલા ઘડા લઇ સિંઘુ સરહદ પરના સંયુક્ત કિસાન મોરચાના મંચ પર ચઢી રહ્યા હતા.
યાદો અને પવિત્ર માટીથી ભરેલો એક એક ઘડો ઘણી માઇલોની સફર કરીને ૨૩ માર્ચ ૨૦૨૧ના રોજ ભગત સિંહ, રાજગુરુ અને સુખદેવનો ૯૦મો શહાદત દિવસ મનાવવા માટે દિલ્હીની સરહદો પર પ્રદર્શન કરી રહેલાં ખેડૂતો પાસે પહોંચ્યો હતો.
“પંજાબના આ નવયુવાનો આઠ ઐતિહાસિક સ્થળોથી માટી એકઠી કરીને લાવ્યા છે. એ જગ્યાઓથી જે આપણા માટે વિશેષ છે, આપણા દિલોમાં છે – અને અમે તેમનું સ્વાગત કરીએ છીએ,” મંચ પરથી ખેડૂત નેતા, જતીન્દર સિંહ છીનાએ જાહેરાત કરી.
ખેડૂતોના જીવનમાં હંમેશા ભૌતિક અને સંસ્કૃતિક મહત્વ ધરાવતી માટીએ આ શહીદ દિવસે રાજનૈતિક, ઐતિહાસિક તથા બીજા લાક્ષણિક અર્થ મેળવ્યા છે. જે માટીને તેઓ પવિત્ર માને છે તેને અલગ અલગ શહીદોના ગામોમાંથી લાવવી, પ્રદર્શનકારી ખેડૂતોની ઉર્જા વધારવા અને પ્રેરિત કરવાની એ એક સારી રીત હતી. અને આ વિચાર ખેડૂત સંઘો અને કાર્યકર્તાઓની જીલ્લા સ્તરની બેઠકમાં સામાન્ય લોકોના મગજમાં આવ્યો હતો.










