મધ્ય મુંબઈથી લગભગ 95 કિલોમીટર દૂર થાણે જિલ્લાના નિમ્બવલી ગામમાં સપર્યા ટેકરીની તળેટીમાં વસેલું છે અમારું ગેરેલપાડા. વારલી આદિવાસીઓના આ નાનકડા કસ્બામાં માંડ 20-25 ઘરો છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ આ પાડાએ (વસાહતે) દિવાળીના તહેવારની ઉજવણી તેની પોતાની પરંપરાગત ઢબે કરી હતી. આ મહિનાની શરૂઆતમાં જ સૌએ તહેવારની તૈયારી શરુ કરી દીધી હતી.
અમારા સમુદાય માટે દિવાળીના ચાર મહત્વના દિવસો એટલે વાઘબારસી, બારકી તિવલી, મોઠી તિવલી અને બલિપ્રતિપદા. આ વર્ષે 5 મી થી 8 મી નવેમ્બર દરમિયાન અમે આ તહેવારોઉજવ્યા હતા.
વારલી લોકો વાઘને ભગવાન માને છે અને વાઘબરસીએ અમે વાઘને પ્રાર્થના કરીએ છીએ. આદિવાસી પાડાઓ સામાન્ય રીતે જંગલમાં આવેલા હોય છે. અગાઉ વારલીઓનું જીવન સંપૂર્ણપણે જંગલ પર નિર્ભર હતું. તેઓ તેમના પશુધનને જંગલમાં ચરવા લઈ જતા, અને હજી આજે પણ તેઓમાંના ઘણા લોકો એમ કરે છે. તેમના પશુધન પર વાઘ હુમલો ન કરે એ માટે તેઓ વાઘની પ્રાર્થના કરતા - અને એ ભયમાંથી જ આદર જન્મ્યો (અને તેમાંથી વાઘની પૂજા કરવાનું શરુ થયું).
મધ્ય મુંબઈથી લગભગ 95 કિલોમીટર દૂર થાણે જિલ્લાના નિમ્બવલી ગામમાં સપર્યા ટેકરીની તળેટીમાં વસેલું છે અમારું ગેરેલપાડા. આ વર્ષે પણ પાડાએ દિવાળીના તહેવારની ઉજવણી તેની પોતાની પરંપરાગત ઢબે કરી હતી
ગાવદેવી મંદિરમાં એક લાકડાના પાટિયા પર વચ્ચોવચ એક વાઘ કોતરેલો છે. ગામના લોકો તેમના દેવની પૂજા કરવા માટે અહીં નારિયેળ વધેરે છે, ધૂપ-દીપ કરે છે. પાડા પાસે જંગલમાં થોડે દૂર સિંદૂર લગાડેલો એક મોટો પથ્થર એ અમારા વાઘ્યા (વાઘ) દેવનું મંદિર.
બરકી તિવાલીના દિવસે (‘નાનો દીવો’), મારી મા પ્રમીલા જંગલમાંથી થોડી ચિરોટી ભેગી કરે છે. મારી મા 46 વર્ષની છે; તે ઈંટોના ભઠ્ઠામાં કામ કરતી હતી, અને કાળા ગોળમાંથી દારૂ બનાવીને વેચતી હતી, પરંતુ હવે તે જંગલની જમીનના અમારા એક નાનકડા પ્લોટ પર ખેતી કરે છે. ચિરોટી કાકડીના પરિવારમાંથી છે, પરંતુ તે નાની અને કડવી હોય છે - મારી મા આ જંગલી ફળને અડધા ભાગમાં કાપી નાખે છે અને દીવા તરીકે વાપરવા એક નાની વાડકી બનાવવા તેનો અંદરનો ગર કાઢી નાખે છે.
ગાયના છાણ અને માટીને ભેળવીને તેમાંથી દીવો રાખવા માટેનું એક ગોળ, પોલું હોલ્ડર બનાવવામાં આવે છે, જેને બોવલા કહેવાય છે, આ હોલ્ડર દિવાલ પર થોડેક ઊંચે હોય છે. હોલ્ડરને હજારી ગોટાના ફૂલોથી શણગારવામાં આવે છે. સાંજે આ બોવાલામાં દીવો મૂકીને પ્રગટાવવામાં આવે છે. દીવો ઊંચે મૂકવામાં આવ્યો હોવાથી આખી જગ્યાને અજવાળી રહે છે.
અગાઉ અમારા પાડામાં બધા ઘરો કારાવીની લાકડીઓ અને લાકડાના બનેલા હતા. છત પણ ઘાસ છાયેલી હતી. તે સમયે આ બોવાલા છાણમાંથી બનેલા હોવાથી ઝૂંપડાને આગ લાગવાનો ડર નહોતો. (વર્ષ 2010 ની આસપાસ અમારા કસ્બામાં પરિવારોએ ઈન્દિરા આવાસ યોજના હેઠળ સિમેન્ટ અને ઈંટના મકાનો બનાવવાનું શરૂ કર્યું હતું.)
બરકી અને મોટી તિવાલી ('મોટો દીવો') બંને દિવસે, આ કસ્બાના ઘરોની આગળની દિવાલોને દીવાઓ શણગારવામાં આવે છે. આ બંને રાતે તિવાલીનો પ્રકાશ પાડામાંના અંધકારને દૂર કરે છે - ઢોરની ગમાણમાં, શેણકઈમાં (જ્યાં ગાયના છાણનો સંગ્રહ કરવામાં આવ્યો હોય તે જગ્યા) અને સમુદાયના કૂવાના કાંઠે - બધે જ (દીવાની) જ્યોત પવનથી લહેરાતી જોવા મળે છે.
બલિપ્રતિપદાને દિવસે વહેલી પરોઢથી ઉજવણી શરૂ થાય છે. તે 'ડામ' દઈને ટીખળ કરવાનો દિવસ હતો, એ દિવસે પરિવારના સભ્યોને તેમને ખ્યાલ પણ ન હોય ત્યારે સળગતી બીડીથી (નુકસાન પહોંચાડ્યા વિના) ડામ દેવામાં આવતો હતો. રામ પરેડ કહે છે, “દરેક વ્યક્તિએ વહેલા ઉઠવું જોઈએ, ઝડપથી નાહી જવું જોઈએ. સૂતેલા લોકોને જગાડવા માટે ડામ દેવામાં આવતો હતો." તેઓ મારા કાકા છે, તેઓ 42 વર્ષના છે. તેમનો પરિવાર ઈંટોના ભઠ્ઠાઓ પર કામ કરતો હતો; હવે તેઓ કોન્ટ્રાક્ટ મજૂર તરીકે કામ કરે છે અને ચોમાસા દરમિયાન જંગલની જમીન પર ખેતી કરે છે.
બલિપ્રતિપદાને દિવસે દરેક જણના ઘરના આગળના આંગણાને ગાયના છાણના પાતળા સ્તરથી લીંપવામાં આવે છે અને ઢોરની ગમાણ સાફ કરવામાં આવે છે. અમારા તમામ પશુધનને શણગારવામાં આવે છે અને તેની પૂજા કરવામાં આવે છે. લગભગ 70 વર્ષના અશોક કાકા ગરેલ કહે છે, “આ એક આદિવાસી પરંપરા છે." તેઓ એક પશુપાલક છે, તેમનો હાથ ચોખાના ઓસામણ અને ગેરુના પાતળા દ્રાવણમાં ડુબાડેલો છે. આ લાલ-ભૂખરા રંગનો ઉપયોગ પશુઓને હથેળીની છાપ વડે સજાવવા માટે થાય છે. તેમના શિંગડા પણ એ જ પેસ્ટથી રંગવામાં આવે છે.
પાડાના પુરૂષો ઢોરને સજાવવામાં વ્યસ્ત હોય છે, ત્યારે મહિલાઓ દિવાળીની ખાસ વાનગીઓ બનાવવામાં વ્યસ્ત હોય છે. પાનમોડી, ચવળી અને કરાંદે એ ખૂબ આતુરતાથી જેના બનવાની રાહ જોવાતી હોય એવી ખાસ વાનગીઓ છે. આ બધી વાનગીઓ આદિવાસીઓએ જાતે ઉગાડેલા અનાજનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે.
મારી માતા પ્રમીલા પાનમોડી બનાવવાની પ્રક્રિયા સમજાવે છે, “અમારા નાના પ્લોટમાંથી તાજા લણેલા ડાંગરને પીસીને બારીક લોટ બનાવવામાં આવે છે. એમાં અમે છીણેલી કાકડી અને થોડો ગોળ ઉમેરીએ છીએ. આ કણકને પછી ચાઈના પાન વચ્ચે મૂકીને (વરાળે) બાફવામાં આવે છે. અને જ્યારે પાનમોડી રંધાતી હોય ત્યારે ઘરમાં કચરો નહિ વાળવાનો. નહીં તો પાનમોડી ક્યારેય સીઝશે નહીં!”
કરાંદે વાવવા માટે ચોમાસા દરમિયાન માટીનો એક નાનો, સપાટ ટેકરો બનાવવામાં આવે છે. દિવાળીના અરસામાં વેલા પર નવા કરાંદે ઊગે છે. કેટલાક ઘાટા રંગના હોય છે, તો બીજા કેટલાક સફેદ, કેટલાક ગોળાકાર હોય છે, તો કેટલાક વાંકાચૂંકા. તેનો સ્વાદ બટાકા જેવો હોય છે. અને જંગલના પ્લોટના અમુક ભાગમાં સૂકા પાંદડા, ઘાસ અને સૂકા છાણાં બાળીને તે વિસ્તારને ચવળી (ચોળી) ની ખેતી માટે તૈયાર કરવામાં આવે છે. જમીન ખેડવામાં આવે છે અને ચવળી (બ્લેક આઈડ બીન), જેને અમે ચવલા (ચોળા) કહીએ છીએ, તે ત્યાં વાવવામાં આવે છે. બલિપ્રતિપદાને દિવસે પાણીમાં થોડું મીઠું નાખી સમારેલા કરાંદે અને ચવલાને ઉકાળવામાં આવે છે.
રસોઈ થઈ ગયા પછી મહિલાઓ ઢોરની ગમાણ તરફ વળે છે. ગમાણની બહાર ડાંગરની દાંડીઓ, એક મૂસળી, ખોદવા માટે વપરાતો લોખંડનો સળિયો અને હજારી ગોટાના કેટલાક ફૂલો રાખવામાં આવે છે. ઢોર બહાર નીકળે કે તરત જ ચિરોટીના ફળ તેમના પગ નીચે નાખવામાં આવે છે. કહેવાય છે કે જે ઢોરની ખરી નીચે કચડાઈ ગયેલી ચિરોટીના બીજ વાવવામાં આવે તે મીઠા ફળ આપે છે.
પશુઓ ખેતીનું અભિન્ન અંગ છે; તેઓ પાકને ઘેર લાવવા માટે ખેડૂતોની સાથોસાથ ખૂબ મહેનત કરે છે. વારલીઓ માને છે કે આ કારણે જ દુષ્ટ કામ કરનારા લોકો તેમના પશુઓને શાપ આપવા માટે પ્રેરાય છે. દુષ્ટતાથી બચવા માટે આદિવાસીઓ 'અગ્નિ પૂજા' અથવા અગ્નિ વિધિ કરે છે જેમાં કસ્બાના તમામ પશુધન - ગાય, બળદ, ભેંસ અને બકરા - ને ડાંગરના ભૂસાનો ઉપયોગ કરીને સમુદાય દ્વારા પેટાવવામાં આવતી આગમાંથી ઝડપથી પસાર કરવામાં આવે છે.
આ દિવસે વારલીઓ તેમના દેવતાઓ - વાઘ્યા (વાઘ), હિરવા (હરિયાળી), હિમાઈ (પર્વતની દેવી), કંસારી (અનાજ), નારણદેવ (રક્ષક) અને ચેડોબા (દુષ્ટતાથી રક્ષણ કરનાર દેવ) ની પૂજા કરે છે. હજારી ગોટાના ફૂલોને પહેલા પવિત્ર કરવામાં આવે છે અને પછી ચવલા, કરાંદે અને પાનમોડીના પ્રસાદ સાથે દેવતાઓને અર્પણ કરવામાં આવે છે. ઘણી વારલી મહિલાઓ આ સમયથી શરુ કરીને ચોમાસું બેસે ત્યાં સુધી તેમના વાળમાં હજારી ગોટાના ફૂલો નાખે છે. ત્યાર પછી આગામી દિવાળી સુધી હજારી ગોટાના ફૂલોનો ઉપયોગ પૂજા અથવા શણગાર માટે કરવામાં આવતો નથી.
આદિવાસીઓ જંગલમાં આવેલા તેમના નાનકડા પ્લોટમાં આખું ચોમાસું મહેનત કરે છે. તેઓ ટેકરીઓના ખડકાળ પ્રદેશમાં પણ ખેતી કરવા માટે સખત મહેનત કરે છે. દિવાળીના અરસામાં પાક - ચોખા, અડદ, જુવાર વિગેરે - લણણી માટે તૈયાર થઈ જાય છે. કુદરતની કૃપાથી જો ઉપજ સારી હોય તો કેટલાક પરિવારો તેમની ઉપજ વેચીને થોડી વધારાની આવક મેળવી શકે છે. અને આ આનંદમાં આદિવાસીઓ દિવાળી ઉજવે છે. નવી લણણીની પૂજા કર્યા પછી જ તેઓ ખાવાનું શરૂ કરે છે.
પરંતુ ચોમાસું પુરૂ થયા બાદ ખેતરોમાં કોઈ કામ હોતું નથી. પેટ ભરવા માટે, જીવતા રહેવા માટે નવા રસ્તાઓ શોધવાનો આ સમય હોય છે. પછીના થોડા મહિનાઓ સુધી સખત મહેનત કરવા કેટલાક નજીકના ગામડાઓમાં ઈંટના ભઠ્ઠાઓ તરફ વળે છે અથવા મુંબઈના ઉત્તરીય ઉપનગરોમાં બાંધકામના સ્થળો પર જાય છે, તો બીજા કેટલાક પથ્થરની ખાણો અને ખાંડના (કારખાનાના) પટ્ટામાં.
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક