ફૂલવટિયા તેનો વારો આવવાની વાટ જોઈ રહી છે, જ્યારે એનો ૧૨ વર્ષનો નાનો ભાઈ શંકર લાલ દિવસમાં છેલ્લી વખત સાઇકલ ચલાવી રહ્યો છે – બાજુના લીમડાના ઝાડ સુધી. ૧૬ વર્ષની (ફૂલવટિયા) રોડના કિનારે એક કુરકુરિયાને રમાડતા કહે છે કે, “આજે હું થોડેક સુધી જ ચલાવીશ અને જલદી પરત આવી જઈશ. આવતીકાલથી પાંચ દિવસ સુધી હું આમ પણ સાઈકલ ચલાવી શકીશ નહીં. કપડાનો ઉપયોગ કરતા હોઈએ ત્યારે તે (સાઈકલ ચલાવવી) જોખમી બની જાય છે.”
ફૂલવટિયા (નામ બદલેલ છે) ધારે છે કે તેનું માસિક સ્રાવનું ચક્ર આવતીકાલથી શરૂ થઈ જશે. પરંતુ આ વખતે – આગળના મહિનાઓથી વિપરીત – એને એની શાળામાંથી મફતમાં સેનીટરી નેપકીન નહીં મળે. “સામાન્ય રીતે જયારે માસિક સ્ત્રાવની શરૂઆત થાય ત્યારે અમને પેડ મળતા હતા. પણ હવે હું જે કોઈ પણ કપડાનો ટુકડો વાપરી શકું એ વાપરીશ.”
ઉત્તરપ્રદેશના ચિત્રકૂટ જીલ્લામાં એની શાળા, દેશની બાકીની બધી શાળાઓની જેમ કોવીડ-૧૯ લોકડાઉનને કારણે બંધ છે.
ફૂલવટિયા એના માતા-પિતા અને બે ભાઈઓ સાથે કર્વી તાલુકાના તરૌહા ગામની એક વસાહત સોનેપુરમાં રહે છે. એની બે બહેનો પણ છે જેઓનાં લગ્ન થઇ ગયા છે અને તેઓ બીજે રહે છે. ફૂલવટિયાએ ૧૦મા ધોરણની પરીક્ષા આપી હતી અને ૧૦ દિવસની રજાઓ પછી તે ફરીથી શાળાએ જવાની હતી ને ૨૪ માર્ચે લોકડાઉનની જાહેરાત થઇ ગઈ. તે કર્વી બ્લોકની રાજકીય બાલિકા ઇન્ટર કોલેજમાં ભણે છે.
ફૂલવટિયા કહે છે કે, “હું કાપડનો એવો ટુકડો શોધીશ કે જે બીજા કોઈ ઉપયોગમાં ના લેવાતો હોય – અને તેનો ઉપયોગ કરીશ. એનો ફરીથી ઉપયોગ કરતા પહેલા હું એને ધોઈ લઈશ.” એના કાળા રંગના પગની શોભા વધારતા ગુલાબી રંગે પોલીશ કરેલા ચમકતા નખ ઉપર કદાચ ઉઘાડા પગે ચાલવાને લીધે ધૂળની એક રેખા જામી ગઈ છે.








