તે કહે છે, “મેં કોઇ માંગણી કરી નથી.” “હું મારા દેશ માટે લડી છું, ઈનામ માટે નહીં. મેં મારા પરિવાર માટે કાંઈ માંગ્યું નથી. પરંતુ હવે, આ પ્રકરણના અંતે, હું આશા રાખું છું કે બીજું કંઈ નહીં તો મારા યોગદાનને માન્યતા આપવામાં આવશે. ”
જયારે કથળતી તબિયત અને ગરીબીએ તેમને થોડા વર્ષો પહેલા કચડી નાખ્યા હતા ત્યારે જયપુરના યુવાન પત્રકાર પરેશ રથે તેમની કથા લોકોની સામે રજૂ કરી હતી. રથે તેમને પોતાના ખર્ચે ઝૂંપડપટ્ટીમાંથી તેના એક ઓરડાના રહેવાસમાં ખસેડી અને તેમની તબીબી જરૂરિયાતોનું પણ ધ્યાન રાખ્યું હતું. પાંડા તાજેતરમાં એક બીમારીને કારણે હોસ્પિટલમાં દાખલ થયા હતા. પુત્રની આદતો વિષે એમના સંશય છતાં પણ તેઓ હાલ તેમના પુત્રના ઘરે છે. રથ પછી બીજા ઘણા લોકોએ એમના વિષે લખ્યું અને એક રાષ્ટ્રીય સામાયિકના મુખપૃષ્ઠ સુધી પહોંચી.
રથ કહે છે, “અમે જ્યારે પહેલી વખત લખ્યું ત્યારે તેમને થોડી મદદ મળી. કોરાપુટના તત્કાલીન કલેક્ટર ઉષા પાધી સહાનુભૂતિભર્યા હતા. તે્મણે લક્ષ્મીને 10,000 રૂ. તબીબી સહાય તરીકે રેડ ક્રોસ ફંડમાંથી અપાવ્યા, અને તેમને થોડી સરકારી જમીન આપવાની ખાતરી પણ આપી હતી. પરંતુ પાધીની બદલી થઇ જતા તેઓ આ જિલ્લો છોડીને જતા રહ્યા. બંગાળના કેટલાક લોકોએ તેમને થોડુ દાન પણ મોકલ્યુ હતું.” જો કે, આ બધુ ટૂંક સમયમાં પતી ગયું અને તે ફરીથી જ્યાં હતા ત્યાં જ આવી ગયા. રથ જણાવે છે કે “આ માત્ર પૈસાની બાબત નથી. જો તેમને કેન્દ્રીય પેન્શન મળે, તો પણ તે કેટલા વર્ષો સુધી તેનો આનંદ લેશે? તે તેમના માટે ખરેખર ગૌરવ અને સન્માનની વાત છે. પરંતુ કેન્દ્ર સરકારે કોઈ પ્રતિક્રિયા આપી નથી. ”
ઘણા નિરાશાજનક પ્રયાસો બાદ ગયા વર્ષના અંતમાં લક્ષ્મીને આ જિલ્લાના પંજિયાગુડા ગામે સરકારી જમીનનો ટુકડો ફાળવવામાં આવ્યો હતો. પરંતુ તે હજુ પણ રાહ જુએ છે સરકારની યોજના હેઠળ તેના પર પોતાના ઘરની. હાલના તબક્કે, રથે તેના જૂના મકાનની બાજુમાં એક સારો રૂમ બનાવવા માટે ભંડોળ પૂરું પાડ્યું છે અને ટૂંક સમયમાં જ તેને તેમાં રહી શકવાની આશા છે.
તેમને હવે સ્થાનિક સ્તરે થોડી ઓળખ મળી છે. તેના કેસને માહિતગાર કરવા માટે કેટલીક સંસ્થાઓ આગળ આવી છે. “કાલે,” 14 ઓગસ્ટે તેમણે મને કહ્યું, “હું અહીંની દિપ્તી સ્કૂલમાં ધ્વજ ફરકાવીશ. તેઓએ મને પૂછ્યું. " તેમને એના પર ગર્વ છે, પરંતુ તેમને ચિંતા છે કે તેમની પાસે “સમારંભમાં પહેરવા યોગ્ય સાડી” નથી.
દરમિયાન, વૃદ્ધ આઇએનએ સૈનિક તેની આગામી લડતની યોજના બનાવે છે. “નેતાજીએ કહ્યું હતું ‘ દિલ્હી ચલો [દિલ્હી તરફ ].’ જો કેન્દ્ર 15 ઓગસ્ટ સુધી મને સ્વાતંત્ર્ય સેનાની તરીકે ન સ્વીકારે તો હું આવુ જ કરીશ. હું સંસદમાં ધરણા પર બેસીશ, ” વૃદ્ધ મહિલા કહે છે. " દિલ્હી ચલો, હું તે જ કરીશ."
અને તે આમ કરશે જ, કદાચ લગભગ છ દાયકા મોડુ. પરંતુ હૃદયમાં આશા સાથે, જેમ તેઓ ગાય છે, “કદમ, કદમ, બઢાયે જા…”
ફોટાઃ પી. સાંઇનાથ