સીતાપુરની હોસ્પિટલના ખાટલે ઓક્સિજનને સહારે જીંદગી ટકાવી રાખવા સંઘર્ષ કરી રહેલા રિતેશ મિશ્રાનો સેલફોન સતત રણકતો રહ્યો. આ ફોન હતા રાજ્ય ચૂંટણીઆયોગ અને સરકારી અધિકારીઓના - ક્ષણે ક્ષણે મોતની વધુને વધુ નજીક ધકેલાઈ રહેલા એ શાળાના શિક્ષક 2 મેના રોજ ઉત્તર પ્રદેશની પંચાયત ચૂંટણીની મતગણતરીના દિવસે ફરજ પર હાજર થશે તેની પુષ્ટિ કરે તેવી માગણી કરતા.
તેમની પત્ની અપર્ણા કહે છે, "ફોન સતત રણક્યા જ કરતો હતો" તેમણે પારી (PARI) ને કહ્યું, “જ્યારે મેં ફોન ઉઠાવ્યો અને તે વ્યક્તિને કહ્યું કે રિતેશ હોસ્પિટલમાં દાખલ છે અને તે ફરજ સ્વીકારી શકે તેમ નથી - ત્યારે તેમણે માંગણી કરી કે હું તેમને હોસ્પિટલના ખાટલે પડેલા રિતેશનો ફોટો મોકલું - પુરાવા તરીકે. મેં આમ કર્યું. હું તમને તે ફોટોગ્રાફ મોકલીશ." અને તેમણે પારીને એ ફોટો મોકલ્યો.
પોતાના પતિને ચૂંટણીના કામ માટે ન જવા કેટકેટલી આજીજી કરી હતી તે વિશે 34 વર્ષના અપર્ણા મિશ્રા સૌથી વધુ વાતો કરે છે. તેઓ કહે છે, "તેમની ફરજની યાદી આવી ત્યારથી હું તેમને કહેતી હતી. પરંતુ તેમણે એક જ વાત કર્યે રાખી કે ચૂંટણી સંબંધિત ફરજ નકારી ન શકાય. અને જો તેઓ ફરજ પર હાજર ન થાય તો અધિકારીઓ તેમની સામે એફઆઈઆર પણ નોંધાવી શકે છે."
રિતેશ 29 મી એપ્રિલે કોવિડ -19 ને કારણે મૃત્યુ પામ્યા. પંચાયતોની ચૂંટણીમાં ફરજ પર હાજર થયા પછી આ જ રીતે મૃત્યુ પામેલા 700 થી વધુ યુપીના શિક્ષકોમાંના તેઓ એક છે. પારી પાસે સંપૂર્ણ સૂચિ છે જેની કુલ સંખ્યા હાલ - 713 - 540 પુરુષ અને 173 મહિલા શિક્ષકો થવા જાય છે - અને આ આંકડો સતત વધી રહ્યો છે. આ રાજ્યમાં સરકારી પ્રાથમિક શાળાઓમાં લગભગ 8 લાખ શિક્ષકો છે - જેમાંથી હજારો લાખો શિક્ષકોને મતદાનને લગતી ફરજો સોંપાઈ હતી.
સહાયક અધ્યાપક (સહાયક શિક્ષક) રિતેશ તેમના પરિવાર સાથે રહેતા હતા સીતાપુર જિલ્લાના મુખ્યાલયમાં પરંતુ ભણાવતા હતા લખનૌના ગોસાઈગંજ બ્લોકની એક પ્રાથમિક શાળામાં. 15, 19, 26 અને 29 મી એપ્રિલે ચાર તબક્કામાં યોજાનારી પંચાયતની ચૂંટણીઓમાં તેમને નજીકના ગામની એક શાળામાં મતદાન અધિકારી તરીકેની ફરજ બજાવવાનું કામ સોંપવામાં આવ્યું હતું.












