મોગરો બહુ ઘોંઘાટ કરે છે. ધબ્બ! - મોતી જેવી સફેદ કળીઓ ભરેલા કોથળેકોથળા દરરોજ વહેલી સવારે આવી પહોંચે છે મદુરાઈના મટ્ટુતવાની બજારમાં. "વળી, વળી [ચલો, ખસો, ખસો]," પુરુષો બૂમો પાડે છે અને સ્વૂશશશશ! - કોથળામાંથી ફૂલો ઠલવાય છે પ્લાસ્ટિકની શીટ પર, ખટાંગ ખટાંગ! - વેચનારાઓ નાજુક ફૂલો એકઠા કરીને તેનો ઢગલો કરે છે લોખંડના વજન કાંટા પર અને પલ્લું નમાવી એક કિલોગ્રામ મોગરા ઠાલવે છે ઘરાકની પ્લાસ્ટિક બેગમાં. એક બાજુ કોઈ ભાવ પૂછે છે, બીજી બાજુ કોઈ મોટેથી ઘાંટો પાડીને ભાવ કહે છે; કચડ કચડ...પગ નીચે તાડપત્રી કચડાતી રહે છે, પચ પચ...પગ નીચે વાસી ફૂલો ચગદાતા રહે છે; દલાલો લે-વેચ પર બરોબર નજર રાખે છે, કશું જ તેમની ચકોર નજરની બહાર જતું નથી, તેઓ નોટબુક પર ઝડપથી કંઈક ટપકાવે છે, "પાંચ કિલો, પાંચ કિલો, મારે પાંચ કિલો જોઈએ છે..." કોઈ બૂમ પાડે છે.
મહિલાઓ સારામાં સારા ફૂલો ખરીદવા બજારમાં ફરી ચાર જગ્યાએ તપાસ કરે છે. તેઓ મુઠ્ઠીભર ફૂલો લઈને તેને તેમની આંગળીઓ વચ્ચેથી સરવા દઈ ફૂલોની ગુણવત્તા તપાસે છે. મોગરાના ફૂલો વરસાદનાં ટીપાંની જેમ આંગળીઓ વચ્ચેથી સરતા રહે છે. એક ફૂલ વેચનાર મહિલા કાળજીપૂર્વક ગુલાબ અને ગલગોટાને એકસાથે પકડે છે, પોતાના દાંત વડે માથામાં નાખવાની પીન પહોળી કરે છે. અને ઘડીકમાં પોતાના વાળમાં ખોસી દે છે. પછી તેઓ – મોગરા, ગુલાબ, ગલગોટાના રંગબેરંગી ફૂલોથી ભરેલો – પોતાનો ટોપલો માથે ઉપાડી લે છે અને ધાંધલ-ધમાલવાળા બજારમાંથી બહાર નીકળી જાય છે.
રસ્તાના કિનારે છત્રીની છાયામાં બેસીને તેઓ ફૂલોને (દોરામાં) પરોવી માળા બનાવે છે અને એ માળા નંગના ભાવે વેચે છે. માળામાં લીલા સુતરાઉ દોરાની બંને બાજુએ બહારની તરફ મ્હોં રાખીને પાંખડીઓની અંદર સુગંધ સંઘરીને મોગરાની ડાહીડમરી કળીઓ ગોઠવાઈ ગઈ હોય છે. જ્યારે એ કળીઓ - કોઈના વાળમાં, કોઈની ગાડીમાં કે કોઈ ભગવાનના ફોટાની ફ્રેમ પરની લોખંડની ખીલી પર - ખીલે છે ત્યારે એની સુગંધ પોતાનું નામ જાહેર કરી દે છે: મદુરાઈ મલ્લી.
પારીએ ત્રણ વર્ષમાં ત્રણ વખત મટ્ટુતવાની બજારની મુલાકાત લીધી. સપ્ટેમ્બર 2021માં ભગવાન ગણેશના જન્મદિવસ વિનાયક ચતુર્થીના ચાર દિવસ પહેલા લીધેલી પહેલી મુલાકાત એ ફૂલના વેપારમાં ક્રેશ કોર્સ જેવી હતી - ખૂબ ઓછા સમયમાં અમને ઘણી બધી માહિતી મળી હતી. એ મુલાકાત યોજાઈ હતી મટ્ટુતવાની બસ-સ્ટેન્ડની પાછળના ભાગમાં, તે સમયે પ્રવર્તમાન કોવિડ પ્રતિબંધોને કારણે બજાર અસ્થાયી રૂપે ત્યાં કાર્યરત હતું. આમ કરવા પાછળનો વિચાર સામાજિક અંતર લાદવાનો હતો. પરંતુ તેમ છતાં ત્યાં નાની જગ્યામાં થોડીઘણી ભીડ હતી જ.
મારો ‘તાલીમ વર્ગ’ શરૂ કરતા પહેલા મદુરાઈ ફ્લાવર માર્કેટ એસોસિએશનના પ્રમુખ પોતાનું નામ જણાવે છે: “હું છું પૂકડાઈ રામચંદ્રન. અને આ છે મારી યુનિવર્સિટી." તેઓ ફૂલબજાર તરફ હાથ લંબાવી કહે છે.






























