ઉત્તર કર્ણાટકના બેલાગવી જિલ્લાના બેલાગવી તાલુકાના ખેતમજૂર શાંતા કાંબલે કહે છે, “આ સરકારને ખેડૂતોની કોઈ પરવા જ નથી. એ તો મોટા મોટા નિગમોની જ તરફદારી કરે છે. એપીએમસી પણ એમને (મોટા નિગમોને) આપી દેવાના છે. સરકાર એ લોકોને (મોટા નિગમોને) મદદ કરી રહી છે, ખેડૂતોને કેમ નહીં ?”.
શહેરના મધ્ય ભાગમાં મેજેસ્ટિક વિસ્તારમાં આવેલા બેંગલુરુ સિટી રેલ્વે સ્ટેશન નજીક રોડ ડિવાઇડર પર બેસીને શાન્તા બપોરના સમયે તેમની આસપાસ ગુંજી રહેલા ‘કેન્દ્ર સરકારા ધિક્કારા’ (ધિક્કાર છે કેન્દ્ર સરકારને) ના નારા સાંભળી રહ્યા હતા.
50 વર્ષના શાંતા પ્રજાસત્તાક દિને યોજાયેલ ખેડૂતોની વિરોધ રેલીમાં ભાગ લેવા 26 મી જાન્યુઆરીએ સવારે બસમાં બેંગલુરુ પહોંચ્યા હતા. તે દિવસે સવારે કર્ણાટકને ખૂણેખૂણેથી ખેડૂતો અને ખેતમજૂરો ટ્રેન અને બસો દ્વારા મેજેસ્ટિક આવી રહ્યા હતા જેથી તેઓ - ત્યાંથી બે કિલોમીટર દૂર - ફ્રીડમ પાર્ક જઈ શકે અને ત્રણ નવા કૃષિ કાયદાઓ વિરુદ્ધ દિલ્હીમાં આંદોલન કરી રહેલા ખેડૂતોની ટ્રેક્ટર પરેડને ટેકો આપવા યોજવામાં આવેલ બેઠકમાં ભાગ લઈ શકે.
ત્યાં ગામમાં શાંતા મજૂરીના રોજના 280 રુપિયા કમાય છે. તેઓ બટાટા, કઠોળ અને મગફળી જેવા પાકની વાવણીનું અને ખેતીની જમીનમાં નીંદણ કરવાનું કામ કરે છે. ખેતીનું કામ ન હોય ત્યારે તેઓ મનરેગાના કામો કરે છે. તેમના 28 અને 25 વર્ષની ઉંમરના બે દીકરા મનરેગા હેઠળ મળતું બાંધકામનું કામ કરે છે.
તેમણે કહ્યું, “[કોવિડ -19] લોકડાઉન દરમિયાન અમારી પાસે નહોતું સરખું ખાવાનું કે નહોતું સરખું પીવાનું પાણી. પણ સરકારે ક્યારેય અમારી પરવા કરી નથી. ”
રેલ્વે સ્ટેશનના પાર્કિંગ વિસ્તારમાં ખેડૂતોનું એક જૂથ નારા લગાવી રહ્યું હતું, “અમારે એપીએમસી જોઈએ છે. નવા કાયદાઓ રદ કરો. "








