1960 ના દાયકાના મધ્યભાગની એક ઘટના યાદ આવતા દિલાવર શિકલગર હસે છે. તેમની વર્કશોપમાં કોઈ લોખંડના ટુકડા પર ધણ ટીપતું હતું, અને તેમાંથી ઉડતી બારીક કણીથી તેમની ડાબા હાથની પહેલી આંગળીએ ઈજા પહોંચી. પાંચ દાયકાથી વધુ સમય પછી આજે પણ લાંબા વખત પહેલા રૂઝાઈ ગયેલા એ ઘાની નિશાની હજીય દેખાય છે અને તે હસીને કહે છે, “મારી હથેળીઓ જુઓ. તે હવે ધાતુ જેવી બની ગઈ છે. ”
એ પાંચથી વધુ દાયકાઓમાં, 68 વર્ષના દિલાવરે તપીને લાલચોળ થયેલા લોખંડ અને કાર્બન સ્ટીલ (લોખંડ અને કાર્બનની એક મિશ્ર ધાતુ) પર દિવસમાં ઓછામાં ઓછા 500 વખત ધણ ટીપ્યું છે - અને લગભગ 55 વર્ષોમાં આશરે 80 લાખ વખત તેમનું પરંપરાગત પાંચ-કિલોનું ધણ ધાતુ પર ટીપ્યું છે.
સાંગલી જિલ્લાના વલવા તાલુકાના બાગાની ગામે રહેતું લુહારોનું શિકલગર કુટુંબ છેલ્લા 100 થી પણ વધુ વર્ષોથી આ - ઘરો અને ખેતરોમાં ઉપયોગમાં લેવામાં આવતા વિવિધ ઓજારો હાથેથી ઘડવાનું - કામ કરી રહ્યું છે. પરંતુ તેઓ જાણીતા છે સારામાં સારી સૂડી અથવા અડકિત્તા (મરાઠીમાં) ઘડવા માટે. તેની ડિઝાઇન, ટકાઉપણું અને તીક્ષ્ણતા વિશિષ્ટ હોય છે.
આ સૂડી કદમાં ચાર ઈંચથી માંડીને બે ફુટ સુધીની હોય છે. નાના અડકિત્તાનો ઉપયોગ સોપારી, કાથો, સૂકું કોપરું અને સુતળી કાપવા થાય છે. મોટી સૂડીનો ઉપયોગ (સોનીઓ અને ઝવેરીઓ દ્વારા) સોના અને ચાંદીના કકડા કરવા અને મોટી સોપારીના કકડા કરવામાં થાય છે, જે બજારમાં નાના ટુકડાઓમાં વેચાય છે.
શિકલગર કુટુંબે બનાવેલી સૂડીઓ ઘણા લાંબા સમયથી એટલી જાણીતી છે કે નજીકથી અને દૂર-દૂરથી લોકો તે ખરીદવા બાગાની આવતા. મહારાષ્ટ્રના અક્લુજ, કોલ્હાપુર, ઉસ્માનાબાદ, સાંગોલે અને સાંગલીથી અને કર્ણાટકના એથની, બીજપુર, રાયબાગ જેવા બીજા અનેક સ્થળોથી લોકો આવતા.










