તેમાં શાનુના પિતરાઈ ભાઈ, વિશ્વનાથ સેન છે, જેમણે તેમને સૌ પ્રથમવાર શંખને કોતરીને તેમાંથી શણગારવાળી બંગડીઓ કેવી રીતે બનાવવી તે શીખવ્યું હતું.
પોતાના યુવાન જીવનકાળના અડધા કરતાં વધુ સમયથી આ કામ કરનારા 31 વર્ષીય શાનુ ઘોષ સમજાવે છે, “હું બંગડીઓ પર ડિઝાઇન કોતરું છું અને પછી હું તેને મહાજન [કોન્ટ્રાક્ટરો]ને વેચવા માટે મોકલું છું. હું ફક્ત શંખની નિયમિત બંગડીઓ જ બનાવું છું, પરંતુ બીજા ઘણા કારીગરો છે જેઓ કોતરેલી બંગડીઓ અને શંખ ઉપર સોનાનો ઢોળ ચઢાવી આપે છે.”
શંખ કામ કરતા આ કારીગર પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લામાં બરાકપુરમાં શંખબનિક કોલોનીના એક વર્કશોપમાં છે. આજુબાજુનો વિસ્તારમાં ઠેર ઠેર શંખ કામમાં જોતરાયેલા વર્કશોપ જોવા મળે છે. તેઓ કહે છે, “લાલકુઠીથી ઘોષપારા સુધી, મોટી સંખ્યામાં શંખના કારીગરો બંગડીના ઉત્પાદનમાં કામ કરે છે.”
મહાજનો આંદામાન અને ચેન્નાઈથી શંખ આયાત કરે છે. શંખ એ દરિયાઈ ગોકળગાયનું કાચલું છે. કાચલાના કદના આધારે, તેનો ઉપયોગ કાં તો ફૂંકવા માટેના શંખ તરીકે કરી શકાય છે, કાં તો બંગડીઓ બનાવવા માટે આગળ મોકલી શકાય છે. જાડા અને ભારે શંખમાંથી બંગડીઓ બનાવવી સરળ હોય છે, કારણ કે નાનો અને ઓછા વજનનો શંખ ડ્રીલમાં સરળતાથી તૂટી જાય છે. તેથી હળવા કાચલામાંથી શંખ બનાવવામાં આવે છે, જ્યારે ભારે શંખને બંગડીઓ બનાવવા માટે બાકી રાખવામાં આવે છે.
શંખને અંદરથી સાફ કર્યા પછી તેના પર પ્રક્રિયા શરૂ થાય છે. કાચલું સાફ કર્યા પછી તેને ગરમ પાણીમાં સલ્ફ્યુરિક એસિડ ભેળવીને ધોવામાં આવે છે. એકવાર તે સાફ થઈ જાય પછી, તેના પર પોલિશ કરવાની પ્રક્રિયા શરૂ થાય છે અને બંગડી પરના કોઈપણ છિદ્રો, તિરાડો અને અસમાન ભાગોને ભરીને તેમને સપાટ બનાવવામાં આવે છે.
બંગડીઓને અલગ કરવામાં આવે તે પહેલાં, તેને હથોડીથી તોડી નાખવામાં આવે છે અને ડ્રીલની મદદથી કાપવામાં આવે છે. પછી કારીગરો દરેક ટુકડાનું ગ્રાઇન્ડીંગ કરીને પોલિશ કરે છે. શાનું કહે છે, “કેટલાક કારીગરો કાચા શંખને તોડવાનું કામ કરે છે, જ્યારે કેટલાક બંગડીઓ બનાવવાનું કામ કરે છે. અમે બધા જુદા જુદા મહાજન હેઠળ કામ કરીએ છીએ.”
શંખબનિક વસાહતમાં શંખના સંખ્યાબંધ વર્કશોપ આવેલા છે, જેમાંથી મોટા ભાગના વર્કશોપ નાના બેડરૂમ અથવા ગેરેજના કદના છે. શાનુની વર્કશોપમાં એક જ બારી છે અને દિવાલો શંખ કાપતી વખતે ઉડતી ધૂળથી સફેદ થઈ ગઈ છે. એક ખૂણામાં બે ગ્રાઇન્ડીંગ મશીનો ગોઠવેલા છે, જ્યારે ઓરડાની બીજી બાજુ પ્રક્રિયા થવાની રાહ જોઈ રહેલા કાચા શંખથી ભરેલી છે.
મોટા ભાગના મહાજનો તેમની દુકાનોમાંથી તૈયાર ઉત્પાદનો વેચે છે, પરંતુ દર બુધવારે શંખની બંગડીઓ માટે એક જથ્થાબંધ બજાર પણ ભરાય છે.
કેટલીકવાર, ખાસ કરીને સોનાનો ઢોળ ચડાવેલી બંગડીઓ માટે, મહાજનો સીધા ગ્રાહકને જ વેચે છે જેણે ઓર્ડર આપ્યો છે.
શાનુ કહે છે કે, તાજેતરના વર્ષોમાં શંખની અછતને કારણે શંખની બંગડીઓ અને શંખનું વેચાણ ઘટી ગયું છે. તેઓ ઉમેરે છે, “અમે ઇચ્છીએ છીએ કે કાચા માલની કિંમત થોડી ઓછી અને અમને પોસાય તેવી હોય. સરકારે કાચા માલના કાળા બજાર પર ધ્યાન આપવાની જરૂર છે.”
શંખના છીપમાંથી બંગડીઓ અને અન્ય સુશોભનની વસ્તુઓ બનાવનારાઓને સ્વાસ્થ્યનું જોખમ છે. શંખબનિક કોલોનીમાં કામ કરતા 23 વર્ષીય કારીગર અભિષેક સેન કહે છે, “શંખને ગ્રાઇન્ડ કરતી વખતે શંખનો પાવડર ઉડીને અમારા નાક અને મોંમાં જાય છે. અમે જોખમી રસાયણોનો પણ ઉપયોગ કરીએ છીએ.” અભિષેક શંખની બંગડીઓ અને શંખની ડિઝાઇન કરે છે.
અભિષેક કહે છે, “મારી આવક શંખની ગુણવત્તા અને કામના પ્રકાર પર આધાર રાખે છે. શંખની બંગડી જેટલી મોટી અને ભારે, તેટલું વેતન વધારે. અમુક દિવસોમાં હું 1,000 રૂપિયા સુધી કમાઈ લઉં છું, જ્યારે બીજા દિવસોમાં મારે માંડ 350 રૂપિયાની કમાણી થાય છે. હું સવારે 9:30 વાગ્યે કામ કરવાનું શરૂ કરું છું અને બપોરે 3 વાગ્યા સુધી કામ ચાલુ રાખું છું, પછી હું 6 વાગ્યાની આસપાસ ફરીથી કામ શરૂ કરું છું, અને મોટાભાગના દિવસોમાં રાત્રે 9 વાગ્યા સુધી કામ કરતો હોઉં છું.”
છેલ્લા 12 વર્ષથી શંખને ગ્રાઇન્ડ કરતા અને તેને પોલિશ કરતા 32 વર્ષીય સાજલ કહે છે, “જ્યારે મેં પહેલી વાર આ કામની શરૂઆત કરી, ત્યારે મને [બંગડીઓની] એક જોડી માટે અઢી રૂપિયા મળતા હતા. હવે મને ચાર રૂપિયા મળે છે.” તેઓ શંખના ફિનિશિંગનું કામ કરે છે. તેઓ ગુંદર અને ઝીંક ઓક્સાઈડને ભેળવીને પેસ્ટ બનાવે છે, જેનાથી તેઓ બંગડીઓમાં જે કોઈપણ કાણાં અને તિરાડો હોય તે ભરે છે. સાજલ કહે છે કે તેઓ એક દિવસમાં 300-400 રૂપિયા કમાય છે.
સુશાંત ધર કહે છે, “અમે બનાવેલા શંખ અને બંગડીઓ આસામ, ત્રિપુરા, કન્યાકુમારી અને બાંગ્લાદેશ સુધી જાય છે, અને ઉત્તર પ્રદેશના જથ્થાબંધ વેપારીઓ પણ અહીં ખરીદી કરવા માટે આવે છે.” આ 42 વર્ષીય કારીગર કહે છે કે તેઓ શંખ પર ફૂલો, પાંદડા, દેવતાઓ અને અન્ય ડિઝાઇન કોતરે છે. સુશાંત કહે છે, “અમે મહિને અંદાજે 5,000 થી 6,000 રૂપિયા કમાણી કરીએ છીએ. બજારમાં મંદી આવી રહી છે અને કાચો માલ મોંઘો થઈ રહ્યો છે. વરસાદની મોસમમાં પરિસ્થિતિ વધુ ખરાબ હોય છે, કારણ કે વરસાદની મોસમમાં જથ્થાબંધ ખરીદી કરતા ગ્રાહકો નથી આવતા.”
શાનુ કહે છે, “જો હું એક દિવસમાં 50 જોડી શંખની બંગડીઓ બનાવું, તો હું 500 રૂપિયા કમાઉં છું. પરંતુ એક જ દિવસમાં 50 જોડી શંખની બંગડીઓ કોતરવી એ લગભગ અશક્ય બાબત છે.”
બજારની મંદી, નાણાકીય અનિશ્ચિતતા અને સરકારી સહાયના અભાવને લીધે, તેઓ અને શંખબનિક કોલોનીના અન્ય કારીગરોને તેમના વ્યવસાયમાં સારું ભવિષ્ય થવાની આશા નથી.
અનુવાદક: ફૈઝ મોહંમદ