સમીરુદ્દીન શેખ રોજ સવારે આઠ વાગે ઘરેથી (ફતેહવાડી, જુહાપુરા) સાયકલ લઈને નીકળે, અને એક કલાકે તેર કિલોમીટર દૂર જૂના અમદાવાદના ખાડિયામાં આવેલા ‘તાજ એન્વેલપ્સ’માં પહોંચી જાય. સાંજે છ વાગે ભારે ટ્રાફિકમાં એક કલાક કરતાં વધારે સમય સાયકલ ચલાવીને સમીરુદ્દીન ઘરે જાય. ‘બાઇક હૈ પર નહીં લે જાતા, ક્યોંકિ પેટ્રોલ નહીં પોસાતા’ ધીમું બોલતા ૩૬ વર્ષના સમીરુદ્દીન પાસે સાયકલ ચલાવવાનું આ કારણ.
જૂના અમદાવાદના ખાડિયામાં આવેલા શૉપિંગ કૉમ્પ્લેક્ષના બૅઝમેન્ટમાં આવેલા ૧૦ x ૨૦ના રૂમમાં ૧0 કારીગરો સાથે સમીરુદ્દીન આખો દિવસ કવર બનાવવાનું કામ કરે. રોજના એ વધુમાં વધુ ૬૦૦૦થી ૭૦૦૦ કવર બનાવે.
સમીરુદ્દીન મુજબ કવર બનાવવાં એટલાં સરળ નથી હોતાં જેટલાં એ દેખાય છે. પછી ઉમેરે છે કે “કવરના કારીગર બનવા માટે એકથી બે વર્ષ લાગે. વળી, ઉસ્તાદ (શીખવનાર કારીગર) અલગ ના કરે (મંજૂરીની મહોર ના મારે) ત્યાં સુધી કવર-કારીગર બની શકાય પણ નહીં.”
ઝડપ, ચોકસાઈ, કુશળતા અને ઓજાર વાપરવાની આવડત આ બધાનો સરવાળો એટલે કવરકારીગરીની ગુણવત્તા. દરેક કારખાનામાં કટિંગ મશીન અને પંચિંગ મશીન હોય. કવર બનાવા માટે પેપર-કટિંગ અને પેપર-પંચિંગ સિવાયનાં બધાં કામ હાથથી થાય.
મશીન લગભગ કારખાનાના માલિકો જ ચલાવતા હોય. કટિંગ મશીનથી કાગળની મોટી સાઇઝની શીટને કવરની સાઇઝ મુજબ ચોરસ-લંબચોરસ કટિંગ કરવામાં આવે. ચોરસ-લંબચોરસ કાગળને પૅડલવાળા પંચિંગ મશીન ડાઇ(Die)ની મદદથી પંચ કરવામાં આવે. પંચ થયેલા કાગળને કવર (envelope) બનાવવા માટે કારીગર કાઉન્ટિંગ કરી સામટા ૧૦૦ કાગળ પર ફૉલ્ડિંગ, પૅસ્ટિંગ, સીલિંગ અને પૅકિંગ કરે છે.
































