એ હકીકત સ્વીકારતા વાર લાગે છે કે શેરિંગ દોરજી ભૂટિયાએ ક્યારેય ધનુષ બનાવીને કમાણી નથી કરી. આવું એટલા છે કારણ કે તેમનું જીવન હસ્તકલામાં જ લપેટાયેલું છે, અને અમે પાક્યોંગ જિલ્લામાં તેમના ગામ કાર્થોકમાં તેમના ઘેર ગયા ત્યારે તેઓ બસ આ હસ્તકલા વિષે જ વાત કરવા માગતા હતા. ૬૦ વર્ષ સુધી તેમની આવક સુથારીકામમાંથી આવતી હતી – મુખ્યત્વે ફર્નિચરનું સમારકામ કરીને. પરંતુ તેમના કહેવા પ્રમાણે તેમની પ્રેરણા તેમના વતન સિક્કિમની સંસ્કૃતિના અભિન્ન અંગ એવી તીરંદાજી હતી.

તેમણે દાયકાઓ સુધી એક કુશળ લાકડાના કારીગર તરીકે કરેલ કામ પર એમને ગર્વ નથી, તેઓ તો પાક્યોંગના ધનુષ બનાવનારા તરીકે ઓળખાવા માંગે છે.

શેરિંગ પારીને કહે છે, “હું ૧૦ કે ૧૨ વર્ષનો હતો ત્યારથી લાકડામાંથી ચીજવસ્તુઓ બનાવું છું. ધીરે-ધીરે એ વસ્તુઓ ધનુષનો આકાર લેવા માંડી અને લોકો એને ખરીદવા લાગ્યા. આ રીતે આ ધનુષ બનાવનાર કારીગરનો જન્મ થયો.”

તેઓ અમને તેમના કેટલાક નમૂના બતાવીને કહે છે, “પહેલાં, ધનુષ અલગ રીતે બનાવવામાં આવતું હતું. આ પ્રકારને તબજુ [નેપાળીમાં] કહેવામાં આવતું હતું. તેમાં લાકડીના બે સાદા ટુકડાઓને એકસાથે જોડીને, તેમને બાંધીને તેમના પર ચામડું ચડાવવામાં આવતું હતું. અત્યારે અમે જે આકાર બનાવીએ છીએ તેને ‘બોટ ડિઝાઇન’ તરીકે ઓળખવામાં આવે છે. એક ધનુષ બનાવવામાં ઓછામાં ઓછા ત્રણ દિવસ લાગે છે. પણ આ કામ કોઈ યુવાન કરે તો વાત જુદી છે, જો કોઈ કોઈ વૃદ્ધ માણસને હજુ વધારે દિવસો લાગી શકે છે.” શેરિંગ રમૂજી મૂડમાં આ વાત કરે છે.

Left: Tshering Dorjee with pieces of the stick that are joined to make the traditional tabjoo bow. Right: His elder son, Sangay Tshering (right), shows a finished tabjoo
PHOTO • Jigyasa Mishra
Left: Tshering Dorjee with pieces of the stick that are joined to make the traditional tabjoo bow. Right: His elder son, Sangay Tshering (right), shows a finished tabjoo
PHOTO • Jigyasa Mishra

ડાબે: શેરિંગ દોરજી પરંપરાગત તબજુ ધનુષ બનાવવા માટે જરૂરી લાકડા પકડીને. જમણે: તેમનો મોટો દીકરો સંગે શેરિંગ (જમણે) તૈયાર થયેલું તબજુ બતાવે છે

શેરિંગ ગંગટોકથી લગભગ ૩૦ કિલોમીટર દૂર પોતાના વતનમાં છેલ્લા છ દાયકાઓથી ધનુષ-બાણ બનાવી રહ્યા છે. કાર્થોક તેના બૌદ્ધ મઠ માટે જાણીતું છે – જે સિક્કિમમાં છઠ્ઠો સૌથી જૂનો મઠ છે. સ્થાનિક લોકો કહે છે કે કાર્થોકમાં એક સમયે ઘણા ધનુષ બનાવનારા હતા, પરંતુ હવે એકલા શેરિંગ જ રહ્યા છે.

શેરિંગનું ઘર કાર્થોકના એક આકર્ષણને ખૂબજ સારી રીતે પ્રતિબિંબિત કરે છે. તમે એમના ઘરના પરસાળ સુધી ત્યારે જ પહોંચી શકો જ્યારે તમે એક રંગબેરંગી અને તેજસ્વી બગીચાને પાર કરી લો, જ્યાં ૫૦૦ જેટલી ફૂલછોડની જાતિઓ છે. તેમના ઘર પાછળના વાડામાં ગ્રીનહાઉસ અને નર્સરી પણ છે, જ્યાં તમને ઔષધિઓ, સુશોભન માટેના ફૂલો, અને બોન્સાઈ છોડ ઉપરાંત લગભગ ૮૦૦ ઓર્કિડ પણ જોવા મળશે. આનો શ્રેય તેમના મોટા દીકરા ૩૯ વર્ષીય કુશળ બાગાયતશાસ્ત્રી સંગે  શેરિંગ  ભૂટિયા નો ફાળે જાય છે. સંગે  અનેક પ્રકારના બગીચાઓ ડિઝાઇન કરે છે, છોડ વેચે છે - અને બીજા લોકોને ઉદ્યાનનિર્માણ શીખવે છે અને [ઉદ્યાનનિર્માણ] શરૂ પણ કરાવે છે.

શેરિંગ અમને કહે છે, “અહીંયાં અમે ૬ જણ રહીએ છીએ.” ‘અહીંયાં’ એટલે કાર્થોકમાં આવલું તેમનું સાદું ઘર. “હું પોતે, મારી પત્ની [૬૪ વર્ષીય] દાવતી ભૂટિયા, મારો દીકરો સંગે  શેરિંગ અને તેની પત્ની [૩૬ વર્ષીય] તાશી દોર્માં શેરપા અને મારા બે પૌત્રો: ચ્યામ્પા હેસલ ભૂટિયા અને રંગ્સેલ ભૂટિયા.” ત્યાં એક અન્ય રહેવાસી પણ છે: પરિવારનો પ્રિય કૂતરો, ડોલી – જે મોટે ભાગે ત્રણ વર્ષની ચ્યામ્પાની સંગતમાં જોવા મળે છે. રંગસેલ હજુ બે વર્ષનો પણ નથી થયો.

શેરિંગના બીજા દીકરાનું નામ સોનમ પલાઝોર ભૂટિયા છે, ૩૩ વર્ષીય સોનમ દિલ્હી સ્થિત સિક્કિમની ઇન્ડિયા રીઝર્વ બટાલિયનમાં સેવા આપે છે અને ત્યાં તેમની પત્ની અને દીકરા સાથે રહે છે. તહેવારો અને રજાઓમાં સોનમ કાર્થોકમાં તેમના પિતાને મળવા જાય છે. શેરિંગના બાળકોમાં સૌથી મોટી તેમની દીકરી ૪૩ વર્ષીય શેરિંગ લામુ  ભૂટિયા  પરિણીત છે અને ગંગટોકમાં રહે છે. એ જ શહેરમાં તેમનો સૌથી નાનો દીકરો સંગે  ગ્યામ્પો પણ રહે છે, જેઓ સંશોધક તરીકે પીએચડી કરી રહ્યા છે. આ પરિવાર બૌદ્ધ લામા સમુદાયના અને સિક્કિમમાં અનુસુચિત ભૂટિયા જનજાતિ તરીકે સૂચીબદ્ધ છે.

PHOTO • Jigyasa Mishra
PHOTO • Jigyasa Mishra

ડાબે: શેરિંગ ના બગીચામાં ફૂલછોડની ઘણી જાતો છે. જમણે: બાગાયતશાસ્ત્રી સંગે શેરિંગ પોતાનો મોટાભાગનો સમય બગીચામાં જ પસાર કરે છે. 'તે મારા માટે એક વ્યવસાય કરતા , શોખ વધારે છે'

અમે શેરિંગના ધનુષના ઉપયોગ વિષે શીખી રહ્યા હતા ત્યારે સંગે  કથ્થાઈ અને પીળા રંગનું ધનુષ બતાવીને કહે છે, “પપ્પા એ આ મારા માટે બનાવ્યું હતું. હું ફક્ત આના વડે જ તીરંદાજીની પ્રેક્ટિસ કરું છું.” તેઓ એમનો ડાબો હાથ ખેંચીને ધનુષ કઈ રીતે ચલાવવું એની તકનિક બતાવે છે.

તીરંદાજી સિક્કિમની પરંપરાઓનો અભિન્ન અંગ છે અને તે ફક્ત એક રમત જ નથી - તે એક સંસ્કૃતિ પણ છે. સામાન્ય રીતે, લણણી પછી નવરાશના સમયે તહેવારો અને ટુર્નામેન્ટ્સના લીધે લોકો એકઠાં થાય છે, ત્યારે તીરંદાજી જામે છે. ભારતીય સંઘમાં સિક્કિમના એકીકરણ પહેલા પણ તે અહિંની રાષ્ટ્રીય રમત હતી.

સિક્કિમ તરુણદીપ રાયનું વતન છે, જેમણે વિશ્વ તીરંદાજી ચેમ્પિયનશિપ મેડલ અને એશિયન ગેમ્સ મેડલ બે-બે વખત જીત્યું છે અને તેઓ કદાચ એકમાત્ર તીરંદાજ હશે જેમણે ત્રણ ઓલિમ્પિક - એથેન્સ ૨૦૦૪, લંડન ૨૦૧૨ અને ટોક્યો ૨૦૨૧માં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. ગયા વર્ષે, સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમ સિંઘ તમંગ-ગોલેએ આ પદ્મશ્રી વિજેતાને સન્માનિત કરવા માટે રાજ્યમાં તરુણદીપ રાય તીરંદાજી એકેડમીની સ્થાપના કરવાની જાહેરાત કરી હતી.

સિક્કિમમાં ગંગટોકના શાહી મહેલ મેદાન અને રાજ્યના અન્ય વિસ્તારોમાં યોજાતી ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે પશ્ચિમ બંગાળ, નેપાળ અને ભુટાનની તીરંદાજી ટીમો અહિં નિયમિત પણે આવે છે. રસપ્રદ વાત એ છે કે, તકનીકી રીતે જટિલ ઉપકરણ એવા ધનુષથી રમાતી આધુનિક રમતની સરખામણીએ સાવ સાદા  ધનુષથી રમાતી પરંપરાગત રમતો, સિક્કિમના રહેવાસીઓમાં વધારે લોકપ્રિય રહે છે.

PHOTO • Jigyasa Mishra
PHOTO • Jigyasa Mishra

સંગે શેરિંગ તેમના પિતા દ્વારા બનાવવામાં આવેલા આધુનિક તીર (ડાબે) સાથે, અને (જમણે) તે તીર ચલાવવા માટે હાથ કઈ રીતે રાખવો તે બતાવે છે

વિચિત્ર વાત એ છે કે ભૂટિયા પરિવાર અમને કહે છે કે, અહીંયાં આજુબાજુમાં એવી ખાસ એકપણ દુકાન નથી જ્યાંથી તમે પરંપરાગત ધનુષ ખરીદી શકો. તીર હજુપણ કેટલીક સ્થાનિક દુકાનોમાંથી મળી જાય છે, પણ ધનુષ નથી મળતા. એંશી વર્ષીય શેરિંગ કહે છે, “ખરીદારોને અમારા વિષે સ્થાનિક બજારો અને તીરંદાજો પાસેથી જાણવા મળે છે, એટલે તેઓ અમને ઘેર મળવા આવે છે. આ કોઈ વિશાળ જગ્યા નથી આથી અમારું ઘર લોકોને આસાનીથી મળી જાય છે. અહિં બધા એકબીજાને ઓળખે છે.”

ધનુષ ખરીદનારા લોકો સિક્કિમના વિવિધ ભાગો, પાડોશી રાજ્યો અને ભૂટાનથી પણ આવે છે. નેપાળી ભાષામાં શેરિંગ કહે છે, “તેઓ ગંગટોક અને કાર્થોકથી કે પછી એ રસ્તેથી અહિં આવે છે.” રાજ્યના અન્ય લોકોની જેમ તેમનો પરિવાર પણ આ જ ભાષા બોલે છે.

જ્યારે અમે ધનુષ કઈ રીતે બનાવવામાં આવે છે અને શેરિંગ તે ક્યારે શીખ્યું એ વિષે વાતચીત કરી રહ્યા હતા, ત્યારે તેઓ કંઇક શોધવા માટે ઘરમાં જાય છે. ત્રણેક મિનીટ પછી તેઓ ઉત્સાહભેર પાછા આવે છે અને તેમણે દાયકાઓ પહેલા બનાવેલા ધનુષ અને તીર અને તેને જે ઓજારથી બનાવ્યા હતા તે બધું લઈને બહાર આવે છે.

તેઓ હસીને કહે છે, “મેં આ બધું ૪૦ વર્ષો પહેલા બનાવ્યું હતું. આમાંથી અમુક સમાન તોખૂબ જૂનો છે – મારાથી થોડોક જ નાનો છે. મેં આ બધું બનાવવા માટે ક્યારેય પણ ઇલેક્ટ્રિક ઉપકરણ કે ટૂલનો ઉપયોગ નથી કર્યો. બધું હાથથી જ બનાવ્યું છે.”

સંગે  શેરિંગ કહે છે કે, “અમે હવે જે તીરનો ઉપયોગ કરીએ છીએ તે સુધારેલી આવૃત્તિ છે. મને યાદ છે કે હું જ્યારે નાનો હતો ત્યારે તીરની પૂંછડી અત્યારે આવે છે એના કરતા અલગ રહેતી હતી. એ વખતે, પૂંછડી પર બતકના પીંછા લગાડવામાં આવતા હતા. હવે આધુનિક આવૃતિઓ મોટેભાગે ભૂટાનથી આવે છે. સંગે  તીર મને આપે છે અને મશીનથી બનાવેલું આધુનિક તીર લેવા ઘરમાં જાય છે.”

PHOTO • Jigyasa Mishra
PHOTO • Jigyasa Mishra

ડાબે: શેરિંગ ૪૦ વર્ષ પહેલા હાથથી બનાવેલા તીર. જમણે: હાથથી ધનુષ-બાણ બનાવવા માટે તેઓ જે ઓજારો વાપરે છે તે

સંગે  કહે છે, “જે લોકો અમને એમ કહે કે એમને હલકું અને સસ્તું ધનુષ જોઈએ છે તેમને અમે કોઈપણ ફાઈલિંગ કે પોલિશિંગ કર્યા વગરનું ધનુષ ૪૦૦ રૂપિયામાં વેચીએ છીએ. આવી જગ્યાએ અમે વાંસના ઉપરના ભાગનો ઉપયોગ કરીએ છીએ, તેની મજબૂતાઈ ઓછી હોવાથી અમે સામાન્યપણે તેનો ઉપયોગ નથી કરતા. પરંતુ સારી ગુણવત્તાનું ત્રણ પડવાળું અને પોલિશ કરેલું ધનુષ ૬૦૦-૭૦૦ રૂપિયામાં વેચાય છે. અમે એને વાંસના નીચેના મજબૂત ભાગમાંથી બનાવીએ છીએ.”

સંગે  હસીને કહે છે, “એક સારું ધનુષ બનાવવા પાછળ લગભગ ૧૫૦ રૂપિયાનું વાંસ અને ૬૦ રૂપિયાનો દોરો જોઈએ છે અને પોલિશની કિંમતની ગણતરી કરવી મુશ્કેલ છે.”

આવું શા માટે?

અમે પોલિશ ઘેર બનાવીએ છીએ. અમે મોટેભાગે દશેરાના તહેવાર વખતે ચામડું (બકરીની ખાલ) ખરીદીએ છીએ અને તેને પોલિશ કરીએ છીએ. જ્યારે ધનુષ બની જાય એટલે અમે તેના પર પોલિશ લગાવી દઈએ છીએ. એક પડ સૂકાઈ જાય એટલે તેના પર બીજું પડ ચડાવવામાં આવે છે એમ કૂલ ત્રણ પડ થાય છે. બકરીનું ૧*૧ ફૂટ ચામડું અમને ૧૫૦ રૂપિયામાં પડે છે. તેઓ આનો જે રીતે ઉપયોગ કરે છે તેનાથી પોલિશિંગ પ્રક્રિયાની ચોક્કસ કિંમતનો અંદાજો લગાવવો અઘરો છે.

તેઓ આગળ ઉમેરે છે, “અરે! મુખ્ય સામગ્રી કે જેનાથી ધનુષની કરોડરજ્જુ બનાવવામાં આવે છે. તે માટેના વાંસની કિંમત ૩૦૦ રૂપિયા હોય છે. અમે એક મોટા વાંસમાંથી પાંચ ધનુષ આસાનીથી બનાવી શકીએ છીએ.”

PHOTO • Jigyasa Mishra
PHOTO • Jigyasa Mishra

ડાબે: શેરિંગ ના હાથમાં કેટલાક પરંપરાગત ધનુષ છે , જ્યારે તેમના દીકરાના હાથમાં આધુનિક ધનુષ છે. જમણે: સંગે વુડ પોલિશ કરેલા ધનુષ અને બકરીની ખાલ માંથી વેક્સ કાઢીને તેનું કોટિંગ કરેલા ધનુષ વચ્ચે ફરક બતાવે છે

સંગે  ઘરમાંથી તીરંદાજીની એક મોટી કિટબેગ લઈને બહાર આવે છે અને તેમાંથી એક મોટું અને ભારે ધનુષ કાઢીને કહે છે, “આ ધનુષની નવીનતમ ડીઝાઇન છે. પણ સ્થાનિક ટુર્નામેન્ટ્સમાં આની મંજૂરી નથી. તમે આનાથી પ્રેક્ટીસ કરી શકો છો, પણ મેચ રમવા માટે, પરંપરાગત હાથથી બનાવેલું ધનુષ ફરજિયાત છે. હું અને મારો ભાઈ, અમે પણ તે ટુર્નામેન્ટમાં પપ્પાએ બનાવેલા ધનુષથી ભાગ લઈએ છીએ. આ વખતે મારો ભાઈ દિલ્હીથી અલગ પ્રકારની લાકડાની પોલિશ લાવ્યો હતો અને તેનાથી તેના ધનુષને પોલિશ કરી હતી. મારા ધનુષ પર પરંપરાગત રીતે પોલિશ કરવામાં આવી છે જે પપ્પા વર્ષોથી વાપરતા આવ્યા છે.

ભૂટિયા ખેદપૂર્વક જણાવે છે કે સમય સાથે ધનુષનું વેચાણ ઘટ્યું છે. તેમનું ઉત્પાદન મોટે ભાગે લોસોંગના બૌદ્ધ તહેવારમાં વેચાય છે, જે ભૂટિયા જાતિનું સિક્કિમીઝ નવું વર્ષ છે. તેને ડિસેમ્બરમાં ઉજવવામાં આવે છે, અને તે લણણી પછીનો તહેવાર છે જેમાં તીરંદાજી ટુર્નામેન્ટનું પણ આયોજન કરવામાં આવે છે. શેરિંગ દોરજી પારીને જણાવે છે, “એ વખતે મોટાભાગના લોકો મઠના કારણે અહિં આવે છે, અને અમારી પાસેથી ખરીદી કરે છે. તાજેતરના વર્ષોમાં, અમે આખા વર્ષમાં માંડ ચારથી પાંચ ધનુષ જ વેચી શક્યા છીએ. હવે બજાર પર કૃત્રિમ ધનુષે કબજો જમાવી લીધો છે, જે મારા ખ્યાલથી જાપાની ઉત્પાદન છે. લગભગ છ કે સાત વર્ષ પહેલાં, હું વર્ષમાં આશરે ૧૦ જેટલાં ધનુષ વેચી શકતો હતો.”

પરંતુ એક વર્ષમાં ૧૦ ધનુષ વેચવાથી પણ તેમને કોઈ નોંધપાત્ર આવક મળે તેમ નથી. તેઓ ફર્નિચર બનાવવાનું અને તેનું સમારકામ કરવાનું અને બીજું સુથારીકામ કરતા હતા એનાથી તેમના પરિવારનો ગુજારો થતો હતો. શેરિંગ કહે છે કે આ વ્યવસાયમાં તેઓ એકાદ દાયકા પહેલા સક્રિય હતા ત્યારે તેઓ પરિવારના એકમાત્ર કમાનાર સભ્ય હતા અને મહીને લગભગ ૧૦,૦૦૦ રૂપિયા કમાતા હતા. પણ તેમને ધનુષ આકર્ષિત કરે છે, સુથારીકામ નહીં.

PHOTO • Jigyasa Mishra
PHOTO • Tashi Dorma Sherpa

ભૂટિયા કહે છે કે ધનુષનો વેપાર સમય જતા ઓછો થઇ ગયો છે , અને શેરિંગ ની દ્રષ્ટિ હવે મંદ પડી રહી હોવાથી તેઓ ધનુષ બનાવતા નથી

ભૂતિયા હસ્તકલાથી જે ધનુષ બનાવે છે તે એક ખાસ પ્રકારના લાકડામાંથી બનાવવામાં આવે છે જેને સામાન્ય રીતે ભૂટાનીઝ વાંસ કહેવાય છે. સંગે  કહે છે, “પપ્પા બધા જ ધનુષ ભૂટાનીઝ વાંસ માંથી બનાવે છે, જે પહેલા ભારતમાં ઉપલબ્ધ નહોતું. હવે અમારો કાચો માલ અહિંથી ૭૦ કિલોમીટર દૂર પશ્ચિમ બંગાળમાં કલીમપોંગ ખાતે જે ખેડૂતોએ આ જાતના છોડ વાવ્યા છે ત્યાંથી આવે છે. હું ત્યાં રૂબરૂ જાઉં છું અને બે વર્ષ ચાલે તેટલો કાચો માલ ખરીદીને કાર્થોકમાં અમારા ઘેર રાખું છું.”

શેરિંગ કહે છે, “તમારે પહેલા ગુરુની જરૂર હોય છે. ગુરુ વિના કોઈ કશું કરી શકતું નથી. શરૂઆતમાં, હું માત્ર એક સુથાર હતો. પણ પાછળથી, મેં મારા પિતા પાસેથી ધનુષ બનાવતા શીખ્યા. મારા મિત્રો જે ધનુષથી રમતા હતા હું એની ડીઝાઇન જોતો હતો અને તેને બનાવવાનો પ્રયાસ કરતો હતો. ધીરે-ધીરે, તે સારું થવા લાગ્યું. જ્યારે પણ કોઈ મારી પાસેથી ધનુષ ખરીદવા આવતું, ત્યારે હું સૌ પ્રથમ તેમને તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે શીખવાડતો હતો!”

૮૩ વર્ષીય શેરિંગ ધનુષ બનાવવાની કારીગરીના તેમના શરૂઆતના દિવસો વિષે યાદ કરે છે, “અત્યારે તેમાંથી મારી આવક નજીવી છે, પણ ૧૦ વર્ષ પહેલાં હું તેમાંથી સારું કમાતો હતો. મારું ઘર, આ મકાન, બધું જ એકાદ દાયકાથી મારા બાળકો ચલાવે છે. હું જે ધનુષ બનાવું છું તે હવે કમાણીનું સાધન નથી પણ આ શ્રમ પ્રેમનો વિષય છે.”

સંગે  ઉદાસી ભર્યા અવાજમાં કહે છે, “પપ્પા હવે વધારે ધનુષ નથી બનાવતા, કારણ કે તેમની દૃષ્ટિ નબળી પડી ગઈ છે. પણ તેઓ હજુ પણ થોડા ઘણા તો બનાવે જ છે.”

“તેમના પછી આ હસ્તકલાને કોણ આગળ વધારશે એ અમને ખબર નથી.”

અનુવાદક: ફૈઝ મોહંમદ

Jigyasa Mishra

ਜਗਿਆਸਾ ਮਿਸ਼ਰਾ ਉੱਤਰ ਪ੍ਰਦੇਸ਼ ਦੇ ਚਿਤਰਾਕੂਟ ਅਧਾਰਤ ਸੁਤੰਤਰ ਪੱਤਰਕਾਰ ਹਨ।

Other stories by Jigyasa Mishra
Translator : Faiz Mohammad

Faiz Mohammad has done M. Tech in Power Electronics Engineering. He is interested in Technology and Languages.

Other stories by Faiz Mohammad