"આ બધી અરજીઓ પાછી લઇ જાઓ અને તેમને ફાડી નાખો." ચમારુંએ કહ્યું. "એ માન્ય નથી. આ કોર્ટ તેમને નહીં સ્વીકારે."
મેજિસ્ટ્રેટનો ભાગ ભજવવામાં એમને હવે મજા પડવા લાગી હતી.
૧૯૪૨નો ઓગસ્ટ મહિનો હતો અને દેશમાં ખળભળાટ હતો. સંબલપુરની કોર્ટમાં તો અવશ્ય હતો . ચમારું પરિદા અને તેમના સાથીઓએ હમણાં જ તેને કબ્જે કરી હતી. ચમારુંએ પોતાની જાતને ન્યાયાધીશ ઘોષિત કર્યા હતા. જીતેન્દ્ર પ્રધાન તેમના 'ઓર્ડરલી' હતા. પૂર્ણચંદ્ર પ્રધાને પેશકર એટલે કે કોર્ટ ક્લાર્ક બનવાનું પસંદ કર્યું હતું.
કોર્ટનો કબ્જો કરી 'ભારત છોડો' આંદોલન તરફ તેમણે તેમનો ફાળો નોંધાવ્યો હતો.
"આ બધી અરજીઓ (બ્રિટિશ) રાજને ઉદ્દેશીને કરવામાં આવી છેનામે છે." કોર્ટમાં એકત્રિત થયેલા સ્તબ્ધ લોકોને ચમારુંએ કહ્યું. "આપણે સ્વતંત્ર ભારતમાં રહીએ છીએ. જો તમે ઇચ્છતા હો કે અમે તમારી અરજીઓ પર વિચારીએ, તો તેમને પાછી લઇ જાઓ અને ફરી લખીને લાવો. આ વખતે મહાત્મા ગાંધીના સંબોધીને લખો અને અમે તેમના પર યોગ્ય ધ્યાન આપીશું."
૬૦ વર્ષ પછી પણ ચમારું ખૂબ આનંદ સાથે આ વાર્તા સંભળાવે છે. તેઓ હવે ૯૧ વર્ષના છે. ૮૧ વર્ષીય જીતેન્દ્ર તેમની પાસે બૈઠા છે. પૂર્ણચંદ્ર ગુજરી ગયા છે. આ બધા હજી ઓડિશાના બારગઢ જિલ્લાના પણીમારાં ગામમાં રહે છે. જ્યારે સ્વતંત્રતા સંગ્રામ પૂર જોરમાં ચાલતું હતું, ત્યારે આ ગામે પોતાનાં દીકરાઓ અને દીકરીઓને અણધારી સંખ્યામાં યુદ્ધમાં ઉતાર્યા. નોંધપાત્ર છે કે ૧૯૪૨ના એક વર્ષમાં આ ગામના ૩૨ લોકો કેદખાનામાં ગયા હતા. તેઓમાંથી, ચમારું અને જિતેન્દ્રને ગણીને ૭ હજુ જીવિત છે.
એક સમયે અહીંના લગભગ દર કુટુંબમાંથી એક સત્યાગ્રહી મોકલ્યો હતો. આ નાના ગામડાએ રાજ ને હેરાન કરી રાખ્યું હતું. તેમની એકતા અડગ હતી. તેમનો નિશ્ચય સુપ્રસિદ્ધ થયો. અહીંયા રાજનો સામનો કરનારામાં હતા ગરીબ અને અભણ માણસો. તેમની પાસે નાના ખેતર હતા અને પૂરતી આવક પણ ના હતી. આજે પણ તેઓની સ્થિતિ એવી જ છે.
ભલે ઇતિહાસની ચોપડીઓમાં તેમનું નામ ના હોય. ભલે તેઓ ઓડિશામાં પણ મોટેભાગે ભુલાઈ ગયા હોય. બારગઢમાં આ ગામ આજે પણ ફ્રીડમ (આઝાદ)ગામના નામે ઓળખાય છે. સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લેવાથી અહીંયા ભાગ્યે જ કોઈને વ્યક્તિગત લાભ થયો છે. ના કોઈને કોઈ પુરસ્કાર, ના નોકરી કે ના કારકિર્દી મળી છે. તે છતાં પણ તેઓએ બધા જોખમ વેર્યા. આ એ લોકો છે જે ભારતની સ્વતંત્રતા માટે લડ્યાં છે.
આ હતા સ્વતંત્રતા સૈનિક. ખુલ્લા પગે તેઓ સ્વતંત્રતા માટે લડ્યા, કેમકે જૂતા તો આમ પણ કોઈ પાસે ન હતા.





