તારાવંતી કૌર ચિંતિત છે. તેઓ કહે છે, "એકવાર આ કૃષિ કાયદાઓ પસાર થઈ જશે પછી તો હાલ અમને જે કંઈ પણ નાનુંમોટું કામ મળી રહે છે તે પણ નહિ મળે."
તેથી તેઓ પંજાબના કિલિયાંવાલી ગામથી પશ્ચિમ દિલ્હીના ટિકરી વિરોધ સ્થળે આવ્યા છે. 7 મી જાન્યુઆરીની રાત્રે રાજ્યના વિવિધ જિલ્લાઓ - બટિંડા, ફરીદકોટ, જલંધર, મોગા, મુકતસર, પતિયાલા અને સંગરુરથી અહીં આવેલા 1500 ખેતમજૂરોમાં તારાવંતી અને આશરે 300 અન્ય મહિલાઓ પણ શામેલ છે. તેઓ બધા પંજાબ ખેત મઝદૂર યુનિયનના સભ્યો છે. આ સંગઠન દલિતોની આજીવિકા, તેમના જમીનના અધિકાર અને જાતિભેદ સંબંધિત મુદ્દાઓ પર કામ કરે છે.
અને આજીવિકા માટે ખેતીના કામ પર નિર્ભર ભારતભરની લાખો મહિલાઓમાંના તેઓ એક છે - દેશના 144.3 લાખ ખેતમજૂરોમાંથી ઓછામાં ઓછી 42 ટકા મહિલાઓ છે.
70 વર્ષના તારાવંતી મુકતસર જિલ્લાની મલૌટ તહસીલમાં તેમના ગામમાં ઘઉં, ડાંગર અને કપાસના ખેતરોમાં મજૂરી કરીને દિવસના 250-200 રુપિયા કમાય છે. 1960 ના દાયકાનો ને તે પછીના સમયનો, જ્યારે પંજાબમાં ખેતીમાં અન્ય મોટા ફેરફારોની સાથોસાથ ખેતીનું યાંત્રિકીકરણ વ્યાપક બન્યું હતું, ઉલ્લેખ કરતા તેઓ કહે છે, “પરંતુ પહેલા જેટલું કામ મળતું નથી. હરિ ક્રાંતિ [હરિયાળી ક્રાંતિ] પછી મજૂરોની દશા બેસી ગઈ છે."





