કોઈ સ્ત્રીની ન્યાયની લડતનો અંત આવો કેવી રીતે હોઈ શકે?
– બિલ્કીસ બાનો
માર્ચ 2002માં, ગુજરાતના દાહોદ જિલ્લામાં 19 વર્ષીની બિલ્કીસ યાકુબ રસૂલ પર એક ટોળાના સભ્યો દ્વારા નિર્દયતાથી બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો અને તેના પરિવારના 14 સભ્યોની પણ હત્યા કરવામાં આવી હતી - જેમાં તેની ત્રણ વર્ષની પુત્રી સાલેહા પણ હતી. બિલ્કીસના પેટમાં એ સમયે પાંચ માસનો ગર્ભ રહેલો હતો.
લીમખેડા તાલુકાના રણધિકપુર ગામમાં તે દિવસે તેમના પરિવાર પર હુમલો કરનાર લોકો તેમના ગામના જ હતા. તેઓ તે બધાને જાણતા હતા.
ડિસેમ્બર 2003માં સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા કેસની તપાસ કરવામાં આવી હતી. એક મહિના પછી આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ઑગસ્ટ 2004માં, સુપ્રીમ કોર્ટે ટ્રાયલને મુંબઈમાં ટ્રાન્સફર કરી, જ્યાં લગભગ ચાર વર્ષ પછી, જાન્યુઆરી 2008માં સીબીઆઈની વિશેષ અદાલત દ્વારા 20માંથી 13 આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા. તેમાંથી 11ને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.
મે 2017માં, બોમ્બે હાઈકોર્ટે સાત લોકોને નિર્દોષ છોડી મૂકવાના આદેશને રદ કર્યો હતો અને તેમની સજા ભોગવી રહેલા તમામ 11ની આજીવન કેદની સજાને સમર્થન આપ્યું હતું.
પાંચ વર્ષ પછી, 15 ઓગસ્ટ, 2022ના રોજ, ગુજરાત સરકાર દ્વારા રચવામાં આવેલી જેલ સલાહકાર સમિતિની ભલામણના આધારે 11 દોષિતોને સજામાંથી માફી આપવામાં આવી.
કેટલાક નિષ્ણાતોએ તેમની રિલીઝની કાયદેસરતા અંગે પ્રશ્નો ઉઠાવ્યા છે. અહીં કવિ બિલ્કીસ સાથે વાત કરતાં, કરતાં પોતાની વ્યથાને અવાજ આપે છે.
દઈ દે મને તારું નામ , બિલ્કીસ
એવું શું છે તારા નામમાં, બિલ્કીસ
કે મારી કવિતામાં આગ લાગી જાય છે
બળી જાય છે મારા શબ્દો
ને એના કાંગરામાંથી લોહી ઝરે છે.
એવું તે શું છે તારા નામમાં, બિલ્કીસ
કે અધવચ જ મારી લૂલી જીભને
લકવા લાગી જાય છે.
પેલા બળબળતા અનંત રણ, તારી યાત્રા
તારી વેદનાનો ચિતાર આપવા
મેં ઉભા કરેલા બધાંય રૂપકોને
તારી આંખોમાં તગતગતા લખલખ પીડિત સૂર્યના તેજ
આંધળા કરી મૂકે છે.
ઘૂમરાતી શાપિત સ્મૃતિઓ ભરી
એ અપલક લાહ્ય નજર
સૂકવી નાખે છે મારા તમામ મૂલ્યોને
ને ભાંગીને ભૂક્કો કરી નાખે છે
સભ્યતાના ઢોંગનો –
કડડડડ...ભૂસ કરીને પડે છે
પત્તાંનો મહેલ, ફટાફટ વેચાઈ જતાં જુઠ્ઠાણાં
એવું તો શું છે તારા નામમાં, બિલ્કીસ
કે નીરક્ષીરનો વિવેક કરી જાણતી
આ કવિતાના સૂરજમુખા ચહેરા પર
એ છાંટી દે છે કાળી સ્યાહી?
તારા હજુય ધબકતા લોહીમાં તરબોળ
આ શર્મનાક ધરતી ફાટી પડશે એક દિવસ
સાલેહાની કોમળ ખોપરીની માફક, એક ધડાકે
જે પર્વત તું ચઢી છો
એક માત્ર ફાટ્યું ચીર ઓઢીને
એ પર્વત પણ રહેશે નિર્વસ્ત્ર
એક ઘાસની પત્તી સુદ્ધાં નહિ ઉગે એ પર
સમયના અંત સુધી
અને હવાની એકેક લહેર ફરી વળશે
થઈને એક નિઃસાસો આ જમીન પર
દેતો નપુંસકતાનો શાપ
એવું તો શું છે તારા નામમાં, બિલ્કીસ
કે વિશ્વની કમાન પર ઘૂમતી
મારી આ કલમ ગૂમાવી બેસે છે એનું વીર્ય
અટકી પડે છે અધવચ્ચે
ભાંગી જાય છે એની નૈતિક ટાંક.
આ કવિતાનું પણ કંઈક એવું જ થશે –
થઇ જશે એ બુઠ્ઠી, નકામી
કોઈ નામશેષ દયાની અરજી જેવી,
કોઈ જુઠ્ઠા ન્યાયની વાત જેવી
સિવાય કે તું ભરે એમાં એક ફૂંક જીવનની, હિંમતની
આપે તારું નામ તું એને,
ફક્ત નામ શું કામ, આપે ગતિ
મારા આ નબળા, ઉદાસ પ્રયત્નોને
બનીને મારી ક્રિયાપદ, બિલ્કીસ.
આપે આગવી ઓળખ મારી ભટકતી સંજ્ઞાઓને
થઈને વિશેષણ,
શીખવે મારાં લડાયક વ્યૂહરચનામાં ગોઠવાયેલ શબ્દોને
ચાલતાં ચાલ, ચપળ, પ્રશ્નવાચક અવ્યયોની
આપે સહારો મારી લંગડાતી ભાષાને
લચીલા અલંકારોની લહેરોનો
થઈને રૂપક ધૈર્યનું
થઈ આઝાદીની અજહલ્લક્ષણા, બિલ્કીસ
ન્યાયનો અનુપ્રાસ, બિલ્કીસ
થઈ વેરનો વિરોધી, બિલ્કીસ
આપે જો તું એને દ્રષ્ટિ તારી, બિલ્કીસ
થઈ જવા દે તારામાંથી વહી આવતી રાતને
એની આંખનું કાજળ, બિલ્કીસ
તું એનો પ્રાસ, બિલ્કીસ
તું એનો રાગ,
બિલ્કીસ
તું એના હૈયાનું ગાન, બિલ્કીસ
તોડી નાખવા દે આ કવિતાને કાગળનું પીંજરું
ઉડવા દે ઊંચી, ફેલાવા દે ચોતરફ
પેલું સફેદ માનવતાનું પંખી છો લઈ જતું
આ લોહિયાળ પૃથ્વીને
એની પાંખ તળે
ઠારવા દે, વહાવવા દે
એ બધું જે છે તારા નામમાં, બિલ્કીસ
કર મહેરબાની, બસ આ એકવાર
દઈ દે મને તારું નામ, બિલ્કીસ.
અનુવાદ : પ્રતિષ્ઠા પંડ્યા