ભાનુબેન ભરવાડે બનાસકાંઠા જિલ્લામાં તેમની 2.5 એકર ખેતીની જમીનની મુલાકાત લીધાને વરસ થઈ ગયું છે. એક સમય એવો હતો જ્યારે તેઓ અને તેમના પતિ દરરોજ ત્યાં જતા, વર્ષ દરમિયાન પોતે જે કંઈ અનાજ ખાતા તે - બાજરી, મગ અને જુવાર - ઉગાડવા. 2017માં ગુજરાતમાં આવેલા વિનાશક પૂરે તેમની જમીન બરબાદ કરી નાખી એ પહેલા આ ખેતર જ તેમના ભરણપોષણનો મુખ્ય સ્ત્રોત હતું. 35 વર્ષના ભાનુબેન કહે છે, "તે પછી અમારો ખોરાક બદલાઈ ગયો. અમે અમારા ખેતરમાં જે પાક ઉગાડતા હતા એ હવે અમારે ખરીદવાનું શરૂ કરવું પડ્યું."
તેમની ખેતીની જમીનમાં અડધો એકરમાં બાજરી ઉગાડે તો લગભગ ચાર ક્વિન્ટલ (400 કિલો) મોતી બાજરી પાકે. આજે હવે જો તેમને એ મંડીમાંથી ખરીદવી પડે તો એટલી જ બાજરીના 10000 રુપિયા થાય. તેઓ કહે છે, "ફૂગાવાને ગણતરીમાં લઈએ તો પણ અડધા એકરમાં બાજરીની ખેતી કરવા માટેનો અમારો [ઉગાડવા પાછળ થતો] ખર્ચો બજાર દર કરતાં અડધો હશે. બીજા પાકોની બાબતમાં પણ આવું જ છે. [અમે ઉગાડતા હતા એ] દરેક પાકની (બજાર) કિંમત બમણી છે.”
ભાનુબેન, તેમના પતિ 38 વર્ષના ભોજાભાઈ અને તેમના ત્રણ બાળકો બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના તોતણા ગામમાં રહે છે. જ્યારે તેઓ તેમની જમીન ખેડતા હતા ત્યારે ભોજાભાઈ થોડીઘણી આવક થાય એ માટે સાથેસાથે ખેતમજૂર તરીકે પણ કામ કરતા હતા. પરંતુ 2017 થી તેમને બધો જ સમય - નજીકના ખેતરોમાં અને 30 કિલોમીટર દૂર પાટણમાં બાંધકામના સ્થળોએ - મજૂર તરીકે જ કામ કરવું પડ્યું છે. ભાનુબેન કહે છે, “તેઓ અત્યારે પણ કામની શોધમાં જ બહાર (ગયા) છે. જ્યારે તેમને કોઈ કામ મળે છે ત્યારે તેઓ રોજના લગભગ 200 રુપિયા કમાય છે."
સુહાના ભાનુબેન અને ભોજાભાઈનું સૌથી નાનું બાળક છે, તેનો જન્મ વિનાશકારી પૂર આવ્યું તે જ વર્ષે થયો હતો. સુહાનાના માથે વહાલથી હાથ ફેરવતા ભાનુબેન કહે છે કે તેમના માન્યામાં નથી આવતું કે એ વાતને પાંચ વરસ થઈ ગયા છે.
બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, અરવલ્લી અને મોરબી સહિત ગુજરાતના ઘણા જિલ્લાઓમાં જુલાઈ 2017માં અતિશય ભારે વરસાદ નોંધાયો હતો. અરબી સમુદ્ર અને બંગાળની ખાડી બંનેમાં એક જ સમયે નીચા દબાણની પ્રણાલી સર્જાવાને કારણે એકાએક મૂશળધાર વરસાદ પડ્યો હતો અને પૂર આવ્યું હતું. એ એક દુર્લભ ઘટના હતી. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના અહેવાલ મુજબ એ આ વિસ્તારમાં 112 વર્ષમાં પડેલો સૌથી વધુ વરસાદ હતો.









