"શું હું તમારા પર વિશ્વાસ મૂકીને મારા જીવનની વાત કરી શકું?"
તમને પૂછાઈ શકે એવો આ એક સીધો અને પડકારરૂપ પ્રશ્ન હતો. અને પ્રશ્નકર્તા પાસે તે પૂછવા માટેના સારામાં સારા કારણો હતા. તમિલનાડુના વિલ્લુપુરમ જિલ્લાના એક અજાણ્યા નાનકડા ગામના જનની (નામ બદલ્યું છે), તેમની જીવનકથા વિશે કહે છે: "ક્ષય રોગે મારી જિંદગીને સમૂળી બદલી નાખી."
તેમને ટીબી થયો ત્યારે તેમના લગ્ન થયાને દોઢ વર્ષ થયું હતું અને તેમને ચાર મહિનાનો દીકરો હતો. "મે 2020 માં આ થયું અને તેના લગભગ એક મહિના પહેલા મને લક્ષણો [સખત ઉધરસ અને તાવ] હતા." જ્યારે સામાન્ય રીતે કરાતા તમામ પરીક્ષણો નિષ્ફળ ગયા ત્યારે ડોક્ટરોએ તેમને ટીબીનું પરીક્ષણ કરાવવાની સલાહ આપી. “જ્યારે તેઓએ પુષ્ટિ કરી કે આ ટીબી છે ત્યારે હું ભાંગી પડી. મારા ઓળખીતામાંથી કોઈને ય ટીબી થયો નહોતો અને મેં સ્વપ્નમાં પણ વિચાર્યું નહોતું કે આ મને થઈ શકે."
"મારા ગામમાં કલંક ગણાતો આ રોગ, એક એવો રોગ જે તમામ સામાજીકરણનો અંત લાવે છે - તે મને થઈ શકે!"
બસ તે દિવસથી 27 વર્ષની જનનીના એક સમયે-પ્રેમાળ પતિ તેમને સતત ખરું-ખોટું સંભળાવે રાખતા, એક એવા રોગનો ભોગ બનવા માટે જે તેના (જનનીના) સંસર્ગથી પોતાને (પતિને) પણ થઈ શકે. “તેઓ મને ગાળો ભાંડતા અને મારતા. અમારા લગ્નના એક વર્ષ પછી તેમના (મારા સાસુ અગાઉની કિડની સંબંધિત બિમારીઓમાં ગૂંચવણો ઊભી થવાને કારણે મૃત્યુ પામ્યા હતા. પરંતુ મારા પતિ ને એમાં ય મારો વાંક દેખાવા માંડ્યો. "
તે સમયગાળામાં જો કોઈ એક વ્યક્તિ ગંભીર જોખમમાં હોય તો તે જનની પોતે જ હતી.
હજી આજે પણ ભારતમાં તમામ ચેપી રોગોમાં ટીબી સૌથી વધુ ઘાતક છે.
કોવિડ -19 પર તમામ ધ્યાન કેન્દ્રિત થયું તેની ય પહેલાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના જણાવ્યા અનુસાર 2019 માં 2.6 મિલિયન ભારતીયોને ક્ષય રોગનો ચેપ લાગ્યો હતો, અને આ રોગને કારણે આશરે 450000 લોકો મૃત્યુ પામ્યા હતા. તે વર્ષે ક્ષય રોગને કારણે થયેલા મૃત્યુની સંખ્યા 79000 કરતા વધારે નહોતી એમ કહી ભારત સરકારે ડબ્લ્યુએચઓના આંકડા અંગે સખત વિવાદ કર્યો હતો. કોવિડ -19 ને કારણે છેલ્લા 15 મહિનામાં 250000 લોકોના મૃત્યુ થયા છે.
વર્ષ 2019 માં સમગ્ર વિશ્વમાં ક્ષય રોગના કુલ કેસોના એક ચતુર્થાંશ ભાગના કેસ ભારતમાં હતા - ડબ્લ્યુએચઓ નોંધે છે કે તેની સંખ્યા 1 કરોડ/10 મિલિયન છે. "વૈશ્વિક સ્તરે અંદાજિત 1 કરોડ … લોકો 2019 માં ટીબીથી બીમાર પડ્યા હતા, હાલના વર્ષોમાં આ આંકડાઓ ખૂબ ધીરે ધીરે ઘટી રહ્યા છે." વિશ્વભરમાં થતા 14 લાખ ટીબી મૃત્યુમાં એક ચતુર્થાંશ ભાગના મૃત્યુ ભારતમાં થાય છે.
ડબ્લ્યુએચઓ ટીબીને "બેક્ટેરિયા (માયકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ) દ્વારા થતા રોગ તરીકે ઓળખાવે છે જે મોટેભાગે ફેફસાંને અસર કરે છે ... ટીબી એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી હવા દ્વારા ફેલાય છે. જેને ફેફસાનો ટીબી થયો હોય તેવા દર્દી ઉધરસ કે છીંક ખાય અથવા થૂંકે ત્યારે તેઓ ટીબીના સૂક્ષ્મ જંતુઓને હવામાં આગળ ફેલાવે છે. ચેપ લાગવા માટે આમાંના ફક્ત થોડાક જ જંતુઓ કોઈ વ્યક્તિના શ્વાસમાં જાય તે પૂરતું છે. વિશ્વની લગભગ એક ચતુર્થાંશ વસ્તીને ટીબીનો ચેપ લાગેલો છે, જેનો અર્થ છે કે લોકોને ટીબી બેક્ટેરિયાથી ચેપ લાગ્યો છે પરંતુ તેઓ (હજી સુધી) રોગથી બીમાર નથી અને તે બીજાને ચેપ ન લગાડી શકે."
ડબ્લ્યુએચઓ ઉમેરે છે, ટ્યુબરક્યુલોસિસ,"ગરીબી અને આર્થિક દુર્દશાનો રોગ છે." અને તે કહે છે ટીબી થયો હોય તેવા લોકોને ઘણીવાર "શારીરિક અને માનસિક નબળાઈનો, હાંસિયામાં ધકેલાઈ ગયા હોવાનો, લાંછન અને ભેદભાવનો સામનો કરવો પડે છે."
આ કેટલું સાચું છે તે જનની બરોબર જાણે છે. તેઓ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત હોવા છતાં - તેઓ વિજ્ઞાનમાં અનુસ્નાતકની પદવી ધરાવે છે અને અધ્યાપનમાં સ્નાતકની ડિગ્રી ધરાવે છે - તેમને ભાગે પણ શારીરિક અને માનસિક નબળાઈનો, લાંછન અને ભેદભાવનો ભોગ બનવાનું આવ્યું છે. તેમના પિતા - જ્યારે જે મળે ત્યારે તે નાનામોટા કામ કરતા - શ્રમિક છે - તેમની માતા ગૃહિણી છે.
આ રોગના હુમલા અને તેના સંપૂર્ણ ઉપચાર પછી - જનની ક્ષય રોગ સંબંધિત માન્યતાઓ અને લાંછનનો સક્રિયપણે પ્રતિકાર કરતી, આ ભયજનક રોગ સામે ની ઝુંબેશમાં "ટીબી યોદ્ધા" અથવા 'મહિલા ટીબી નેતા' તરીકે સક્રિય છે.
જૂન 2020 માં રોગનો ભોગ બન્યાના એક મહિના કરતા પણ ઓછા સમયમાં જનની તેમના પિયર જતા રહ્યા. “(મારા પતિ તરફથી અપાતો) શારીરિક અને માનસિક ત્રાસ મરાથી હવે વધારે સહન થાય તેમ નહોતો. તેઓ મારા દીકરાને - ચાર મહિનાના બાળકને - પણ ત્રાસ આપતા. તેણે બિચારાએ શું પાપ કર્યું હતું? ” તેઓ કહે છે કે એક નાનકડું કારખાનું ચલાવતા તેમના પતિએ તરત જ છૂટાછેડા માટે અરજી કરી હતી અને તેમના (જનનીના) માતાપિતાને તો "કલ્પના પણ ન થઈ શકે એટલો આઘાત લાગ્યો હતો."
પરંતુ તેઓએ તેને ઘરમાં આવકારી. પોતાના માતાપિતાનો ઋણ સ્વીકાર કરતા જનની ભારપૂર્વક કહે છે કે - “એક બાળક કે કિશોરી તરીકે તેમણે મને ક્યારેય ખેતીને લગતું કામ કરવા મોકલી નથી, અમારા સમાજમાં એ સાવ સામાન્ય છે છતાં. તેમના બધા બાળકોને સારું શિક્ષણ મળે તે તેમણે સુનિશ્ચિત કર્યું હતું. " તેમના બે મોટા ભાઈ-બહેન છે, એક ભાઈ અને બહેન - બંને અનુસ્નાતક પદવીધારક છે. જનનીએ પતિથી અલગ થયા પછી જ કામ કરવાનું શરૂ કર્યું હતું.
ડિસેમ્બર 2020 માં ક્ષય રોગનો સંપૂર્ણ ઉપચાર થયા પછી તેમણે તેમના જેવી લાયકાત ધરાવતા લોકો માટેના કારકિર્દીના વિવિધ વિકલ્પોની તપાસ કરવાને બદલે તેઓ તમિલનાડુમાં ટીબી નાબૂદી ક્ષેત્રે નફાના હેતુ વિના બે દાયકાથી કાર્યરત રિસોર્સ ગ્રુપ ફોર એડયુકેશન એન્ડ એડવોકસી ફોર કમ્યુનિટી હેલ્થ (રિચ) માં જોડાયા. બસ ત્યારની ઘડી ને આજનો દહાડો, ટીબી વિશે જાગૃતિ લાવવા અને તેના ચેપનું વહેલું નિદાન થઈ શકે તે સુનિશ્ચિત કરવા જનની તેમના ગામના અને આસપાસના લોકોને મળી રહ્યા છે "મેં ઘણી બેઠકો યોજી છે, ત્રણ દર્દીઓમાં પ્રારંભિક તબક્કે જ ક્ષય રોગ પકડી પાડ્યો છે, અને નકારાત્મક પરીક્ષણ આવવા છતાં સતત લક્ષણો ધરાવતા 150 થી વધુ વ્યક્તિઓ સાથે સંપર્કમાં રહી ચીવટથી તેમનું ધ્યાન રાખું છું."
ડબ્લ્યુએચઓ રિપોર્ટ કહે છે: “ટીબીનો ઉપચાર કરવો અને તેને રોકવો શક્ય છે. ટીબીનો રોગ થાય છે તેમાંના લગભગ 85% લોકોની સારવાર 6 મહિનાની પદ્ધતિસરની દવાઓની મદદથી સફળતાપૂર્વક થઈ શકે છે. " અને "વર્ષ 2000 થી ટીબીની સારવાર દ્વારા 6 કરોડથી વધુ મોત નિવારી શકાયા છે, જો કે , યુનિવર્સલ હેલ્થ કવરેજ (યુએચસી) માટેની પૂરતી પહોંચ ન હોવાને કારણે હજારો લાખો લોકો નિદાન અને સંભાળથી વંચિત રહયા છે."
*****
તમિલનાડુના તેનકાસી જિલ્લાના 36 વર્ષના બી. દેવી કહે છે કે, “કોવિડ અને લોકડાઉન દરમિયાન તે સતત એક પડકાર હતો. જનનીની જેમ તેઓ પણ સ્વાનુભવથી ‘ટીબી યોદ્ધા’ તરીકે ઊભરી આવ્યા છે. "7 મા ધોરણમાં હતી ત્યારે મને ક્ષય રોગ થયાનું નિદાન થયું હતું. તે પહેલાં ક્યારેય મેં આ શબ્દ પણ સાંભળ્યો નહોતો." મુશ્કેલ પરિસ્થિતિ છતાં તેમણે 12 મા ધોરણ સુધી અભ્યાસ કર્યો.
તેમના માતા-પિતા તેમને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા, પરંતુ ત્યાં તેમનો રોગ મટ્યો નહિ. દેવી કહે છે, “ત્યારબાદ અમે તેનકાસીની સરકારી હોસ્પિટલમાં ગયા, ત્યાં મને વિવિધ પ્રક્રિયાઓમાંથી પસાર કરવામાં આવી. પરંતુ હવે તેના વિશે વિચારું તો સારવાર અંગેનું કંઇપણ હિંમત બંધાવે એવું નહોતું. હું જેના જેના સંપર્કમાં આવી હતી તેમને માટે હું આ અનુભવ બદલવા માંગતી હતી."
દેવી તનકાસી જિલ્લાના વિરકેરાલામ્પુદુર તાલુકાના છે. તેમના માતાપિતા ખેતમજૂરો હતા. તેઓ કહે છે કે તેઓ (તેમના માતાપિતા) પોતે ગરીબ હોવા છતાં જ્યારે તેમને (દેવીને) ટીબી થયો ત્યારે તેઓ અને અન્ય સંબંધીઓ ખૂબ જ મદદરૂપ થયા હતા. તેઓએ તેમની સારવાર માટે તપાસ કરી અને ચીવટથી ખંતપૂર્વક સારવાર કરાવી પણ ખરી. તેઓ કહે છે, “મારી ખૂબ સારી સંભાળ રાખવામાં આવી હતી."
દેવીના પતિ પણ મદદરૂપ થયા હતા અને હિંમત બંધાવતા હતા. તેમણે જ દેવી માટે કારકિર્દીનો રસ્તો વિચાર્યો હતો. તેઓ ટીબી વિરોધી અભિયાનમાં જોડાશે, તાલીમ લેશે અને નફાના હેતુ વિના કામ કરતી જે સંસ્થામાં જનની કામ કરે છે ત્યાં જ કામ કરશે. સપ્ટેમ્બર 2020 થી દેવીએ (સરેરાશ 20 અથવા વધુ લોકોએ હાજરી આપી હોય તેવી) 12 થી વધુ બેઠકો યોજી છે જેમાં તેઓ ટીબી વિશે બોલે છે.
તેઓ કહે છે, “તાલીમ લીધા પછી જ મને ખબર પડી કે મારે ટીબીના દર્દીઓને સાંભળવાના છે. સાચું કહું તો હું ખૂબ ઉત્સાહિત હતી. હું કંઈક સકારાત્મક કરી શકી જે મને મળ્યું નહોતું." તેનકાસી જિલ્લાની પુલીયાન્ગુડી નગરપાલિકાની જનરલ હોસ્પિટલમાં દેવી હવે આશરે 42 ટીબી દર્દીઓને સાંભળી રહ્યા છે, જેમાંથી એકને સાજા થયેલા જાહેર કરાયા છે. “ખરું પૂછો તો અમે દર્દીઓને સલાહ આપીએ છીએ અને ચીવટથી તેમનું ધ્યાન રાખીએ છીએ. જો કોઈ વ્યક્તિને ટીબીનું નિદાન થાય તો અમે તેના પરિવારના સભ્યોને ટીબી થયો છે કે કેમ તેની પણ તપાસ કરાવવાનો પ્રયત્ન કરીએ છીએ અને તેમના માટે નિવારક પગલાં લઈએ છીએ. "
દેવી અને જનની બંને હવે કોવિડ -19 મહામારી દ્વારા ઊભી થયેલી પરિસ્થિતિ સામે ઝઝૂમી ગયા છે. આ પરિસ્થિતિની વચ્ચે કામ કરવાને કારણે તેઓ તેમને પોતાને વધારે જોખમમાં મૂકે છે. તેમ છતાં તેઓએ કામ ચાલુ રાખ્યું છે પરંતુ દેવી કહે છે કે, "તે મુશ્કેલ છે, કોવિડના સંક્રમણના ડરને કારણે હોસ્પિટલના કર્મચારીઓ અમને ગળફાના પરીક્ષણો ન કરવા સમજાવે છે. તેમના કામમાં દખલ કરું છું તેમ ન લાગે તે રીતે મારે પરીક્ષણો કરવા પડે છે."
અને કોવિડ -19 મહામારીને કારણે ઊભા થયેલા નવા જોખમો ગંભીર છે. પ્રેસ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયાના અહેવાલ માં યુરોપિયન રેસ્પિરેટરી જર્નલ માં થયેલા એક અભ્યાસને ટાંકીને જણાવાયું છે કે “કોવિડ -19 મહામારીને કારણે આરોગ્ય સેવાઓ ખોરવાઈ ગઈ છે અને નિદાન અને સારવારમાં વિલંબ થઈ રહ્યો છે પરિણામે ભારતમાં આવતા પાંચ વર્ષમાં ક્ષય રોગ (ટીબી) સંબંધિત વધારાના 95000 મૃત્યુ થઈ શકે છે.” આ સમસ્યા આધારભૂત આંકડાઓને પણ અસર કરે છે - અને મહામારી શરૂ થઈ ત્યારથી ટીબીના વાસ્તવિક કેસોની સંખ્યા કરતા ઓછા કેસો નોંધાઈ રહ્યા અથવા ઓછા 'જાહેર થઈ રહ્યા હોય' તેવું લાગે છે. અને વિશ્વસનીય માહિતીના અભાવ છતાં એ વાતમાં કોઈ શંકા નથી કે કોવિડ -19 ને કારણે મૃત્યુ પામેલા વ્યકિઓમાંથી ઘણાને ટીબીની મુખ્ય બીમારી પણ હતી.
ઈન્ડિયા ટીબી રિપોર્ટ 2020 મુજબ ટીબીના ઉચ્ચ ભારણવાળા રાજ્યોમાંના એક ગણાતા તમિલનાડુમાં વર્ષ 2019 માં લગભગ 110845 ક્ષય રોગના દર્દીઓ હતા. આમાંથી 77815 પુરુષો, 33905 મહિલાઓ અને 125 ટ્રાન્સજેન્ડર હતા.
તેમ છતાં હાલના સમયમાં ટીબીના કેસોની નોંધણીમાં રાજ્ય 14 મા ક્રમ જેટલું નીચે આવી ગયું છે. આ રોગનો સામનો કરવાનો બહોળો અનુભવ ધરાવતા ચેન્નાઈના આરોગ્ય કાર્યકર કહે છે કે તેની પાછળના કારણો સ્પષ્ટ નથી. “કદાચ ફેલાવો ઓછો થયો હોય એ પણ કારણ હોઈ શકે. માળખાકીય સુવિધાઓ અને ગરીબી નાબૂદી કાર્યક્રમોમાં તમિળનાડુનો દેખાવ સારો રહ્યો છે. અન્ય રાજ્યોની સરખામણીએ આ રાજ્યમાં આરોગ્યક્ષેત્રે સારા પગલાં લેવાયા છે. પરંતુ તેનો અર્થ એ પણ થઈ શકે છે કે સરકારીતંત્ર યોગ્ય રીતે કાર્યરત નથી. કેટલીક હોસ્પિટલોમાં છાતીનો એક્સ-રે કઢાવવો એ પણ ઘણું મોટું કામ છે [કોવિડ -19 ને કારણે આરોગ્ય સેવાઓ પરના ભારણને કારણે મુશ્કેલીઓ વધી છે]. અમે ક્ષય રોગ માટે ફરજિયાત તમામ પરીક્ષણો કરી શકતા નથી. પરંતુ જ્યાં સુધી હાલમાં રોગના વ્યાપ વિષે ચાલી રહેલ સર્વેક્ષણના પરિણામો જાણવા ન મળે ત્યાં સુધી અમે રાજ્યમાં (ટીબીના કેસોની) નોંધણી કેમ ઓછી છે તે અંગે કોઈ ટિપ્પણી કરી શકીએ નહિ. ”
ક્ષય રોગના દર્દીઓએ આ રોગ સાથે સંકળાયેલ લાંછનના મુદ્દે કેટલો સંઘર્ષ કરવાનો છે તે નક્કી કરવું અશક્ય છે. રિચના નાયબ નિયામક અનુપમા શ્રીનિવાસન સમજાવેછે, "આ રોગનો ભોગ બનેલી મહિલાઓની સંખ્યા પુરુષો કરતા ઓછી હોવા છતાં બંને માટે રોગ સાથે સંકળાયેલ કલંક એકસમાન નથી. પુરુષોને પણ લાંછનનો સામનો કરવો પડે છે, પરંતુ મહિલાઓના કિસ્સામાં પરિસ્થિતિ વધુ ખરાબ છે."
જનની અને દેવી ચોક્ક્સ સહમત થશે. તેમને બંનેને તેમના હાલના કામ તરફ દોરી જવા માટે જવાબદાર અનેક કારણોમાંનું આ પણ કદાચ આ એક કારણ હોઈ શકે.
*****
અને બીજા છે પૂનગોડી ગોવિંદરાજ. વેલ્લોરના આ 30 વર્ષના ઝુંબેશ નેતાને ત્રણ વખત ટીબી થયો છે. તેઓ કહે છે, "2014 અને 2016 માં મેં ટીબીને જેટલી ગંભીરતાથી લેવો જોઈએ તેટલી ગંભીરતાથી ન લીધો અને ગોળીઓ બંધ કરી દીધી. 2018 માં મને અકસ્માત થયો અને સારવાર દરમિયાન મને જાણ કરવામાં આવી કે મને કરોડરજ્જુનો ટીબી છે. આ વખતે મેં પૂરેપૂરી સારવાર કરી અને હવે હું ઠીક છું.”
અભ્યાસ અધવચ્ચે છોડી દેવો પડ્યો ત્યારે પૂનગોડી 12 મા ધોરણમાં ઉત્તીર્ણ થઈ અને નર્સિંગમાં બીએસસીની ડિગ્રી માટે અભ્યાસ કરતા હતા. તેઓ કહે છે, "વર્ષ 2011, 12 અને 13 માં મને ત્રણ બાળકો થયા. ત્રણેય જન્મ પછી તરત જ મૃત્યુ પામ્યા. સ્વાસ્થ્યના કારણોસર મારે મારો નર્સિંગનો અભ્યાસક્રમ છોડવો પડ્યો." અને માત્ર તેમના પોતાના જ નહીં. તેમની માતાનું 2011 માં ટીબીથી અવસાન થયું હતું. તેના પિતા હાલ હેરડ્રેસરના સલૂનમાં કામ કરે છે. પૂનગોડીના પતિ એક ખાનગી કંપનીમાં સાધારણ નોકરી કરતા હતા. 2018 માં પૂનગોડીને ટીબીનું નિદાન થતાં જ તેમના પતિએ તેમને છોડી દીધા હતા અને ત્યારથી તેઓ પોતાને પિયર રહે છે.
પૂનગોડી કહે છે કે તેમના પરિવાર પાસે થોડી ઘણી સ્થાવર મિલકત હતી, પરંતુ સારવાર માટે અને તેમના પતિએ તેમને છોડી દીધા તે પછી થયેલા છૂટાછેડાના કેસના ખર્ચની ચૂકવણી માટે બધું ય વેચી દેવું પડ્યું હતું. તેઓ કહે છે, “મારા પિતા હવે મને માર્ગદર્શન આપે છે અને મદદ કરે છે. હાલ હું ક્ષય રોગ વિશે જાગૃતિ લાવવાનું કામ કરું છું અને હું મારા કામમાં ખુશ છું." ક્ષય રોગને કારણે પૂનગોડીનું વજન માત્ર 35 કિલોગ્રામ થઈ ગયું છે. “પહેલા મારું વજન લગભગ 70 કિલો જેટલું હતું. જો કે આજે હું ટીબી વિરોધી અભિયાનની સફળ નેતા છું. મેં ઓછામાં ઓછા 2500 લોકોને ક્ષય રોગ વિશે અને તેનો સામનો કઈ રીતે કરવો તે વિશે માહિતી પૂરી પાડી છે. મેં ટીબીના 80 દર્દીઓની સારવાર પર ધ્યાન આપ્યું છે, જેમાંથી અત્યાર સુધીમાં 20 સાજા થયા છે." જેમણે અગાઉ ક્યારેય નોકરી કરી નહોતી તેવા પૂનગોડી ‘વુમન ટીબી લીડર’ તરીકેની તેમની ભૂમિકા માટે કહે છે, “તે મને શાંતિ, સુખ અને સંતોષ આપે છે. હું એવું કંઈક કરી રહી છું જેનો મને ગર્વ છે. મારા પતિ જે ગામમાં રહે છે તે જ ગામમાં રહીને આ પ્રકારનું કામ કરવું એક મારે મન એક મોટી સિદ્ધિ છે.”
*****
સાદિપોમ વા પેન્ને (મહિલાઓ આવો! ચાલો આપણે કરી બતાવીએ) કાર્યક્રમ ટીબી કેસ નિદાનના કામમાં સહાય કરી શકે અને તે કામને વેગ આપી શકે તેવી મહિલાઓને નિયુક્ત કરે છે. તમિલનાડુના ચાર જિલ્લાઓ - વેલ્લોર, વિલ્લુપુરમ, તિરુનેલવેલી અને સાલેમમાં રિચ દ્વારા શરૂ કરાયેલ આ કાર્યક્રમ અમલી છે.
આ કાર્યક્રમ અંતર્ગત અહીંના સમુદાયોની આશરે 400 મહિલાઓને તેમના ગામોમાં અથવા વોર્ડમાં આરોગ્યને લગતી મૂંઝવણો માટે લોકો જેમનો સંપર્ક સાધી શકે તેવી વ્યક્તિઓના રૂપમાં તૈયાર કરવા માટેની તાલીમ આપવામાં આવી રહી છે. આ તાલીમ ફોન દ્વારા અપાઈ રહી છે. અનુપમા શ્રીનિવાસન કહે છે કે બીજી 80 મહિલાઓને (પૂનગોડી જેવા) વિમેન ટીબી લીડર તરીકે તાલીમ આપવામાં આવશે, જેઓ જાહેર આરોગ્ય સુવિધાઓમાં ક્ષય રોગ માટેનું પરીક્ષણ કરે છે.
સમસ્યાનું પ્રમાણ જોતાં આ આંકડાકીય રીતે નજીવું લાગે, પરંતુ જનની, દેવી, પૂનગોડી અને બીજી મહિલાઓ માટે - અને ક્ષય રોગના જે હજારો દર્દીઓ સુધી તેઓ સમયાંતરે પહોંચી શકશે તેમને માટે - આ મહત્વપૂર્ણ છે. અને તેનું મહત્વ માત્ર તબીબી દ્રષ્ટિએ જ નથી, સામાજિક અને આર્થિક દ્રષ્ટિએ પણ આ મહત્વપૂર્ણ છે. અને આ કાર્યક્રમ જેને જેને અસર કરે છે તેમના આત્મવિશ્વાસ પર અમાપ અસર કરે છે./તેમનો આત્મવિશ્વાસ ખૂબ વધે છે તે તો અલગ.
અહીંના તેના રોજિંદા કામોનો ઉલ્લેખ કરતા જનની કહે છે કે, ''અહીં સુખ મળે છે." તેમણે રિચ ખાતે કામ કરવાનું શરૂ કર્યાના બે મહિના પછી તેમના પતિ (અને તેમનો પરિવાર) તેની પાસે પાછો આવ્યો. “ખબર નથી કે એ મારા કમાયેલ પૈસાને કારણે છે - તેઓ (મારા પતિ) ઘેર ઘણી વાર હું સાવ નકામી છું એમ કહી મારો દોષ કાઢતા - કે પછી કદાચ તેઓ એકલવાયા થઈ ગયા હોય અને મારું મહત્વ સમજ્યા હોય. જે પણ હોય, મારા માતાપિતા ખુશ હતા કે છૂટાછેડાના કેસ પછી સમાધાન શક્ય હતું. "
પોતાના માતાપિતાને ખુશ રાખવા માટે જનની આ વર્ષે ફેબ્રુઆરીમાં તેના પતિ સાથે પોતાને સાસરે ગઈ હતી. “હમણાં સુધી તો તેઓ મારી સારી સંભાળ રાખે છે. હું માનતી હતી કે ટીબીએ મારું જીવન બરબાદ કરી નાખ્યું જ્યારે હકીકતમાં તો ટીબીએ મારા જીવનને વધારે અર્થપૂર્ણ બનાવ્યું છે. જે રોગે મને લગભગ મારી જ નાખી હતી/ મારી નાખવામાં માંડ કંઈ બાકી મૂક્યું હતું તે રોગ વિશે હું લોકોને શિક્ષિત કરી રહી છું એ વિચાર જ ભરપૂર આત્મવિશ્વાસ આપનારો છે."
કવિતા મુરલીધરન ઠાકુર ફેમિલી ફાઉન્ડેશન તરફથી પ્રાપ્ત થયેલ સ્વતંત્ર પત્રકારત્વ અનુદાન દ્વારા જાહેર આરોગ્ય અને નાગરિક સ્વાતંત્ર્ય અંગેના અહેવાલ આપે છે. ઠાકુર ફેમિલી ફાઉન્ડેશને આ અહેવાલની સામગ્રી પર કોઈ સંપાદકીય નિયંત્રણનો ઉપયોગ કર્યો નથી.
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક