ચોમાસાનો પહેલો વરસાદ સાનિયા મુલ્લાની માટે હંમેશા તેમના જન્મ દિવસ સાથે જોડાયેલી ભવિષ્યવાણીની યાદ અપાવનાર હોય છે.

તેમનો જન્મ જુલાઈ 2005 માં આવેલા જીવલેણ પૂરના એક અઠવાડિયા પછી થયો હતો, આ પૂરે મહારાષ્ટ્રમાં 1000 થી વધુ લોકોના જીવ લીધા હતા અને 2 કરોડ લોકોને અસર પહોંચાડી હતી. “તેનો જન્મ પૂર દરમિયાન થયો છે; તે તેનો મોટાભાગનો સમય પૂરમાં જ વિતાવશે,” લોકોએ તેના માતાપિતાને કહ્યું હોવાનું કહેવાય છે.

જુલાઈ 2022 ના પહેલા અઠવાડિયામાં ભારે વરસાદ શરૂ થયો ત્યારે સત્તર વર્ષના સાનિયાને ફરીથી આ વાત યાદ આવી. મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લાના હાતકણંગલે તાલુકામાં આવેલ ભેંડવડે ગામના રહેવાસી સાનિયા કહે છે, "જ્યારે જ્યારે હું પાની વાઢત ચાલલંય [પાણીનું સ્તર વધી રહ્યું છે] સાંભળું છું ત્યારે મને ડર લાગે છે કે કદાચ ફરી વધુ એક પૂર આવશે." આ ગામ અને તેના 4686 રહેવાસીઓએ 2019 થી બે વિનાશક પૂર જોયા છે.

સાનિયા યાદ કરે છે, "ઓગસ્ટ 2019 ના પૂર દરમિયાન માત્ર 24 કલાકમાં અમારા ઘરમાં સાત ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું હતું." ઘરમાં પાણી ભરાવાનું શરૂ થતાંની સાથે જ મુલ્લાની પરિવાર ઘરની બહાર નીકળી જઈ શક્યો હતો પરંતુ આ ઘટનાએ સાનિયાને ઊંડો આઘાત અને દુઃખ પહોંચાડ્યા હતા.

જુલાઈ 2021 માં તેમના ગામમાં ફરીથી પૂર આવ્યું. આ વખતે આ પરિવાર ત્રણ અઠવાડિયા માટે ગામની બહાર પૂર રાહત શિબિરમાં સ્થળાંતરિત થયો હતો, ગામના સત્તાધિકારીઓ દ્વારા ગામમાં પાછા ફરવું સુરક્ષિત ગણાવવામાં આવ્યા પછી જ તેઓ ઘેર પરત ફર્યા હતા.

તાઈકવાન્ડો ચેમ્પિયન સાનિયાની બ્લેક બેલ્ટ ધારક ખેલાડી બનવાની તાલીમ 2019 ના પૂરને કારણે ખોરંભે પડી છે.  છેલ્લા ત્રણ વર્ષથી તેઓ થાક, બેચેની, ચીડિયાપણું અને વધુ પડતી ચિંતા અનુભવી રહ્યા છે. તેઓ કહે છે, "હું મારી તાલીમ પર ધ્યાન કેન્દ્રિત કરી શકતી નથી. મારી તાલીમનો બધો આધાર હવે વરસાદ પર છે."

Saniya Mullani (centre), 17, prepares for a Taekwondo training session in Kolhapur’s Bhendavade village
PHOTO • Sanket Jain
The floods of 2019 and 2021, which devastated her village and her home, have left her deeply traumatised and unable to focus on her training
PHOTO • Sanket Jain

ડાબે: 17 વર્ષના સાનિયા મુલ્લાની (વચ્ચે) કોલ્હાપુરના ભેંડવડે ગામમાં તાઈકવાન્ડોના તાલીમ સત્રની તૈયારી કરે છે. જમણે: તેમના ગામ અને ઘરને તબાહ કરી નાખનાર 2019 અને 2021 ના પૂરને કારણે તેમને ઊંડો આઘાત લાગ્યો છે અને તેઓ પોતાની તાલીમ પર ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી

Young sportswomen from agrarian families are grappling with mental health issues linked to the various impacts of the climate crisis on their lives, including increased financial distress caused by crop loss, mounting debts, and lack of nutrition, among others
PHOTO • Sanket Jain

કૃષિ પરિવારોમાંથી આવતી યુવા મહિલા ખેલાડીઓ માનસિક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ સામે ઝઝૂમી રહી છે. આ સમસ્યાઓ વૈશ્વિક આબોહવાના કાયમી પરિવર્તનની તેમના જીવન પર થતી વિવિધ અસરો, જેવી કે, પાકના નુકસાનને કારણે વધતી જતી નાણાકીય તકલીફો, વધતા જતા દેવા અને પોષણની અછત વગેરે સાથે સંકળાયેલ છે

જ્યારે (માનસિક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાના) લક્ષણો  જણાવા માંડ્યા ત્યારે તેમણે વિચાર્યું કે સમય જતાં તેમને સારું થઈ જશે. પરંતુ તેમ ન થયું ત્યારે તેમણે ખાનગી ડૉક્ટરની સલાહ લીધી. ઓગસ્ટ 2019 થી શરૂ કરીને આજ સુધીમાં તેમણે ઓછામાં ઓછી 20 વખત ડૉક્ટરની મુલાકાત લીધી છે, પરંતુ ચક્કર, થાક, શરીરનો દુખાવો, વારંવાર આવતો તાવ, ધ્યાન કેન્દ્રિત કરવામાં અસમર્થતા અને કાયમી "ચિંતા અને માનસિક તણાવ" દૂર થવાનું નામ લેતા નથી.

તેઓ કહે છે, "હવે તો ડૉક્ટર પાસે જવાનો વિચાર માત્ર જ દુઃસ્વપ્નનું કારણ બને છે. ખાનગી ડૉક્ટર એક મુલાકાતના ઓછામાં ઓછા 100 રુપિયા વસૂલે છે; પછી દવાઓ, બહુવિધ પરીક્ષણો અને ફોલો-અપ્સ માટેના ખર્ચા તો જુદા. ઈન્ટ્રાવિનસ ડ્રિપની જરૂર હોય તો અમારે બોટલ દીઠ 500 રુપિયા ચૂકવવા પડે."

જ્યારે પરામર્શથી કોઈ ફાયદો ન થયો ત્યારે તેમના એક મિત્રએ તેમને એક ઉકેલ સૂચવ્યો: "ગપ્પ ટ્રેનિંગ કરાયચા [બસ શાંતિથી તારી તાલીમ શરૂ કરી દે]." તેનાથી પણ ફાયદો ન થયો. સાનિયાએ બગડતા સ્વાસ્થ્ય વિશે તેમના ડૉક્ટર સાથે વાત કરી ત્યારે ડોક્ટરે તેમને ફક્ત એટલું જ કહ્યું, "ચિંતા ન કરશો." પરિણામે તેઓ હતાશ થઈ ગયા. વરસાદનો આગામી દોર કેવો હશે અને તેમના પરિવાર પર એની કેવી અસર થશે એ અંગેની અનિશ્ચિતતા જોતાં આ સલાહનું પાલન કરવું સાનિયા માટે કદાચ સૌથી વધુ મુશ્કેલ થઈ પડે તેમ હતું.

એક એકર જમીન ધરાવતા સાનિયાના પિતા જાવેદે 2019 અને 2021ના પૂર દરમિયાન 100000 કિલો શેરડીનો પાક ગુમાવ્યો હતો.  2022 માં પણ ભારે વરસાદ અને વારણા નદીમાં અચાનક આવેલા પૂરે તેમના મોટાભાગના પાકનો ભોગ લીધો હતો.

જાવેદ કહે છે, “2019 ના પૂર પછી તમે જે વાવો છો તેનું ફળ તમે લણશો કે નહીં તેની કોઈ ખાતરી નથી. અહીંના દરેક ખેડૂતે ઓછામાં ઓછું બે વાર તો વાવણી કરવી જ પડે છે." પરિણામે ઉત્પાદન ખર્ચ લગભગ બમણો થઈ જાય છે, તેની સામે ક્યારેક કશું જ વળતર મળતું નથી, પરિણામે ખેતી ચાલુ રાખવાનું મુશ્કેલ બને છે.

The floods of 2019 destroyed sugarcane fields (left) and harvested tomatoes (right) in Khochi, a village adjacent to Bhendavade in Kolhapur district
PHOTO • Sanket Jain
The floods of 2019 destroyed sugarcane fields (left) and harvested tomatoes (right) in Khochi, a village adjacent to Bhendavade in Kolhapur district
PHOTO • Sanket Jain

2019 ના પૂરે કોલ્હાપુર જિલ્લાના ભેંડવડેને અડીને આવેલા ગામ ખોચીમાં શેરડીના ખેતરો (ડાબે) અને લણેલા ટામેટાં (જમણે) નો નાશ કર્યો

એકમાત્ર રસ્તો હોય તો એ છે ખાનગી શાહુકારો પાસેથી અતિશય ઊંચા વ્યાજ દરે ઉધાર લઈને ચિંતામાં અનેકગણો વધારો કરવો. સાનિયા ઉમેરે છે, "માસિક ચુકવણીની તારીખ જેમ જેમ નજીક આવતી જાય તેમ તેમ ઘણા લોકોને તમે માનસિક તણાવને કારણે હોસ્પિટલ ભેગા થતા જોશો."

વધતા જતા દેવા અને બીજા વધુ એક પૂરના ડરથી સાનિયા મોટાભાગનો સમય ચિંતાતુર રહે છે.

કોલ્હાપુર સ્થિત ક્લિનિકલ સાયકોલોજિસ્ટ શાલ્મલી રણમાલે કાકડે કહે છે, “સામાન્ય રીતે કોઈપણ કુદરતી આફત પછી લોકો તેમના ધ્યેય હાંસલ કરવા માટે કરવા જોઈએ તેટલા પ્રયત્નો કરી શકતા નથી. એટલા માટે નહીં કે તેઓ કરવા માગતા નથી; પણ તેઓ કરી શકતા નથી. તેને કારણે આખરે લાચારી, હતાશા અને ઘણી ઉદાસી લાગણીઓ જન્મે છે, જે તેમના મૂડને અસર કરવાનું શરૂ કરે છે અને ચિંતા તરફ દોરી જાય છે."

યુએન ઈન્ટરગવર્મેન્ટલ પેનલ ઓન ક્લાયમેટ ચેઈન્જ (આઈપીસીસી) એ લોકોના માનસિક સ્વાસ્થ્યને આબોહવા પરિવર્તન ગંભીર રીતે અસર કરે છે એ બાબત પરત્વે લોકોનું ધ્યાન દોરવા પહેલી વખત ભાર મૂકીને કહ્યું છે કે: “ગ્લોબલ વોર્મિંગ વધશે તો, ખાસ કરીને બાળકો, કિશોરો, વૃદ્ધો અને સતત તબીબી સંભાળની જરૂર હોય તેવા રોગોથી પીડાતા લોકો માટે, બધાં મૂલ્યાંકિત પ્રદેશોમાં ચિંતા અને તણાવ સહિત માનસિક સ્વાસ્થ્ય સંબંધિત પડકારો વધવાની અપેક્ષા છે."

*****

18 વર્ષના ઐશ્વર્યા બિરાજદારે તેમના સપનાઓ 2021ના પૂરમાં વહી જતા જોયા.

પાણી ઓછુ થયું પછી ભેંડવડેની દોડવીર અને તાઈકવાન્ડો ચેમ્પિય ઐશ્વર્યાને તેમના ઘરની સફાઈ કરવામાં 15 દિવસમાં 100 કલાકથી વધુ સમય પસાર કરવો પડ્યો હતો. તેઓ કહે છે, “આ દુર્ગંધ જતી જ   નહોતી; દીવાલો તો એવી લાગતી હતી કે જાણે હમણાં તૂટી પડશે."

જીવનને થોડીઘણી સામાન્ય કહી શકાય એવી સ્થિતિમાં લાવવામાં લગભગ 45 દિવસ લાગ્યા. તેઓ સમજાવે છે, "તાલીમનો એક દિવસ પણ ગુમાવવો ગમતો નથી." 45 દિવસની ગુમાવેલી તાલીમનો અર્થ એ હતો કે તેમણે વધુ મહેનત કરવી પડી. “[પરંતુ] મારી શારીરિક શ્રમ કરવાની ક્ષમતા ખૂબ ઓછી થઈ ગઈ છે કારણ કે અમારે અડધો ખોરાક ખાઈને બમણી તાલીમ લેવાની છે. આવું લાંબો સમય ન થઈ શકે અને આ પરિસ્થિતિ ભારે ચિંતા ઊભી કરે છે."

Sprinter and Taekwondo champion Aishwarya Birajdar (seated behind in the first photo) started experiencing heightened anxiety after the floods of 2021. She often skips her training sessions to help her family with chores on the farm and frequently makes do with one meal a day as the family struggles to make ends meet
PHOTO • Sanket Jain
Sprinter and Taekwondo champion Aishwarya Birajdar (seated behind in the first photo) started experiencing heightened anxiety after the floods of 2021. She often skips her training sessions to help her family with chores on the farm and frequently makes do with one meal a day as the family struggles to make ends meet
PHOTO • Sanket Jain

દોડવીર અને તાઈકવાન્ડો ચેમ્પિયન ઐશ્વર્યા બિરાજદાર (પહેલા ફોટામાં પાછળ બેઠેલા) 2021ના પૂર પછી વધુ પડતી ચિંતા અનુભવવા લાગ્યા છે.  પોતાના પરિવારને ખેતરના કામકાજમાં મદદ કરવા માટે તેમને વારંવાર પોતાના તાલીમ સત્રો ગુમાવવા પડે છે અને કુટુંબ બે છેડા ભેગા કરવા સંઘર્ષ કરતું હોઈ ઘણીવાર તેઓ દિવસના એક જ ટંક ભોજનથી ચલાવી લે છે

પૂર ઓસર્યા પછી સાનિયા અને ઐશ્વર્યાના માતા-પિતાને ત્રણ મહિના સુધી કોઈ કામ મળ્યું ન હતું કારણ કે આ ગામ પોતાના પગ પર ફરીથી ઊભું થવા માટે સંઘર્ષ કરી રહ્યું હતું. જાવેદ તેમની ખેતીની ઘટતી જતી આવકની કમી પૂરી કરવા માટે કડિયા તરીકે પણ કામ કરે છે, પરંતુ આ વિસ્તારના મોટાભાગના બાંધકામો અટકી જવાથી તેમને પૂરતું કામ મળી શક્યું નહોતું. ખેતરો જળબંબાકાર રહેતાં ગણોતિયા અને ખેતમજૂરો તરીકે કામ કરતા ઐશ્વર્યાના માતા-પિતાને પણ આવા જ અનુભવનો સામનો કરવો પડ્યો.

ચૂકતે કરવાની લોન અને તેના પર વધતા વ્યાજને જોતાં આ પરિવારોએ ઓછું ખાવા જેવા પગલાં લેવા પડ્યા - ઐશ્વર્યા અને સાનિયાને ચાર મહિના સુધી દિવસના માત્ર એક જ ટંક ભોજનથી ચલાવવું પડ્યું - અને કેટલીકવાર સાવ ભૂખ્યા પણ રહેવું પડ્યું.

પોતાના માતા-પિતા બે છેડા ભેગા કરી શકે એ માટે મદદ કરવા કેટલા દિવસ ભૂખે પેટ સૂવું પડ્યું એની આ યુવા મહિલા ખેલાડીઓને કોઈ ગણતરી રહી નથી. આ બધી વંચિતતાએ સ્વાભાવિક રીતે જ તેમની તાલીમ અને (રમતના મેદાન પર) તેમના દેખાવને અસર પહોંચાડી છે. સાનિયા કહે છે, “હવે મારું શરીર રમતની તાલીમના ભાગરૂપે આકરી કસરતો સહન કરી શકતું નથી.”

સાનિયા અને ઐશ્વર્યાએ પહેલી વાર માનસિક તણાવ અનુભવવાનું શરૂ કર્યું ત્યારે તેઓએ એ વાતને ખાસ ગંભીરતાથી ન લીધી - જ્યારે તેમણે જાણ્યું કે બીજા ખેલાડીઓમાં પણ આવો માનસિક તણાવ ધાર્યા વધુ પ્રચલિત છે ત્યારે તેમણે એ વાતને ગંભીરતાથી લેવા માંડી. ઐશ્વર્યા કહે છે, “પૂરથી અસરગ્રસ્ત અમારા બધા ખેલાડી મિત્રો સમાન [લક્ષણો] અનુભવે છે." સાનિયા ઉમેરે છે, "આનાથી મને એટલી બધી ચિંતા થાય છે કે મોટાભાગનો સમય હું હતાશા અનુભવું છું."

હાતકણંગલેના તાલુકા આરોગ્ય અધિકારી ડો. પ્રસાદ દાતાર કહે છે, "2020 થી અમે જોતા આવ્યા છીએ કે જૂનમાં ગમે ત્યારે પહેલો વરસાદ થાય એ પછી લોકો પૂરના ભયમાં જીવવાનું શરૂ કરી દે છે. આ પૂરની સમસ્યાનો કોઈ ઉકેલ નથી એ જોતાં આ ભય સતત વધતો રહ્યો છે, અને આખરે એ લાંબી બીમારીઓ તરફ દોરી જાય છે અને લોકોના માનસિક સ્વાસ્થ્યને અસર પહોંચાડે છે."

શિરોલ તાલુકા ના 54 ગામોની દેખરેખ રાખનાર ડૉ. પ્રસાદે 2021ના પહેલા એક દાયકા સુધી પૂર પછી આ વિસ્તારમાં આરોગ્ય સંભાળ કામગીરીનું નેતૃત્વ કર્યું હતું. "કેટલાક કિસ્સાઓમાં [પૂર પછી] તણાવ એટલો બધો વધી જતો કે ઘણા લોકોને આખરે હાઈપરટેન્શન (લોહીનું ઊંચુ દબાણ) અથવા માનસિક બીમારીઓ હોવાનું નિદાન થતું."

Shirol was one of the worst affected talukas in Kolhapur during the floods of 2019 and 2021
PHOTO • Sanket Jain

2019 અને 2021ના પૂર દરમિયાન શિરોલ કોલ્હાપુરમાં સૌથી વધુ અસરગ્રસ્ત તાલુકાઓમાંનો એક હતો

Flood water in the village of Udgaon in Kolhapur’s Shirol taluka . Incessant and heavy rains mean that the fields remain submerged and inaccessible for several days, making it impossible to carry out any work
PHOTO • Sanket Jain

કોલ્હાપુરના શિરોલ તાલુકાના ઉડગાંવ ગામમાં પૂરના પાણી. સતત અને ભારે વરસાદનો અર્થ એ છે કે ખેતરો ઘણા દિવસો સુધી પાણી હેઠળ ડૂબેલા રહે છે અને ખેતેરો સુધી પહોંચવું અશક્ય બને છે, પરિણામે કોઈ કામ હાથ ધરી શકાતું નથી

નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણ) ના તારણો 2015 અને 2020 ની વચ્ચે કોલ્હાપુર જિલ્લામાં પુખ્ત મહિલાઓ (15-49 વર્ષ) માં હાઈપરટેન્શનના કેસોમાં 72 ટકાનો વધારો દર્શાવે છે. કર્ણાટકના કોડાગુ જિલ્લામાં 2018ના પૂરથી પ્રભાવિત 171 લોકોનું મૂલ્યાંકન કરનાર અભ્યાસ માં જાણવા મળ્યું છે કે 66.7 ટકામાં ડિપ્રેશન, સોમેટિક ડિસઓર્ડર, સબસ્ટન્સ અબ્યુઝ, ઊંઘની સમસ્યા અને ચિંતાના લક્ષણો જોવા મળ્યા હતા.

બીજા એક સંશોધનપત્ર માં જાણવા મળ્યું છે કે તમિળનાડુના ચેન્નાઈ અને કડ્ડલોરમાં ડિસેમ્બર 2015ના પૂરથી પ્રભાવિત થયેલા 45.29 ટકા લોકોમાં માનસિક બિમારીનું નિદાન થયું હતું; સર્વેક્ષણ કરાયેલા 223માંથી 101 જેટલા વ્યક્તિઓ હતાશ હોવાનું જણાયું હતું.

ભેંડવડેમાં 30 તાઈકવાન્ડો વિદ્યાર્થીઓને તાલીમ આપતા વિશાલ ચવ્હાણ યુવા ખેલાડીઓના માનસિક સ્વાસ્થ્ય પર સમાન અસરોની નોંધની પુષ્ટિ કરે છે. "2019 થી ઘણા વિદ્યાર્થીઓએ આ પ્રકારની પરિસ્થિતિઓને કારણે રમત છોડી દીધી છે."  તેમની પાસે તાલીમ લેતા ઐશ્વર્યા એથ્લેટિક્સ અને માર્શલ આર્ટ્સમાં કારકિર્દી બનાવવાની તેમની યોજનાઓ પર પુનર્વિચાર કરી રહ્યા છે.

2019ના પૂર પહેલા ઐશ્વર્યાએ તેમના પરિવારને ચાર એકરના ખેતરમાં શેરડીની ખેતીમાં મદદ કરી હતી. તેઓ કહે છે, "24 કલાકમાં તો પૂરનું પાણી ઉસાચા મુળ્યા (શેરડીના વેસ્ક્યુલર બંડલ) માં પ્રવેશ્યું અને પાકને સંપૂર્ણપણે નષ્ટ કરી નાખ્યો."

તેમના માતાપિતા ગણોતિયા તરીકે કામ કરે છે, જેમણે ઉત્પાદનના 75 ટકા જમીનના માલિકને આપી દેવા પડે છે. તેમના પિતા 47 વર્ષના રાવસાહેબ કહે છે કે, “સરકારે 2019 અને 2021ના પૂરમાં કોઈ જ વળતર આપ્યું નથી; જો કોઈ વળતર આપ્યું હોત તો પણ તે જમીનમાલિકને જ મળ્યું હોત."

માત્ર 2019ના પૂરમાં જ 7.2 લાખ રુપિયાની કિંમતના 240000 કિલો શેરડીના પાકનું નુકસાન થતાં રાવસાહેબ અને તેમના પત્ની 40 વર્ષના શારદા બંનેને ખેત મજૂર તરીકે પણ કામ કરવાની ફરજ પડી છે. ઘણી વાર ઐશ્વર્યા તેમને મદદ કરે છે અને દિવસમાં બે વાર પરિવારના ઢોરને દોહવાનું કામ કરે છે. શારદા કહે છે, "પૂર આવે એ પછી ઓછામાં ઓછા ચાર મહિના સુધી તેમને કોઈ કામ મળતું નથી. આમ થવાનું કારણ એ છે કે ખેતરોમાંથી પાણી તરત ઓસરતું નથી, અને જમીનની પોષક ગુણવત્તા પુનઃસ્થાપિત થવામાં સમય લાગી જાય છે."

Aishwarya, who has to help her tenant-farmer parents on the fields as they struggle to stay afloat, is now considering giving up her plan of pursuing a career in sports
PHOTO • Sanket Jain

ઐશ્વર્યાને ગણોતિયા તરીકે કામ કરતા પોતાના માતાપિતાને ખેતરોમાં મદદ કરવી પડે છે કારણ કે તેઓ બે છેડા ભેગા કરવા અને દેવું ચૂકવવા સંઘર્ષ કરી રહ્યા છે. ઐશ્વર્યા હવે રમતગમત ક્ષેત્રે કારકિર્દી બનાવવાની તેમની યોજના પડતી મૂકવાનું વિચારી રહ્યા છે

Along with training for Taekwondo and focussing on her academics, Aishwarya spends several hours in the fields to help her family
PHOTO • Sanket Jain
With the floods destroying over 240,000 kilos of sugarcane worth Rs 7.2 lakhs in 2019 alone, Aishwarya's parents Sharada and Raosaheb are forced to double up as agricultural labourers
PHOTO • Sanket Jain

ડાબે: તાઈકવાન્ડોની તાલીમ અને પોતાના શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવાની સાથેસાથે ઐશ્વર્યા તેમના પરિવારને મદદ કરવા ખેતરોમાં ઘણા કલાકો વિતાવે છે. જમણે: માત્ર 2019 ના પૂરમાં જ 7.2 રુપિયાની કિંમતના 240000 કિલો શેરડીના પાકનું નુકસાન થતાં ઐશ્વર્યાના માતા-પિતા શારદા અને રાવસાહેબને ખેત મજૂર તરીકે પણ કામ કરવાની ફરજ પડી છે

એ જ રીતે 2021ના પૂર દરમિયાન રાવસાહેબે 42000 રુપિયાની કિંમતનો 600 કિલોથી વધુ સોયાબીનનો પાક ગુમાવ્યો. આવી પાયમાલી જોતા ઐશ્વર્યા રમતગમત ક્ષેત્રે તેમની કારકિર્દી અંગે અનિશ્ચિત છે. તેઓ કહે છે, "હવે હું પોલીસ (વિભાગમાં કામ મેળવવા માટેની) પરીક્ષા માટે અરજી કરવાનું વિચારી રહી છું. રમત પર આધાર રાખવો ખૂબ જોખમી છે, ખાસ કરીને આ બદલાતી આબોહવામાં."

તેઓ ઉમેરે છે, "મારી તાલીમ સીધી ખેતી સાથે સંકળાયેલી છે." આબોહવા પરિવર્તનની ઘટનાઓથી ખેતી - અને પરિણામે તેમના પરિવારની આજીવિકા અને જિંદગી - સામેના પડકારો વધતા જતા હોવાથી રમતગમત ક્ષેત્રે કારકિર્દી અંગે ઐશ્વર્યાની આશંકા સમજી શકાય તેવી છે.

કોલ્હાપુરના અજરા તાલુકાના પેઠેવાડી ગામના રમતગમત પ્રશિક્ષક પાંડુરંગ તેરસે કહે છે, "કોઈપણ [આબોહવા સંબંધિત] આફત દરમિયાન મહિલા ખેલાડીઓને સૌથી વધુ અસર પહોંચે છે. ઘણા પરિવારો મહિલા ખેલાડીઓને મદદ કરતા નથી કે પ્રોત્સાહન આપતા નથી, અને જ્યારે તેમની દીકરીઓ થોડા દિવસો માટે તાલીમ લેવાનું બંધ કરે છે ત્યારે પરિવારો તેમને રમતગમત છોડીને કમાવાનું શરૂ કરી દેવા કહે છે, પરિણામે મહિલા ખેલાડીઓનું માનસિક સ્વાસ્થ્ય બગડે છે."

આ યુવા ખેલાડીઓને મદદ કરવા માટે શું કરી શકાય તે અંગે પૂછવામાં આવતા ક્લિનિકલ સાયકોલોજિસ્ટ કાકડે કહે છે, “સૌથી પહેલું પગલું તો આપણે પ્રણાલીગત ઉપચાર અથવા શોકાતુર વ્યક્તિને ઊંડા દુઃખમાંથી બહાર લાવવા કરાતા પરામર્શમાં જે કરીએ છીએ તે – ફક્ત સાંભળવું અને તેમને તેમની લાગણીઓ બાબતે વાત કરવા દેવી. લોકોને તેમની મુશ્કેલ લાગણીઓ વ્યક્ત કરવા માટે એક સ્થાન મળે છે ત્યારે તેઓ હળવાશ અનુભવવા માંડે છે કારણ કે તેમની પાસે પ્રાથમિક સહાયક જૂથ છે, પરિણામે ઉપચારમાં ઘણી મદદ મળે છે." જોકે એ હકીકત છે કે લાખો ભારતીયો માટે ઓછા સંસાધનો સાથેના આરોગ્ય સંભાળ માળખા અને ઊંચા સારવાર ખર્ચને કારણે માનસિક સ્વાસ્થ્ય સંભાળ મેળવવાનું મુશ્કેલ બને છે.

*****

લાંબા અંતરની દોડવીર સોનાલી કાંબલેની રમતગમત ક્ષેત્રે આગળ વધવાની મહત્વાકાંક્ષાઓ 2019 ના પૂર પછી સ્પીડ બ્રેકર સાથે ભટકાઈ હતી. તેના માતા-પિતા, બંને ભૂમિહીન ખેતમજૂરોને, પૂર પછીની લાંબા ગાળાની નાણાકીય કટોકટીમાં પરિવારને ટકાવી રાખવા માટે સોનાલીની મદદની જરૂર હતી.

સોનાલીના પિતા રાજેન્દ્ર કહે છે, "અમે ત્રણેય જણ કામ કરીએ છીએ છતાં અમે બે છેડા ભેગા કરી શકતા નથી." સતત વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ જાય છે અને લાંબા સમય સુધી ખેતેરો સુધી પહોંચવું અશક્ય બને છે, પરિણામે કામકાજના દિવસોની સંખ્યામાં ઝડપી ઘટાડો થાય છે અને તેથી ખેતી સંબંધિત કામ પર નિર્ભર પરિવારોની આવકમાં ઘટાડો થાય છે.

Athletes running 10 kilometres as part of their training in Maharashtra’s flood-affected Ghalwad village
PHOTO • Sanket Jain
An athlete carrying a 200-kilo tyre for her workout
PHOTO • Sanket Jain

ડાબે: મહારાષ્ટ્રના પૂરથી અસરગ્રસ્ત ઘાલવાડ ગામમાં તેમની તાલીમના ભાગરૂપે 10 કિલોમીટર દોડી રહેલા ખેલાડીઓ. જમણે: એક ખેલાડી તેમની રમતની તાલીમ માટેની કસરતના ભાગરૂપે 200-કિલોનું ટાયર ઊંચકીને ચાલી રહ્યા છે

Athletes in Kolhapur's Ghalwad village working out to build their strength and endurance. Several ASHA workers in the region confirm that a growing number of young sportspersons are suffering from stress and anxiety related to frequent floods and heavy rains
PHOTO • Sanket Jain
Athletes in Kolhapur's Ghalwad village working out to build their strength and endurance. Several ASHA workers in the region confirm that a growing number of young sportspersons are suffering from stress and anxiety related to frequent floods and heavy rains
PHOTO • Sanket Jain

કોલ્હાપુરના ઘાલવાડ ગામમાં ખેલાડીઓ તેમની તાકાત અને લાંબા સમય સુધી કઠિન પરિશ્રમ કરવાની ક્ષમતા વધારવા રમતની તાલીમના ભાગરૂપ કસરત કરી રહ્યા છે. આ પ્રદેશના કેટલાક આશા કાર્યકરો પુષ્ટિ કરે છે કે વધુ ને વધુ યુવા ખેલાડીઓ વારંવાર પૂર અને ભારે વરસાદ સંબંધિત તણાવ અને ચિંતાથી પીડાઈ રહ્યા છે

કાંબલે પરિવાર શિરોલ તાલુકાના ઘાલવાડ ગામમાં રહે છે, ત્યાં મહિલાઓ લગભગ સાત કલાકના કામ માટે લગભગ 200 રુપિયા કમાય છે જ્યારે પુરુષોને 250 રુપિયા ચૂકવવામાં આવે છે. 21 વર્ષના સોનાલી કહે છે, “રમતગમતના સાધનો ખરીદવાની અને તાલીમ માટે ચૂકવણી કરવાની વાત તો છોડો પરિવાર ચલાવવા માટેય આ રકમ પૂરતી નથી."

2021ના પૂરે કાંબલે પરિવારની મુશ્કેલીઓમાં વધારો કર્યો અને સોનાલીને ઊંડી માનસિક તકલીફમાં ધકેલી દીધી. તેઓ યાદ કરે છે, "2021 માં માત્ર 24 કલાકમાં અમારું ઘર ડૂબી ગયું. એ વર્ષે તો અમે જેમતેમ કરીને પૂરના પાણીથી બચી ગયા. પરંતુ હવે જ્યારે પણ હું પાણીનું સ્તર વધતું જોઉં છું, ત્યારે મારું શરીર દુખવા લાગે છે કારણ કે મને ડર છે કે ફરીથી પૂર આવશે."

સોનાલીના માતા શુભાંગી કહે છે કે જુલાઈ 2022માં ભારે વરસાદ શરૂ થયો ત્યારે ગામલોકોને ડર હતો કે કૃષ્ણા નદીમાં પૂર આવશે. સોનાલી તેનું રોજનું 150-મિનિટનું તાલીમ સત્ર છોડીને પૂરની તૈયારી કરવા લાગી. ટૂંક સમયમાં જ તેઓ ગંભીર (માનસિક) તણાવ અનુભવવા લાગ્યા, પરિણામે તેમણે ડૉક્ટરની મુલાકાત લેવી પડી.

ડો. પ્રસાદ કહે છે, “પાણી વધવા માંડે છે ત્યારે ઘણા લોકો તેમના ઘરોમાંથી બહાર નીકળી જવું કે નહીં તેની મૂંઝવણમાં મૂકાઈ જાય છે. નથી તેઓ પરિસ્થિતિની આગાહી કરી શકતા કે નથી કોઈ નિર્ણય લઈ શકતા અને પરિણામે તેઓ (માનસિક) તણાવ અનુભવે છે."

જોકે પાણીનું સ્તર ઘટતાં જ સોનાલીને સારું લાગવા માંડે છે, "અસંગત તાલીમનો અર્થ એ છે કે હું સ્પર્ધામાં ભાગ નહિ લઈન શકું, અને એ વાતને લઈને મને હંમેશા (માનસિક) તણાવ રહે છે."

કોલ્હાપુરના ગામોમાં ઘણા માન્યતાપ્રાપ્ત સામાજિક આરોગ્ય કાર્યકરો (એક્રેડિટેડ સોશિયલ હેલ્થ એક્ટિવિસ્ટ - આશા) પુષ્ટિ કરે છે કે પૂરને કારણે સ્થાનિક યુવા ખેલાડીઓમાં ચિંતા વધી રહી છે. ઘાલવાડના આશા કાર્યકર કલ્પના કમલાકર કહે છે, "તેઓ લાચાર અને હતાશ છે, અને વરસાદની અનિયમિતતા સાથે પરિસ્થિતિ વધુ વણસી રહી છે."

With the financial losses caused by the floods and her farmer father finding it difficult to find work, Saniya (left) often has no choice but to skip a meal or starve altogether. This has affected her fitness and performance as her body can no longer handle rigorous workouts
PHOTO • Sanket Jain
With the financial losses caused by the floods and her farmer father finding it difficult to find work, Saniya (left) often has no choice but to skip a meal or starve altogether. This has affected her fitness and performance as her body can no longer handle rigorous workouts
PHOTO • Sanket Jain

પૂરને કારણે થયેલા આર્થિક નુકસાન અને તેના ખેડૂત પિતાને કામ શોધવામાં પડતી મુશ્કેલીને કારણે સાનિયા (ડાબે) પાસે ઘણીવાર એક ટંકનું ભોજન ન કરવા અથવા સાવ ભૂખ્યા રહેવા સિવાય બીજો કોઈ વિકલ્પ જ રહેતો નથી. આનાથી તેમની ચુસ્તી-સ્ફૂર્તિ અને (રમતના મેદાન પર તેમના) દેખાવને અસર પહોંચી રહી છે કારણ કે તેમનું શરીર હવે રમતની તાલીમના ભાગરૂપે આકરી કસરતો સહન કરી શકતું નથી

ઐશ્વર્યા, સાનિયા અને સોનાલી એ ખેડૂત પરિવારોમાંથી છે જેમના નસીબ - અથવા જેમની કમનસીબી - વરસાદ સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. આ પરિવારોએ 2022 ના ઉનાળામાં શેરડીની ખેતી કરી હતી.

ભારતના કેટલાક ભાગોમાં આ વર્ષે ચોમાસુ મોડું બેઠું છે. ઐશ્વર્યા કહે છે, “ચોમાસુ મોડું બેઠું છતાં અમારો પાક બચી ગયો હતો." પરંતુ જુલાઈમાં શરૂ થયેલા અનિયમિત ચોમાસાના વરસાદે પાકને સંપૂર્ણપણે બરબાદ કરી નાખ્યો હતો, પરિણામે આ પરિવારો દેવાના ડુંગર તળે દબાઈ ગયા હતા. [આ પણ વાંચો: When it rains, it pours misery , વરસે વરસાદ, ને વરસે વ્યથા ]

1953 અને 2020 ની વચ્ચે પૂરથી 220 કરોડ - યુનાઇટેડ સ્ટેટ્સની વસ્તીના આશરે 6.5 ગણા - ભારતીયોને અસર પહોંચી અને 437150 કરોડ રુપિયાનું નુકસાન થયું. છેલ્લા બે દાયકામાં (2000-2019) ભારતે દર વર્ષે સરેરાશ 17 પૂરની ઘટનાઓ નો અનુભવ કર્યો, પરિણામે ભારત ચીન પછી વિશ્વનો સૌથી વધુ પૂરથી અસરગ્રસ્ત દેશ બન્યો.

એક દાયકા કરતાં વધુ સમયથી મહારાષ્ટ્રના ઘણા ભાગોમાં વરસાદ વધુને વધુ અનિયમિત થઈ રહ્યો છે, ખાસ કરીને કોલ્હાપુર જિલ્લામાં. આ વર્ષે ઓક્ટોબરમાં જ રાજ્યના 22 જિલ્લાઓમાં 7.5 લાખ હેક્ટર જમીન કુદરતી આફતોથી અસરગ્રસ્ત થઈ હતી. આ વિસ્તારમાં ખેતીના પાક (અનાજ), ફળોના પાક અને શાકભાજીનો સમાવેશ થાય છે. રાજ્યના કૃષિ વિભાગના જણાવ્યા અનુસાર 2022 માં મહારાષ્ટ્રમાં 28 મી ઓક્ટોબર સુધીમાં 1288 મીમી વરસાદ પડ્યો - જે સરેરાશ વરસાદના 120.5 ટકાછે. અને તેમાંથી 1068 મીમી વરસાદ જૂન અને ઓક્ટોબર વચ્ચે નોંધાયો હતો.

A villager watches rescue operations in Ghalwad village after the July 2021 floods
PHOTO • Sanket Jain

જુલાઈ 2021ના પૂર પછી ઘાલવાડ ગામમાં બચાવ કામગીરી જોઈ રહેલ ગામડાનો એક રહેવાસી

ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટ્રૉપિકલ મિટિરોલોજી, પુણેના ક્લાયમેટ સાયન્ટિસ્ટ (આબોહવા વૈજ્ઞાનિક) અને આઈપીસીસી અહેવાલમાં યોગદાન આપનાર રોક્સી કોલ કહે છે, "ચોમાસા દરમિયાન આપણને બિલકુલ વરસાદ વિનાના લાંબા સૂકા સમયગાળાની વચ્ચે વચ્ચે ભારે વરસાદના ટૂંકા સમયગાળા જોવા મળે છે. તેથી જ્યારે વરસાદ પડે છે ત્યારે ટૂંકા ગાળામાં વાતાવરણમાં ઘણો ભેજ થઈ જાય છે." આને કારણે વારંવાર વાદળ ફાટવાની અને અચાનક પૂર આવવાની ઘટનાઓ બને છે. તેઓ સમજાવે છે, “આપણે ઉષ્ણકટિબંધના વિસ્તારમાં હોવાથી આબોહવાની ઘટનાઓ વધુ તકલીફો ઊભી કરશે. તેથી આપણે અત્યંત સાવચેત રહેવું જોઈએ અને ઝડપથી પગલાં લેવા જોઈએ કારણ કે આપણે સૌથી પહેલા  અસરગ્રસ્ત થઈશું.

જો કે ત્યાં એક મોટી ખામી છે જેને સુધારવાની દિશામાં પગલાં લેવાની જરૂર છે:  આબોહવા પરિવર્તનને આ પ્રદેશમાં વધતી બીમારીઓ સાથે સાંકળતા આરોગ્યસંભાળના પૂરતા આંકડાનો અભાવ છે. પરિણામે આબોહવા કટોકટીથી અસરગ્રસ્ત અસંખ્ય લોકોને જાહેર નીતિઓમાં અવગણવામાં આવે છે, હકીકતમાં આ નીતિઓનો હેતુ સૌથી વધુ નબળા વર્ગના લોકોને લાભ મળી રહે એ છે.

સોનાલી કહે છે, “મારું સપનું ખેલાડી બનવાનું છે, પરંતુ તમે ગરીબ હો ત્યારે તમારી પાસે મર્યાદિત વિકલ્પો હોય છે અને જીવન તમને વિકલ્પની પસંદગી કરવા દેતું નથી.” જેમ જેમ વિશ્વ આબોહવાની કટોકટી વધુ ને વધુ ઘેરી બનતી જશે તેમ તેમ વરસાદની અનિયમિતતા વધતી જશે અને સાનિયા, ઐશ્વર્યા અને સોનાલી માટે ઉપલબ્ધ પસંદગીઓ વધુ મુશ્કેલ બનશે.

સાનિયા કહે છે, “મારો જન્મ પૂર દરમિયાન થયો હતો. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે મારે મારું આખું જીવન પૂરમાં વિતાવવું પડશે."

આ લેખ ઈન્ટરન્યૂઝના અર્થ જર્નાલિઝમ નેટવર્ક દ્વારા સમર્થિત શ્રેણીનો એક ભાગ છે, જે અંતર્ગત આ પત્રકારને સ્વતંત્ર પત્રકારત્વ અનુદાન પ્રાપ્ત થયેલ છે.

અનુવાદ : મૈત્રેયી યાજ્ઞિક

Sanket Jain

ਸੰਕੇਤ ਜੈਨ ਮਹਾਰਾਸ਼ਟਰ ਦੇ ਕੋਲ੍ਹਾਪੁਰ ਅਧਾਰ ਪੱਤਰਕਾਰ ਹਨ। 2019 ਤੋਂ ਪਾਰੀ ਦੇ ਫੈਲੋ ਹਨ ਅਤੇ 2022 ਤੋਂ ਪਾਰੀ ਦੇ ਸੀਨੀਅਰ ਫੈਲੋ ਹਨ।

Other stories by Sanket Jain
Editor : Sangeeta Menon

ਸੰਗੀਤਾ ਮੈਨਨ ਮੁੰਬਈ-ਅਧਾਰਤ ਲੇਖਿਕਾ, ਸੰਪਾਦਕ ਤੇ ਕਮਿਊਨੀਕੇਸ਼ਨ ਕੰਸਲਟੈਂਟ ਹਨ।

Other stories by Sangeeta Menon
Translator : Maitreyi Yajnik

Maitreyi Yajnik is associated with All India Radio External Department Gujarati Section as a Casual News Reader/Translator. She is also associated with SPARROW (Sound and Picture Archives for Research on Women) as a Project Co-ordinator.

Other stories by Maitreyi Yajnik