સરબજીત કૌર કહે છે કે “હું ટ્રેક્ટર ચલાવી જાણું છું." એટલે તેઓ લગભગ બે મહિના પહેલા તેમના પરિવારનું સફેદ ટ્રેક્ટર ચલાવીને પંજાબના જસરૌર ગામથી આશરે 480 કિલોમીટર દૂર હરિયાણા-દિલ્હી સરહદ પર સિંઘુ પહોંચ્યા હતા. તેઓ ઉમેરે છે કે, "હું મારી જાતે આવી હતી." જ્યારે તેમના ગામના બીજા લોકો તેમના ખેડૂત સંઘે પૂરી પાડેલી ટ્રેક્ટર ટ્રોલીઓ પર વિરોધ સ્થળે આવ્યા હતા.
જસરૌર છોડતા પહેલા 40 વર્ષના સરબજીત સપ્ટેમ્બર 2020 માં સંસદમાં પસાર થયેલા કૃષિ કાયદાની ચર્ચા અને વિરોધ કરતા હતા. અમૃતસર જિલ્લાના અજનાલા તહેસીલના 2169 લોકોની વસ્તી ધરાવતા તેમના ગામમાં ઘેર ઘેર ફરીને તેમણે આ કાયદાઓ વિરુદ્ધ પ્રચાર કર્યો હતો. ત્યારબાદ 25 મી નવેમ્બરે તેઓ જમહૂરી કિસાન સભા દ્વારા આયોજિત જસરૌર અને આસપાસના ગામોમાંથી નીકળતા 14 ટ્રેક્ટર-ટ્રોલીઓનો કાફલામાં જોડાયા હતા. જમહૂરી કિસાન સભા દેશભરના 200 થી વધુ ખેડૂત સંગઠનોને સમાવી લેતા મંચ - અખિલ ભારતીય કિસાન સંઘર્ષ સંકલન સમિતિ સાથે સંકળાયેલ છે. તેઓ વહેલી સવારે નીકળ્યા હતા અને 27 મી નવેમ્બરે સિંઘુ પહોંચ્યા હતા.
અને હવે સરબજીત 26 મી જાન્યુઆરી, પ્રજાસત્તાક દિને હરિયાણાના સોનીપત નજીક સિંઘુથી લગભગ ત્રણ કિલોમીટર ઉત્તરમાં કુંડલી સરહદથી શરૂ થનાર અભૂતપૂર્વ ટ્રેક્ટર પરેડમાં ભાગ લેવા તૈયાર છે. તેઓ કહે છે, "હું મારા ટ્રેક્ટર સાથે પરેડમાં જોડાઈશ."
હરિયાણાના સિંઘુ અને ટિકરી, અને ઉત્તર પ્રદેશના ગાઝીપુર 26 મી નવેમ્બર 2020 થી શરૂ થયેલ ખેડૂત આંદોલનના મુખ્ય કેન્દ્રો છે. ત્યાં લાખો ખેડૂત અને અસંખ્ય કૃષિ સંગઠનો ત્રણ નવા કૃષિ કાયદાઓને રદ કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. સરબજીત કહે છે, "જ્યાં સુધી આ કાયદાઓ રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી વૃદ્ધો કે યુવાનો, પુરુષો કે સ્ત્રીઓ અહીંથી ખસશે નહિ."
"કોઈએ મને અહીં આવવાનું કહ્યું નથી." તેઓ વિરોધ સ્થળ પર બીજા લોકો સાથે તેમના ટ્રેક્ટરની બાજુમાં ઊભા હતા તેમણે ઉમેર્યું કે કોઈએ તેમને ત્યાં 'બેસાડ્યા' નથી. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાએ (11 જાન્યુઆરીએ) ટિપ્પણી કરી હતી કે વિરોધ સ્થળે મહિલાઓ અને વૃદ્ધોને 'બેસાડવામાં' આવ્યા છે અને તેમને પાછા જવા માટે સમજાવવા જોઈએ. આ ટિપ્પણી પર નિશાન સાધતા તેઓ પૂછે છે કે "ઘણા માણસો વિરોધ કરવા મારા ટ્રેક્ટર પર આવ્યા હતા. તમે એમ કહેશો કે હું તેમને અહીં લાવી છું? "





