૧૧ ડિસેમ્બરની સવારે જ્યારે તેઓ વીજળીના તાર હટાવી રહ્યા હતા, ત્યારે નજીકનો એક દુકાનદાર રડવા લાગ્યો. ગુરવિંદર સિંહ કહે છે, “તેમણે [દુકાનદારે] કહ્યું કે તે અમને યાદ કરશે અને એમને અહિં અમારા વિના એકલું લાગશે. તે અમારા માટે પણ કઠીન હશે. પરંતુ ખેડૂતોની જીત એ એક મોટો અવસર છે.”
સવારે ૮:૧૫ વાગ્યાની આસપાસ ગુરવિંદર અને તેમના ગામના અન્ય ખેડૂતોએ પશ્ચિમ દિલ્હીમાં આવેલા ટીકરીના વિરોધ સ્થળ પર તેમના કામચલાઉ તંબુઓ સમેટવાનું શરૂ કર્યું. અમુકવાર, તેઓ વાંસના સાંધા તોડવા માટે લાકડાના સ્લેબનો ઉપયોગ કરતા હતા, જ્યારે અમુકવાર તેઓ માળખાના પાયાને તોડવા માટે ઇંટોનો ઉપયોગ કરતા હતા. ૨૦ મિનિટમાં તો તેમણે બધા તંબુ સમેટી લીધા, અને પછી ચા અને પકોડા ખાવા માટે વિરામ લીધો.
૩૪ વર્ષીય ગુરવિંદર પંજાબના લુધિયાણા જિલ્લાના ડાંગિયાન ગામના રહેવાસી છે, જ્યાં તેમની છ એકર જમીનમાં તેમનો પરિવાર ઘઉં, ડાંગર અને બટાકાની ખેતી કરે છે. તેઓ કહે છે, “અમે આ આશ્રયસ્થાનો અમારા હાથથી બનાવ્યા છે, અને હવે અમારા પોતાના જ હાથે અમે તેને દૂર કરી રહ્યા છીએ. અમે વિજયી બનીને ઘરે પાછા ફરી રહ્યા હોવાથી ખુશ છીએ, પરંતુ અમને અહિં બાંધેલા સંબંધોને છોડીને જવાનું દુઃખ પણ છે.”
લુધિયાણા જિલ્લાના એ જ ગામના રહેવાસી ૩૫ વર્ષીય દીદાર સિંહ તેમની સાત એકર જમીનમાં ઘઉં, ડાંગર, બટાકા, અને લીલા શાકભાજીની ખેતી કરે છે. તેઓ કહે છે, “વિરોધ પ્રદર્શનની શરૂઆતમાં અહિં કંઈ નહોતું. અમે બધા રસ્તા પર સૂતા હતા, અને પછી અમે આ ઘર બનાવ્યું. અમે અમારા અહિંના રોકાણ દરમિયાન ઘણું શીખ્યા છીએ. ખાસ કરીને અમારા બધા વચ્ચે ભાઈચારાની ભાવના. બધી સરકારો આપણને ફક્ત લડાવે જ છે. પરંતુ જ્યારે અમે બધા - પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશથી – આવીને અહિં ભેગા થયા ત્યારે અમને સમજાયું કે અમે બધા એક છીએ.”
ગુરવિંદરે ઉમેર્યું કે, “પંજાબમાં હવે ચૂંટણી છે, અને અમે યોગ્ય વ્યક્તિને જ મત આપીશું.” જ્યારે દીદારે કહ્યું, “અમે તેને જ મત આપીશું જે અમારો હાથ પકડે [અમને ટેકો આપે]. અમને દગો કરનારાઓને અમે સત્તામાં નહીં આવવા દઈએ.”

































