૧ એપ્રિલ, ૨૦૨૨ના શુક્રવારની સવાર રમા માટે એક સામાન્ય સવાર જ હતી. તેઓ સવારે ૪:૩૦ વાગ્યાની આસપાસ ઉઠ્યાં, પાણી ભરવા માટે નજીકના કૂવા પર ગયાં, કપડા ધોયા, ઘર સાફ કર્યું, અને પછી તેમનાં માતા સાથે કંજી પીધી. તે પછી તેઓ તે મના ગામથી ૨૫ કિલોમીટર દૂર ડિંડીગલ જિલ્લાના વેદસંદુર તાલુકામાં આવેલા નૈચી એપેરલમાં કામ કરવા નીકળ્યાં. પરંતુ તે દિવસે બપોર સુધીમાં, આ ૨૭ વર્ષીય મહિલા અને તેમની સાથી મહિલા કામદારોએ ઈતિહાસ રચી દીધો હતો – જે માટે તેમણે તેમની કાપડની ફેક્ટરીમાં જાતીય સતામણીનો અંત લાવવા માટે એક વર્ષથી વધુ સમય સુધી સંઘર્ષ કર્યો હતો.
તે દિવસે ઈસ્ટમેન એક્સપોર્ટ્સ ગ્લોબલ ક્લોથિંગ (નૈચી એપેરલની તિરુપુર સ્થિત પેરેન્ટ કંપની) અને તમિલનાડુ ટેક્સટાઇલ એન્ડ કોમન લેબર યુનિયન (ટીટીસિયુ) દ્વારા જેના પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા તે ડિંડીગલ કરાર વિષે રમા કહે છે, “સાચું હતું તો, મને લાગે છે કે અમે અશક્ય કામ કરી દેખાડ્યું છે.” તે કરાર તમિલનાડુના ડિંડીગલ જિલ્લામાં ઈસ્ટમેન એક્સપોર્ટ દ્વારા સંચાલિત ફેક્ટરીઓમાં લિંગ-આધારિત હિંસા અને ઉત્પીડનનો અંત લાવવા માટે કરવામાં આવ્યો હતો.
આ સીમાચિહ્નરૂપ કરારના ભાગ રૂપે, ટીટીસિયુ-ઈસ્ટમેન એક્સપોર્ટ્સને ટેકો આપવા અને લાગુ કરવા માટે બહુરાષ્ટ્રીય ફેશન બ્રાન્ડ, એચએન્ડએમ દ્વારા ‘લાગુ કરી શકાય તેવો બ્રાન્ડ કરાર’ અથવા ઇબીએ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ઇસ્ટમેન એક્સપોર્ટ્સનું નૈચી એપેરલ એ સ્વીડન ખાતે મુખ્યમથક ધરાવતી ક્લોથિંગ કંપની (એચએન્ડએમ) માટે કપડાંનું ઉત્પાદન કરે છે. એચએન્ડએમ દ્વારા હસ્તાક્ષર કરાયેલ કરાર એ વિશ્વભરમાં આ પ્રકારનો બીજો ઉદ્યોગ કરાર છે, જે ફેશન ઉદ્યોગમાં લિંગ-આધારિત થતી હિંસાને રોકવા માટે કરવામાં આવ્યો છે.
દલિત મહિલાઓની આગેવાની વાળા કાપડ કામદારોના વેપાર સંઘ ટીટીસિયુના સભ્ય અને છેલ્લા ચાર વર્ષથી નૈચી એપેરલમાં કામ કરતાં રમા કહે છે, “મેં ક્યારેય વિચાર્યું નહોતું કે મેનેજમેન્ટ અને [એચએન્ડએમ] બ્રાન્ડ દલિત મહિલા વેપાર સંઘ સાથે કોઈ કરાર કરશે. કેટલાક ખોટા પગલાં ભર્યા પછી, હવે તેઓએ યોગ્ય પગલું ભર્યું છે.” આ સંઘ સાથે એચએન્ડએમ એ કરેલ કરાર એ ભારતમાં હસ્તાક્ષર કરાયેલ પ્રથમ ઇબીએ છે. તે કાયદેસર રીતે બંધનકર્તા કરાર છે જે અંતર્ગત જો સપ્લાયર (ઈસ્ટમેન એક્સપોર્ટ્સ) ટીટીસિયુ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાઓનું ઉલ્લંઘન કરે તો એચએન્ડએમ ઈસ્ટમેન એક્સપોર્ટ્સ પર દંડ લાદવા માટે બંધાયેલ છે.
પરંતુ ઇસ્ટમેન એક્સપોર્ટ્સ જ્યારે વાતચીત કરવા તૈયાર થયા, ત્યારે નૈચી એપેરલના ૨૦ વર્ષીય દલિત કામદાર જેયસ્રે કથીરાવેલ સાથે થયેલ બળાત્કાર અને હત્યાની ઘટનાને એક વર્ષથી વધુ સમય વીતી ગયો હતો. જાન્યુઆરી ૨૦૨૧માં તેણીની હત્યા કરવામાં આવી તે પહેલાં, જેયસ્રેની ફેક્ટરીમાં તેણીના સુપરવાઇઝરે મહિનાઓ સુધી જાતીય સતામણી કરી હતી, જે એક ઉચ્ચ જાતિનો હતો. સુપરવાઇઝર પર એ ગુનાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
જેયસ્રેની હત્યાથી કાપડની ફેક્ટરી અને તેની મૂળ કંપની, ઈસ્ટમેન એક્સપોર્ટ્સ સામે આક્રોશ ફેલાયો, જે ભારતના સૌથી મોટા કાપડ ઉત્પાદકો અને નિકાસકારોમાંની એક છે, જે એચએન્ડએમ, ગેપ અને પીવીએચ જેવી બહુરાષ્ટ્રીય કપડાંની કંપનીઓને સપ્લાય કરે છે. જેયસ્રે માટે ન્યાય મેળવવાની ઝુંબેશના ભાગરૂપે, સંઘો, મજૂર જૂથો અને મહિલા સંગઠનોના વૈશ્વિક ગઠબંધનોએ ફેશન કંપનીઓ “શ્રીમતી કથીરાવેલના પરિવાર સામે ઇસ્ટમેન એક્સપોર્ટ્સ જે બળજબરીભર્યા પગલાં ભરી રહ્યા છે તેના ઉપર કાર્યવાહી કરે” તેવી માંગ કરી હતી.
જો કે જેયસ્રે સાથે જે બન્યું તે કોઈ છૂટોછવાયો કેસ ન હતો. તેમના મૃત્યુ પછી, નૈચી એપેરલની ઘણી મહિલા કામદારોએ પોતે ભોગેવેલા હેરાનગતિના કિસ્સાઓ જાહેર કર્યા. રૂબરૂ મળવા માટે ખચકાતાં, તેમાંથી કેટલાકે ફોન પર પારી સાથે વાત કરી.
૩૧ વર્ષીય કાપડ કામદાર કોસલા કહે છે, “[પુરુષ] સુપરવાઇઝરો નિયમિતપણે અમને અપશબ્દો બોલતા. તેઓ અમારા પર બૂમો પાડતા અને જો અમે કામ પર મોડા પહોંચીએ કે પછી ઉત્પાદન લક્ષ્યાંકોને પહોંચી ન વળીએ, તો તેઓ અમારી સાથે ખૂબ જ અભદ્ર અને અપમાનજનક ભાષામાં વાત કરતા.” એક દાયકા પહેલા, ધોરણ ૧૨ પાસ કર્યા પછી, દલિત સમુદાયના કોસલાએ કાપડ ઉદ્યોગમાં કામ કરવાનું શરૂ કર્યું. તેઓ ઉમેરે છે, “સુપરવાઇઝરો દલિત મહિલા કામદારોને સૌથી વધારે હેરાન કરતા હતા - જો અમે લક્ષ્યાંકોને પહોંચી ન વળીએ, તો તેઓ અમારા માટે ‘ભેંસ’, ‘કૂતરા’, ‘વાંદરા’ જેવા શબ્દો ઉચ્ચારતા. ત્યાં એવા સુપરવાઇઝરો પણ હતા જેઓ અમને સ્પર્શ કરવાનો કે પછી અમારા કપડાં પર ટિપ્પણી કરવાનો અથવા મહિલાઓના શરીર વિષે અશ્લીલ મજાક કરવાનો પ્રયાસ કરતા.”
લતાએ સ્નાતક સુધી અભ્યાસ કર્યો છે, અને તેઓ ફેક્ટરીમાં એટલા માટે જોડાયાં હતાં કે જેથી કમાણી કરીને આગળ અભ્યાસ કરી શકે. (તેઓ અને અન્ય કાપડ ઉત્પાદકો આઠ કલાકની શિફ્ટ કરીને દરરોજ ૩૧૦ રૂપિયા કમાણી કરે છે.) પરંતુ ફેક્ટરીની ભયાનક પરિસ્થિતિ જોઇને તેઓ સ્તબ્ધ થઇ ગયાં હતાં. તેઓ અશ્રુભીની આંખે કહે છે, “પુરુષ મેનેજરો, સુપરવાઇઝરો અને મિકેનિક્સ અમને સ્પર્શ કરવાનો પ્રયાસ કરતા અને આના વિરુધ્ધમાં અમારી પાસે ફરિયાદ કરવા માટે પણ કોઈ ન હતું.”
દરરોજ ૩૦ કિલોમીટરની મુસાફરી કરીને કામ પર જતાં લતા કહે છે, “જ્યારે કોઈ મિકેનિક અમારા સિલાઈ મશીનનું સમારકામ કરવા માટે આવે, ત્યારે તેઓ અમને સ્પર્શ કરવાનો પ્રયાસ કરતા, અને અમારી પાસેથી જાતીય તરફેણની માગણી કરતા. જો અમે તેમને ના કહીએ, તો તેઓ અમારું મશીન સમયસર સરખું નહીં કરે, અને અમે અમારા ઉત્પાદનના લક્ષ્યાંકોને પહોંચી નહીં વળીએ. અને આવું થાય એટલે પછી સુપરવાઇઝર કે મેનેજર તમારી સાથેગમે તેવી ભાષામાં વાત કરે. કેટલીકવાર, એક સુપરવાઇઝર એક મહિલા કાર્યકરની બાજુમાં એ રીતે ઊભો રહે છે કે તેના શરીર સાથે પોતાનું શરીર અડકે.”
લતા સમજાવે છે કે મહિલાઓ પાસે નિવારણ મેળવવાનો કોઈ રસ્તો નહોતો. “તેઓ કોને ફરિયાદ કરે? જ્યારે કોઈ દલિત મહિલા ઉચ્ચ જાતિના પુરુષ મેનેજર સામે અવાજ ઉઠાવે ત્યારે તેના શબ્દો પર કોણ વિશ્વાસ કરશે?”
૪૨ વર્ષીય થિવ્યા રાકિની પણ આ જ પ્રશ્ન ઉઠાવતાં કહે છે, “તે કોને ફરિયાદ કરે?” ટીટીસિયુના રાજ્ય પ્રમુખ તરીકે, તેમણે નૈચી એપેરલ્સને લિંગ-આધારિત ઉત્પીડનથી મુક્ત કરવા માટે એક લાંબા અભિયાનનું નેતૃત્વ કર્યું છે. જેયસ્રેના મૃત્યુ પહેલા પણ, સ્વતંત્ર દલિત મહિલાના નેતૃત્વ હેઠળના વેપાર સંઘ તરીકે ૨૦૧૩માં સ્થપાયેલ ટીટીસિયુ, તમિલનાડુમાં લિંગ-આધારિત હિંસાનો અંત લાવવા માટે કામદારોને સંગઠિત કરતું હતું. ટીટીસિયુ વેપાર સંઘ લગભગ ૧૧,૦૦૦ કામદારોનું પ્રતિનિધિત્વ કરે છે , જેમાંથી ૮૦% ટેક્સટાઈલ અને કાપડ ઉદ્યોગના છે. આ કામદારો કોઈમ્બતુર, ડિંડીગલ, ઈરોડ અને તિરુપુરના કાપડના કારખાનાઓ સહિત ૧૨ જિલ્લાઓમાં ફેલાયેલા છે. તેઓ કાપડના કારખાનાઓમાં થતી વેતન ચોરી અને જાતીય હિંસા સામે પણ લડત આપે છે.
થિવ્યા કહે છે, “કરાર થયો તે પહેલાં, નૈચી ફેક્ટરીમાં આંતરિક ફરિયાદ સમિતિ [આઈસીસી] ની સુવિધા જ ન હતી.” પોતાના ગામથી ૨૮ કિલોમીટર દૂર નૈચી ફેકટરીમાં કામે આવતાં ૨૬ વર્ષીય દલિત કામદાર મિની કહે છે કે એ વખતની આઈસીસી મહિલાઓના વર્તન ઉપર જ નજર રાખતી હતી. તેઓ ઉમેરે છે, “અમારી ફરિયાદો પર ધ્યાન આપવાને બદલે, અમને અમારે કેવા કપડા પહેરવા જોઈએ અને કેવી રીતે બેસવું જોઈએ એ બધું કહેવામાં આવતું. અમને બાથરૂમ બ્રેક પણ નહોતો લેવા દેવામાં આવતો, અને અમને ઓવરટાઇમ કામ કરવાની ફરજ પાડવામાં આવતી હતી અને અમારી હકની રજાઓ પણ અમને આપવામાં આવતી ન હતી.”
જેયસ્રેના મૃત્યુ પછીના તેમના અભિયાનમાં, ટીટીસિયુએ ફક્ત જાતીય હિંસાનો સામનો કરવા માટેના પગલાંની જ માંગ નહોતી કરી, પણ સાથે સાથે બાથરૂમ બ્રેક્સ અને ફરજિયાત ઓવરટાઇમ જેવા મુદ્દાઓ અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી.
થિવ્યા કહે છે, “કંપની યુનિયનોની વિરુદ્ધ હતી, તેથી મોટાભાગના કામદારોએ તેમની યુનિયનની સદસ્યતા ગુપ્ત રાખી હતી.” પરંતુ જેયસ્રેનું મૃત્યુથી બધું બદલાઈ ગયું. ફેક્ટરી તરફથી ધાકધમકીનો સામનો કરવો પડ્યો હોવા છતાંય, રમા, લતા અને મિની જેવા કામદારોએ સંઘર્ષ કર્યો. લગભગ ૨૦૦ મહિલાઓએ એક વર્ષથી વધુ સમય સુધી વિરોધ રેલીઓમાં ભાગ લીધો હતો. જસ્ટિસ ફોર જેયસ્રે ઝુંબેશ તરફ ધ્યાન દોરવા માટે વૈશ્વિક સ્તરે કાર્યરત સંસ્થાઓને ઘણા લોકોએ તેમની જુબાનીઓ આપી.
ટીટીસિયુ સાથે સાથે એશિયા ફ્લોર વેજ અલાયન્સ (એએફડબલ્યુએ) અને ગ્લોબલ લેબર જસ્ટિસ-ઇન્ટરનેશનલ લેબર રાઇટ્સ ફોરમ (જીએલજે-આઇએલઆરએફ) સંસ્થાઓએ પણ આંતરરાષ્ટ્રિય ફેશન સપ્લાય ચેઇન્સમાં હિંસા અને ઉત્પીડનને સંબોધવા માટે ઝુંબેશ ચલાવી હતી, તેમણે એપ્રિલ મહિનામાં એચએન્ડએમ કંપની સાથે લાગુ કરી શકાય તેવા બ્રાન્ડ કરાર પર હસ્તાક્ષર કર્યા.
ત્રણેય સંસ્થાઓ દ્વારા બહાર પડાયેલ સંયુક્ત અખબાર યાદી મુજબ, ડિંડીગલ કરાર એ ભારતમાં પ્રથમ લાગુ પાડી શકાય તેવો બ્રાન્ડ કરાર છે. તે “કાપડની ફેક્ટરીઓ અને કાપડના ફેબ્રિક અને કાપડનું ઉત્પાદન કરતી ફેક્ટરીઓ બન્નેનો સમાવેશ કરતું વિશ્વનું પ્રથમ ઇબીએ છે.”
તમામ હસ્તાક્ષરકર્તાઓએ સંયુક્ત રીતે “લિંગ, જાતિ અથવા સ્થળાંતર સ્થિતિ પર આધારિત ભેદભાવ નાબૂદ કરવા માટે; પારદર્શિતા વધારવા માટે; અને કાપડની ફેક્ટરીમાં પરસ્પર આદરની સંસ્કૃતિ વિકસાવવા માટે.” કટિબદ્ધતા દર્શાવી છે.
આ કરારમાં વૈશ્વિક શ્રમ ધોરણોને અપનાવવામાં આવ્યા છે અને આંતરરાષ્ટ્રીય શ્રમ સંસ્થાના હિંસા અને સતામણી નીતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તે દલિત મહિલા કામદારોના અધિકારો, તેમની સંગઠનની સ્વતંત્રતા અને સંઘો બનાવવા અને તેમાં જોડાવાના અધિકારનું રક્ષણ કરે છે. તે આંતરિક ફરિયાદ સમિતિની ફરિયાદો મેળવવા અને તેની તપાસ કરવાની તથા નિવારણની ભલામણ કરવા માટેની ક્ષમતાને પણ મજબૂતી પ્રદાન કરે છે. પાલન સુનિશ્ચિત કરવા માટે સ્વતંત્ર મૂલ્યાંકનકારો મૂલ્યાંકન કરશે, અને તેમનું પાલન ન થવાથી એચએન્ડએમ તરફથી ઇસ્ટમેન એક્સપોર્ટ્સને વ્યવસાયમાં માઠા પરિણામ ભોગવવા પડશે.
ડિંડીગલ કરાર નૈચી એપેરલ અને ઈસ્ટમેન સ્પિનિંગ મિલ્સ (ડિંડીગલ ખાતે) ના કૂલ ૫,૦૦૦ થી વધુ બધા કામદારોને આવરી લે છે. તેમાં લગભગ બધી મહિલાઓ છે અને તેમાં દલિત મહિલાઓની બહુમતી છે. થિવ્યા કહે છે, “આ કરારથી કાપડ ઉદ્યોગમાં મહિલાઓની કામ કરવાની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થઇ શકે તેમ છે. સંગઠિત દલિત મહિલા કાર્યકરો શું હાંસલ કરી શકે છે તેની તે સાબિતી છે.”
૩૧ વર્ષીય મલ્લી કહે છે, “મારી સાથે કે જેયસ્રે જેવી મારી બહેનો સાથે જે થયું તે અંગે હું હવે શોક કરવા માંગતી નથી. હું હવે આગળ જોવા માગું છું અને વિચારવા માગું છું કે જેયસ્રે અને અન્યો સાથે જે થયું તેનું ક્યારેય પુનરાવર્તન ન થાય તે સુનિશ્ચિત કરવા માટે આપણે આ કરારનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ.”
કરારની અસરો દેખાઈ રહી છે. લતા કહે છે, “કરાર પછી કામ કરવાની પરિસ્થિતિમાં ઘણો સુધાર આવ્યો છે. હવે યોગ્ય બાથરૂમ બ્રેક્સ અને લંચ બ્રેક્સ મળે છે. અમારી રજા નકારવામાં આવતી નથી - ખાસ કરીને જો અમે બીમાર હોઈએ ત્યારે. કોઈ ફરજિયાત ઓવરટાઇમ નથી. સુપરવાઇઝરો મહિલા કર્મચારીઓ સાથે દુર્વ્યવહાર કરતા નથી. તેઓ મહિલા દિવસ અને પોંગલ પર કામદારોને મીઠાઈ પણ આપે છે.”
રમા ખુશ છે. તેઓ કહે છે, “હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. સુપરવાઈઝરો અમારી સાથે આદરપૂર્વક વર્તે છે.” તેમણે કામદારોની ઝુંબેશ દરમિયાન સંપૂર્ણ સમય માટે કામ કરીને, કલાક દીઠ ૯૦ થી વધુ અન્ડરગાર્મેન્ટના ટુકડાઓની સિલાઈ કરી હતી. તેઓ કહે છે કે આ કામ કરતી વખતે તેમને જે તીવ્ર પીઠનો દુખાવો થાય છે તેનો ઈલાજ નથી, “તે આ ઉદ્યોગમાં કામ કરવાનો એક ભાગ છે.”
સાંજે ઘેર જવા માટે કંપનીની બસની રાહ જોતાં રમા કહે છે, “અમે કામદારો માટે (હજુ પણ) ઘણું બધું કરી શકીએ તેમ છીએ.”
આ વાર્તામાં ઇન્ટરવ્યુ લીધે લાં કાપડ કામદારોના નામ તેમની ગોપનીયતાના બચાવવા માટે બદલવામાં આવ્યા છે.
અનુવાદક: ફૈઝ મોહંમદ