મીડિયામાં જ્યાં જુઓ ત્યાં તિરાડો જ હતી. દરરોજ તે ચમોલી જિલ્લામાં પર્વતની ટોચ ઉપરના તેના ડૂબતા ગામ વિશે એક વારતા વાંચે છે, હમણાં જ અપડેટ થયેલા નંબરો સાથે છપાતી રોજની નવી વારતા. મીડિયાકર્મીઓ ગામડાઓમાં તિરાડો અને નગરોમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શનને જોવા માટે ઉભરાઈ રહ્યા હતા. ગયા અઠવાડિયે લોકોને તેમના ઘર છોડવા માટે સમજાવવા આવેલા સરકારી માણસોને એણે સાફ ના પાડી હતી. છો કાઢતા લાત મારીને બહાર મને. એને ડર નહતો.
તિરાડો એને મન એ જ લોભની એક નવી નિશાની હતી જેણે ગામમાંથી થઈને સુરંગ બનાવી હતી. નવા પ્રોજેક્ટ્સ અને રસ્તાઓનું પર્વત પર ઘૂસી આવવું એક માત્ર કારણ નહોતું. ઊંડે ઊંડે દુનિયામાં બીજું ઘણું હતું જે ખોટું થઇ રહ્યું હતું. તિરાડો તો પહેલેથી જ હતી. પર્વતીય વેલ પર લટકતા નવા સ્વપ્નનો પીછો કરવામાં ને કરવામાં એ સૌ પ્રકૃતિથી, પૃથ્વીના દેવતાઓથી અલગ થઈ ગયા હતા. પણ એ વેલ જાદુઈ હતી. એ ભ્રમ પાછળની આંધળી દોટમાં હવે કોને દોષ દેવો?
તિરાડો
આ બધું એક દિવસમાં નોહ્તું થયું
ઝીણી ઝીણી તડો ઢંકાયેલી રહેલી
એના માથાના પહેલવહેલા સફેદ વાળની જેમ
એની આંખ નીચે વિસ્તરતી કરચલીઓની જેમ.
ગામ અને પર્વત, જંગલ, નદીની વચમાં
ઘણા સમયથી આવી ગયેલ ફાટો પણ
દૂરથી જોતા કોઈના ધ્યાનમાં આવે એવી નોહતી
જયારે ધીમે ધીમે ને સતત વિસ્તરતી
થોડી મોટી તિરાડો બહાર આવી
ત્યારે પણ એને એમ કે એ સાચવી લેશે
અહીંયા એક નાનકડી પાળ બનાવીને
ત્યાં સ્હેજ સિમેન્ટનું ભીનું પ્લાસ્ટર લગાવીને,
બે એક છોકરા જણીને
ટકાવી રાખતા કોઈ ઘરની જેમ.
પણ પછી તો પેલી અરીસા જેવી દીવાલોમાંથી
વિશાલ તિરાડો તાકવા લાગી એની તરફ —
નરસિંહની નિષ્ઠુર, અપલક, દયાહીન આંખો.
એ જણાતી હતી દરેકનો આકાર, દિશા —
આડી, ઉભી, વાંકી ચૂંકી, ઉપર નીચે ચડતી,
દરેકનું ઉદ્દગમસ્થાન —
ઈંટોની વચ્ચેના સિમેન્ટમાં, પ્લાસ્ટરમાં,
થાંભલામાં, બીમમાં, પાયાના પથ્થરોમાં,
અને જોતજોતામાં વાત ખાલી એકલા જોશીમઠની ના રહી.
એની નજર સામે ફેલાઈ રહી, કોઈ રોગચાળાની જેમ,
જંગલોમાં, પર્વતોમાં, દેશમાં, શેરીઓમાં. તિરાડો
ફરી વળી એના પગ નીચેની ધરતીમાં,
એના લેવાઈ ગયેલા શરીર પર, એના મન પર...
હવે શક્ય નોહ્તું અહીંથી ચાલી નીકળવું
કોઈ સ્થળ પણ નહોતું.
ભગવાનતો ક્યારનોય ભાગી ગયેલો છોડીને સૌને.
પ્રાર્થના માટે પણ ઘણું મોડું થઇ ગયું હતું
જૂની માન્યતાઓને વળગી રહેવાનો સમય નહોતો.
હવે કંઈ બચે એમ જ નહોતું.
એ તિરાડોને કોઈ કોકરવરણા અજવાસથી
પૂર્યા કરવાનો અર્થ નહોતો.
એમાંથી ફૂટી ફૂટીને વહી આવતો હતો ઘેરો,
પીગળેલા શાલિગ્રામ જેવો, કોઈ કોપ જેવો,
હાડમાં ઘર કરી ગયેલ સજડ દ્વેષ જેવો
બધું ઓહિયાં કરી જતો
નિરૂપાય અંધકાર.
કોણ નાખી ગયેલું એના ઘરની પાછળની ખીણમાં
એ શાપિત બીજ?
એણે યાદ કરવા પ્રયત્ન કર્યો.
કે પછી કોઈ કીડો લાગી ગયેલો
આભમાં મૂળિયાં વાળી વેલને?
કોનો મહેલ હશે આ ઝેરી વેલની ટોચ પરે?
શું ઓળખી શકાશે એ પેલા વિશાળકાય રાક્ષસને, જો થાય ભેટો?
હશે એના બાવડામાં તાકાત ઉગામવાની કુહાડીને?
ક્યાં હશે મોક્ષ?
થાકીને એણે ફરી એક વાર સૂવા મથ્યું
એની સાવ ઉઘાડી આંખો ફરી રહી
ઉપર, નીચે, જાણે કોઈ કાલ્પનિક સમાધિમાં,
જૂની દીવાલ પરના એ ચમત્કારિક વેલા ઉપર.
જેક એન્ડ ધ બિનસ્ટૉક એ એક અંગ્રેજી બાળકથા છે. એમાં જયારે એક ગરીબ વિધવાનો દીકરો થોડાક જાદુઈ બીયાંના બદલામાં ગાય વેચીને આવે છે અને ગુસ્સે ભરાયેલી માં બીયાં બારીની બહાર ફેંકે છે ત્યાર બાદ એમાંથી ઉગી નીકળેલા એક જાદુઈ વેલાની, એ ઉપર રહેતાં એક વિશાળકાય રાક્ષસની, અને જેકના સાહસની વાર્તા છે.