જીવણભાઈ બારિયાને ચાર વર્ષના ગાળામાં બે વખત હૃદય રોગના હુમલા આવ્યા હતા. 2018 માં પહેલો હુમલો આવ્યો ત્યારે તેઓ ઘેર જ હતા. તેમના પત્ની ગાભીબેન તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ ગયા હતા. એપ્રિલ 2022 માં તેઓ અરબી સમુદ્રમાં ટ્રોલર (માછીમારી માટેની હોડી - જેની પાછળ માછલી પકડવા માટે મોટી જાળ લાગેલી હોય છે) ચલાવી રહ્યા હતા ત્યારે તેમને અચાનક છાતીમાં સખત દુખાવો થયો હતો. તેમના એક સહકાર્યકરે વ્હીલ સંભાળી લીધું હતું અને બીજાએ ગભરાતા ગભરાતા તેમને સૂવામાં મદદ કરી હતી. તેઓ દરિયાકાંઠાથી લગભગ પાંચ કલાક દૂર હતા. બે કલાકથી વધુ સમય સુધી મોત સામે ઝઝૂમીને આખરે જીવણભાઈએ અંતિમ શ્વાસ લીધા હતા.

ગાભીબેનનો સૌથી ખરાબ ભય સાચો ઠર્યો હતો.

પહેલી વાર હૃદયરોગનો હુમલો આવ્યાને એક વરસ થયું એ પછી જીવણભાઈએ  ફરી માછીમારી કરવાનું નક્કી કર્યું ત્યારે ગાભીબેન તેમના એ નિર્ણયથી બહુ ખુશ નહોતા. તેઓ જાણતા હતા કે એ જોખમી છે. જીવણભાઈ પણ એ જાણતા હતા. ગુજરાતના અમરેલી જિલ્લાના દરિયાકાંઠે આવેલા નાના શહેર જાફરાબાદમાં તેમની ઝાંખા અજવાળાવાળી ઝૂંપડીમાં બેઠેલા ગાભીબેન કહે છે, “મેં તેમને ના પાડી હતી."

પરંતુ આ નગરના મોટાભાગના લોકોની જેમ 60 વર્ષના જીવણભાઈને માછીમારી સિવાય બીજું કોઈ કામ આવડતું ન હતું, માછીમારીના કામમાંથી તેમને વર્ષે લગભગ 2 લાખ રુપિયાની આવક થતી હતી. 55 વર્ષના ગાભીબેન કહે છે, “તેઓ 40 વર્ષથી આ ધંધામાં હતા.” હૃદય રોગનો હુમલો આવ્યા પછી એક વર્ષ સુધી તેમણે આરામ કર્યો, ત્યારે અમારું ઘર માંડ ચાલી શકે એ માટે મેં મજૂર તરીકે [બીજા માછીમારોની માછલીઓ સૂકવવાનું] કામ કર્યું. જ્યારે જીવણભાઈને લાગ્યું કે હવે તેઓ સ્વસ્થ થઈ ગયા છે ત્યારે તેમણે કામ પર પાછા ફરવાનું નક્કી કર્યું.

જીવણભાઈ જાફરાબાદમાં એક મોટા માછીમારની માલિકીના ફિશિંગ ટ્રોલર પર કામ કરતા હતા. વર્ષના આઠ મહિના - ચોમાસાની ઋતુ સિવાય - કામદારો આ ટ્રોલર્સને સળંગ 10-15 દિવસ માટે અરબી સમુદ્રમાં લઈ જાય છે. તેઓ થોડા અઠવાડિયા ચાલી શકે તેટલું પાણી અને ખાવાનું સાથે લઈ જાય છે.

ગાભીબેન કહે છે, "કટોકટીની સેવાઓની પહોંચ વિના દિવસો સુધી દરિયામાં દૂર રહેવું ક્યારેય સલામત નથી. તેઓની પાસે માત્ર પ્રાથમિક-સારવાર (ફર્સ્ટ-એઇડ) કિટ હોય છે. હૃદય રોગના દર્દી માટે આ રીતે રહેવું વધુ જોખમી છે."

Gabhiben holding a portrait of her late husband, Jeevanbhai, at their home in Jafrabad, a coastal town in Gujarat’s Amreli district
PHOTO • Parth M.N.

ગુજરાતના અમરેલી જિલ્લાના દરિયાકાંઠાના શહેર જાફરાબાદમાં તેમના ઘરે ગભીબેન તેમના સ્વર્ગસ્થ પતિ, જીવનભાઈના પોટ્રેટ સાથે

ભારતના રાજ્યોમાં ગુજરાત સૌથી લાંબો - 39 તાલુકાઓ અને 13 જિલ્લાઓમાં ફેલાયેલ 1600 કિલોમીટરથી વધુ લાંબો – દરિયાકાંઠો ધરાવે છે. દેશના કુલ દરિયાઈ ઉત્પાદનમાં ગુજરાતના દરિયાકાંઠાનો ફાળો 20 ટકા છે. મત્સ્યોદ્યોગ કમિશ્નરની વેબસાઈટ અનુસાર આ રાજ્યમાં 1000 થી વધુ ગામડાઓના, પાંચ લાખથી વધુ લોકો, મત્સ્યોદ્યોગ ક્ષેત્રે સંકળાયેલા છે.

આમાંના મોટાભાગના લોકો દર વર્ષે ચાર મહિના અથવા તેથી વધુ સમય, જે તેઓ દરિયામાં વિતાવે છે તે દરમિયાન તબીબી સેવાઓ તેમની પહોંચથી દૂર થઈ જાય છે.

પહેલી વાર હૃદય રોગનો હુમલો આવ્યા પછી જયારે જયારે જીવણભાઈ દરિયો ખેડવા જતા ત્યારે ગાભીબેનને માનસિક તણાવ રહેતો અને ચિંતા થતી. આશા અને ડર વચ્ચે ઝોલા ખાતા તેમના વિચારો સાથે એકલા પડી ગયેલા ગાભીબેન ભાવશૂન્ય નજરે છતના પંખા તરફ તાકી રહેતા અને રાતોની રાતો ઊંઘી શકતા નહોતા. હંમેશ જ્યારે જીવણભાઈ સહીસલામત ઘેર પાછા ફરતા ત્યારે તેમનો જીવ હેઠો બેસતો.

પરંતુ એક દિવસ એ ક્રમ તૂટ્યો, જીવણભાઈ તે દિવસે પાછા ન ફર્યા.

*****

ગુજરાત સરકારે હાઈકોર્ટને આપેલા એના પાંચ વર્ષ જૂના વચનનું પાલન કર્યું હોત તો જીવણભાઈનું નસીબ કંઈક અલગ હોત.

એપ્રિલ 2017 માં જાફરાબાદના દરિયાકાંઠે આવેલા શિયાળ બેટના રહેવાસી 70 વર્ષના જંદુરભાઈ બાલધિયાએ બોટ એમ્બ્યુલન્સની લાંબા સમયથી ચાલી આવતી માંગણી પર ભાર મૂકતી જાહેર હિતની અરજી ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરી હતી. તેમને આ અરજીમાં માર્ગદર્શન આપનાર એક વકીલ-કાર્યકર 43 વર્ષના અરવિંદભાઈ ખુમાણ સેન્ટર ફોર સોશિયલ જસ્ટિસ સાથે સંકળાયેલા હતા, અમદાવાદ સ્થિત આ સંસ્થા સંવેદનશીલ સમુદાયોના અધિકારો માટે કામ કરે છે.

અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે રાજ્ય દ્વારા ભારતના બંધારણની કલમ 21 ની, જે જીવનના અધિકારની બાંયધરી આપે છે તેની, અવગણના કરીને માછીમારોના "મૂળભૂત અને બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન" કરવામાં આવે છે.

અરજીમાં આગળ ઉપર વર્ક ઈન ફિશિંગ કન્વેન્શન, 2007 નો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જે "વ્યવસાયિક સલામતી, આરોગ્ય સુરક્ષા અને તબીબી સંભાળના સંદર્ભમાં લઘુત્તમ આવશ્યકતાઓ" નિર્ધારિત કરે છે.

Standing on the shore of Jafrabad's coastline, 55-year-old Jeevanbhai Shiyal says fisherfolk say a silent prayer before a trip
PHOTO • Parth M.N.

જાફરાબાદના દરિયાકિનારે ઉભા 55 વર્ષીય જીવનભાઈ શિયાળ કહે છે કે માછીમારો પ્રવાસ પહેલા મૂક પ્રાર્થના કરે  છે

ઓગસ્ટ 2017 માં રાજ્ય તરફથી સંપૂર્ણ ખાતરી મળ્યા બાદ હાઈકોર્ટે અરજીનો નિકાલ કર્યો હતો. રાજ્ય વતી હાજર મનીષા લવકુમારે કોર્ટને જણાવ્યું હતું કે રાજ્ય "માછીમારોના અને તટીય વિસ્તારોમાં રહેતા લોકોના અધિકારો વિશે ખૂબ સજાગ છે."

મહત્ત્વની વાત એ છે કે કોર્ટના આદેશમાં નોંધવામાં આવ્યું છે કે દરિયાકાંઠાના સમગ્ર 1600 કિલોમીટરના વિસ્તારમાં કાર્યરત રાખવા માટે "કોઈપણ પ્રકારની કટોકટીની પરિસ્થિતિને સંભાળવા માટે સંપૂર્ણપણે સજ્જ" સાત બોટ એમ્બ્યુલન્સ ખરીદવાનો રાજ્યે નિર્ણય કર્યો છે.

એ વાતને પાંચ-પાંચ વર્ષના વહાણાં વાઈ ગયા પછી આજે પણ માછીમારો સ્વાસ્થ્ય સંબંધિત કટોકટીઓનો સામનો કરી રહ્યા છે. પરંતુ વચન અપાયેલ સાત બોટ એમ્બ્યુલન્સમાંથી અત્યાર સુધીમાં માત્ર બે એમ્બ્યુલન્સ, ઓખા અને પોરબંદર બંનેમાં એક-એક, કાર્યરત થઈ શકી છે.

જાફરાબાદથી 20 કિમી ઉત્તરે આવેલા નાના શહેર રાજુલામાં રહેતા અરવિંદભાઈ કહે છે, “મોટાભાગનો દરિયાકાંઠો હજુ પણ સંવેદનશીલ છે. પાણીમાંની એમ્બ્યુલન્સ એ સ્પીડ બોટ છે. માછીમારીના ટ્રોલર્સ જેટલો સમય લે તેના કરતા અડધા સમયમાં એ સમાન અંતર કાપી શકે છે. અમને આ એમ્બ્યુલન્સની સખત જરૂર છે કારણ કે આજકાલ માછીમારો દરિયાકાંઠાની નજીક હોડી હંકારતા નથી.

હૃદય રોગનો જીવલેણ હુમલો આવ્યો ત્યારે જીવણભાઈ કિનારાથી 40 નોટિકલ (દરિયાઈ) માઈલ અથવા લગભગ 75 કિલોમીટર દૂર હતા. લગભગ 20 વર્ષ પહેલાં માછીમારો દરિયામાં આટલે દૂર ભાગ્યે જ જતા હતા.

ગાભીબેન કહે છે, "તેમણે (જીવણભાઈએ) પહેલીવાર માછીમારી કરવાનું શરૂ કર્યું ત્યારે તેમને પાંચ કે (બહુ બહુ તો) આઠ નોટિકલ માઈલની અંદર પૂરતી માછલી મળી રહેતી. એ દરિયાકાંઠાથી માંડ એક કે બે કલાક (દૂર) હશે. છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન પરિસ્થિતિ વધુ ને વધુ બગડતી ચાલી છે. આજકાલ અમારે દરિયાકાંઠાથી 10 કે 12 કલાક જેટલું દૂર જવું પડે છે.

Gabhiben recalls the stress and anxiety she felt every time Jeevanbhai set off to sea after his first heart attack. Most fisherfolk in Gujarat are completely cut off from medical services during time they are at sea
PHOTO • Parth M.N.

ગાભીબેન જયારે જીવનભાઈ તેમના પહેલવહેલા હાર્ટ એટેક પછી દરિયામાં જવા નીકળ્યા ત્યારે દરેક વખતે તેણીએ અનુભવેલી તણાવ અને ચિંતાને યાદ કરે છે. ગુજરાતના મોટાભાગના માછીમારો દરિયામાં હોય એટલો સમય તબીબી સેવાઓથી સંપૂર્ણપણે દૂર હોય છે

*****

માછીમારોને દરિયામાં દૂર સુધી લઈ જનાર પરિબળો બે છે: દરિયાકાંઠાના પ્રદૂષણમાં વધારો અને મેન્ગ્રોવ કવરમાં ઘટાડો.

નેશનલ ફિશવર્કર્સ ફોરમના સેક્રેટરી ઉસ્માન ગની કહે છે કે સમગ્ર દરિયાકાંઠે મોટા પાયે થતા ઔદ્યોગિક પ્રદૂષણની દરિયાઈ જીવસૃષ્ટિ પર ખૂબ ખરાબ અસર પડે છે. તેઓ કહે છે, "તેને કારણે માછલીઓ દરિયાકાંઠાથી દૂર રહે છે, પરિણામે માછીમારોને (દરિયામાં) ઊંડે સુધી જવાની ફરજ પડે છે. તેઓ (દરિયામાં) જેટલા વધુ આગળ જાય છે, કટોકટી સેવાઓ તેટલી જ વધુ મહત્ત્વની બને છે."

સ્ટેટ ઓફ એન્વાયરમેન્ટ રિપોર્ટ (SOE), 2013 મુજબ ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં 58 મોટા ઉદ્યોગો આવેલા છે, જેમાં બીજા ઉદ્યોગોની સાથોસાથ રસાયણો, પેટ્રોકેમિકલ્સ, સ્ટીલ અને ધાતુઓ સંબંધિત ઉદ્યોગોનો સમાવેશ થાય છે. આ જિલ્લોમાં અનુક્રમે ખનીજો-ધાતુઓ વિગેરેની તેમ જ રેતી-પથ્થર વિગેરેની અનુક્રમે 822 અને 3156 ખાણ ભાડાપટે અપાયેલ છે. કાર્યકરો માને છે કે 2013 માં આ અહેવાલ જાહેર થયો ત્યારથી માંડીને આજ સુધીમાં આ સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો હશે.

આ અહેવાલમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે રાજ્યની 70 ટકાથી વધુ વીજ ઉત્પાદન યોજનાઓ તેના દરિયાકાંઠાના 13 જિલ્લાઓમાં કેન્દ્રિત છે, જ્યારે બાકીના 20 જિલ્લાઓમાં બાકીની 30 ટકા યોજનાઓ છે.

“ઉદ્યોગો ઘણીવાર પર્યાવરણીય ધોરણોની અવગણના કરે છે. વડોદરા સ્થિત પર્યાવરણ કાર્યકર્તા રોહિત પ્રજાપતિ કહે છે કે, બધા ઉદ્યોગો તેમનો રાસાયણયુક્ત પ્રવાહી કચરો સીધો કે પછી નદીઓ દ્વારા દરિયામાં વહાવી દે છે. “ગુજરાતમાં 20 જેટલી પ્રદૂષિત નદીઓ છે. તેમાંથી ઘણી અરબી સમુદ્રને મળે છે.”

ગની કહે છે કે દરિયાકાંઠે વિકાસના નામે રાજ્યે મેન્ગ્રોવ કવરને પણ ખલેલ પહોંચાડી છે. તેઓ ઉમેરે છે, "મેન્ગ્રોવ્સ દરિયાકિનારાનું રક્ષણ કરે છે અને માછલીઓને તેમના ઈંડા મૂકવા માટે સલામત જગ્યા પૂરી પાડે છે. પરંતુ ગુજરાતના દરિયાકાંઠે જ્યાં જ્યાં વ્યાપારી ઉદ્યોગો ઊભા થયા છે ત્યાં ત્યાં મેન્ગ્રોવ્સ કાપી નાખવામાં આવ્યા છે. મેન્ગ્રોવ્સની ગેરહાજરીમાં માછલીઓ દરિયાકિનારે આવતી નથી."

Jeevanbhai Shiyal on a boat parked on Jafrabad's shore where rows of fish are set to dry by the town's fishing community (right)
PHOTO • Parth M.N.
Jeevanbhai Shiyal on a boat parked on Jafrabad's shore where rows of fish are set to dry by the town's fishing community (right)
PHOTO • Parth M.N.

જાફરાબાદના જે કિનારે શહેરના માછીમાર સમુદાય દ્વારા માછલીઓ એક હરોળમાં સૂકવવા મૂકી છે ત્યાં પાર્ક કરેલી બોટ પર જીવનભાઈ શિયાળ (જમણે)

2021ના ઈન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ અનુસાર, ગુજરાતનું મેન્ગ્રોવ કવર 2019 કરતા 2 ટકા સંકોચાયું છે, જો કે તે જ સમયગાળા દરમિયાન રાષ્ટ્રીય સ્તરે તેમાં 17 ટકાનો વધારો થયો છે.

અહેવાલમાં વધુમાં જણાવાયું છે કે ગુજરાતના દરિયાકાંઠાના 39 તાલુકાઓમાંથી માંથી 38 તાલુકાઓ દરિયાકાંઠાના વધતા-ઓછા ધોવાણ પ્રત્યે સંવેદનશીલ છે.  સામાન્ય રીતે મેન્ગ્રોવ્સ દ્વારા આ ધોવાણ અટકાવી શકાયું હોત.

પ્રજાપતિ કહે છે, “ગુજરાતના દરિયાકાંઠે દરિયાની સપાટીમાં વધારો થવાનું એક કારણ છે મેન્ગ્રોવ્ઝનું સંરક્ષણ કરવામાં નિષ્ફળતા. આપણે જે ઔદ્યોગિક પ્રદૂષણ દરિયામાં ઠાલવીએ છીએ તે હવે દરિયો પાછું લાવે છે. આ પ્રદૂષણ અને [પરિણામ સ્વરૂપ] મેન્ગ્રોવ્સની ગેરહાજરી સુનિશ્ચિત કરે છે કે દરિયાકાંઠાની આસપાસનું પાણી પ્રદૂષિત રહે."

દરિયાકાંઠેથી વધુ દૂર હોડી હંકારી જવા માટે મજબૂર માછીમારોને હવે પાણીના જોરદાર પ્રવાહો, ખૂબ વધારે પવન અને અણધાર્યા હવામાનનો સામનો કરવો પડે છે. ગરીબ માછીમારોને સૌથી વધુ તકલીફ પડે છે કારણ કે તેઓ જે નાની માછીમારીની હોડી હંકારે છે તે ખરાબ હવામાનની પરિસ્થિતિઓનો સામનો કરવા માટે જોઈએ તેટલી મજબૂત હોતી નથી.

એપ્રિલ 2016માં સનાભાઈ શિયાળની હોડી દરિયાની વચ્ચે તૂટી પડી હતી. જોરદાર પ્રવાહને કારણે નાની તિરાડ ફાટી ગઈ અને હોડીમાં સવાર આઠ માછીમારોએ બનતા બધા પ્રયાસો કરવા છતાં પાણી હોડીમાં ઘૂસવા લાગ્યું. મદદ માટે પોકારવાનું નિરર્થક હતું, કારણ કે આસપાસ કોઈ હતું જ નહીં. તેઓ સાવ એકલા હતા.

માછીમારો ભયભીત થઈને પોતાનો જીવ બચાવવા દરિયામાં કૂદી પડ્યા કે તરત જ હોડી તૂટી પડી હતી અને ડૂબી ગઈ હતી. તરતા રહેવા માટે દરેક જણે ગભરાટમાં લાકડાનો જે કોઈ ટુકડો હાથ લાગ્યો તેને જોરથી પકડી રાખ્યો હતો. છ જણા બચી ગયા હતા. 60 વર્ષના સનાભાઈ સહિત બેના મોત નિપજ્યા હતા.

બચી ગયેલાઓ તરફ એક ફિશિંગ ટ્રોલરનું ધ્યાન ગયું અને તેમને બચાવી લેવાયા ત્યાં સુધી,લગભગ 12 કલાક સુધી, એ લોકો દરિયામાં ગમેતેમ ઉપર-નીચે થતા રહ્યા હતા.

Jamnaben's husband Sanabhai was on a small fishing boat which broke down in the middle of the Arabian Sea. He passed away before help could reach him
PHOTO • Parth M.N.

જમનાબેનના પતિ સનાભાઈ નાની માછીમારી બોટ પર હતા જે અરબી સમુદ્રની વચ્ચે તૂટી પડી હતી. મદદ તેમના સુધી પહોંચે તે પહેલા જ તે મૃત્યુ પામેલા

જાફરાબાદના રહેવાસી સનાભાઈના પત્ની 65 વર્ષના જમનાબેન કહે છે, "તેમનો મૃતદેહ ત્રણ દિવસ પછી મળી આવ્યો હતો. કોઈ સ્પીડ બોટ એમને બચાવી શકી હોત કે નહીં એ તો મને ખબર નથી. પરંતુ (જો સ્પીડ બોટ હોત તો કદાચ) ઓછામાં ઓછું તેમના જીવતા રહેવાની વધારે શક્યતા તો હોત. હોડીમાં કંઈક ગરબડ હોવાનું જણાતા તેઓ કટોકટીની મદદ માટે ફોન કરી શક્યા હોત. સૌથી ખરાબ વાત તો એ છે કે ખરેખર શું થયું હશે એની અમને ખબરેય નથી પડી.”

તેમના બે દીકરા, 30 વર્ષના દિનેશ, અને 35 વર્ષના ભૂપદ પણ માછીમાર છે - બંને પરિણીત છે અને બંનેને બે-બે બાળકો છે. જો કે સનાભાઈના અવસાન પછી થોડો ગભરાટ રહે છે.

જમનાબેન કહે છે, “દિનેશ હજી પણ નિયમિતપણે માછીમારી કરવા જાય છે. ભૂપદ બની શકે ત્યાં સુધી (માછીમારી કરવા જવાનું) ટાળે છે. પરંતુ અમારે એક આખા પરિવારની સંભાળ લેવાની છે અને આવકનો સ્ત્રોત એક જ છે. અમારું જીવન તો સમુદ્રદેવને સમર્પિત છે.”

*****

ફિશિંગ ટ્રોલર ધરાવતા પચાસ વર્ષીય જીવણભાઈ શિયાળ કહે છે કે દરિયો ખેડવાનું શરૂ કરતા પહેલા માછીમારો મૂક પ્રાર્થના કરે છે.

તેઓ યાદ કરે છે, "લગભગ એક વર્ષ પહેલાં મારા કામદારોમાંના એકને અચાનક છાતીમાં દુખાવો થયો હતો. અમે તરત જ દરિયાકાંઠા તરફની વળતી મુસાફરી શરૂ કરી હતી." પાંચ કલાક સુધી એ કામદાર ડચકાં ખાતો રહ્યો, ટ્રોલર હાલકડોલક થતું ધીમે ધીમે દરિયાકાંઠે પાછું વળ્યું ત્યારે એ કામદારના હાથ તેની છાતી પર હતા. શિયાળ કહે છે કે ખરેખર એ (પાંચ કલાક) પાંચ દિવસ જેવા લાગ્યા હતા. દરેક સેકન્ડ તેની પહેલાની સેકન્ડ કરતા વધુ લાંબી. દરેક મિનિટ, પહેલાની મિનિટ કરતા વધુ તણાવપૂર્ણ.  તેઓ કિનારે પહોંચ્યા કે તરત જ એ કામદારને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો તેથી એ બચી ગયો હતો.

તે એક સફર શિયાળને 50000 રુપિયાની પડી, કારણ કે તેમણે એક દિવસમાં જ પાછા ફરવું પડ્યું હતું. તેઓ કહે છે, "એક રાઉન્ડ ટ્રીપ (એક વખત જઈને પાછા આવવા) માટે 400 લિટર ઈંધણની જરૂર પડે છે. અમે એકપણ માછલી પકડ્યા વિના સાવ ખાલી હાથે પાછા ફર્યા હતા."

When one of Jeevanbhai Shiyal's workers suddenly felt chest pains onboard his trawler, they immediately turned back without catching any fish. The fuel expenses for that one trip cost Shiyal over Rs. 50,000
PHOTO • Parth M.N.

જ્યારે જીવનભાઈ શિયાળના કામદારોમાંના એકને તેમના ટ્રોલરમાં હતા ત્યારે અચાનક છાતીમાં દુખાવો થયો, ત્યારે તેઓ માછલી પકડ્યા વિના તરત જ પાછા ફર્યા. તે એક મુસાફરીમાં બળતણ ખર્ચ શિયાળભાઈને  માટે રૂ. 50,000નો ખર્ચ થયેલ

'We bear the discomfort when we fall sick on the boat and get treated only after we are back home,' says Jeevanbhai Shiyal
PHOTO • Parth M.N.

'અમે બોટમાં બીમાર પડીએ ત્યારે અગવડ સહન કરીએ છીએ અને ઘરે પાછા આવ્યા પછી જ સારવાર મળે છે,' જીવનભાઈ શિયાળ કહે છે

શિયાળ કહે છે કે માછીમારી સાથે સંકળાયેલા પરોક્ષ ખર્ચા વધતા જતા હોવાથી જ્યારે સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે ત્યારે સૌથી પહેલી વૃત્તિ તેની ઉપેક્ષા કરવાની રહે છે. "જ્યારે અમારે એમ ન કરવું જોઈએ ત્યારે અમે અમારી જાત પર વધુ પડતો ભાર નાખતા રહીએ છીએ - સહન કરતા રહીએ છીએ.

"તે ખતરનાક પૂરવાર થઈ શકે છે. પણ અમે કોઈ બચત વગરનું સાવ સાધારણ જીવન જીવીએ છીએ. અમારા સંજોગો અમને અમારા સ્વાસ્થ્યને અવગણવા માટે મજબૂર કરે છે. જ્યારે અમે હોડી પર બીમાર પડીએ છીએ ત્યારે અમે તકલીફ સહન કરી લઈએ છીએ અને એક વાર અમે ઘેર પાછા ફરીએ એ પછી જ સારવાર લઈએ છીએ.

શિયાળ બેટના રહેવાસીઓને માટે ઘેર પણ આરોગ્ય સેવા ઉપલબ્ધ નથી. ટાપુ સુધી પહોંચવાનો એક માત્ર રસ્તો છે 15-મિનિટની ફેરી રાઈડ લેવાનો; ડગમગતી હોડી પર ચઢવા અને ઉતરવા માટે પાંચ મિનિટ મથામણ કરવી પડે તે તો અલગ.

બાલધિયાની અરજીમાં આવકના સ્ત્રોત તરીકે માછીમારી પર આધાર રાખતા શિયાળ બેટના લગભગ 5000 રહેવાસીઓ માટે બોટ એમ્બ્યુલન્સ ઉપરાંત કાર્યકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (પ્રાયમરી હેલ્થ સેન્ટર - પીએચસી) ની પણ માંગ કરવામાં આવી હતી.

તેના જવાબમાં હાઈકોર્ટના આદેશમાં કહેવામાં આવ્યું હતું કે જિલ્લા અને તેની આસપાસના તબીબી અધિકારીઓને અઠવાડિયામાં પાંચ દિવસ સવારે 10 થી સાંજના 4 વાગ્યા સુધી પેટા આરોગ્ય કેન્દ્રમાં નિયુક્ત કરવામાં આવશે.

જો કે, રહેવાસીઓ કહે છે કે વાસ્તવમાં આનો કોઈ અમલ થયો નથી.

Kanabhai Baladhiya outside a Primary Health Centre in Shiyal Bet. He says, 'I have to get on a boat every time I need to see a doctor'
PHOTO • Parth M.N.

શિયાળ બેટમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની બહાર કાનાભાઈ બાલધીયા. તે કહે છે, 'મારે જ્યારે પણ ડૉક્ટરને મળવાની જરૂર હોય ત્યારે મારે હોડીમાં જવું પડે છે'

Hansaben Shiyal is expecting a child and fears she won’t get to the hospital on time
PHOTO • Parth M.N.

હંસાબેન શિયાળ એક બાળકની અપેક્ષા રાખે છે અને તેમને ડર છે કે તે સમયસર હોસ્પિટલમાં નહીં પહોંચી શકે

નિવૃત્ત માછીમાર કાનાભાઈ બાલધિયા કહે છે કે તેમને વારંવાર થતી ઘૂંટણની તકલીફની સારવાર માટે તેમણે જાફરાબાદ અથવા રાજુલા જવું પડે છે. 75 વર્ષના કાનાભાઈ કહે છે કે, "અહીંનું પીએચસી ઘણીવાર બંધ રહે છે. કોર્ટે કોઈક કારણોસર કહ્યું કે અઠવાડિયામાં પાંચ દિવસ અહીં ડૉક્ટર હોવા જોઈએ. જાણે સપ્તાહના અંતે લોકો બીમાર જ ન પડતા હોય. પરંતુ અહીં અઠવાડિયાના ચાલુ દિવસોએ પણ હાલત કંઈ વખાણવા લાયક હોતી નથી. જ્યારે પણ મારે ડૉક્ટરને બતાવવાની જરૂર પડે ત્યારે મારે હોડીમાં જ જવું પડે છે."

સગર્ભા સ્ત્રીઓ માટે તો આ વધુ મોટી સમસ્યા છે.

28 વર્ષના હંસાબેન શિયાળ તેમની ગર્ભાવસ્થાના આઠમા મહિનામાં છે અને આ સમયગાળા દરમિયાન સ્વાસ્થ્ય સંબંધિત જુદી જુદી સમસ્યાઓને કારણે તેમને ત્રણ વખત જાફરાબાદની હોસ્પિટલમાં જવું પડ્યું છે. તેઓ યાદ કરે છે કે જ્યારે તેમને ગર્ભ રહ્યે છ મહિના થયા હતા ત્યારે તેમને પેટમાં સખત દુખાવો ઉપડ્યો હતો. મોડી રાત થઈ ગઈ હતી અને એ દિવસ માટેની હોડીઓ તો ક્યારનીય બંધ થઈ ગઈ હતી. તેમણે જેમતેમ કરીને રાત પસાર કરી દેવાનું અને સવાર પડે તેની રાહ જોવાનું નક્કી કર્યું. એ એક લાંબી અને ચિંતાજનક રાત હતી.

સવારે ચાર વાગ્યે હંસાબહેન વધારે રાહ ન જોઈ શક્યા. તેમણે એક હોડીવાળાને બોલાવ્યો, જેણે તેમની દયા ખાઈને તેમને મદદ કરી. તેઓ કહે છે, "જ્યારે તમે ગર્ભવતી હો અને પીડામાં હો ત્યારે હોડી પર ચડવું અને ઉતરવું ભારે તણાવપૂર્ણ હોય છે. હોડી ક્યારેય સ્થિર હોતી નથી. તમારે તમારી જાતને સંતુલિત કરવી પડે. નાનીઅમથી ભૂલ થઈ જાય તો પણ તમે પાણીમાં પડી જાઓ. તમારું જીવન જાણે એક દોરી પર લટકતું હોય એવું લાગે.”

છેવટે જ્યારે તેઓ હોડી પર ચડી શક્યા ત્યારે તેમના સાસુ, 60 વર્ષના મંજુબેને એમ્બ્યુલન્સ સેવાને ફોન કર્યો. તેઓ કહે છે, "અમે વિચાર્યું કે અમે તેમને અગાઉથી ફોન કરીને થોડો સમય બચાવી શકીશું. પરંતુ તેઓએ અમને જાફરાબાદ બંદર પર ઉતર્યા પછી ફરીથી ફોન કરવાનું કહ્યું."

પરિણામે એમ્બ્યુલન્સ આવી અને તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા એ પહેલા તેઓએ 5-7 મિનિટ રાહ જોવી પડી.

Passengers alighting at Shiyal Bet (left) and Jafrabad ports (right)
PHOTO • Parth M.N.
Passengers alighting at Shiyal Bet (left) and Jafrabad ports (right)
PHOTO • Parth M.N.

(ડાબે) શિયાળ બેટ અને (જમણે) જાફરાબાદ બંદર પર ઉતરી રહેલા મુસાફરો

આ અનુભવે હંસાબેનને ડરાવી દીધા છે. તેઓ કહે છે, "મને ડર છે કે હું મારી પ્રસૂતિ માટે સમયસર હોસ્પિટલ નહીં પહોંચી શકું. મને ડર છે કે મને વેણ ઉપડ્યું હશે ત્યારે હું હોડીમાંથી પડી જઈશ. હું મારા ગામની એવી મહિલાઓને જાણું છું જેઓ સમયસર હોસ્પિટલ ન પહોંચવાના કારણે મૃત્યુ પામી છે. હું એવા કિસ્સાઓ પણ જાણું છું કે જ્યાં બાળક બચ્યું નહોતું.

અરજી સાથે સંકળાયેલા વકીલ-કાર્યકર અરવિંદભાઈ કહે છે કે તાજેતરના વર્ષોમાં શિયાળ બેટમાંથી વધતા જતા સ્થળાંતરનું મુખ્ય કારણ છે આરોગ્ય સંભાળનો અભાવ. તેઓ કહે છે, "તમને એવા પરિવારો મળશે જેમણે પોતાની માલિકીનું જે કંઈ હતું તે બધું જ વેચી દીધું છે. આમાંના મોટાભાગના પરિવારો આરોગ્ય સંભાળના અભાવને કારણે દુર્ઘટનાનો ભોગ બન્યા છે. તેઓ દરિયાકાંઠાના વિસ્તારમાં સ્થળાંતરિત થઈ ગયા છે અને તેમણે અહીં ક્યારેય પાછા નહીં ફરવાના સોગંદ ખાધા છે.

દરિયાકાંઠે રહેતા ગાભીબહેને સોગંદ લીધા છે: તેમના પરિવારની આગામી પેઢી તેમના બાપદાદાનો ધંધો છોડી દેશે. જીવણભાઈના મૃત્યુ પછી ગાભીબેન જુદા જુદા માછીમારો માટે માછલી સૂકવતા શ્રમિક તરીકેનું કામ કરે છે. એ સખત મહેનતનું કામ છે અને દિવસને અંતે તેમને માત્ર 200 રુપિયા જ મળે છે. તેમની કમાણીનો એકેએક રુપિયો તેમના 14 વર્ષના દીકરા રોહિતના આગળના ભણતર માટે છે, જે જાફરાબાદની એક સરકારી શાળામાં અભ્યાસ કરે છે. તેઓ ઈચ્છે છે કે તે મોટો થઈને તેની જે ઈચ્છા હોય તે બને - એક માછીમાર સિવાય.

ભલે એ માટે ગાભીબેનને ઘડપણમાં એકલા છોડીને રોહિતને જાફરાબાદની બહાર જવું પડે. જાફરાબાદમાં હજી આજે પણ એવા કેટલાય લોકો છે જેઓ તેમના સૌથી ખરાબ ભય સાથે જીવી રહ્યા છે. ગાભીબેન હવે તેમનામાંના એક નથી.

પાર્થ એમ.એન ઠાકુર ફેમિલી ફાઉન્ડેશન તરફથી પ્રાપ્ત થયેલ સ્વતંત્ર પત્રકારત્વ અનુદાન દ્વારા જાહેર આરોગ્ય અને નાગરિક સ્વાતંત્ર્ય અંગેના અહેવાલ આપે છે. ઠાકુર ફેમિલી ફાઉન્ડેશને આ અહેવાલની સામગ્રી પર કોઈ સંપાદકીય નિયંત્રણનો ઉપયોગ કર્યો નથી.

અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક

Parth M.N.

ਪਾਰਥ ਐੱਮ.ਐੱਨ. 2017 ਤੋਂ ਪਾਰੀ ਦੇ ਫੈਲੋ ਹਨ ਅਤੇ ਵੱਖੋ-ਵੱਖ ਨਿਊਜ਼ ਵੈੱਬਸਾਈਟਾਂ ਨੂੰ ਰਿਪੋਰਟਿੰਗ ਕਰਨ ਵਾਲੇ ਸੁਤੰਤਰ ਪੱਤਰਕਾਰ ਹਨ। ਉਨ੍ਹਾਂ ਨੂੰ ਕ੍ਰਿਕੇਟ ਅਤੇ ਘੁੰਮਣਾ-ਫਿਰਨਾ ਚੰਗਾ ਲੱਗਦਾ ਹੈ।

Other stories by Parth M.N.
Editor : Sangeeta Menon

ਸੰਗੀਤਾ ਮੈਨਨ ਮੁੰਬਈ-ਅਧਾਰਤ ਲੇਖਿਕਾ, ਸੰਪਾਦਕ ਤੇ ਕਮਿਊਨੀਕੇਸ਼ਨ ਕੰਸਲਟੈਂਟ ਹਨ।

Other stories by Sangeeta Menon
Translator : Maitreyi Yajnik

Maitreyi Yajnik is associated with All India Radio External Department Gujarati Section as a Casual News Reader/Translator. She is also associated with SPARROW (Sound and Picture Archives for Research on Women) as a Project Co-ordinator.

Other stories by Maitreyi Yajnik