જ્યારે ડી. અમરનાથ રેડ્ડીનો ત્રીજો બોરવેલ પણ સુકાઈ ગયો ત્યારે પોતાના ખેતરમાં સિંચાઈ કરવા તેમને વરસાદી પાણી પર આધાર રાખ્યા વિના છૂટકો નહોતો. પરંતુ 51 વર્ષના આ ખેડૂત જ્યાં ટામેટાંની ખેતી કરતા હતા ત્યાં આંધ્ર પ્રદેશના દુષ્કાળગ્રસ્ત રાયલસીમા પ્રદેશમાં વરસાદ અનિશ્ચિત છે. તેથી ચિત્તૂર જિલ્લાના મુદિવેડુ ગામમાં તેમણે પોતાના ત્રણ એકરના ખેતર માટે બોરવેલ પર 5 લાખ રુપિયા ખર્ચ્યા. ડ્રિલિંગના ખર્ચને પહોંચી વળવા તેમણે ખાનગી ધિરાણકર્તાઓ પાસેથી પૈસા ઉધાર લીધા. પહેલો બોરવેલ નિષ્ફળ ગયા પછી તેમણે ફરીથી પ્રયાસ કર્યો. ત્રીજી વખત સુધીમાં તેમનું દેવું વધી ગયું પણ પાણી હાથ ન લાગ્યું.
અમરનાથ એપ્રિલ-મે 2020માં પોતાનો પાક લણવાની અને પોતે લીધેલી લોન થોડીઘણી ચૂકતે કરવાની આતુરતાથી રાહ જોતા હતા. તેમને માથે - બોરવેલ પરના તેમના ખર્ચાનું, તેમની મોટી દીકરીના લગ્ન માટે લેવી પડેલી લોનનું અને પાક માટેની લોનનું મળીને કુલ - 10 લાખ રુપિયાનું દેવું હતું. પરંતુ ગયા વર્ષે 24 મી માર્ચે વડાપ્રધાન દ્વારા અચાનક જાહેર કરાયેલ લોકડાઉનને કારણે તેમની યોજનાઓ પર પાણી ફરી વળ્યું. પોતાના (ઉગાડેલા) ટામેટાં તોડીને વેચી ન શકાતા તેમણે પોતાની નજર સામે એ ટામેટાં પાકતા અને સડતા જોવા વારો આવ્યો.
અમરનાથે 17 મી સપ્ટેમ્બર, 2020 ના રોજ ઝેર કેમ પીધું તે સમજાવવાનો પ્રયાસ કરતા તેમના પત્ની ડી. વિમલા કહે છે, “તેમને લાગ્યું હશે કે આ (કોવિડ) મહામારી દરમિયાન હાલત સુધરશે નહીં અને તેઓ હતાશ થઈ ગયા હશે." વિમલા કહે છે, “તેમણે 10 દિવસ પહેલા પણ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમનો જીવ બચાવવા અમે તેમને [180 કિલોમીટર દૂર] બેંગલુરુના એક મોટા દવાખાનામાં લઈ ગયા હતા. તે વખતે અમારે 1 લાખ રુપિયાનો ખર્ચો થયો હતો." તેમણે (વિમલાએ) અમરનાથને ફરીથી આવું ન કરવા વિનંતી કરી હતી.
ચિત્તૂરમાં ખેડૂતોની આત્મહત્યાના પોલીસ અહેવાલોમાં ટાંકવામાં આવેલા મુખ્ય કારણોમાંનું એક બોરવેલની નિષ્ફળતા છે. (આત્મહત્યાના) બીજા કારણોમાં ટામેટાંના પાકની નિષ્ફળતા અને કૃષિ દેવું છે. (પીડિત) પરિવારોને વળતર આપવા અંગેનો રાજ્ય સરકારનો આદેશ (આત્મહત્યા પાછળના) વધુ કારણો છતા કરે છે : “આવી આત્મહત્યા પાછળ બોરવેલની નિષ્ફળતા, જેને ઉગાડવા પાછળ ભારે ખર્ચ આવતો હોય એવા રોકડિયા પાકની ખેતી, બિન-લાભકારી કિંમતો, મૌખિક ગણોતપટા અને બેંક લોન મેળવવા માટે અયોગ્યતા, ઊંચા વ્યાજ દરો સાથેના ખાનગી ધિરાણ, પ્રતિકૂળ મોસમી પરિસ્થિતિઓ, બાળકોના શિક્ષણ, માંદગી અને લગ્નો પાછળ કરવામાં આવેલ ભારે ખર્ચ જેવા વિવિધ કારણો હોઈ શકે છે."
ગયા વર્ષે અણધાર્યા લોકડાઉનને કારણે ઘણા લોકોની પરિસ્થિતિ વધુ વણસી હતી. માત્ર 2020 માં જ ચિત્તૂર જિલ્લામાં 34 ખેડૂતોએ આત્મહત્યા કરી હતી - 2014 પછીની આ સૌથી વધુ સંખ્યા છે. તેમાંથી 27 (ખેડૂતો) એપ્રિલથી ડિસેમ્બર વચ્ચે મૃત્યુ પામ્યા હતા.







