સોહન સિંઘ ટીટાનું ક્યારેય હાર ન માનવાનું વલણ જમીન પર અને પાણીમાં લોકોના જીવ બચાવવામાં મદદરૂપ થાય છે. ભુલે ચક ગામ અને તેની નજીકની શેરીઓ પર, તેઓ ઘણીવાર ધુમાડા અને ધૂળના વાદળોની પાછળથી આવતા જોવા મળે છે, એક ભગવાન જેવું રૂપ ધારણ કરીને તેઓ તેમની મોટરબાઈક પર સવાર થઈને પૌષ્ટિક શાકભાજી વેચવા માટે આવે છે. પરંતુ તેઓ આના માટે નહીં, પણ તેમની ડૂબકી લગાવીને લોકોના જીવ બચાવવાની કુશળતા માટે પ્રખ્યાત છે. સોહન પંજાબના ગુરદાસપુર જિલ્લામાં આવેલા તેમના ગામ નજીક સિંચાઈની નહેરોમાંથી લોકોને સલામત બહાર કાઢવા માટે ઘણીવાર તેમાં કૂદી પડે છે.
છેલ્લાં 20 વર્ષથી આ કામ કરતા 42 વર્ષીય સોહન કહે છે, “લોકોને ડૂબવાથી બચાવવા એ મારું કામ તો નથી. પણ હું તે કરું છું.” સોહન વર્ષોથી તેમણે બહાર કાઢેલા મૃતદેહોની સંખ્યા પર ભાર મુકતાં કહે છે, “તમે વિચારતા હશો કે, ‘જળ એ જ જીવન છે’. પણ મેં હજારો વખત તેને ખરેખર મોતનું કારણ બનતાં જોયું છે.”
ગુરદાસપુર અને તેના પડોશી જિલ્લા પઠાણકોટ બન્નેમાં, નહેરમાં પડી ગયેલા વ્યક્તિને બચાવવા કે પછી મૃતદેહને બહાર લાવવા માટે જે લોકોને સૌપ્રથમ બોલાવવામાં આવે છે, તેમાં સોહનનો પણ સમાવેશ થાય છે. તે માણસ અકસ્માતથી ત્યાં પહોંચ્યો હતો કે આત્મહત્યાના પ્રયાસમાં ત્યાં પહોંચ્યો હતો તેની પરવા કર્યા વગર, સોહન કહે છે કે, “કોઈ વ્યક્તિ નીચે પડી ગયો છે તેની જાણ થતાં જ હું પાણીમાં કૂદી પડું છું. હું તે વ્યક્તિને જીવતો શોધવા માંગુ છું.” પણ જો માણસ મૃત હાલતમાં મળી આવે, તો “હું ઈચ્છું છું કે તેમના સંબંધીઓ એક છેલ્લી વાર તેમનો ચહેરો જોઈ શકે.” તેઓ શાંતિથી કહે છે, અને હજારો જીવ ગુમાવ્યાનું દુઃખ તેમના નિવેદનને ભરી દે છે.
સોહન દર મહિને નહેરોમાંથી ઓછામાં ઓછા 2-3 મૃતદેહોને બહાર કાઢે છે. તેમના અનુભવોને દાર્શનિકની જેમ વિચારીને તેઓ તેનો અરથ કાઢે છે. તેઓ મને કહે છે, “જીવન એક વાવાઝોડા જેવું છે. તે એક એવું ચક્ર છે જે એક જ ક્ષણે સમાપ્ત થાય છે અને શરૂ પણ થાય છે.”









