"ક્યાં છે (તમારી) દારૂબંધી?" એમ પૂછી રહેલા ગૌરી પરમારના અવાજમાં ભારોભાર કડવાશ અને કટાક્ષ છે.
ગૌરી ઉમેરે છે, "કાં તો એ નર્યો ઢોંગ છે અથવા કદાચ મારું ગામ ગુજરાતમાં નહીં આવતું હોય."
"મારા ગામના પુરુષો વર્ષોથી નશો કરતા આવ્યા છે." તેમનું ગામ રોજીદ ગુજરાતના બોટાદ જિલ્લામાં આવેલું છે.
ગુજરાત ભારતના ત્રણ 'ડ્રાય' રાજ્યોમાંનું એક છે જ્યાં નાગરિકો દારૂ ખરીદી શકતા નથી કે તેનું સેવન કરી શકતા નથી. ગુજરાત પ્રોહિબિશન (એમેન્ડમેન્ટ) એક્ટ, 2017 હેઠળ તેનું ઉત્પાદન અને વેચાણ કરનારને 10 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે.
પરંતુ 50 વર્ષના ગૌરી 30 વર્ષ પહેલા રોજિદમાં વહુ તરીકે આવ્યા ત્યારથી જ આ નિયમનું ઉલ્લંઘન થતું જોતા આવ્યા છે. તેઓ જોતા આવ્યા છે કે સ્થાનીય સ્તરે દારૂ તૈયાર કરવામાં આવે છે અને ઈચ્છુક ગ્રાહકોને પોલીથીન પાઉચ (પાતળા પ્લાસ્ટિકની થેલી) માં ભરીને વેચવામાં આવે છે.
આવો દારૂ બનાવવાના જોખમો દૂરગામી – અને જીવલેણ છે. બુટલેગરો (ગેરકાયદે દારૂની પ્રવૃત્તિમાં સંડોવાયેલા વ્યક્તિઓ) પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે ક્યારેક ઝેરી ઉમેરણોનો ઉપયોગ કરે છે. ગૌરી કહે છે, "તેઓ પ્રવાહી સેનિટાઈઝર, યુરિયા અને મિથેનોલ ઉમેરે છે."
જુલાઈ 2022 માં આવો ગેરકાયદેસર રીતે ઉત્પાદિત દારૂ પીવાથી ગુજરાતમાં 42 લોકોના મોત થયા હતા; લગભગ 100 લોકોને અમદાવાદ, ભાવનગર અને બોટાદ જિલ્લાની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હતા. અને જેમના મોત નીપજ્યા હતા તેમાંના 11 બોટાદના બરવાળા તાલુકાના એક જ ગામ રોજીદના હતા.








