મે ૨૦૨૧માં જ્યારે તેમની પત્નીને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી, ત્યારે રાજેન્દ્ર પ્રસાદને ઉત્તર પ્રદેશમાં તેમના છેવાડાના ગામની સૌથી નજીક આવેલી શહેરની ખાનગી હોસ્પિટલમાં તેમને લઈ જવાની ફરજ પડી. જોકે તેમની પહેલી પસંદગી એક એવી હોસ્પિટલ હતી જે તેમના ગામની વધારે નજીક પણ દેશની સરહદની પેલે પાર નેપાળમાં હતી.
૩૭ વર્ષીય રાજેન્દ્ર તેમની આ અસામાન્ય પસંદગી સમજાવતા કહે છે, “સરહદની બીજી બાજુએ સારવાર લેવા જવું અમારા માટે સામાન્ય વાત છે. ગામમાં અમે વર્ષોથી આવું કરીએ છીએ.” નેપાળની હોસ્પિટલ રાજેન્દ્રના ગામ બંકટીથી માત્ર ૧૫ કિલોમીટર દૂર છે. બંકટી ગામ લખીમપુર ખેરી (જે ખેરી તરીકે પણ જાણીતું છે) માં પડે છે, જે નેપાળની સરહદ પાસે આવેલો યુપીનો સૌથી મોટો જિલ્લો છે.
ભારત અને નેપાળ વચ્ચેની ખુલ્લી સરહદ નીતિ, ૧૯૫૦માં બંને દેશો દ્વારા શાંતિ અને મિત્રતાની સંધિ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા ત્યારથી અમલમાં છે. જેના લીધે ભારત અને નેપાળના નાગરિકોને બંને દેશોમાં મુક્તપણે અવરજવર કરવાની પરવાનગી મળી છે. આ નીતિના પરિણામસ્વરૂપે બંને દેશોના નાગરિકોને એકબીજાના દેશમાં વેપાર કરવાની, મિલકત વસાવવાની, અને નોકરી કરવાની પરવાનગી મળે છે. બંકટીના રહેવાસીઓ માટે, ખુલ્લી સરહદના લીધે નેપાળની સસ્તી અને સારી સ્વાસ્થ્ય સેવાઓ સુલભ બની છે.
પરંતુ કોવિડ-૧૯ એ બધું બદલી નાખ્યું.
જ્યારે રાજેન્દ્રની ૩૫ વર્ષીય પત્ની ગીતા દેવીને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી ત્યારે ભારતમાં મહામારીની બીજી લહેર ચરમસીમાએ હતી. પરંતુ તેઓ સરહદની પેલે પાર આવેલી હોસ્પિટલમાં જઈ શક્યા નહોતા કારણ કે નેપાળે ૨૩ માર્ચ ૨૦૨૦માં કોવિડ-૧૯ શરૂ થયો ત્યારથી તેની સરહદો બંધ કરી દીધી હતી, જે ભારતના કુલ પાંચ રાજ્યોની સરહદો સુધી ફેલાયેલી છે અને તેનો કુલ વિસ્તાર ૧,૮૫૦ કિલોમીટર છે.
રાજેન્દ્રના પરિવારે તેની ભારે કિંમત ચૂકવી હતી.
રાજેન્દ્ર ગીતાને બંકટીથી લગભગ ૨૫ કિલોમીટરના અંતરે આવેલા પાલિયા શહેરમાં લઈ ગયા હતા, જે તેમનું ગામ જે બ્લોકમાં આવેલું છે ત્યાંનું પાટનગર છે. તેઓ કહે છે, “[પાલિયા જવાનો] રસ્તો ખરાબ છે, આથી ત્યાં જવામાં વધારે સમય જાય છે. ત્યાંની સાર્વજનિક હોસ્પિટલ સારી નથી, તેથી અમારે ખાનગી હોસ્પિટલમાં જવું પડ્યું.” રાજેન્દ્રએ ગીતાને પાલિયા લઈ જવા માટે ૨,૦૦૦ રૂપિયા ખર્ચીને વાહન ભાડે રાખવું પડ્યું હતું, કારણ કે બંકટીના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (પીએચસી) માં ગંભીર બિમારીનો ઈલાજ થઇ શકે તેવી સુવિધા નહોતી.
ગીતાને ઉધરસ, શરદી અને પછી શ્વાસ લેવામાં તકલીફ જેવા કોવિડના લક્ષણો હોવા છતાંય, તે શહેરની હોસ્પિટલમાં કોવિડના પરીક્ષણમાં તેમનો રિપોર્ટ નેગેટીવ આવ્યો અને તેમને ન્યુમોનિયા હોવાનું સામે આવ્યું. રાજેન્દ્ર કહે છે, “તેણીને શ્વાસ લેવામાં થતી તકલીફ ચાલુ રહી. એ વખતે પાલિયામાં ઓક્સિજનની અછત સર્જાઈ હતી. મેં મારી જાતે કેટલાક સિલિન્ડરોની વ્યવસ્થા કરી હતી, પણ તે પૂરતું નહોતું. તેણીને દાખલ કર્યાના છ દિવસ પછી તેણીનું નિધન થયું હતું.”
એક એકરથી ઓછી જમીનની માલિકી ધરાવતા નાના ખેડૂત, રાજેન્દ્રની વાર્ષિક આવક અસ્થિર છે અને તે ૧.૫ લાખ રૂપિયાથી ઓછી છે. ગીતાની સારવાર માટે તેમણે ખાનગી રીતે ખરીદેલા ઓક્સિજન સિલિન્ડરને પણ ગણીએ તો સારવારનો કુલ ખર્ચ ૫૦,૦૦૦ રૂપિયા જેટલો થાય છે. તેઓ કહે છે, “મારી પાસેથી જે વેપારી ચોખા ખરીદે છે તેમની પાસેથી મેં ઉછીના પૈસા લીધા હતા. મારી ઊપજ આવે એટલે હું તેમને ચૂકવણી કરીશ. મને લોનનો અફસોસ નથી, પણ મને અફસોસ એ વાતનો છે કે તેણીને યોગ્ય સારવાર મળી શકી નહીં.” બે બાળકોના પિતા રાજેન્દ્ર કહે છે, “હવે હું મારા કિશોરવયના બાળકોની સંભાળ જાતે જ રાખું છું.”
ગીતાના મૃત્યુને થોડા સમયમાં એક વર્ષ પૂરું થશે. રાજેન્દ્ર હજુ પણ વિચારે છે કે જો તેઓ નેપાળની હોસ્પિટલમાં જઈ શક્યા હોત તો પરિસ્થિતિ કદાચ અલગ હોત. તેઓ કહે છે, “જ્યારે સરહદો બંધ હતી ત્યારે કેટલાક લોકોએ [મોહના] નદી અને [દુધવા] જંગલમાંથી અંદર ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો પણ હું કોઈ જોખમ લેવા માંગતો નહોતો. અમારી પાસે પૂરતો સમય પણ નહોતો. તેથી મેં નેપાળ જવાને બદલે પાલિયામાં હોસ્પિટલ શોધવાનું નક્કી કર્યું. તે નિર્ણય યોગ્ય હતો કે નહીં તે હું નથી જાણતો.”
બંકટીના ૨૧૪ ઘરોમાં લગભગ દરેકે નેપાળના ધનગઢી જિલ્લાની સેટી ઝોનલ હોસ્પિટલમાં સારવાર કરાવેલી છે. બંકટીના ૪૨ વર્ષીય પ્રધાન જય બહાદુર રાણા પણ તેમાંના એક છે.
તેઓ કહે છે કે ૬-૭ વર્ષ પહેલાં જ્યારે તેમને ક્ષય રોગ (ટીબી) નો ચેપ લાગ્યો હતો ત્યારે તેમણે લગભગ પાંચ વખત હોસ્પિટલની મુલાકાત લીધી હતી. રાણા કહે છે, “એ સારવાર લગભગ છ મહિના સુધી ચાલી હતી. તે સમયગાળા દરમિયાન, સરહદ પર કોઈ તપાસ નહોતી થતી. હું કોઈપણ તકલીફ વગર સારવાર કરાવી શક્યો હતો.”
તેમના ગામના લોકો સેટી ઝોનલ હોસ્પિટલમાં શા માટે જાય છે તેના કારણો સમજાવતા તેઓ કહે છે, “પાલિયાનો રસ્તો દુધવા રિઝર્વમાંથી પસાર થાય છે, આથી તે સલામત રસ્તો નથી. ત્યાં ઘણા જંગલી પ્રાણીઓ વસે છે. અને અમે [ગમેતેમ કરીને] પાલીયા પહોંચી પણ જઈએ, પણ પછી વિકલ્પો શું છે? અમને ખાનગી હોસ્પિટલો પોસાય તેમ નથી. ખેરીની સાર્વજનિક હોસ્પિટલમાં કોઈ સુવિધાઓ નથી. તેની સરખામણીમાં સેટીમાં ડોક્ટરો અને સુવિધાઓ ઘણી સારી છે.”
તેઓ નેપાળમાંના તેમના સારા અનુભવો વાગોળતા કહે છે, “અહિં [ભારતની] સાર્વજનિક હોસ્પિટલોમાં, સારવાર અને પથારી મફત હોય છે પરંતુ ડોક્ટરો દવાઓ એવી લખે છે કે જે તમારે બહાર [મેડિકલ સ્ટોર્સ] થી ખરીદવી પડે. તેમાં ઘણા પૈસા ખર્ચ થાય છે.” તેઓ કહે છે કે નેપાળમાં આવું નથી. “ત્યાં, તેઓ દવાખાનામાં ઉપલબ્ધ ન હોય તો જ બહારની દવાઓ લખે છે. મારી સારવાર માટે મારે ભાગ્યે જ કોઈ પૈસા ખર્ચવા પડ્યા હતા. હું ભાગ્યશાળી છું કે મને માર્ચ ૨૦૨૦ પછી ટીબી નથી થયો. જો આવું થયું હોત, તો મારે ખેરી અથવા લખનૌમાં [લગભગ ૨૦૦ કિલોમીટર દૂર] હોસ્પિટલ શોધવી પડી હોત. હવે સરહદ ખુલી ગઈ છે, પણ પહેલા જેવું નથી.”
નેપાળે સપ્ટેમ્બર ૨૦૨૧ ના છેલ્લા અઠવાડિયામાં ભારતના લોકોને ત્યાં આવવાની પરવાનગી આપવાનું નક્કી કર્યું હતું. જો કે, હવે ભારતમાંથી પ્રસ્થાન કર્યાના ૭૨ કલાકની અંદર કોવિડ-નેગેટિવ રિપોર્ટ અને ઈન્ટરનેશનલ ટ્રાવેલર ફોર્મ ઓનલાઈન ભરીને તેની પ્રિન્ટેડ કોપી આપવી જરૂરી છે.
નવી પ્રણાલીએ બંકટીના રહેવાસીઓને તેમના પોતાના દેશની સ્વાસ્થ્ય સુવિધાઓ પર આધાર રાખવા હવે મજબૂર કરી દીધા છે.
રાણા કહે છે, “હવે સરહદ પર [ગૌરીફંટા ખાતે] ઘણા બધા પ્રશ્નોના જવાબ આપવા પડે છે. તેઓ તમારા ગામનું નામ, તમારું આઈડી, તમારું મુલાકાત લેવાનું કારણ વગેરે પૂછે છે. મોટાભાગના ગાર્ડ અમને સરહદની પેલે પાર જવા જ દે છે, પણ ગાર્ડના આ પ્રકારના સવાલો ગામવાસીઓને ડરાવી શકે છે. તેથી હવે બીજો કોઈ રસ્તો ન હોય તો જ લોકો સરહદ પાર કરીને નેપાળ જાય છે.”
સારવાર માટે સરહદની પેલે પાર જવા માટેનું આવું એક અનિવાર્ય કારણ છે - નેપાળના કૈલાલી જિલ્લામાં આવેલી ગેટા આંખની હોસ્પિટલ.
જાન્યુઆરી ૨૦૨૨ ના મધ્યમાં, ૨૩ વર્ષીય માનસરોવર, ખેરી જિલ્લામાં આવેલા તેમના ગામ, કજરિયાથી ૨૦ કિલોમીટર દૂર આવેલી આંખની હોસ્પિટલમાં પહોંચવા માટે જંગલમાંથી ચાલીને ગયા હતા. તેઓ તેમના નવજાત દીકરાને ડોકટરની તપાસ કરાવવા માટે ત્યાં લઈને ગયા હતા. તેઓ કહે છે, “આંખની સારવાર માટે અમારા જિલ્લામાં, કે અમારા રાજ્યમાં, ગેટા જેટલી સારી હોસ્પિટલ એકેય નથી. અને હું મારા દીકરા માટે કોઈ જોખમ લેવા નહોતી માંગતી.”
તેમના પુત્રનો જન્મ એપ્રિલ ૨૦૨૧માં થયો હતો અને તેની આંખોમાં કંઈ તકલીફ હોવાને કારણે તેમાંથી સતત પાણી નીકળતું રહેતું હતું. માનસરોવર તેને લઈને સરહદની પેલે પાર ન ગયા ત્યાં સુધી આ તકલીફ ચાલુ રહી. તેઓ કહે છે, “સદભાગ્યે, કોઈએ મને સરહદ પર રોકી નહોતી. મારો દીકરો બે અઠવાડિયામાં સાજો થઇ ગયો હતો. જ્યારે આંખમાંથી પાણી નીકળવાનું બંધ થઇ ગયું એટલે હું પાછી હોસ્પિટલ ગઈ હતી. ડોકટરે મારા દીકરાના માથા પર હાથ રાખીને કહ્યું કે હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આખી સારવારનો ખર્ચ ૫૦૦ રૂપિયા થયો હતો.”
ખેરીના સીમાડાના ગામોમાં રહેતાં લોકો મોટાભાગે થારુ સમુદાયના છે, જે ઉત્તર પ્રદેશમાં અનુસૂચિત જનજાતિ તરીકે સૂચીબદ્ધ છે. તેમના માટે સારવારનું સસ્તું હોવું એ તેના સન્માનજનક હોવા જેટલું જ મહત્વનું છે.
બંકટીથી લગભગ સાત કિલોમીટર દૂર આવેલા કજરિયામાં રહેતાં ૨૦ વર્ષની શિમાલી રાણાને ખબર છે કે હોસ્પિટલમાં અપમાનિત થવાનો અનુભવ કેવો હોય છે. પાલિયાની એક હોસ્પિટલમાં તેમને થયેલો અનુભવ વર્ણવતા તેઓ કહે છે, “તમે લાચાર થઇ જાઓ છો. તમે કંઈપણ કહી શકતા નથી કારણ કે જે વ્યક્તિ તમને અપમાનિત કરે છે તે જ તમારો ઈલાજ પણ કરવાનો છે.”
તેમના દીકરાનો જન્મ નવેમ્બર ૨૦૨૧માં થયો હતો, અને તેને જન્મજાત ફેફસાની બિમારી હતી. તેઓ કહે છે, “તે [બરાબર] શ્વાસ લઇ શકતો ન હતો અને સ્થાનિક પીએચસીએ અમને પાલિયા જવાનું કહ્યું હતું કારણ કે આમાં શું કરવું તેના વિષે તેઓ કંઈ જાણતા નહોતા. અમે એક ખાનગી હોસ્પિટલમાં ગયા હતા અને ત્યાં અમને ખૂબજ ખરાબ અનુભવ થયો હતો.”
તેમના ૨૦ વર્ષીય પતિ રામકુમાર કહે છે કે, “મારો દીકરો સાજો થઇ ગયો તે પછી પણ ડોકટરો તેને રજા નહોતા આપતા. તેઓ વધુ પૈસા પડાવવા માગતા હતા. અમે ગરીબ ખેડૂત છીએ અને અમારી પાસે ઘણી ઓછી [એક એકર કરતા પણ ઓછી] જમીન છે. અમે તેમને કહ્યું કે વધારે પૈસા આપવા અમને પોસાય તેમ નથી. એટલે ડોકટરે અમને ગાળો આપી અને કહ્યું, ‘તમે ગરીબ છો એમાં મારો વાંક નથી.’ આ પહેલાં પણ, અમે જ્યારે એડવાન્સમાં પૈસા નહોતા આપી શક્યા ત્યારે પણ તેમણે અમને અપમાનિત કર્યા હતા.”
તેમણે જે ભેદભાવનો સામનો કરવો પડ્યો તે અસામાન્ય નથી. નવેમ્બર ૨૦૨૧માં ઓક્સફેમ ઈન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવેલા દર્દીઓના અધિકારો પરના સર્વેક્ષણ અહેવાલમાં જાણવા મળ્યું છે કે યુપીમાં જે ૪૭૨ લોકોએ પ્રતિભાવ આપ્યો હતો, તેમાંથી ૫૨.૪૪% લોકોએ આર્થિક સ્થિતિના આધારે ભેદભાવનો સામનો કરવો પડ્યો હતો. લગભગ ૧૪.૩૪% લોકોએ તેમના ધર્મના કારણે અને ૧૮.૬૮% લોકોએ તેમની જાતિના આધારે ભેદભાવનો સામનો કરવો પડ્યો હતો.
શિમાલી અને રામકુમારે આ અપમાન એક અઠવાડિયા સુધી સહન કરવું પડ્યું, જ્યાં સુધી તેમના પરિવારે રજા મેળવવાનો આગ્રહ ન કર્યો. ત્યાં સુધી, રામકુમારે તેમના સંબંધીઓ પાસેથી મેડીકલ બીલ ચુકવવા માટે ૫૦,૦૦૦ રૂપિયા ઊધાર લીધા હતા. તેઓ કહે છે, “એટલે સુધી કે જ્યારે મારા દીકરાને રજા આપવામાં આવી રહી હતી, ત્યારે ડોકટરે કહ્યું હતું કે ‘તેને કંઈ થશે, તો અમારી જવાબદારી રહેશે નહીં.’”
નેપાળમાં માનસરોવરનો અનુભવ આનાથી બિલકુલ વિપરીત હતો. તે ગેટા આંખની હોસ્પિટલમાંથી રાહત અને આશ્વાસનની સાથે પરત આવ્યા હતા. તેઓ કહે છે, “[ત્યાંના] ડોકટરો માનપૂર્વક લહેજા વાળા હોય છે. જો તમે નેપાળી ન જાણતા હો તો તેઓ તમારી સાથે હિન્દીમાં વાત કરવાનો પ્રયાસ કરશે, ભલેને તેમાં તેઓ નિપુણ ન હોય. તેઓ તમારા બધા પ્રશ્નોના જવાબ પણ આપશે. ભારતમાં, તેઓ ગરીબ લોકો સાથે તિરસ્કારથી વર્તે છે. આ દેશની સૌથી મોટી સમસ્યા છે.”
પાર્થ એમ.એન. ઠાકુર ફેમિલી ફાઉન્ડેશન તરફથી પ્રાપ્ત થયેલ સ્વતંત્ર પત્રકારત્વ અનુદાન દ્વારા સાર્વજનિક સ્વાસ્થ્ય અને નાગરિક સ્વાતંત્ર્ય અંગેના અહેવાલ આપે છે. ઠાકુર ફેમિલી ફાઉન્ડેશને આ અહેવાલની સામગ્રી પર કોઈ સંપાદકીય નિયંત્રણનો ઉપયોગ કર્યો નથી.
અનુવાદક : ફૈઝ મોહંમદ