આ છઠ્ઠું એવું ધરણા પ્રદર્શન છે જેમાં સી. વેંકટ સુબ્બા રેડ્ડી પોતાના બાકી પૈસા માંગવા માટે ભાગ લઇ રહ્યા છે. ૧૮ મહિના કરતાં પણ વધારે સમયથી આંધ્રપ્રદેશના વાયએસઆર જિલ્લાના ખેડૂતોને એમની શેરડીની ઉપજના નાણા ચુકવવામાં આવ્યા નથી.
૨ ફેબ્રુઆરી ૨૦૨૦ના રોજ, સુબ્બા રેડ્ડી આંધ્રપ્રદેશના શેરડીના ખેડૂતો દ્વારા આયોજિત ધરણામાં ભાગ લેવા માટે, બસમાં ૧૭૦ કિલોમીટર મુસાફરી કરીને ચિત્તોર જિલ્લાના તિરુપતિ શહેર પહોંચ્યા.
કમલાપુરમ મંડળના વિભરમપુરમ ગામમાં ૪.૫ એકર જમીનના મલિક સુબ્બા રેડ્ડી કહે છે, “૨૦૧૮માં મેં મયુરા શુગર્સને ૧.૪૬ લાખ રૂપિયાની શેરડી આપી હતી તેના પૈસા મને હજુ સુધી મળ્યા નથી.” મયુરા શુગર્સે તેમને ૨૦૧૮-૧૯માં એક ટન શેરડીનો ૨,૫૦૦ રૂપિયા ભાવ આપવાનો વાયદો કર્યો હતો. “પણ પાછળથી કંપનીએ આ ભાવ ઘટાડીને ૨,૩૦૦ રૂપિયા કરી દીધો હતો. મારી સાથે દગો થયો હતો.”
આર. બાબુ નાયડુ કે જેઓ પણ ધરણામાં જોડાયા હતા, તેઓ ખાંડની મિલ પાસેથી તેમના ૪.૫ લાખ રૂપિયાની ચુકવણીની રાહ જોઈ રહ્યા છે. તેઓ ચિત્તોરના રામચંદ્રપુરમ મંડળના ગણેશપુરમ ગામમાં શેરડીની ખેતી કરે છે, જ્યાં તેમણે તેમના એક સંબંધીની ૮ એકર જમીન ભાડે લીધી છે. બોરવેલ સુકાઈ જવાને લીધે તેમણે પોતાની જમીન પડતર રાખવી પડી છે. તેઓ કહે છે, “મેં [૨૦૧૯-૨૦માં] ખેતી કરવા માટે જમીનના ભાડા પેટે ૮૦,૦૦૦ રૂપિયા ચૂકવ્યા હતા, પણ મારા સંબંધીએ મારી પાસેથી ઓછું ભાડું લીધું હતું. સામાન્યપણે એક એકર જમીનનું ભાડું ૨૦,૦૦૦ રૂપિયા હોય છે.”
મયુરા શુગર્સે બાબુ નાયડુને કુલ ૮.૫ લાખ રૂપિયાના બદલે ફક્ત ૪ લાખ રૂપિયા જ ચૂકવ્યા હતા. “અમારા પૈસાની ચુકવણી થઇ નથી. ખેડૂતોને ખેતી કરવા માટે પણ પૈસા તો જોઈએ ને!”
ચિત્તોર અને વાયએસઆર (જે કડાપાના નામે પણ ઓળખાય છે) જિલ્લામાં શેરડીના ખેડૂતો મયુરા શુગર્સ તેમના પૈસાની ચુકવણી ક્યારે કરશે એની રાહ જોઈ રહ્યા છે. સુબ્બા રેડ્ડી કહે છે, “અમે મોટા પાયે વિરોધ પ્રદર્શન કરવા માંગતા હતા, પણ અમે આવું ન કરી શક્યા.” તેઓ કહે છે કે કોવીડ-૧૯ મહામારીના લીધે માર્ચ ૨૦૨૦થી લોકડાઉન હોવાથી ગયા વર્ષે તેઓ વધારે પ્રદર્શનોનું આયોજન નથી કરી શક્યા.










