ઘઉંના પાકને પાણી આપવામાં સમય થઇ ગયો હતો. અને સબરન સિંહને આ મહત્વનું પગલું ચૂકી જવાનું પોસાય એમ નથી. માટે તેઓ ડીસેમ્બરના પહેલા અઠવાડિયામાં સિંઘુથી નીકળ્યા, અને હરિયાણા-દિલ્લી સરહદ પર, પંજાબમાં આવેલા એમના ગામમાં પરત ફર્યા.
પરંતુ તેઓ પ્રદર્શન સ્થળને છોડવાના નથી, તેઓ અહિં ૨૬ નવેમ્બરથી અડગતાથી રોકાયા છે. થોડાક દિવસો પછી, તેઓ ૨૫૦ કિલોમીટર દૂર ખંત ગામમાં આવેલ એમના ૧૨ એકર ખેતરમાંથી સિંઘુ પરત ફર્યા. આ ૭૦ વર્ષીય ખેડૂત કહે છે કે, “આવું કરવા વાળો હું એકલો જ નથી. અહિં ઘણાં લોકો પ્રદર્શન સ્થળ અને ગામ વચ્ચે વારાફરતી બદલાતા રહે છે.”
આ ખેડૂતોએ અમલમાં મુકેલી રીલે પદ્ધતિ સિંઘુ સરહદ પર લોકોની મોટી સંખ્યા જાળવી રાખે છે, અને સાથે-સાથે ઘરે એમની ખેતીની પણ અવગણના નથી થતી.
સબરન નવેમ્બર-ડીસેમ્બરના સમયગાળાની વાત કરતા કહે છે કે, “આ ઘઉંની વાવણી કરવાનો સમય છે. જ્યારે હું બહાર હતો ત્યારે ગામના મારા દોસ્તો મારા બદલે સિંધુમાં બેઠા હતા.”
ઘણા પ્રદર્શનકારીઓ આ રીતની અવરજવર કરી રહ્યા છે. સબરન કે જેઓ માજી સૈનિક છે તેઓ કહે છે કે, “અમારા માંથી ઘણાં લોકો પાસે ગાડીઓ છે. આ ગાડીઓ ગામથી અહિં અને અહિં થી ગામમાં ફરતી રહે છે. પણ આ ગાડીઓ ક્યારેય ખાલી નથી આવતી. જો અહિં ચાર લોકો આવે, તો અન્ય ચાર લોકો એ જ ગાડીમાં ઘરે જાય છે.”







