ભાગબનપુરના માણસો ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના પાવર પ્રોજેક્ટ્સમાં કામ કરવા વર્ષોથી સ્થળાંતર કરી રહ્યા છે. 53 વર્ષના અખિમુદ્દીન લગભગ 25 વર્ષ પહેલાં પહેલી વાર લાઇનમેન તરીકે કામ કરવા માટે ગયા હતા. તેઓ કહે છે, “હું હિમાચલ પ્રદેશમાં હતો. મેં કામ શરુ કર્યું ત્યારે મને દિવસના 2.50 રુપિયા મળતા. અમે શક્ય તેટલું કમાવાનો પ્રયત્ન કરીએ, થોડાઘણા પૈસા પાસે રાખીએ અને બાકીના ઘેર મોકલીએ જેથી કુટુંબ નભી શકે." તેમની પેઢીના શ્રમિકો દ્વારા ગઠિત નેટવર્કથી અનાસ અને અકરમ માટે તેમના પગલે ચાલવું સરળ બન્યું.
પરંતુ તેમની નોકરી જોખમથી ભરેલી છે. અકરમે તેના ઘણા સાથીદારોને ઇલેક્ટ્રિક આંચકાથી મૃત્યુ પામતા અથવા ઇજાગ્રસ્ત થતા જોયા છે. “તે ખતરનાક છે. અમને મામૂલી રક્ષણ મળે છે. કોઈ પણ સમયે કંઈ પણ થઈ શકે છે. " દાખલા તરીકે, તેમના ભાઈને તાણી ગઈ એવી કુદરતી આફતો (અનાસ હજી લાપતા છે; તેનો મૃતદેહ મળ્યો નથી). “પરંતુ અમારી પાસે બીજો કોઈ રસ્તો ય નથી. જીવવા માટે અમારે કમાવવું પડશે. માલદામાં કોઈ કામ નથી. અમારે અહીંથી સ્થળાંતર કરવું જ પડશે. ”
માલદા દેશના સૌથી ગરીબ જિલ્લાઓમાંથી એક છે. તેની ગ્રામીણ વસ્તીનો મોટો વર્ગ ભૂમિહીન છે અને વેતન પર આધારિત છે. માલદાના વરિષ્ઠ પત્રકાર સુભ્રો મૈત્રા કહે છે, "જિલ્લામાં રોજગારનું મુખ્ય સાધન ખેતી છે. પરંતુ લોકો પાસે મોટાભાગે નાના અને સીમાંત જમીનના ટુકડા હોય છે. તેમાંથી મોટા ભાગની જમીનો વારંવાર આવતા પૂરમાં ડૂબી જાય છે. ખેડૂતો તેમજ ખેતમજૂરો માટે આ અસહ્ય છે." તેઓ ઉમેરે છે કે જિલ્લામાં કોઈ ઉદ્યોગ નથી અને તેથી અહીંના લોકો રાજ્યની બહાર કામ કરવા જાય છે.
પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા 2007 માં પ્રકાશિત ધ ડિસ્ટ્રીકટ હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ (જિલ્લા માનવ વિકાસ અહેવાલ): માલદા, શ્રમિકોના સ્થળાંતરના કારણો પર પ્રકાશ પાડે છે. અહેવાલમાં જણાવાયું છે કે જળ સંસાધનોનું અસમાન વિતરણ અને પ્રતિકૂળ કૃષિ-આબોહવાની પરિસ્થિતિઓ જિલ્લામાં ખેતમજૂરી પર વિપરીત અસર કરે છે. અહેવાલ નોંધે છે કે ધીમી ગતિએ થતું શહેરીકરણ, ઔદ્યોગિક પ્રવૃત્તિનો અભાવ અને ગ્રામીણ વિસ્તારોમાં મોસમી કામની તંગીને કારણે વેતનનું સ્તર ઘટ્યું છે, જેના કારણે છેવાડાના શ્રમિકો કામની શોધમાં દૂર દૂર જવા મજબૂર થયા છે.
એપ્રિલના પહેલા અઠવાડિયામાં દેશમાં કોવિડ -19 કેસોમાં ઉછાળો થયો હોવા છતાં 37 વર્ષના નીરજ મંડોલ સારી તકોની શોધમાં માલદા છોડી દિલ્હી જવા રવાના થયા. તેઓ પોતાના પત્ની અને બે કિશોર બાળકોને માલદાના માણિકચક બ્લોકમાં ભુતની ડાયરા (નદી કિનારાના ટાપુ) માં ઘેર મૂકીને ગયા હતા. તેઓ કહે છે, "બસ એક માસ્ક પહેરી લો અને અગાઉની તકલીફો ભૂલીને આગળ વધો. લોકડાઉન [2020] પછીથી ભાગ્યે જ કોઈ કામ મળ્યું છે. સરકારે જે આપ્યું તેનાથી અમે નભાવ્યું પરંતુ પાસે કોઈ રોકડ રકમ નહોતી. આમ પણ માલદામાં ખાસ કંઈ કામ મળતું નથી. ”
નીરજને માલદામાં દૈનિક વેતન રૂપે માત્ર 200 રુપિયા મળતા હતા જ્યારે દિલ્હીમાં તેઓ 500-550 રુપિયા કમાઈ શકતા હતા. તેઓ કહે છે, "તમે વધારે (પૈસા) બચાવી શકો છો અને ઘેર મોકલી શકો છો. અલબત્ત મને મારા પરિવારની ખોટ સાલશે. કોઈ રાજીખુશીથી ઘર છોડતું નથી.”