લીલી ટેકરીઓ, નાનાં ઝરણાં અને તાજી હવાની પૃષ્ઠભૂમિ આગળ એક યુવાન પોતાની ભેંસોને ચરતી જોઈ રહ્યા છે.
જ્યારે હું તેમની પાસે પહોંચું છું ત્યારે તેઓ મને પૂછે છે, “શું તમે કોઈ સર્વેક્ષણ કરી રહ્યાં છો?”
હું કહું છું કે, “ના” અને ઉમેરું છું કે હું અહીં કુપોષણના કિસ્સાઓ વિષે અહેવાલ તૈયાર કરવા આવી છું.
અમે મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના મોખાડા તાલુકામાં છીએ, જ્યાં 5,221 બાળકો ગંભીર રીતે કુપોષિત હોવાનું બહાર આવ્યું છે - જે આ અહેવાલ મુજબ આ રાજ્યમાં બીજા નંબરનો સૌથી મોટો આંકડો છે.
અમે રાજધાની મુંબઈથી માત્ર 157 કિલોમીટરના અંતરે જ છીએ, પરંતુ અહીં હરિયાળી જોઈએ તો થાય કે આપણે એક અલગ જ દુનિયામાં છીએ.
રોહિદાસ કા ઠાકુર સમુદાયના છે, જે મહારાષ્ટ્રમાં અનુસૂચિત જનજાતિ તરીકે સૂચિબદ્ધ છે. પાલઘર જિલ્લામાં 38 ટકા વસ્તી આદિવાસી છે. આ યુવાન પશુપાલકને પોતાની સાચી ઉંમર વિષે ખાસ ખ્યાલ નથી, પરંતુ તેઓ વીસેક વર્ષના હોય તેવું લાગી રહ્યું છે. તેમના ખભા પર છત્રી લટકેલી છે, ગળામાં ગલપટ્ટો લપેટેલો છે અને તેમના હાથમાં એક લાકડી છે. તેઓ ઘાસમાં ચરી રહેલા તેમના બે પશુઓનું ધ્યાન રાખી રહ્યા છે. તેઓ કહે છે, “પશુઓને ભરપેટ ખાવાનું ફક્ત વરસાદના દિવસોમાં જ મળે છે. ઉનાળામાં તેમણે [ખોરાક શોધવા] ઘણું ભટકવું પડે છે.”
રોહિદાસ સામેની ટેકરી પરના ગામ તરફ ઈશારો કરતા કહે છે, “મારું ઘર ત્યાં છે, દમતેપાડામાં.” એ તરફ મને ઘટાદાર ઝાડવા વચ્ચે 20-25 ઘરો જોવા મળ્યાં. તેમના ઘરો સુધી પહોંચવા માટે રહેવાસીઓએ વાઘ નદીના વહેણ ઉપરનો એક નાનો પુલ પાર કરવો પડે છે. તેઓ કહે છે, “અમે આ પાણી [પ્રવાહમાંથી] પીએ છીએ અને ઘરમાં પણ તે જ વાપરીએ છીએ; પ્રાણીઓ પણ તે જ પાણી પીએ છે.”
ઉનાળાના મહિનાઓમાં વાઘ નદી સૂકાવા લાગે છે અને તેઓ કહે છે કે તેમના સમુદાયે પીવાનું પાણી મેળવવા માટે સંઘર્ષ કરવો પડે છે.
“આ મહિને [જુલાઈ] પુલ પાણી નીચે ડૂબેલો હતો. ન તો કોઈ આ તરફ આવી શકતું હતું કે ન તો કોઈ પેલી તફ જઈ શકતું હતું,” તેઓ યાદ કરીને કહે છે.
રોહિદાસ કહે છે કે આ સમયમાં દમતેપાડા ગામમાં જીવવું ખૂબ જ મુશ્કેલ થઈ પડે છે. “સારો રસ્તો નથી, કે ન તો ગાડી [સરકારી બસ] છે અને જીપો પણ ઓછી છે. કોઈપણ સ્વાસ્થ્ય કટોકટી દરમિયાન મુશ્કેલીઓ વધી જાય છે,” તેઓ ઉમેરે છે. કારણ કે મોખાડા સરકારી હોસ્પિટલ ત્યાંથી આશરે આઠ કિલોમીટર દૂર છે.
આવા સમયે, રહેવાસીઓએ સગર્ભા સ્ત્રીઓ અને અન્ય દર્દીઓને ડોળીમાં લઈ જવાં પડે છે. ડોળી એટલે વાંસના લાકડા ચાદર બાંધીને બનાવેલ માળખું. એ વિસ્તારમાં ફોન નેટવર્કનું કવરેજ ખૂબ જ ખરાબ હોવાથી તેમની મુશ્કેલીઓમાં વધારો થાય છે, કારણ કે તેના લીધે એમ્બ્યુલન્સને કૉલ કરીને બોલાવવી અશક્ય બની જાય છે.
રોહિદાસ ક્યારેય શાળાએ ગયા નથી, અને ન તો તેમના ત્રણ મોટા ભાઈઓમાંથી એકેય ભાઈ ગયા છે. આ અહેવાલ મુજબ કા ઠાકુર સમુદાયમાં પુરુષોમાં સાક્ષરતાનો દર 71.9 ટકા છે, પરંતુ રોહિદાસ કહે છે, “પાડા [ગામ] માં કેટલાક છોકરાઓ છે જેમણે દસમા ધોરણ સુધીનો અભ્યાસ પૂરો કર્યો છે, પણ તેઓ બધા પણ એજ કરે છે, જે હું કરી રહ્યો છું…તો ફેર શું રહ્યો?”
રોહિદાસના લગ્ન થોડા મહિના પહેલાં થયા હતા. તેમનાં પત્ની બોજી, તેમના માતા-પિતા, ત્રણ ભાઈ-બહેન અને તેમની પત્નીઓ અને બાળકો સાથે મળીને તેમના ઘરથી છ કિલોમીટર દૂર વનવગડામાં આવેલી બે એકર જમીનમાં ખરીફ મોસમમાં ડાંગરની ખેતી કરે છે. તેઓ કહે છે, “તે જમીન અમારા નામે નથી.”
ઓક્ટોબર અને નવેમ્બર મહિના દરમિયાન લણણી પછી, આખો પરિવાર થાણે જિલ્લાના ભિવંડી તાલુકામાં સો કિલોમીટર દૂર ઈંટોના ભઠ્ઠા પર કામ કરવા અર્થે સ્થળાંતર કરે છે. તેઓ નિર્દેશ કરે છે, “અમે ઈંટોના ભઠ્ઠામાંથી જે કમાણી કરીએ છીએ તેને ખેતીમાં ખર્ચીએ છીએ.” તેમના પરિવારની જેમ જ પાલઘરના ઘણા આદિવાસી પરિવારો ખરીફ મોસમની ખેતી અને લણણી પછી દર વર્ષે સ્થળાંતર કરે છે.
21મી જુલાઈ 2022ના રોજ, દ્રૌપદી મુર્મુએ ભારતનાં પ્રથમ આદિવાસી રાષ્ટ્રપતિ બનીને ઇતિહાસ રચ્યો. મુર્મુ ઓડિશાના સંથાલી આદિવાસી સમુદાયનાં છે અને આ ઉચ્ચ હોદ્દો પ્રાપ્ત કરનારાં ફક્ત બીજાં જ મહિલા છે.
હું તેમને પૂછું છું, “શું તમને ખબર છે કે આપણાં રાષ્ટ્રપતિ આદિવાસી છે?” અને તેમના જવાબની રાહ જોઉં છું.
રોહિદાસ કહે છે, “શી ખબર! તેનાથી શું ફરક પડે છે?” અને પછી ઉમેરે છે, “મલા ગુરંચ રાખાયચીત [હું તો મારાં જાનવરોને ચરાવી રહ્યો છું].”
અનુવાદક: ફૈઝ મોહંમદ