રેશમ અને બિઅંત કૌર કહે છે, "આ સંઘર્ષ માત્ર ખેડૂતોનો જ નહિ પરંતુ ખેતમજૂરોનો પણ છે. જો આ કૃષિ કાયદાઓ લાગુ કરવામાં આવશે તો માત્ર ખેડૂતોને જ નહીં, પરંતુ આજીવિકા માટે તેમના પર નિર્ભર ખેતમજૂરોને પણ પ્રતિકૂળ અસર પહોંચાડશે."
તેથી 7 મી જાન્યુઆરીની બપોરે બંને બહેનો રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની સરહદે ચાલી રહેલા ખેડૂત વિરોધ પ્રદર્શનમાં જોડાવા પંજાબના મુકતસર જિલ્લાથી નીકળી હતી.
પંજાબ ખેત મઝદૂર યુનિયન દ્વારા ઓછામાં ઓછી 20 બસોની સગવડ કરવામાં આવી હતી. આ બસો તે રાત્રે આશરે 1500 લોકોને લઈને નવા કૃષિ કાયદાઓ સામેના વિરોધ પ્રદર્શનોના સ્થળોમાંના એક પશ્ચિમ દિલ્હીના ટિકરી ખાતે આવી હતી. તેઓ બઠીંડા, ફરીદકોટ, જલંધર, મોગા, મુકતસર, પતિયાલા અને સંગરુર જિલ્લામાંથી આવ્યા હતા. મુક્તસર જિલ્લાના તેમના ગામ ચાન્નુ નજીકના એક સ્થળેથી રેશમ અને બિઅંત આમાંની એક બસમાં ચઢ્યા હતા.
26 મી નવેમ્બરથી ઘણા ખેડુતો ટિકરી અને દિલ્હીની આસપાસના અન્ય વિરોધ સ્થળોએ રોકાયા છે, જ્યારે કેટલાક લોકો થોડા દિવસો માટે જોડાય છે, પછી તેમના ગામોમાં પાછા ફરે છે અને અહીં ચાલતા આંદોલન વિશે ત્યાં લોકોને માહિતગાર કરે છે. 24 વર્ષના રેશમ કહે છે, "અમારા ગામના ઘણાને આ નવા કૃષિ કાયદાઓ ખેતમજૂરોને શું અસર પહોંચાડશે તે અંગે કંઈ ખબર નથી. હકીકતમાં અમારા ગામોમાં પ્રસારિત થતી ન્યૂઝ ચેનલો કહે છે કે આ કાયદાઓ ખેડૂતો અને ખેતમજૂરોના હિત માટે છે. તેઓ કહે છે કે એકવાર આ કાયદા લાગુ થયા પછી ખેતમજૂરોને જમીન આપવામાં આવશે અને વધુ સારી સુવિધા આપવામાં આવશે.”
આ કાયદાઓ પહેલા 5 મી જૂન, 2020 ના રોજ વટહુકમો તરીકે બહાર પાડવામાં આવ્યા હતા, ત્યારબાદ 14 મી સપ્ટેમ્બરે સંસદમાં કૃષિ ખરડા તરીકે રજૂ કરવામાં આવ્યા હતા અને એ જ મહિનાની 20 મી તારીખ સુધીમાં ઉતાવળે કાયદામાં પરિવર્તિત કરવામાં આવ્યા હતા. આ ત્રણ કાયદાઓ છે: કૃષિક (સશક્તિકરણ અને સંરક્ષણ) કિંમત આશ્વાસન અને કૃષિ સેવા પર કરાર અધિનિયમ, 2020; કૃષિક ઉપજ વેપાર અને વાણિજ્ય (સંવર્ધન અને સરળીકરણ) અધિનિયમ, 2020; અને આવશ્યક ચીજવસ્તુઓ (સંશોધન) અધિનિયમ, 2020. આ કાયદાઓ ભારતીય બંધારણની કલમ 32 ને નબળી પાડીને તમામ નાગરિકોને તેમના કાયદાકીય કાર્યવાહીના અધિકારથી વંચિત કરીને દરેક ભારતીયને અસર કરે છે એ કારણસર પણ તેમની ટીકા કરવામાં આવી રહી છે.




